હોમ લોન અને એચઆરએ ડિડક્શન બંનેનો લાભ એકસાથે મળે? પાંચ બાબતો નિષ્ણાતો પાસેથી સમજીએ

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, અજિત ગઢવી
- પદ, બીબીસી સંવાદદાતા
- વાંચવાનો સમય: 5 મિનિટ
આ વખતના બજેટમાં હોમ રેન્ટ અલાઉન્સ એટલે કે એચઆરએને લગતી મહત્ત્વની જાહેરાત કરવામાં આવી હતી.
આ વખતે અમદાવાદનો સમાવેશ એવાં શહેરોમાં કરાયો છે, જ્યાં પગારદાર કર્મચારીઓ તેમના એચઆરએના 50 ટકા સુધી કરમુક્તિ ક્લૅમ કરી શકે છે.
અત્યાર સુધી ચાર મેટ્રો શહેરો - દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતામાં વસતા પગારદાર લોકોને જ 50 ટકા એચઆરએ ઍક્ઝેમ્પશનનો લાભ મળતો હતો, જ્યારે બાકીનાં શહેરો માટે આ મર્યાદા 40 ટકાની હતી.
પરંતુ હવેથી પહેલી એપ્રિલથી અમદાવાદ, હૈદરાબાદ, પૂણે અને બૅંગલુરુના પગારદાર કર્મચારીઓ પણ 50 ટકા સુધી એચઆરએ પર ટૅક્સ ઍક્ઝેમ્પશન ક્લૅમ કરી શકશે.
અહીં એચઆરએ શું છે, તેની ગણતરી કેવી રીતે થાય છે તથા જેમણે હોમ લોન લીધી હોય અને મકાનનું ભાડું પણ ભરતા હોય તેઓ હોમ લોન ડિડક્શન તથા એચઆરએ બંનેનો લાભ કેવી રીતે મળવી શકે તેની વાત કરીએ.
એચઆરએ શું છે?
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને કર નિષ્ણાત કરીમ લાખાણી જણાવે છે કે "એચઆરએ એ કર્મચારીના પગારનો હિસ્સો છે જે ઍમ્પ્લૉયર દ્વારા મકાનભાડાના ખર્ચને કવર કરવા માટે અપાય છે. જૂની ટૅક્સ રેજિમ હેઠળ તે ટૅક્સ બચાવવાનું પણ મહત્ત્વનું સાધન છે.
પગારદાર લોકો ભાડાના મકાનમાં રહેતા હોય તો એચઆરએ દ્વારા આંશિક રીતે ટૅક્સ બચાવી શકે છે. તમે તમારા જ ઘરમાં રહેતા હોવ તો એચઆરએ ક્લૅમ કરી ન શકો."
અહીં સૌથી મહત્ત્વની વાત એ છે કે તમારા સેલરી સ્ટ્રક્ચરમાં કંપનીએ એચઆરએનો લાભ આપ્યો હોવો જોઈએ.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કેટલીક જગ્યાએ ઉચ્ચક પગાર આપવામાં આવે છે અથવા પગારના માળખામાં એચઆરએનો ઉલ્લેખ હોતો નથી. આવા કર્મચારીઓને કોઈ ફાયદો નહીં થાય.
હોમ લોન ચાલુ હોય અને ભાડે રહેતા હોવ ત્યારે...

