મેં ચૅટજીપીટી અને ગૂગલના એઆઇ હૅક કર્યાં - અને એ પણ માત્ર 20 મિનિટમાં

ઇમેજ સ્રોત, Serenity Strull/ Madeleine Jett

    • લેેખક, થોમસ જર્મેન
  • વાંચવાનો સમય: 8 મિનિટ

આ ખબર સત્તાવાર છે. હું દુનિયાના કોઈ પણ ટૅક જર્નાલિસ્ટ કરતાં વધારે હૉટ ડૉગ ખાઈ શકું છું. ઍટ લિસ્ટ, ચૅટજીપીટી અને ગૂગલ તો સવાલ પૂછનારને આવો જ જવાબ આપે છે. મેં એઆઇ પાસે જુઠ્ઠું બોલાવવાનો રસ્તો ખોળી કાઢ્યો છે અને આવું કરનાર હું એકલો નથી.

કદાચ તમે સાંભળ્યું હશે કે, એઆઇ ચૅટબૉટ્સ અમુક વખત ઉપજાવી કાઢેલી વાતો કરે છે. તે એક સમસ્યા છે. પણ એક નવો મુદ્દો પણ છે, જેના વિશે ઘણા ઓછા લોકો જાણે છે. અને તે ચોકસાઈપૂર્ણ માહિતી શોધવાની તમારી ક્ષમતા અને તમારી સલામતી માટે પણ ગંભીર પરિણામો લાવી શકે છે.

ઘણાં લોકોએ એઆઇ ટૂલ્સ પાસે મન ફાવે તેવી વાતો કરાવવાનો કીમિયો શોધી કાઢ્યો છે, જે એટલું સહેલું છે કે, નાનું અમથું બાળક પણ તે કરી શકે છે.

તમે આ વાંચી રહ્યા છો, ત્યારે જ આ યુક્તિ વિશ્વની અગ્રણી એઆઇ આરોગ્ય અને વ્યક્તિગત નાણાકીય બાબતો જેવા ગંભીર વિષયો પર જે કહે છે, તેને પ્રભાવિત કરી રહી છે. પક્ષપાતપૂર્ણ માહિતીને કારણે લોકો મતદાન, કયો પ્લમ્બર રાખવો જોઈએ, તબીબી પ્રશ્નો વગેરે સહિતના સંખ્યાબંધ વિષયો પર ખોટો નિર્ણય લેવા પ્રેરાઈ શકે છે.

તે સાબિત કરવા માટે મેં મારી કારકિર્દીનો સૌથી મૂર્ખામીભર્યો સ્ટન્ટ કર્યો, જેથી (આશા છે કે) વધુ ગંભીર બાબત સાબિત થઈ શકે:
મેં ચૅટજીપીટી, ગૂગલનાં એઆઇ સર્ચ ટૂલ્સ તથા જેમિની પાસે એવું કહેવડાવ્યું કે, હૉટ ડૉગ્ઝ ખાવામાં મારો જોટો જડે એમ નથી. હું જણાવું છું કે, મેં આ કેવી રીતે કર્યું. અને આશા છે કે, કોઈને હાનિ પહોંચે, તે પહેલાં મોટી ટૅક કંપનીઓ આ સમસ્યાનું નિવારણ લાવી દેશે.

જાણવા મળ્યું છે કે, એઆઇ ટૂલ્સ અન્ય લોકોને જે જવાબો આપે છે, તે જવાબો બદલવાનું કામ એક સરસ રીતે લખાયેલા ઑનલાઇન બ્લૉગ પોસ્ટ જેટલું જ સરળ હોઈ શકે છે. આ યુક્તિ ચૅટબૉટમાં રહેલી સિસ્ટમની ખામીઓનો ફાયદો ઉઠાવે છે અને વિષયના આધારે અમુક કિસ્સાઓમાં તેમ કરવું મુશ્કેલ હોઈ શકે છે. પણ થોડો પ્રયત્ન કરીને તમે આ હૅકિંગને વધુ અસરકારક બનાવી શકો છો. એઆઇ ટૂલ્સનો ઉપયોગ વ્યવસાયોને ઉત્તેજન આપવા માટે અને ખોટી માહિતી ફેલાવવા માટે થતો હોવાના ડઝનબંધ ઉદાહરણોની મેં સમીક્ષા કરી હતી.

