ઍપ્સ્ટીન ફાઇલ્સમાં વડા પ્રધાન મોદી સંબંધિત દાવા અંગે વિદેશ મંત્રાલયે નિવેદન આપ્યું, કૉંગ્રેસે સવાલ ઉઠાવ્યા

ઇમેજ સ્રોત, Getty Images

વાંચવાનો સમય: 4 મિનિટ

ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસવાલે 'ઍપ્સ્ટીન ફાઇલ્સ'ના એક ઇમેઇલ મૅસેજમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી તથા જેફ્રી ઍપ્સ્ટીનની મુલાકાતના દાવાને નકારી કાઢ્યો છે.

કૉંગ્રેસે શનિવારે દાવો કર્યો હતો કે અમેરિકામાં સગીરાઓ સાથે બળાત્કાર તથા માનવતસ્કર જેફ્રી ઍપ્સ્ટીન સંબંધિત ફાઇલોમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નામનો પણ ઉલ્લેખ છે.

કૉંગ્રેસના નેતા પવન ખેડાએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ ઉપર દાવો કર્યો કે, "આ વાત રાષ્ટ્રીય શરમનો વિષય છે. પીએમ મોદી અમારા ત્રણ સવાલોના સામે આવીને જવાબ આપે."

જોકે, વિદેશ મંત્રાલયે આ આરોપોને નકારી કાઢતા કહ્યું હતું કે જુલાઈ-2017માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સત્તાવાર ઇઝરાયલ યાત્રા સિવાય, "ઇમેઇલની બધી વાતો એક દોષિતના બેકાર બકવાસથી વિશેષ કંઈ નથી."

વિદેશ મંત્રાલયે નિવેદન બહાર પાડીને કહ્યું, "અમેન તથાકથિત ઍપ્સ્ટીન ફાઇલોમાંથી એક ઇમેઇલ મૅસેજ વિશે રિપોર્ટ મળ્યો છે. જેમાં વડા પ્રધાન તથા તેમના ઇઝરાયલ પ્રવાસનો ઉલ્લેખ છે."

"જુલાઈ 2017માં વડા પ્રધાનની ઇઝરાયલની સત્તાવાર યાત્રા સિવાય ઇમેઇલમાં રહેલી બાકી બધી વાતો એક દોષિતે કરેલા બેકાર બકવાસથી વધુ કંઈ નથી. જેની સંપૂર્ણપણે અવગણના કરવી જોઈએ."

કૉંગ્રેસે શું દાવો કર્યો?

Sorry, we can’t display this part of the story on this lightweight mobile page.

શનિવારે કૉંગ્રેસે પોતાના સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ ઉપર લખ્યું હતું, "ઍપ્સ્ટીન ફાઇલોમાં નરેન્દ્ર મોદીનું નામ આવી ગયું છે. અમેરિકાના સિરિયલ રૅપીસ્ટ, બાળકોના જાતીય શોષણના દોષિત તથા માનવતસ્કર જેફ્રી ઍપ્સ્ટીને તા. નવમી જુલાઈ 2017ના રોજ એક ઇમેલ લખ્યો હતો..."

"ભારતીય પીએમ મોદીએ સલાહ લીધી અને અમેરિકાના રાષ્ટ્રપતિના ફાયદા માટે ઇઝરાયલમાં ડાન્સ કર્યો અને ગાયું. તેઓ અમુક અઠવાડિયાં પહેલાં જ મળ્યા હતા, જે કામ કરી ગયું."

કૉંગ્રેસે લખ્યું, "ઍપ્સ્ટીને સ્પષ્ટ કહ્યું હતું કે 'મોદીએ મારી સલાહ લીધી અને અમેરિકાના રાષ્ટ્રપતિના ફાયદા માટે ઇઝરાયલમાં જઈને નાચ્યા અને ગાયું.એમ પણ કહ્યું કે તેણે કામ કર્યું.'"

"યાદ રહે – પીએમ મોદી ચારથી છ જુલાઈ 2017ની વચ્ચે ઇઝરાયલના પ્રવાસે હતા. એના ત્રણ દિવસ પછી ઍપ્સ્ટીને આ ઇમેઇલ લખ્યો છે. ઇઝરાયલના પ્રવાસ પૂર્વે તા. 25-26 જૂન 2017ના રોજ મોદી અમેરિકામાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મળ્યા હતા. જેફ્રી ઍપ્સ્ટીનના ઇમેલની કડીઓને જોઈએ તો સમજાય છે કે જૂન-2017માં મોદી અમેરિકા ગયા અને ત્યાં ઍપ્સ્ટીનની સલાહ લીધી."

ઇમેજ સ્રોત, US Department of Justice

ઇમેજ કૅપ્શન, વર્ષ 2019માં જેફ્રી ઍપ્સ્ટીને અમેરિકાની જેલમાં સંદિગ્ધાવસ્થામાં આત્મહત્યા કરી હતી

"એના એક અઠવાડિયા પછી (ચારથી છ જુલાઈ 2017) દરમિયાન મોદી ઇઝરાયલ પહોંચ્યા અને સલાહ પ્રમાણે – ત્યાં નાચ્યા અને ગાયું અને કામ થઈ ગયું. હવે એ સ્પષ્ટ છે કે વડા પ્રધાન મોદી તથા જેફ્રી ઍપ્સ્ટીન વચ્ચે ઊંડો અને જૂનો સંબંધ છે, જે ભારત માટે શરમજનક છે. આ કેસ રાષ્ટ્રીય ગરિમા તથા આંતરરાષ્ટ્રીય છે, જેથી વડા પ્રધાન મોદીએ જવાબ આપવો જોઈએ."