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ભારતમાં ઘણા લોકો પોતાની માલિકીના ઘરના હપતા ભરતા હોય અને સાથે સાથે બીજી જગ્યાએ ભાડે રહેતા હોય તેવું પણ બને છે. હોમ લોનના હપતાને પણ જૂની ટૅક્સ રેજિમમાં કરમુક્તિનો લાભ મળે છે અને સાથે સાથે એચઆરએ ઍક્ઝેમ્પશન પણ ક્લૅમ કરી શકાય છે.
કરીમ લાખાણી કહે છે કે, "ઘણી વખત તમે હોમ ટાઉનમાં મકાન લીધું હોય અને તમારું પોસ્ટિંગ બીજા શહેરમાં થયું હોય, જ્યાં તમે પોતાનું મકાન લેવાના બદલે ભાડે રહેતા હોવ ત્યારે આવી સ્થિતિ સર્જાઈ શકે."
"ધારો કે તમે વડોદરામાં મકાન લીધું છે, જેના પર હોમ લોન ચાલુ છે, ત્યાર પછી તમે અમદાવાદ આવીને નોકરી કરો છો."
"અમદાવાદમાં તમે પોતાનું મકાન નથી લેતા, પરંતુ ભાડાના મકાનમાં રહો છે તો આવી સ્થિતિમાં એચઆરએ ક્લૅમ કરી શકાય."
તમે એક મકાનમાં હાઉસિંગ લોનના હપતા ભરતા હોવ અને બીજા મકાનનું ભાડું ભરતા હોવ ત્યારે તમે ટૅક્સ બચાવી શકો છો.
તેઓ કહે છે કે, "એક જ શહેરમાં બે મકાન માટે પણ આવું થઈ શકે. ધારે કે તમારું બાળક શહેરમાં દૂરની સ્કૂલમાં ભણે છે તેથી તમે શાળાથી નજીક પડે તેવા મકાનમાં ભાડે રહેવા જાવ છો. ત્યારે પણ આવી સ્થિતિ થઈ શકે, પરંતુ આવા કિસ્સામાં તમારે એચઆરએ ઍક્ઝેમ્પશન માટે ડૉક્યુમેન્ટ્સ સાથે કારણ આપવું પડે."
એચઆરએના નવા નિયમો શું છે?

ઇમેજ સ્રોત, Getty Images
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કરીમ લાખાણીએ બીબીસી સાથે વાત કરતા કહ્યું કે "એચઆરએ હેઠળ કરમુક્તિનો લાભ માત્ર જૂની ટૅક્સ રેજિમમાં જ મળે છે. નવી ટૅક્સ રેજિમ હેઠળ એચઆરએની બધી રકમ કરપાત્ર બની જાય છે."
તેમણે કહ્યું કે, "આ ઉપરાંત એચઆરએ ટૅક્સમુક્તિનો લાભ લેવા માટે કર્મચારીએ ભાડાકરાર (લૅન્ડ એગ્રિમેન્ટ), મકાનમાલિકનાં પાન નંબર અને ભાડાચિઠ્ઠી પણ આપવી પડશે. આ ઉપરાંત મકાનમાલિક સાથે શું સંબંધ છે તે પણ સ્પષ્ટ કરવું પડશે."
લાખાણી કહે છે કે, "હવે ઘણાં શહેરોમાં મકાનોનાં ભાડાં બહુ વધી ગયાં છે. તેથી જે શહેરોમાં એચઆરએ ઍક્ઝેમ્પશન મર્યાદા 40 ટકાથી વધારીને 50 ટકા કરવામાં આવી, ત્યાં કર્મચારીઓને ટૅક્સ બચાવવામાં મદદ મળશે."
HRA ટૅક્સ મુક્તિની ગણતરી કેવી રીતે થાય છે?

ઇમેજ સ્રોત, Getty Images
એચઆરએ ટૅક્સમુક્તિ અથવા ઍક્ઝેમ્પશન ગણવામાં ત્રણ ચીજોને ધ્યાનમાં લેવામાં આવે છે. કર્મચારીનો બેઝિક પગાર, તેને મળતું એચઆરએ અને મકાનનું માસિક ભાડું.
એક ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયાસ કરીએ કે એચઆરએની ગણતરી કેવી રીતે થાય છે.
ધારો કે કોઈ કર્મચારીનો માસિક બેઝિક પગાર 30 હજાર રૂપિયા છે. તે મહિને 13 હજાર રૂપિયા એચઆરએ તરીકે મેળવે છે અને 10 હજાર રૂપિયા મકાનભાડું ભરે છે. અહીં ત્રણ આંકડા ધ્યાનમાં રાખો.
- પગારમાં એચઆરએનો કમ્પોનન્ટ (13,000 X 12) = 1,56,000 રૂપિયા છે
- મેટ્રોમા રહેતા હોય તો બેઝિક સેલેરીના 50 ટકા (નોન મેટ્રોમાં 40 ટકા) લેખે 30,000 x 12 = 3,60,000ના અડધા એટલે કે 1,80,000 રૂપિયા
- ચૂકવેલા ભાડામાંથી બેઝિક સેલરીના 10 ટકા બાદ કરવા, એટલે કે (10,000 x12) - (30,000 x 12)ના 10 ટકા. એટલે કે 1,20,000-36,000 = 84,000 રૂપિયા
આ ત્રણમાંથી સૌથી જે રકમ હોય તેટલો એચઆરએ ટૅક્સ એક્ઝેમ્પશન ક્લૅમ કરી શકાય. આ ઉદાહરણમાં 84,000 એ સૌથી ઓછી રકમ છે, તેથી આટલી રકમ પર ટૅક્સમાંથી મુક્તિ મળશે અને બાકીની રકમ પર ટૅક્સ સ્લેબ મુજબ ટૅક્સ ભરવો પડશે.
આટલી ચીજો ધ્યાનમાં રાખો