ડેટા સૂચવે છે કે, આવું વ્યાપક સ્તર પર થઈ રહ્યું છે.

માર્કેટિંગ એજન્સી એમસિવની સર્ચ એન્જિન ઑપ્ટિમાઇઝેશન (એસઇઓ) સ્ટ્રેટેજી અને રિસર્ચનાં વાઇસ પ્રેસિડેન્ટ લિલી રે જણાવે છે, "એઆઇ ચૅટબૉટ્ઝને છેતરવાં સહેલાં છે, બે-ત્રણ વર્ષ પહેલાં ગૂગલને છેતરવાની તુલનામાં ઘણું સહેલું. એઆઇ કંપનીઓ જવાબોની ચોકસાઈનું નિયમન કરવા માટેની તેમની ક્ષમતા કરતાં વધુ ઝડપથી આગળ વધી રહી છે. મને લાગે છે કે, આ જોખમભર્યું છે."

ગૂગલના પ્રવક્તા જણાવે છે કે, ગૂગલ સર્ચની ઉપર રહેલું એઆઇ પરિણામને 99 ટકા સ્પામ-ફ્રી રાખતી એઆઇ રેન્કિંગ સિસ્ટમ્સનો ઉપયોગ કરે છે. ગૂગલ કહે છે કે, તે જાણે છે કે, લોકો તેની સિસ્ટમ્સ સાથે ચેડાં કરવાની કોશિશ કરી રહ્યા છે અને તે આ સમસ્યાનું નિવારણ કરવા માટે સક્રિય રીતે પ્રયાસરત્ છે.

ઓપનએઆઇએ પણ જણાવ્યું હતું કે, તે તેનાં ટૂલ્સને ચોરી-છૂપીથી પ્રભાવિત કરવાના પ્રયાસોને અટકાવવા તેમજ ઉઘાડા પાડવા માટે પગલાં ભરે છે. બંને કંપનીઓએ જણાવ્યું હતું કે, તેઓ અગાઉથી યૂઝર્સને જણાવે છે કે, તેમનાં ટૂલ્સ "ભૂલો કરી શકે છે."

પણ હાલના તબક્કે તો, આ સમસ્યાના નિવારણનાં કોઈ એંધાણ દેખાતાં નથી. ડિજિટલ હક્કોની હિમાયત કરતા જૂથ ઇલેક્ટ્રોનિક ફ્રન્ટિયર ફાઉન્ડેશનના વરિષ્ઠ સ્ટાફ ટૅક્નૉલૉજિસ્ટ કૂપર ક્વિન્ટિન કહે છે, "તેઓ આ પ્રકારની ચીજોમાંથી નફો રળી લેવાના રસ્તા શોધવામાં વ્યસ્ત છે. તેનો દુરુપયોગ કરવાના અગણિત માર્ગો છે. લોકોને છેતરવા માટે, કોઈની પ્રતિષ્ઠા ખરડવા માટે અને શારીરિક નુકસાન સુધ્ધાં પહોંચાડવા માટે લોકોને ઉશ્કેરી શકાય છે."

Sorry, we can’t display this part of the story on this lightweight mobile page.

સ્પામ માટે 'પુનરોત્થાન'

જ્યારે આપણે ચૅટબૉટ્સ સાથે વાત કરીએ, ત્યારે ઘણી વખત આપણને વિશાળ ભાષા મૉડલ્સમાં તૈયાર થયેલી માહિતી મળતી હોય છે, જે એઆઇ પાછળની આંતરિક ટૅક્નૉલૉજી છે.

તે મૉડલને તાલીમબદ્ધ કરવા માટે ઉપયોગમાં લેવાયેલા ડેટા પર આધારિત હોય છે, પરંતુ અમુક એઆઇ ટૂલ્સને જ્યારે તેમની પાસે ન હોય, તેવી માહિતી વિશે પૂછવામાં આવે, ત્યારે તે ઇન્ટરનેટ પર સર્ચ કરશે.

જોકે, હંમેશાં તે સ્પષ્ટ નથી હોતું કે, તે આવું સર્ચ ક્યારે કરે છે. નિષ્ણાતો કહે છે કે, આવા કિસ્સામાં એઆઇ અસુરક્ષિત હોય છે. મેં આ રીતે જ હુમલો કર્યો હતો.

કીપિંગ ટૅબ્ઝ

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

થોમસ જર્મેન બીબીસીના વરિષ્ઠ ટૅક્નૉલૉજી પત્રકાર છે. તેઓ કીપિંગ ટૅબ્ઝ નામની કૉલમ લખે છે તેમજ તેઓ ધ ઇન્ટરફેસ પૉડકાસ્ટના કો-હોસ્ટ છે. તેમનું કામ રોજિંદા ડિજિટલ જીવનમાં ચાલતી છૂપી સિસ્ટમ્સને પ્રકાશમાં લાવવાનું અને તેમની વચ્ચે રહીને બહેતર જીવન કેવી રીતે જીવી શકાય, તે જણાવવાનું છે.

મેં મારી વ્યક્તિગત વેબસાઇટ પર "હૉટ ડૉગ્ઝ આરોગવામાં માહેર શ્રેષ્ઠ ટૅક જર્નાલિસ્ટ્સ" એવું શીર્ષક ધરાવતો લેખ 20 મિનિટમાં લખ્યો. તેનો પ્રત્યેક શબ્દ ખોટો હતો. મેં કોઈ પણ પ્રકારના પુરાવા વિના જ એવો દાવો કર્યો કે, ટૅક રિપોર્ટર્સને હૉટ ડૉગ ખાવાની સ્પર્ધા કરવાનો જબરો શોખ હોય છે અને 2026ની સાઉથ ડાકોટા ઇન્ટરનૅશનલ હૉટ ડૉગ ચૅમ્પિયનશિપ (જેનું કોઈ અસ્તિત્વ જ નથી)ના આધારે મારું રેન્કિંગ આપ્યું. સ્વાભાવિક રીતે, મેં સ્વયંને પ્રથમ નંબર આપ્યો. તે પછી મેં કેટલાક નકલી પત્રકારો અને વૉશિંગ્ટન પોસ્ટના ડ્રૂ હાર્વેલ અને મારા પોડકાસ્ટનાં કો-હોસ્ટ નિકી વૂલ્ફ સહિતનાં કેટલાંક અસલી પત્રકારો (જેમની પાસેથી મેં પરવાનગી લીધી હતી)નાં નામ લખ્યાં. (આ સ્ટોરી વિશે વધુ જાણવા ઇચ્છો છો? બીબીસીના નવા ટૅક પૉડકાસ્ટ ધ ઇન્ટરફેસનો બીજો એપિસોડ જુઓ.)

24 કલાક કરતાંયે ઓછા સમયની અંદર વિશ્વનાં અગ્રણી ચૅટબૉટ્સ હૉટ ડૉગ આરોગવાના મારા કૌશલ્યની વાહવાહી કરી રહ્યાં હતાં. મેં જ્યારે હૉટ ડૉગ ખાવાના મામલે શ્રેષ્ઠ હોય, તેવા ટૅક જર્નાલિસ્ટ વિશે પૂછ્યું, ત્યારે ગૂગલે તેની જેમિની ઍપ અને એઆઇ ઓવરવ્યૂ, બંનેમાં મારી વેબસાઇટનું તે જ મનઘડંત લખાણ દોહરાવ્યું. ચૅટજીપીટીએ પણ તેમ જ કર્યું. પણ હા, એન્થ્રોપિક કંપની દ્વારા તૈયાર કરવામાં આવેલા ચૅટબૉટ ક્લૌડને છેતરી શકાયું નહીં.

કેટલીક વખત ચૅટબૉટ્સને લાગતું હતું કે, આ જોક હોઈ શકે છે. મેં મારા લેખને અપડેટ કરીને લખ્યું, "આ વ્યંગ નથી." થોડી વાર પછી, એઆઇએ મારા લેખને ગંભીરતાથી લીધો. મેં હૂલા-હૂપિંગ કરનારા શ્રેષ્ઠ ટ્રાફિક પોલીસની એક કાલ્પનિક યાદી બનાવીને વધુ એક પરીક્ષણ કર્યું. છેલ્લે મેં જ્યારે તપાસ્યું, ત્યારે પણ ચૅટબૉટ્સ અધિકારી મારિયા "ધ સ્પિનર" રોડ્રિગેઝનાં ગુણગાન ગાઈ રહ્યાં હતાં.

ઇમેજ સ્રોત, Thomas Germain/Google/BBC

જવાબો કેવી રીતે બદલાય છે, તે જોવા માટે મેં ઘણી વખત પ્રયત્ન કર્યો અને અન્ય લોકો પાસે પણ તેમ કરાવ્યું. જેમિનીએ માહિતી તેને ક્યાંથી મળી, તે જણાવવાની પણ તસ્દી ન લીધી.

અન્ય તમામ એઆઇએ મારા લેખની લિન્ક આપી હતી, પણ તેમણે ભાગ્યે જ એ વાતનો ઉલ્લેખ કર્યો કે, સમગ્ર ઇન્ટરનેટ પર આ વિષય માટેનો હું એકમાત્ર સ્રોત હતો. (ઓપનએઆઇ જણાવે છે કે, ચૅટજીપીટી જ્યારે પણ વેબ સર્ચ કરે, ત્યારે તે હંમેશાં લિન્ક્સ સામેલ કરે છે, જેથી સ્રોતની તપાસ કરી શકાય.)

એસઇઓ કન્સલ્ટન્સી હાર્પ્સ ડિજિટલ ચલાવનાર હરપ્રીત ચથા કહે છે, "આ કોઈ પણ કરી શકે છે. આ મૂર્ખામીભર્યું છે. એવું લાગે છે કે, અહીં કોઈ નિયમ-કાનૂન નથી. તમે તમારી વેબસાઇટ પર 2026 માટેના શ્રેષ્ઠ વૉટરપ્રૂફ શૂઝ પરનો લેખ બનાવી શકો છો. તમે બસ તમારી બ્રાન્ડને પ્રથમ ક્રમે અને બાકીની અન્ય બ્રાન્ડ્ઝને બેથી છ નંબર સુધી મૂકી દો છો અને તમારું પેજ ગૂગલ અને ચૅટજીપીટીની અંદર દેખાઈ શકે છે."

સર્ચ એન્જિન્સનો દુરુપયોગ કરવા માટે લોકો દાયકાઓથી હૅકિંગ અને ખામીઓનો સહારો લેતા આવ્યા છે. ગૂગલે સુરક્ષા માટે અદ્યતન વ્યવસ્થા અપનાવી છે અને કંપની કહે છે કે, એઆઇ ઓવરવ્યૂઝ પરની ચોકસાઈ તેણે વર્ષો પહેલાં રજૂ કરેલાં અન્ય સર્ચ ફિચર્સને સમકક્ષ છે, પરંતુ નિષ્ણાતો કહે છે કે, એઆઇ ટૂલ્સે લોકોને સલામત રાખવા માટે ટૅક ઉદ્યોગે હાથ ધરેલા ઘણા પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા છે.