કૉંગ્રેસે ત્રણ સવાલ કરતાં લખ્યું, "નરેન્દ્ર મોદી, જેફ્રી ઍપ્સ્ટીન પાસેથી શાની સલાહ લઈ રહ્યા હતા? અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પના કયા લાભ માટે મોદી ઇઝરાયલમાં નાચ અને ગાન કરી રહ્યા હતા? ઍપ્સ્ટીને લખ્યું છે - 'ઇટ વર્ક્ડ'....તો આનો શું મતલબ છે?"

"નરેન્દ્ર મોદી જી દેશ જવાબ માંગી રહ્યો છે. સિરિયલ રેપિસ્ટ ઍપ્સ્ટીન સાથે તમારો શું સંબંધ છે?"

શુક્રવારે લાખોની સંખ્યામાં નવી ફાઇલો રિલીઝ થઈ

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

અમેરિકાના જસ્ટિસ ડિપાર્ટમેન્ટે જાતીય ગુનાઓમાં દોષિત જેફ્રી ઍપ્સ્ટીન સંબંધિત લાખો નવી ફાઇલો રિલીઝ કરી છે. શુક્રવારે 30 લાખ પાનાં, એક લાખ 80 હજાર તસવીરો તથા બે હજાર વીડિયો સાર્વજનિક કરવામાં આવ્યાં છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કાયદા ઉપર સહી કરી હતી, જેના કારણે આ સામગ્રી સાર્વજનિક શક્ય બની છે. તેમાં જે ડેડલાઇન આપવામાં આવી હતી, તેનાં છ અઠવાડિયાં પછી આટલી મોટી સંખ્યામાં ફાઇલો સાર્વજનિક કરવામાં આવી છે.

આ ફાઇલોમાં જેફ્રી ઍપ્સ્ટીને જેલમાં જે સમય વીતાવ્યો હતો, તેના વિશે પણ માહિતી છે. તેમાં એક સાઇકૉલૉજિકલ રિપોર્ટ પણ સામેલ છે, જેમાં જેલવાસ દરમિયાન જેફ્રી ઍપ્સ્ટીનના મોત વિશેની માહિતી પણ છે.

આ સાથે ઍપ્સ્ટીન તથા હાઇ-પ્રોફાઇલ હસ્તીઓ વચ્ચેના ઇમેઇલ પણ સામેલ છે. તેમાંથી અનેક ઇમેઇલ તથા ડૉક્યૂમેન્ટ્સ એક દાયકા કરતાં પણ જૂનાં છે.

ઍપ્સ્ટીનની કાયદાકીય સમસ્યાઓની વચ્ચે તે ઍપ્સ્ટીનના સંબંધો વિશે ફોડ પાડે છે.

તાજેતરમાં જે ફાઇલો સાર્વજનિક કરવામાં આવી છે, તેમાં સેંકડો વખત અમેરિકાના વર્તમાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો ઉલ્લેખ જોવા મળે છે.

ટ્રમ્પ અને ઍપ્સ્ટીન વચ્ચે મૈત્રી હતી, પરંતુ ટ્રમ્પનું કહેવું છે કે ઘણાં વર્ષો પહેલાં જ તેમાં ખટાશ આવી ગઈ હતી. તેમણે જેફ્રી ઍપ્સ્ટીનના જાતીય ગુનાઓ વિશે કોઈપણ જાતની માહિતી હોવાની વાતને નકારી છે.

આ દસ્તાવેજોમાં ઍપ્સ્ટીન તથા ટૅક અબજપતિ ઍલન મસ્ક વચ્ચેના ઇમેલ સંદેશાવ્યવહાર પણ સામેલ છે. મસ્ક ઉપર કોઈપણ જાતનાં ખોટાં કામનો આરોપ નથી લાગ્યો.

મસ્કે અગાઉ કહ્યું હતું કે ઍપ્સ્ટીને તેમને આઇલૅન્ડ ઉપર બોલાવ્યા હતા, પરંતુ તેમણે જવાનો ઇન્કાર કરી દીધો હતો.

જોકે, હજુ સુધી એ સ્પષ્ટ નથી કે ઍપ્સ્ટીન ડૉક્યુમેન્ટ્સ સાર્વજનિક થવાની સાથે જ આ મામલો પૂરો થઈ જશે.

ડેપ્યુટી ઍટર્ની નજરલ ટૉડ બ્લૅન્ચે કહ્યું, "આ સાથે ખૂબ જ વ્યાપક ડૉક્યુમેન્ટ ઓળખ અને સમીક્ષા પ્રક્રિયાનો અંત આવ્યો છે. જેના કારણે અણસાર મળે છે કે જ્યાર સુધી અમેરિકાના ન્યાયતંત્રનો સવાલ છે, આ કામ પૂરું થઈ ગયું છે."

જોકે ડેમૉક્રેટ્સનું કહેવું છે કે આ વિભાગે કઈપણ જાતના વાજબી કારણ વગર લગભગ 25 લાખ દસ્તાવેજો હજુ પણ અટકાવી રાખ્યા છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન