બિહાર : નાલંદામાં શીતળા માતા મંદિરમાં ભાગદોડ, આઠનાં મોત, અનેક ઘાયલ - ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Raj Kumar
બિહારના નાલંદા જિલ્લામાં શીતળા માતા મંદિરમાં મંગળવારે ભાગદોડ મચી હતી. આ ભાગદોડમાં આઠ લોકોનાં મોત થયાં છે અનેક લોકો ઘાયલ થયા છે.
પીટીઆઇ સાથે વાત કરતા ડૉ. વિશ્વજિતે કહ્યું, "લગભગ 13-14 લોકોને હૉસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. આઠ લોકોનાં મોત થયાં છે. બાકીના અહીં સારવાર હેઠળ છે. બે દર્દી ગંભીર હતા, તેમને બીજી હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે."
સમાચાર એજન્સી પીટીઆઇ સાથે વાત કરતા બિહારશરીફની મૉડલ હૉસ્પિટલના ડૉ. વિશ્વજિતકુમારે જણાવ્યું હતું કે મૃતકોમાં મોટા ભાગની મહિલાઓ છે.
બીબીસી સંવાદદાતા સીતુ તિવારીએ જણાવ્યું કે નાલંદા નજીક દીપનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં મઘડા શીતળા મંદિર પાસે યોજાયેલા મેળામાં મંગળવારે એક મોટી દુર્ઘટના થઈ છે.
પૂજા દરમિયાન ભાગદોડ મચી ગઈ હતી, જેના કારણે અફરાતફરી મચી ગઈ હતી.
ઘાયલોને નજીકની હૉસ્પિટલમાં દાખલ કરાયા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.
ચૈત્ર મહિનાનો છેલ્લો મંગળવાર હોવાથી મંદિર પરિસરમાં મોટી ભીડ એકઠી થઈ હતી.
સમાચાર એજન્સી એએનઆઇએ ઘટનાસ્થળનો એક વીડિયો જાહેર કર્યો છે, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને ઘાયલોને લઈ જતી ઍમ્બ્યુલન્સ દેખાઈ રહી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સમ્રાટ ચૌધરીએ શું કહ્યું?
બિહારના નાયબ મુખ્ય મંત્રી સમ્રાટ ચૌધરીએ ઍક્સ પર એક પોસ્ટમાં ઘટના પર શોક વ્યક્ત કર્યો છે.
તેમણે ઍક્સ પર લખ્યું, "નાલંદાના શીતળા માતા મંદિરમાં થયેલી દુ:ખદ ભાગદોડ અત્યંત પીડાદાયક છે. આ અકસ્માતમાં જીવ ગુમાવનારા અને ઘાયલ થયેલા તમામ ભક્તોના પરિવારો પ્રત્યે હું સંવેદના વ્યક્ત કરું છું."
ઍરપૉર્ટ પર ઊભેલા વિમાન પર અમેરિકાનો હુમલો, ઈરાને શું કહ્યું?

ઇમેજ સ્રોત, MOHAMMED HUWAIS/AFP via Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ઈરાનના મશહદ ઍરપૉર્ટ પર અમેરિકાના હુમલામાં મહાન ઍર (ઈરાન ઍરલાઇન્સ)નું એક વિમાન ક્ષતિગ્રસ્ત થયું છે.
સમાચાર એજન્સી પીટીઆઇએ ઈરાનના અધિકારીઓને ટાંકીને જણાવ્યું કે આ વિમાન ભારત જવાનું હતું, જ્યાંથી દવાઓ અને મદદનો સામાન લઈને લોકો સુધી પહોંચાડી શકાય.
પીટીઆઇના અહેવાલ મુજબ અધિકારીઓનું કહેવું છે કે વિમાન આ અઠવાડિયે નવી દિલ્હી જવાનું હતું. જોકે, બીજી તરફ અમેરિકન અધિકારીઓએ આ હુમલાની પુષ્ટિ નથી કરી.
ઈરાને આ ઘટનાને વૉર ક્રાઇમ અને આંતરરાષ્ટ્રીય કાયદાનું સ્પષ્ટ ઉલ્લંઘન ગણાવ્યું છે.
ભારતસ્થિત ઈરાનના દૂતાવાસે ઍક્સ પોસ્ટમાં લખ્યું કે, "વિમાનમાં ઘણા દેશોમાંથી મગાવાયેલી દવાઓ અને મેડિકલ ઉપકરણો હતાં તથા તે એક માનવીય મિશન પર હતું. આવા નાગરિક વિમાનને નિશાન બનાવવું એ આંતરરાષ્ટ્રીય નિયમોનું ઉલ્લંઘન છે અને માનવીય કાયદાના સિદ્ધાંતોથી વિપરીત છે."
ઈરાની દૂતાવાસે જણાવ્યું હતું કે, "શિકાગો કન્વેન્શન (1944) અને મોન્ટ્રીયલ કન્વેન્શન (1971) અનુસાર, નાગરિક વિમાનોની સલામતી વિરુદ્ધ કોઈ પણ કાર્યવાહીને આંતરરાષ્ટ્રીય ગુનો ગણવામાં આવે છે."
દૂતાવાસે નાગરિક ઉડ્ડયન સંગઠન સહિત આંતરરાષ્ટ્રીય સંગઠનોને અપીલ કરીને કહ્યું કે "આ હુમલા સામે તાત્કાલિક પગલાં ભરે, જવાબદારોને સજા કરે અને ભવિષ્યમાં આવાં જોખમોને રોકે."
'હોર્મુઝ બંધ રહે તો પણ ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન યુદ્ધ ખતમ કરવા તૈયાર'