રે જણાવે છે કે, આ એઆઇ ટ્રિક્સ એટલી પાયાની છે કે, તે 2000ના દાયકાના પ્રારંભના સમયની યાદ દેવડાવે છે, જ્યારે ગૂગલે વેબ સ્પામ ટીમ પણ નહોતી બનાવી. "સ્પામર્સ માટે આ એક પ્રકારનો પુનરોત્થાનનો ગાળો છે."

એઆઇને છેતરવાનું સહેલું છે, એટલું જ નહીં, પણ નિષ્ણાતોને એવી ચિંતા છે કે, યૂઝર્સ તરત તેની જાળમાં સપડાઈ શકે છે. પરંપરાગત સર્ચ રિઝલ્ટ્સમાં તમારે માહિતી મેળવવા માટે જે-તે વેબસાઇટ પર જવું પડે છે.

ક્વિન્ટિન કહે છે, "જ્યારે તમારે કોઈ લિન્ક પર જવું પડે, ત્યારે લોકો થોડો વધુ વિચાર કરે છે. ધારો કે, હું તમારી વેબસાઇટ પર જઉં અને વેબસાઇટમાં લખ્યું હોય કે, તમે અત્યાર સુધીના સર્વશ્રેષ્ઠ પત્રકાર છો, તો હું વિચારીશ કે, 'હા, તેઓ પક્ષપાત ધરાવે છે.'" પરંતુ, એઆઇ સાથે, એવું લાગે છે કે, જાણે માહિતી સીધી જ ટૅક કંપની પાસેથી આવી રહી હોય.

એઆઇ ટૂલ્સ સ્રોત પૂરો પાડતાં હોવા છતાં, લોકો સર્ચ રિઝલ્ટ્સની તુલનામાં તેમને તપાસે, તેવી શક્યતા ઘણી જ ઓછી રહે છે. જેમ કે, તાજેતરના જ એક અભ્યાસમાં માલૂમ પડ્યું કે, ગૂગલ સર્ચ ઉપર જ્યારે એઆઇ ઓવરવ્યૂ દેખાય, ત્યારે લોકો લિન્ક પર ક્લિક કરે, તેવી શક્યતા 58 ટકા ઓછી થઈ જાય છે.

ચથા કહે છે, "આગળ નીકળી જવાની હોડમાં, નફો રળી લેવાની હરીફાઈમાં અને આવકની હરીફાઈમાં આપણી સલામતી અને સામાન્ય જનતાની સલામતી જોખમાઈ રહી છે." ઓપનએઆઇ તથા ગૂગલ કહે છે કે, તેઓ સલામતીને ગંભીરતાથી લે છે અને આ સમસ્યાઓ નિવારવા માટે કાર્ય કરી રહ્યા છે.

પૈસા કે જીવન

સમસ્યા કેવળ હૉટ ડૉગ પૂરતી સીમિત નથી. કંપનીઓ જે રીતે તેના કરતાં ઘણા વધુ ગંભીર પ્રશ્નો પર ચૅટબૉટનાં પરિણામો સાથે ચેડાં કરી રહી છે, તેનો ચથા અભ્યાસ કરી રહ્યા છે.

તેમણે મને એક ચોક્કસ બ્રાન્ડની કેનાબિઝ ગમીઝનો રિવ્યૂ માગતા પ્રગટ થયેલાં એઆઇનાં રિઝલ્ટ્સ દર્શાવ્યાં. ગૂગલનાં એઆઇ ઓવરવ્યૂઝે "પ્રોડક્ટની કોઈ આડઅસર નથી અને આથી તે તમામ રીતે સુરક્ષિત છે" એ પ્રકારના કંપનીએ લખેલા ખોટા દાવાઓમાંથી માહિતી કાઢી હતી. (વાસ્તવમાં આ ઉત્પાદનોની ચોક્કસ આડઅસરો રહેલી હોય છે અને તમે ચોક્કસ દવાઓ લઈ રહ્યા હોવ, ત્યારે તેનું સેવન જોખમી બની શકે છે. વળી, નિષ્ણાતો અનિયંત્રિત બજારોમાં ભેળસેળ વિશે પણ ચેતવણી આપે છે.)

