નાસાએ 50 વર્ષ બાદ ચંદ્ર પર મિશન કેમ મોકલ્યું, તેનો મંગળ ગ્રહ સાથે શું સંબંધ છે?
ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, રેબેકા મોરેલ, સાયન્સ એડિટર
- પદ, એલિસન ફ્રાન્સિસ, સીનિયર સાયન્સ રિપોર્ટર
- વાંચવાનો સમય: 6 મિનિટ
અમેરિકન અવકાશ સંશોધન સંસ્થા નાસાનું આર્ટેમિસ-ટુ મિશન શરૂ થઈ ગયું છે. ચાર અવકાશયાત્રીઓને લઈને આ રૉકેટે પહેલી એપ્રિલે ચંદ્ર તરફ પ્રયાણ કર્યું છે. આ ઐતિહાસિક મિશન દસ દિવસ ચાલવાનું છે.
તેમની યાત્રા ભવિષ્યમાં ચંદ્રની આસપાસ ઉતરાણમાં મદદરૂપ થશે અને ત્યાં કાયમી બેઝ બનાવવાનો માર્ગ મોકળો કરશે.
અનેક વર્ષોની મહેનતથી આર્ટેમિસ પ્રોગ્રામ તૈયાર કરવામાં આવ્યો છે. તેના પર હજારો લોકોએ કામ કર્યું છે. આ પ્રોગ્રામ પાછળ અત્યાર સુધીમાં 93 બિલિયન ડૉલર (લગભગ 87 ટ્રિલિયન 4 બિલિયન, 62 કરોડ રૂપિયા) ખર્ચવામાં આવ્યા છે.
તેમ છતાં કેટલાક લોકો માને છે કે "આ બધું પહેલાં થઈ ચૂક્યું છે. આમાં નવું કંઈ નથી."
50 વર્ષ પહેલાં અમેરિકાના એપોલો મિશને ઇતિહાસ રચ્યો હતો અને માનવીએ પહેલીવાર ચંદ્ર પર લૅન્ડિંગ કર્યું હતું.
ચંદ્ર પર કુલ છ વખત લૅન્ડિંગ પછી એવું લાગતું હતું કે અવકાશમાં 'કરવાનાં કામોની યાદીમાં' ચંદ્રનો તબક્કો પૂર્ણ થઈ ગયો છે.
એવું જ હોય તો અમેરિકા ચંદ્ર પર પાછા જવા માટે આટલો સમય, મહેનત અને પૈસા કેમ ખર્ચી રહ્યું છે?
મૂલ્યવાન સંસાધનો
ઇમેજ સ્રોત, NASA
ચંદ્રની જમીન સૂકી, ધૂળવાળી અને ઉજ્જડ લાગે છે, પરંતુ હકીકતમાં એવું નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
નેચરલ હિસ્ટ્રી મ્યુઝિયમનાં ગ્રહ વિજ્ઞાની પ્રોફેસર સારાહ રસેલ કહે છે, "ચંદ્ર પર પૃથ્વી જેવાં જ તત્ત્વો છે."
"દાખલા તરીકે, 'રેર અર્થ' ઘટકો પૃથ્વી પર ખૂબ જ ઓછી માત્રામાં જોવા મળે છે, પરંતુ ચંદ્ર પર કેટલીક જગ્યાએ તેનું પ્રમાણ ખાણકામ કરી શકાય એટલું વિપુલ હોઈ શકે છે."
ચંદ્ર પર લોખંડ અને ટાઇટેનિયમ જેવી ધાતુઓ અને હિલિયમ જેવા વાયુઓ પણ છે, જેનો ઉપયોગ સુપરકન્ડક્ટરથી માંડીને તબીબી ઉપકરણો સુધીની દરેક વસ્તુમાં કરવામાં આવે છે.
ચંદ્ર પર સૌથી મહત્ત્વપૂર્ણ અને કંઈક અંશે આશ્ચર્યજનક એવો સ્રોત પાણી છે.
સારાહ રસેલ કહે છે, "ચંદ્ર પર કેટલાક ખનિજોમાં પાણી ફસાયેલું છે. ધ્રુવો પર કેટલાક વિસ્તારોમાં પણ મોટી માત્રામાં પાણી છે."
તેઓ ઉમેરે છે કે ચંદ્ર પર કેટલાક ખાડા છે, જે કાયમ છાયા હેઠળ હોય છે. તેથી ત્યાં બરફ બની શકે છે.
ચંદ્ર પર રહેવું હોય તો પાણી ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. તે માત્ર પીવા માટે જ ઉપયોગી નથી. હાઇડ્રોજન અને ઑક્સિજન ઉત્પન્ન કરવા માટે એ પાણીને વિભાજિત કરી શકાય છે.
તેથી અવકાશયાત્રીઓને શ્વાસ લેવા માટે હવા મળે અને તેને અવકાશયાનના બળતરણ તરીકે પણ વાપરી શકાય છે.