ઇમેજ સ્રોત, Aaron Schwartz/Bloomberg via Getty Images
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સહયોગીઓને કહ્યું છે કે તે ઈરાન વિરુદ્ધ સૈન્ય અભિયાન ખતમ કરવા તૈયાર છે, ભલે હોર્મુઝની સામુદ્રધુની મોટા ભાગે બંધ રહે. આ દાવો વૉલ સ્ટ્રીટ જર્નલના એક રિપોર્ટમાં કરવામાં આવ્યો છે.
અખબારે વહીવટી અધિકારીઓને ટાંકીને લખ્યું છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને તેમના સહયોગીઓનો અંદાજ છે કે આ મહત્ત્વના સમુદ્રી રસ્તાને બળજબરીથી ખોલવાનું મિશન રાખવામાં આવશે તો આ યુદ્ધ તેની નિર્ધારિત સમયસીમા (ચારથી છ સપ્તાહ)થી વધારે ચાલશે.
રિપોર્ટ મુજબ ઈરાનની નૅવી અને મિસાઇલ ભંડારને ભારે નુકસાન પહોંચાડ્યા પછી અમેરિકા ઈરાન પર કૂટનીતિક દબાણ વધારશે, જેથી વ્યાપારનો માર્ગ ફરીથી ખૂલી શકે.
બીબીસીએ આ વિશે ટિપ્પણી માટે વ્હાઇટ હાઉસનો સંપર્ક કર્યો છે.
સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને અદાલતના તિરસ્કારની કાર્યવાહીની ચેતવણી આપી

ઇમેજ સ્રોત, Getty Images
સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને તાજેતરમાં ચેતવણી આપી છે કે કેદમાં રહેલા એક અપરાધીની સજા પૂરી થાય તે અગાઉ છોડી મૂકવાની અરજી પર નિર્ણય નહીં લેવાય તો કોર્ટની તિરસ્કારની કાર્યવાહી કરવામાં આવી શકે છે.
લાઇવ લોના અહેવાલ પ્રમાણે જસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લાહ અને જસ્ટિસ આર. મહાદેવનની બેન્ચે આજીવન કેદની સજા ભોગવતા એક કેદીના કેસમાં આ ટિપ્પણી કરી હતી. સરકારની નીતિ મુજબ કારાવાસનો જરૂરી સમય પૂરો કર્યો હોવા છતાં કેદીને પ્રિમેચ્યોર મુક્ત કરવાની અરજી પર નિર્ણય લેવાયો ન હતો.
કોર્ટે કહ્યું કે પહેલી ડિસેમ્બર, 2025ના રોજ અરજકર્તાએ અધૂરી મુદતે જેલમુક્તિ માટે જે લઘુતમ સમયગાળો જેલમાં કાઢવો પડે, તે પૂરો કરી દીધો હતો. છતાં તે તારીખને ત્રણ મહિના કરતાં વધુ સમય વીતી ગયો હોવા છતાં અંતિમ નિર્ણય લેવાયો ન હતો.
રશિયાના મોટા ઑઇલ નિકાસના મથકો પર યુક્રેનનો હુમલો, બીબીસી વેરિફાઇએ પુષ્ટિ કરી

ઇમેજ સ્રોત, Vantor
રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલુ છે, જેમાં ગયા અઠવાડિયે યુક્રેને બાલ્ટિક સમુદ્ર પાસે રશિયાના મોટા ઑઇલ નિકાસનાં મથકો પર વારંવાર હુમલા કર્યા હતા. આ હુમલા પછી કેટલીક જગ્યાએ આગ ચાલુ રહી હતી.
બીબીસી વેરિફાઇએ પુષ્ટિ કરી છે કે 23 માર્ચથી અત્યાર સુધીમાં રશિયાના લેનિનગ્રાદ વિસ્તારમાં સેન્ટ પીટર્સબર્ગ શહેર નજીક (જે યુક્રેનની સરહદથી લગભગ 800 કિમી દૂર છે) ઓછામાં ઓછા ત્રણ ઑઇલ મથકો પર હુમલા થયા હતા.
બાલ્ટિક સમુદ્રના મહત્ત્વનાં બંદરો ઉસ્ત-લૂગા અને પ્રિમોર્સ્ક પર અલગ-અલગ હુમલા થયા છે. નજીકમાં આવેલી કિરીશી ઑઇલ રિફાઇનરી પર પણ હુમલો થયો છે. ફિનલૅન્ડસ્થિત સેન્ટર ફૉર રિસર્ચ ઑન ઍનર્જી ઍન્ડ ક્લીન ઍર મુજબ 2025માં રશિયાની કુલ ઑઇલ નિકાસમાં 22 ટકા હિસ્સો પ્રિમોર્સ્ક અને 20 ટકા હિસ્સો ઉસ્ત-લૂગાનો હતો.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

























