ગુજરાત પર પહોંચતા પહેલાં જ સિસ્ટમ ખૂબ મજબૂત બની, હવે આ જિલ્લામાં પડશે અતિભારે વરસાદ
ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાત તરફ આવી રહેલી બંગાળની ખાડીની સિસ્ટમ હવે ખૂબ વધારે મજબૂત બની ગઈ છે અને તેના કારણે રાજ્યમાં હજી પણ વરસાદનું જોર વધે તેવી શક્યતા દેખાઈ રહી છે.
હાલ પૂર્વ રાજસ્થાન અને મધ્ય પ્રદેશ પર રહેલી આ સિસ્ટમ 26 ઑગસ્ટના રોજ ગુજરાત પર પહોંચશે અને સમગ્ર રાજ્યમાં તેના કારણે ધોધમાર વરસાદ થવાની શક્યતા રહેલી છે.
આ સિસ્ટમ ગુજરાત પર પહોંચે તે પહેલાં ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ ગઈ છે અને તેના કારણે રાજ્યમાં વરસાદની સાથે સાથે આગામી દિવસોમાં પવનની ગતિ પણ વધે તેવી શક્યતા રહેલી છે.
ગુજરાતમાં રવિવારે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોની સાથે સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદ પડ્યો હતો અને કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ પડ્યો હતો. જેના કારણે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી.
આ સિસ્ટમ ગુજરાતની નજીક આવતાની સાથે મૉન્સૂન ટ્રફ જે કેટલાક દિવસોથી ઉત્તર ભારત પર હતી તે હવે રાજસ્થાન પર આવી ગઈ છે અને તેની અસરને કારણે રાજસ્થાન, ગુજરાત તથા મધ્ય પ્રદેશમાં ભારે વરસાદ થઈ રહ્યો છે.
જ્યારે દક્ષિણ ગુજરાતથી કેરળ સુધી એક ઑફ શૉર ટ્રફ રેખા પણ સક્રિય થઈ છે અને તેના કારણે મહારાષ્ટ્ર, કોંકણ અને ગોવાના વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે.
ગુજરાતમાં કેટલા દિવસ સુધી પડશે અતિભારે વરસાદ?
ઇમેજ સ્રોત, IMD
હવામાન વિભાગ પ્રમાણે બંગાળની ખાડીમાંથી જે લૉ-પ્રેશર એરિયા સર્જાયો હતો તે ખૂબ મજબૂત બનીને ડીપ ડિપ્રેશન બની ગયું છે અને તે મધ્ય પ્રદેશ અને રાજસ્થાન પર પહોંચી ગયો છે. આ સિસ્ટમ ગુજરાત તરફ 6 કલાકમાં 8થી 10 કિમીની ઝડપે આગળ વધી રહી છે.
હાલની સ્થિતિ પ્રમાણે આ સિસ્ટમ 26 ઑગસ્ટની રાત્રે કે 27 ઑગસ્ટની વહેલી સવારે ગુજરાત પર પહોંચે તેવી શક્યતા દેખાઈ રહી છે. જોકે, સિસ્ટમ પહોંચે તે પહેલાં જ તેની ભારે અસર ગુજરાત પર દેખાઈ રહી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ સિસ્ટમ હવે પશ્ચિમ-દક્ષિણ-પશ્ચિમ દિશા તરફ આગળ વધશે એટલે કે તે ઉત્તર ગુજરાત અને તેની પાસે આવેલા રાજસ્થાનના વિસ્તારો પર પહોંચશે. જે બાદ થોડો વળાંક લઈને તે સૌરાષ્ટ્ર અને કચ્છ પર પહોંચશે.
ગુજરાત પર આ સિસ્ટમની અસર લગભગ 30 ઑગસ્ટ સુધી રહે તેવી સંભાવના દેખાઈ રહી છે. હાલ દક્ષિણ, મધ્ય અને પૂર્વ ગુજરાત પર ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે. જેમ જેમ સિસ્ટમ આગળ વધશે તેમ તેમ રાજ્યમના અન્ય વિસ્તારોમાં પણ ભારેથી અતિભારે વરસાદની શરૂઆત થઈ જશે.