અવકાશમાં સર્વોચ્ચ બનવાની સ્પર્ધા
ઇમેજ સ્રોત, Getty Images
1960-70ના દાયકામાં અવકાશમાં સર્વોપરી બનવા માટે અમેરિકાના એપોલો મિશનની સ્પર્ધા સોવિયેત યુનિયન સાથે હતી. જોકે, આ વખતે ચીન મુખ્ય હરીફ છે.
ચીન તેના અવકાશ કાર્યક્રમમાં ઝડપી પ્રગતિ કરી રહ્યું છે. ચીને ચંદ્ર પર રોબોટ્સ અને રોવર્સ સફળતાપૂર્વક ઉતાર્યાં છે. ચીને 2030 સુધીમાં ચંદ્ર પર માનવોને મોકલવાનું લક્ષ્ય પણ નિર્ધાર્યું છે.
ચંદ્ર પર પોતાનો રાષ્ટ્રધ્વજ સૌથી પહેલાં લગાવી દેવો એ આજે પણ એક મોટી અને પ્રતિષ્ઠાભરી બાબત છે, પરંતુ હવે તે ધ્વજ ક્યાં લગાવવામાં આવે છે, તે વધારે મહત્ત્વપૂર્ણ બની ગયું છે.
ચંદ્ર પર જ્યાં વિપુલ પ્રમાણમાં સંસાધનો છે એવા વિસ્તારો પર અમેરિકા અને ચીન બંને દાવો કરવા માંગે છે. એટલે કે તેઓ ચંદ્ર પર શ્રેષ્ઠ સ્થાવર મિલકત માટે સ્પર્ધા કરી રહ્યા છે.
સંયુક્ત રાષ્ટ્રસંઘની 1967ની આઉટર સ્પેસ સંધિ અનુસાર, એકેય દેશ ચંદ્રનો માલિક બની શકતો નથી, પરંતુ ચંદ્ર પર જોવા મળતી બાબતોના નિયમો એટલા સરળ નથી.
પ્રથમ બ્રિટિશ અવકાશયાત્રી ડો. હેલેન શેરમન કહે છે, "સંયુક્ત રાષ્ટ્રસંઘની સંધિ અનુસાર કોઈ ચંદ્ર પરની જમીનનું માલિક બની શકતું નથી, પરંતુ ત્યાં તમે કોઈના હસ્તક્ષેપ વિના કામ કરી શકો છો."
"અત્યારે મોટી વાત એ છે કે ત્યાં શક્ય તેટલી વધુ જગ્યા મેળવવાની સ્પર્ધા ચાલી રહી છે. એ તમારી માલિકીની ન હોવા છતાં તમે તેનો ઉપયોગ કરી શકો છો."
"એકવાર ત્યાં પહોંચ્યા પછી તમે ઇચ્છો ત્યાં સુધી તેનો ઉપયોગ કરી શકો છો."
મંગળ પર જવાનો માર્ગ મોકળો
ઇમેજ સ્રોત, CNSA HANDOUT via EPA
નાસા હવે મંગળ પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે અને 2030ના દાયકામાં ત્યાં માનવોને મોકલવાની યોજના ધરાવે છે.
આ બધું કરવામાં અનેક ટેકનિકલ અવરોધો છે. તેથી તે થોડું મુશ્કેલ અને મહત્ત્વાકાંક્ષી લાગે છે, પરંતુ ક્યાંકથી શરૂઆત તો કરવી જ પડે અને અમેરિકાએ તેના માટે ચંદ્ર પસંદ કર્યો છે.
સાયન્સ મ્યુઝિયમ સ્પેસના વડા લિબી જેકસન કહે છે, "ચંદ્ર પર જવું અને ત્યાં થોડો સમય રહેવું ખૂબ જ સલામત, સસ્તું અને સરળ છે. તેથી બીજા ગ્રહ પર કેવી રીતે રહેવું અને કામ કરવું તે શીખવાની પ્રેક્ટિસ માટે ચંદ્ર એક સારું સ્થળ છે."
ચંદ્ર પર બેઝ બનાવીને નાસા તેના અવકાશયાત્રીઓ માટે હવા અને પાણીની વ્યવસ્થા કરવાનું શીખી શકે છે.
ચંદ્ર પર વીજળી કેવી રીતે ઉત્પન્ન કરવી, રહેવા માટે સલામત ઘરનું નિર્માણ કેવી રીતે કરવું અને એ ઘરમાં અતિશય તાપમાન તથા ખતરનાક કિરણોત્સર્ગથી લોકોનું રક્ષણ કેવી રીતે કરવું, એ પણ શોધવું પડશે.
લિબી જેક્સન કહે છે, "તમે મંગળ પર આ બધી તકનીકોનો પહેલીવાર પ્રયોગ કરો અને કંઈક ખોટું થાય તો મોટું જોખમ સર્જાઈ શકે છે. તેથી તેનું પરીક્ષણ પહેલાં ચંદ્ર પર કરવું વધુ સલામત અને સરળ છે."