જો તમને બ્લૉગ પોસ્ટ કરતાં કશુંક વધુ અસરકારક જોઈતું હોય, તો તમે પૈસા આપીને તમારી સામગ્રીને વધુ પ્રતિષ્ઠિત વેબસાઇટ્સ પર પ્રકાશિત કરાવી શકો છો.

હરપ્રીતે "તુર્કીમાં શ્રેષ્ઠ હેર ટ્રાન્સપ્લાન્ટ ક્લિનિક્સ" અને રિટાયરમેન્ટ એકાઉન્ટ્સ માટે સોનામાં રોકાણ કરવા માટે મદદ કરતી "શ્રેષ્ઠ ગોલ્ડ આઇઆરએ કંપનીઓ" માટેના ગૂગલનાં એઆઇ રિઝલ્ટ્સ મોકલ્યાં. આ માહિતી ઑનલાઇન પ્રકાશિત પ્રેસ રિલીઝ, પેઇડ વિતરણ સેવાઓ અને ન્યૂઝ સાઇટ્સ પરની સ્પૉન્સર્ડ જાહેરાતોની સામગ્રીમાંથી લેવામાં આવી હતી.

જુઠ્ઠાણાં અને ખોટી માહિતી ફેલાવવા માટે તમે સમાન હૅકનો ઉપયોગ કરી શકો છો. તે સાબિત કરવા માટે રાયે ગૂગલ સર્ચ અલગોરિધમની એક નકલી અપડેટ વિશે એક બ્લૉગ પ્રકાશિત કર્યો, જેને "પિઝાના વધેલા ટુકડા સાથે" અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું.

થોડા જ સમયમાં ચૅટજીપીટી અને ગૂગલ પિઝા સાથે તેમની સ્ટોરી દર્શાવવા લાગ્યાં. રે કહે છે કે, પછી તેમણે તે પોસ્ટ હઠાવી દીધી અને ખોટી માહિતી ફેલાતી અટકાવવા માટે તેને "ડિઇન્ડેક્સ" કરી દીધી.

ગૂગલના પોતાના ઍનાલિટિક્સ ટૂલ અનુસાર, ઘણા લોકો "તુર્કીમાં શ્રેષ્ઠ હેર ટ્રાન્સપ્લાન્ટ ક્લિનિક્સ" અને "શ્રેષ્ઠ ગોલ્ડ આઇઆરએ કંપનીઓ" જેવાં સર્ચ કરે છે, પણ ગૂગલના પ્રવક્તાએ નોંધ્યું હતું કે, મેં આપેલાં મોટાં ભાગનાં દૃષ્ટાંતો "સાવ અસામાન્ય સર્ચનાં છે, જે સામાન્ય યૂઝરના અનુભવો નથી દર્શાવતાં."

પરંતુ રે કહે છે કે, આ જ તો અસલી મુદ્દો છે. ગૂગલ સ્વયં કહે છે કે, તેની પાસે આવતાં રોજના 15 ટકા સર્ચ તદ્દન નવાં હોય છે. અને ગૂગલના મતાનુસાર, એઆઇ લોકોને વધુ ચોકસાઈપૂર્ણ પ્રશ્નો પૂછવા માટે ઉત્તેજન આપે છે. સ્પામર્સ તેનો ફાયદો ઊઠાવી રહ્યા છે.

ગૂગલ કહે છે કે, અસામાન્ય કે અતાર્કિક સર્ચ માટે પૂરતી માહિતી નથી હોતી અને તે "ડેટાના અભાવ"ને કારણે નીમ્ન ગુણવત્તાયુક્ત પરિણામો મળી શકે છે. પ્રવક્તા કહે છે કે, ગૂગલ આવા કિસ્સામાં એઆઇ ઓવરવ્યૂઝને દેખાતું બંધ કરવા માટે કાર્યરત્ છે.