29 ઑગસ્ટના દિવસે આ સિસ્ટમ સૌરાષ્ટ્ર, કચ્છ અને પાસે આવેલા પાકિસ્તાનના વિસ્તારો પરથી પસાર થઈને અરબી સમુદ્રમાં પહોંચે તેવી શક્યતા દેખાઈ રહી છે. અરબી સમુદ્રમાં પહોંચ્યા પછી પણ તેની અસર થોડો સમય કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો પર દેખાય તેવી સંભાવના છે.
ગુજરાતમાં હવે કયા વિસ્તારોમાં પડશે ભારેથી અતિભારે વરસાદ?
ઇમેજ સ્રોત, IMD
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ગુજરાતમાં આગામી બેથી ત્રણ દિવસોમાં અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. જેમાં હવે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ વરસાદનું પ્રમાણ વધવાનું શરૂ થઈ જશે અને કચ્છના વિસ્તારોમાં પણ વરસાદની શરૂઆત થઈ જશે.
હાલની સ્થિતિ પ્રમાણે સુરત, નવસારી, ડાંગ, તાપી, ભરૂચ, નર્મદા, છોટા ઉદેપુર, પંચમહાલ, ખેડા, આણંદ, મહેસાણા, અરવલ્લી, મહીસાગર, સાબરકાંઠા તથા બનાસકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. જ્યારે કોઈ વિસ્તારમાં અતિભારે વરસાદ પણ થઈ શકે છે.
અમદાવાદ, વડોદરા, ગાંધીનગર, સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, મોરબી, રાજકોટ, પાટણ તથા કચ્છના વિસ્તારોમાં પણ સતત વરસાદની શક્યતા છે અને કેટલાક વિસ્તારોમાં ભારે તો કોઈ વિસ્તારોમાં અતિભારે વરસાદ થઈ શકે છે.
દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર-સોમનાથ તથા બોટાદ જિલ્લામાં હવે વરસાદનું જોર વધવાનું શરૂ થશે અને આગામી બેથી ત્રણ દિવસોમાં આ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.
હાલ દક્ષિણ અને મધ્ય તથા પૂર્વ ગુજરાતમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે, સિસ્ટમ જેમ નજીક આવશે તેમ ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં પણ વરસાદનું પ્રમાણ વધવા લાગશે.
ગુજરાતમાં આગામી ત્રણ દિવસો ભારે છે અને કેટલાંક સ્થળોએ અત્યંત ભારે વરસાદ થવાની પણ શક્યતા દેખાઈ રહી છે. જેના કારણે રાજ્યના કોઈ વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ પણ નિર્માણ થઈ શકે છે.
અત્યંત ભારે વરસાદની સ્થિતિને જોતાં ગુજરાતમાં આગામી ત્રણ દિવસ માટે સમગ્ર રાજ્ય માટે રેડ ઍલર્ટ જારી કરી દેવાયું છે.
આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ભરૂચ, છોટા ઉદેપુર, ડાંગ, ગાંધીનગર, ખેડા, મહેસાણા, મહીસાગર, નર્મદા, નવસારી, પાટણ, તાપી, સુરત, વડોદરા અને વલસાડ જિલ્લામાં પૂરની ચેતવણી પણ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે.
આ ઉપરાંત ભાવનગર, જામનગર અને મોરબી જિલ્લા તથા કચ્છમાં પણ પૂરની ચેતવણી આપવામાં આવી છે. એટલે કે આ જિલ્લાઓના કોઈ વિસ્તારોમાં અતિભારે વરસાદને કારણે પૂર પણ આવી શકે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
નવાજૂની
બીબીસી વિશેષ
સૌથી વધુ વંચાયેલી સ્ટોરીઝ
આ કન્ટેન્ટ ઉપલબ્ધ નથી