ઇમેજ સ્રોત, Getty Images
તમારી ઑફિસ અથવા વર્કપ્લેસ તમારી માલિકીના ઘરથી બહુ દૂર હોય અને તમે ઑફિસ નજીક મકાન ભાડે રાખીને પણ એચઆરએ ક્લૅમ કરી શકો, પરંતુ તે વખતે તમારી માલિકીનું ઘર સેલ્ફ ઑક્યુપાઇડ અથવા ખાલી હોવું જોઈએ. તમારું માલિકીનું ઘર ભાડે આપેલું હોવું ન જોઈએ.
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અવિનાશ તલરેજા કહે છે કે, "તમે જે ભાડું ભરો તેના ડૉક્યુમેન્ટ, જેવા કે લીઝ એગ્રિમેન્ટ અને ભાડું ચૂકવ્યાની રસિદો ઓછામાં છ વર્ષ સુધી સાચવી રાખવા જરૂરી છે, જેથી સંભવિત સ્ક્રુટિની વખતે તકલીફ ન પડે."
તમે જે મકાન માટે લોન ભરતા હોવ, તે જ મકાન માટે એચઆરએ ઍક્ઝેમ્પશન ક્લૅમ કરી ન શકો.
આ ઉપરાંત તમે તમારાં માતા-પિતાને ભાડું ભરતા હોવ તો પણ એચઆરએ ઍક્ઝેમ્પશન ક્લૅમ કરી શકો છો, પરંતુ તમારાં માતા-પિતાના ઇન્કમટૅક્સ રિટર્નમાં આ રકમ દેખાડવી જરૂરી છે.
જૂની અને નવી ટૅક્સ રેજિમ

ઇમેજ સ્રોત, Getty Images
ભારતમાં અત્યારે જૂની અને નવી એમ બે ટૅક્સ રેજિમ છે, પરંતુ કરીમ લાખાણીના માનવા પ્રમાણે મોટા ભાગના લોકો માટે નવી ટૅક્સ રેજિમ ફાયદાકારક છે.
તેઓ કહે છે કે "સરકારે પગારદાર લોકોને દર વર્ષે પોતાની આવક પ્રમાણે ટૅક્સ રેજિમ પસંદ કરવાની છૂટ આપી છે. તમારી વાર્ષિક આવક 12 લાખ રૂપિયા સુધી હોય તેમના માટે નવી રેજિમ જ સારી છે. કોઈ પણ જાતના ડિડક્શન ક્લૅમ અગાઉ સ્ટાન્ડર્ડ ડિડક્શનને ગણવામાં આવે તો પગારદાર લોકો માટે 12.75 લાખ સુધીની આવક પર કોઈ આવકવેરો નથી. તેનાથી વધારે આવક હોય તો નાણાકીય ઍક્સપર્ટ સાથે મળીને આયોજન કરવું જોઈએ."
તેઓ કહે છે કે "તમારી હાઉસિંગ લોન પર વાર્ષિક બે લાખ રૂપિયા સુધીનું વ્યાજ હોય, 1.50 લાખ રૂપિયા સુધી મુદલની ચુકવણી હોય અને એચઆરએ તરીકે પણ મોટી રકમ મળતી હોય તો જૂની ટૅક્સ રેજિમમાં ફાયદો થાય."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



