વણઉકલ્યા રહસ્યો
ઇમેજ સ્રોત, NASA
ચંદ્ર પરથી મળેલા નમૂનાનો અભ્યાસ કરવા માટે વિજ્ઞાનીઓ ખૂબ જ ઉત્સુક છે.
એપોલો મિશન વખતે અવકાશયાત્રીઓ જે ખડકો અને પથ્થરો સાથે લાવ્યા હતા તેના અભ્યાસથી ચંદ્ર વિશે આપણને ઘણું જાણવા મળ્યું છે.
પ્રોફેસર સારાહ રસેલ કહે છે, "આ ખડકો પરથી સમજાય છે કે ચંદ્રનું નિર્માણ એક જંગી ટક્કરને કારણે થયું હતું. મંગળના કદ જેવડો ટુકડો પૃથ્વી સાથે અથડાયો હતો અને તેમાંથી નીકળેલા ટુકડાઓમાંથી ચંદ્ર બન્યો હતો."
"એપોલો મિશનમાં ધરતી પર લાવવામાં આવેલા ખડકોના અભ્યાસ પરથી આ માહિતી આપણને મળી હતી."
તેઓ ઉમેરે છે કે હજુ પણ ઘણું બધું શોધવાનું બાકી છે.
ચંદ્ર એક સમયે પૃથ્વીનો ભાગ હતો. તેથી તેમાં આપણા ગ્રહના 4.5 અબજ વર્ષના ઇતિહાસનો રેકૉર્ડ છે.
ઉપરાંત ચંદ્ર પર કોઈ ભૂકંપ (પ્લેટ ટેક્ટૉનિક્સ), વાવાઝોડું કે વરસાદ થયો નથી. તેથી એ રેકૉર્ડ નાશ પામ્યો ન હોવાથી ચંદ્ર એક મહાન 'ટાઇમ કૅપ્સ્યુલ' (ભવિષ્ય માટે સાચવેલો વર્તમાન) છે.
સારાહ રસેલ કહે છે, "ચંદ્ર એક એવી જગ્યા છે, જે પૃથ્વીના અદ્ભુત ઇતિહાસને સાચવે છે. ચંદ્રની બીજી બાજુથી નવા ખડકો લાવવામાં આવશે તેનો અભ્યાસ પણ ખૂબ જ રસપ્રદ હશે."
નવી પેઢીને પ્રેરણા આપવા માટે
ઇમેજ સ્રોત, Joe Raedle/Getty Images
એપોલો મિશન વેળાએ મોકલવામાં આવેલું બ્લૅક ઍન્ડ વ્હાઇટ ઝાંખુ વીડિયો ફૂટેજ અવકાશના સ્વપ્નને વાસ્તવિકતા બનાવવા જેવું હતું.
થોડા લોકો જ અવકાશયાત્રી બન્યા, પરંતુ એ પછી ઘણાએ વિજ્ઞાન, ટેકનૉલૉજી અને ઍન્જિનિયરિંગમાં કારકિર્દી બનાવી છે.
આર્ટેમિસ મિશન લાઇવ અને 4K માં નિહાળવા મળશે. તેનાથી નવી પેઢીને પ્રેરણા મળશે, એવી આશા છે.
ઇમેજ સ્રોત, NASA
લિબી જૅક્સન કહે છે, "આપણે ટેકનૉલૉજીની દુનિયામાં રહીએ છીએ. આપણને વિજ્ઞાનીઓ, ઇજનેરો તથા ગણિતશાસ્ત્રીઓની જરૂર છે અને એ વિષયો બાબતે લોકોમાં ઉત્સુકતાનું નિર્માણ કરવાની ક્ષમતા અવકાશમાં છે."
આર્ટેમિસ માટે ખર્ચવામાં આવેલા અબજો ડૉલર્સથી અમેરિકામાં નવા રોજગાર અને અવકાશસ્પર્ધાના વિસ્તારથી અર્થતંત્રને ફાયદો થશે.
મિશન માટે વિકસાવવામાં આવેલી ટેકનૉલૉજીનો ઉપયોગ પૃથ્વી પર કરી શકાશે તો પૃથ્વીને પણ ફાયદો થઈ શકે છે.
હેલેન શેરમન કહે છે કે ચંદ્ર પર પાછા ફરવાથી વિશ્વને ઉત્સાહ અને ગતિનો નવો અહેસાસ સાંપડશે.
"આપણે બધા સાથે મળીને કામ કરીએ તો આપણે સમગ્ર માનવજાત માટે ઘણું સારું કરી શકીએ તેમ છીએ."
તેઓ ઉમેરે છે, "માણસ કેટલાં મહાન કામો કરી શકે છે, એ તે દર્શાવે છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
નવાજૂની
બીબીસી વિશેષ
સૌથી વધુ વંચાયેલી સ્ટોરીઝ
આ કન્ટેન્ટ ઉપલબ્ધ નથી