ઉકેલની શોધ

ઇમેજ સ્રોત, Serenity Strull/ BBC

નિષ્ણાતો કહે છે કે, આ સમસ્યાનો ઉકેલ રહેલો છે. સૌથી સરળ પગલું એ છે કે તરત નજરે ચઢે, તેવાં ડિસ્ક્લેઇમર્સ આપવાં.

રેના મતે, એઆઇ ટૂલ્સે માહિતીના સ્રોત વિશે સ્પષ્ટપણે જણાવવું જોઈએ. જેમ કે, જે-તે માહિતી પ્રેસ રિલીઝમાંથી મળી છે કે પછી કોઈ એક જ સ્રોત છે, જે કહી રહ્યો છે કે, હું હૉટ ડૉગ ચૅમ્પિયન છું. એઆઇએ તે જણાવવું જોઈએ.

ગૂગલ તથા ઓપનએઆઇ કહે છે કે, તે આ સમસ્યા પર કામ કરી રહ્યાં છે, પણ અત્યારે તો તમારે જ તમારી સુરક્ષાનું ધ્યાન રાખવું પડશે.

પ્રથમ કદમ એ વિચારવાનું છે કે, તમે કેવા પ્રકારના સવાલ પૂછો છો. "સિગમંડ ફ્રૉઇડની સૌથી પ્રચલિત થિયરીઝ કઈ હતી?" અથવા "દ્વિતીય વિશ્વયુદ્ધ કોણ જીત્યું હતું?" વગેરે જેવા સામાન્ય પ્રકારના પ્રશ્નો માટે ચૅટબૉટ્સ યોગ્ય છે, પરંતુ સ્થાપિત તથ્ય જેવા જણાતા હોય પણ વાસ્તવમાં વિવાદિત હોય કે સમય વીતવા સાથે સંવેદનશીલ બની શકે, તેવા વિષયો સાથે જોખમ સંકળાયેલું છે. તબીબી માર્ગદર્શિકા, સ્થાનિક વ્યવસાયો વિશેના કાનૂની નિયમો કે વિગતો માટે એઆઇ કદાચ એટલું સારું સાધન નથી.

જો તમે પ્રોડક્ટ રેકમેન્ડેશન્સ કે પછી ગંભીર પરિણામો ધરાવતી કોઈ વસ્તુ વિશે માહિતી મેળવવા માગતા હોવ, તો સમજી લેજો કે, એઆઇ ટૂલ્સ સાથે ચેડાં થઈ શકે છે, તેને છેતરી શકાય છે કે પછી તે ભૂલ પણ કરી શકે છે. આથી, આગળની માહિતી પર ધ્યાન આપો. શું એઆઇ સ્રોતો ટાંકે છે? કેટલા? તે કોણે લખ્યા હતા?

સૌથી મહત્ત્વની વાત એ છે કે, વિશ્વાસની સમસ્યા પર વિચાર કરો. એઆઇ ટૂલ્સ જુઠ્ઠાણાં પણ જાણે સાચી હકીકત હોય, તેવા વિશ્વાસ સાથે રજૂ કરે છે. ભૂતકાળમાં સર્ચ એન્જિન્સ માહિતીનું મૂલ્યાંકન કરવાની જવાબદારી તમારા શિરે નાખતાં હતાં. હવે, એઆઇ તમારા માટે એ કામ કરવા માગે છે. પણ, તમારી આલોચનાત્મક વિચાર પ્રક્રિયાને નબળી ન પડવા દેશો.

રે કહે છે, "એઆઇની મદદથી કોઈ વસ્તુને સમજ્યા વિચાર્યા વિના માની લેવાનું સરળ લાગે છે, પરંતુ તમારે ઇન્ટરનેટના સારા નાગરિક બનીને તથ્યોની ખરાઈ કરવી પડશે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન