ઇસ્લામિક નાટો : ઈરાન યુદ્ધથી સામે આવેલા આ જૂથનું નિર્માણ શક્ય છે ખરું?

ઇમેજ સ્રોત, GOVERNMENT OF PAKISTAN

    • લેેખક, મુંજા અનવર
    • પદ, બીબીસી સંવાદદાતા
  • વાંચવાનો સમય: 6 મિનિટ

ઈઝરાયલ અને અમેરિકાના ઈરાન પરના હુમલા બાદ આખા મધ્યપૂર્વ પર જંગનાં વાદળો છવાયેલાં છે. આ સ્થિતિને કારણે, કતારના પૂર્વ વડા પ્રધાન હમાદ બિન જસિમ અલ થાનીનું આ સૂચન સમાચારોમાં ચમક્યું હતું.

આરબ-ઇસ્લામિક પૉલિટિકલ ઍન્ડ મિલિટરી ઍલાયન્સની રચના અંગેની ચર્ચા ફરી એક વાર જોર પકડી રહી છે.

અલ થાનીએ સૂચન કરેલું કે ગલ્ફ કોઑપરેશન કાઉન્સિલ (જીસીસી) દેશોએ તાત્કાલિક ધોરણે એકમેક વચ્ચેનું અંતર દૂર કરીને નાટો જેવું સૈન્ય અને સંરક્ષણ સંગઠન બનાવવું જોઈએ.

તેમણે કહ્યું કે, "આ સંગઠનમાં સાઉદી અરેબિયાએ ચાવીરૂપ ભૂમિકા ભજવવી જોઈએ અને આમાં પાકિસ્તાન અને તુર્કીનો મજબૂત ટેકો મળવો જોઈએ."

Sorry, we can’t display this part of the story on this lightweight mobile page.

ઇમેજ સ્રોત, EPA/Shutterstock

જ્યારે રાષ્ટ્રપતિ ટ્રમ્પે ઈરાન પર હુમલો કરવાના આશયથી વધારાના પાંચ હજાર અમેરિકન સૈનિક મધ્ય પૂર્વમાં મોકલવાની જાહેરાત બાદ 'ઇસ્લામિક નાટો' અંગે ચર્ચા શરૂ થઈ.

તુર્કીના રાષ્ટ્રપતિ અર્દોઆને સપ્ટેમ્બર 2024માં ઇસ્લામિક સંગઠન બનાવવાનો વિચાર રજૂ કર્યો હતો.

તેમણે સૂચવ્યું કે ઇઝરાયલના વ્યાપ વધારવા સંબંધી જોખમનો સામનો કરવા માટે મુસ્લિમ દેશોએ એક થવું જોઈએ.

સપ્ટેમ્બર 2025માં પાકિસ્તાનના સંરક્ષણ મંત્રાલયે 'ઇસ્લામિક નાટો'ની રચનાની માગ કરી હતી.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

વર્ષ 2017માં સાઉદી અરેબિયાના વડપણવાળા 34 ઇસ્લામિક દેશોના ગઠબંધનની કમાન પાકિસ્તાનના પૂર્વ સૈન્ય વડા જનરલ રાહીલ શરીફને સોંપાઈ હતી.

સાઉદી અરેબિયના નેતાઓએ કહ્યું છે કે આ ગઠબંધન આતંકવાદ અને ઉગ્રવાદ સામે કામ કરશે.

જોકે, ઈરાને આ ગઠબંધનનું વડપણ જનરલ રાહીલ શરીફને આપવાની વાત સામે વાંધો વ્યક્ત કર્યો હતો.

ઐતિહાસિક દૃષ્ટિએ, આ દેશો વચ્ચેનાં ઘર્ષણ અને પ્રાદેશિક વિરોધાભાસી હિતોએ આ ગઠબંધનના નિર્માણ સામે સવાલો ઊભા કર્યા છે, જે આજે પણ ચાલુ છે.

યમન અંગે સાઉદી-યુએઇના મતભેદ અને કતાર અને યુએઇ વચ્ચેનો ભૂતકાળનો તણાવ આ વાતનાં મુખ્ય ઉદાહરણો છે.

આ સિવાય OPEC દેશોમાં ક્રૂડઑઇલના ઉત્પાદન, આફ્રિકા અને રાતા સમુદ્રમાં પોતાની અસર વધારવા મુદ્દે મતમતાંતર છે.

સાઉદી અરેબિયા અને યુએઇ વચ્ચે અખાતમાં સમુદ્રી બૉર્ડર વિવાદ અંગે તણાવ વધ્યો છે, અબુ ધાબીએ અલ યાસ કાંઠાને "સલામત ઝોન" જાહેર કર્યો છે, વિશ્લેષકોના મતે આ વાત આ બંને અખાતી શક્તિઓ વચ્ચે "સાઇલન્ટ દુશ્મની"નો સંકેત આપે છે.

આવી સ્થિતિમાં પ્રશ્ન એ ઊભો થાય છે કે 'અખાતી નાટો'નો આ વિચાર ક્યારેય હકીકતમાં પરિણમશે ખરો?

અને અમેરિકા આ પ્રકારના સંગઠનની રચના અંગે શું પ્રતિક્રિયા આપશે? તેમજ પાકિસ્તાન અને તુર્કી તેમાં કેવી ભૂમિકા ભજવશે? આ બંને પણ મહત્ત્વપૂર્ણ સવાલ છે.

કતારના પૂર્વ વડા પ્રધાને શું કહ્યું?

ઇમેજ સ્રોત, Thomas Koehler/Photothek via Getty Images

અલ થાનીએ કહ્યું, "આ યુદ્ધ એક દિવસ અટકશે. તેના પરથી પાઠ શીખવો એ ખૂબ અગત્યની વાત છે."

તેમણે એક્સ પર પોસ્ટ કરતાં લખ્યું, "ગલ્ફ કોઑપરેશન કાઉન્સિલ એ નાટોની માફક એક વાસ્તવિક સૈન્ય સંગઠન હોવું જોઈએ. સાઉદી અરેબિયાએ તેનું નેતૃત્વ સંભાળવું જોઈએ."

તેમણે સૂચન કરતાં કહ્યું કે યુદ્ધ પતે તેની રાહ જોયા વગર તૈયારીઓ આ ઘડીથી જ શરૂ થઈ જવી જોઈએ, અને લોકોની સલામતી માટે દેશોએ એકબીજા વચ્ચેના મતભેદોનું સમાધાન લાવવું જોઈએ.

ઈરાનનું ઉદાહરણ આપતાં અલ થાનીએ કહ્યું, "પ્રતિબંધો છતાં તહેરાનની નેતાગીરીએ મિસાઇલ સિસ્ટમ વિકસાવી લીદી છે, કમનસીબે, આ મિલાઇલો અખાતના દેશો તરફ છોડવામાં આવી રહી છે."

થાનીએ ઈરાન અને ઇઝરાયલ સામે અખાતના દેશોને એક થવાનું સૂચન કર્યું.

તેમણે કહ્યું જીસીસીના અન્ય દેશો પર હુમલો થઈ રહ્યો છે ત્યારે અન્ય આરબ દેશો મૌન છે, આ વાત આશ્ચર્યચકિત કરી દેનારી છે.

સોશિયલ મીડિયા પર ચર્ચા

ઇમેજ સ્રોત, KAY NIETFELD/AFP via Getty Images

અલ થાનીની પોસ્ટે સોશિયલ મીડિયા પર નવી ચર્ચા શરૂ કરી દીધી છે.

જેદ્દાહના પત્રકાર સાલેહ અલ-ફહાદે પૂછ્યું, "જ્યારે નાના દેશો મોટા દેશો અને તેમની દ્વેષપૂર્ણ દખલગીરી પર હાવી થવાની ઇરાદો ચાલુ રાખવા માગતા હોય તેવી સ્થિતિમાં એકમત અને એકતા કેવી રીતે શક્ય છે?"

તેમણે કહ્યું, "વર્ષોથી સાઉદી અરેબિયા બહાદુરીપૂર્વક અને તટસ્થતાથી ઈરાની કાવતરાનો સામનો કરી રહ્યું છે તેમજ તેનો વ્યાપ અટકાવવા માટે ઘણી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યું છે. એ જ સમયે, અન્ય લોકો તહેરાનનો પક્ષ લેવા લાગ્યા, તેમની સાથે ગુપ્ત સમાધાનો કરી લીધાં અને સાઉદી અરેબિયા પર ઈરાન સાથેના સંબંધો સહિતના મુદ્દે આરોપ કરવા લાગ્યા."

જોકે, કેટલાકે અલ થાનીએ અખાતના દેશોમાં અમેરિકન સૈન્ય ઠેકાણાંની હાજરીનો મુદ્દો ન ઉઠાવ્યો એ અંગે સવાલ પૂછ્યા.

આ લોકોએ કહ્યું, "આનાથી જ બધી મુશ્કેલીઓ શરૂ થઈ છે, આરબોએ અમેરિકા સામે ઝૂકવાનું બંધ કરવાની જરૂર છે."

પાકિસ્તાની યૂઝરે ટિપ્પણી કરતાં લખ્યું, "અચાનક બધાએ પાકિસ્તાન સાથે સૈન્ય ગઠબંધન કરવું છે."

ઐતિહાસિક દુશ્મની શું છે?

ઇમેજ સ્રોત, Getty Images

સાઉદી અરેબિયા, યુએઇ અને કતાર વચ્ચેની ઐતિહાસિક દુશ્મનીને જોતાં 'ગલ્ફ નાટો'નો વિચાર કેટલા હદ સુધી વાસ્તવિક જણાય છે? તેની સામે કયા મોટા પડકારો છે?

કતારમાં આરબ સેન્ટર ફૉર રિસર્ચ ઍન્ડ પૉલિસી સ્ટડીઝના સંશોધન વિભાગના નિદેશક અને જ્યૉર્જટાઉન યુનિવર્સિટીના પ્રોફેસર મહેરાન કામરફાએ કહ્યું, "ઇતિહાસ બતાવે છે કે ગલ્ફ કોઑપરેશન કાઉન્સિલે સંકટ સમયે એક યુનિટ તરીકે કામ કર્યું છે. બહારના દેશો માને છે કે ઈરાન-ઇરાક વચ્ચે યુદ્ધ છેડાયું ત્યારે ગલ્ફ કોઑપરેશન કાઉન્સિલ અસ્તિત્વમાં આવ્યું. એવું વિચારાયું હતું કે યુદ્ધ જીતનારો દેશ કાઉન્સિલના સભ્ય દેશો પર હુમલો કરશે. આપણે યુદ્ધની તરત બાદ ઇરાકનો જીસીસીના સભ્ય દેશ કુવૈત પરનો હુમલો જોયો."

તેમણે બીબીસીને કહ્યું, "તેના નિર્માણ બાદથી, જીસીસીએ સંકટનો સામનો કર્યો છે.જ્યારે પણ સંકટનો સમય આવ્યો તેઓ એક સાથે આવી ગયા. હાલનું સંકટ જીસીસીના અસ્તિત્વને પડકારી રહ્યું છે."

જેરુસલેમ ખાતે આવેલી હિબ્રૂ યુનિવર્સિટીમાં ઍસોસિયેટ પ્રોફેસર સાઇમન વોલ્ફગૅંગ ફુક્સના મતે અલ થાનીનું નિવેદન અસામાન્ય હતું.

સાઇમને કહ્યું અલ થાનીએ જે કહ્યું એ મુજબ, ઈરાન અને ઇઝરાયલ અને અખાતના દેશો પણ આ જંગ માટે બરાબર જવાબદાર છે.

સાઇમને કહ્યું, "અલ થાનીનું નિવેદન અમેરિકાની અપ્રત્યક્ષ ટીકા છે. અમેરિકાએ અખાતના દેશોને હુમલા પહેલાં આગોતરી ચેતવણી નહોતી આપી. તેણે આ ઈરાનના હુમલાનો સામનો કરવા માટે તેમને ઍર ડિફેન્સ સિસ્ટમ પણ ન આપી."

સાઇમને કહ્યું, "અખાતના દેશોમાં એવી ભાવના જોવા મળી રહી છે કે અમેરિકા અને ઇઝરાયલે આ દેશોના રક્ષણ કરતાં પોતાનાં મિલિટરી ઠેકાણાંના રક્ષણને પ્રાથમિકતા આપી છે. અમેરિકા સાથેના લાંબા સમયના સંબંધો અને અમેરિકા પાસેથી અબજો ડૉલરની હથિયારોની ખરીદી છતાં અમેરિકાએ સંકટ સમયે તેમની મદદ ન કરી."

સાઇમનને લાગે છે કે આરબ દેશોમાં આ મત મજબૂત અને સ્પષ્ટ છે અને તેને ગંભીરતાથી લેવાની જરૂર છે.

સાઇમન કહે છે કે કતાર સાઉદી અરેબિયાનું આધિપત્યનો કતાર દ્વારા સ્વીકાર એ અજુગતી બાબત છે.

સાઇમન માને છે, "આ બધી વાતો અખાતના દેશોને ચિંતિત કરતી લાગે છે. તેઓ છેતરાયેલા અનુભવી રહ્યા છે. તેમને લાગતું હતું કે તેઓ તટસ્થ દેશો છે, તેઓ ઈરાન, ઇરાક, સીરિયા, યમન, ઇઝરાયલ અને પેલેસ્ટાઇનના સંઘર્ષોથી અલગ રહી શકે છે. પણ હવે એ સ્થિતિ નથી રહી. જોકે, ગલ્ફ નાટો જેવું સંગઠન કદાચ શક્ય ન પણ બને."

સાઇમને વિશ્લેષણ કર્યું, "સાઉદી અને યુએઇના આધિપત્ય માટેની લડાઈ ક્યારેય ખતમ નહીં થાય. સાઉદી અરેબિયાનું સૈન્ય યુએઇ કરતાં ઘણું મજબૂત છે. યુએઇ પાસે માત્ર 65 હજાર સૈનિક છે, તેથી યુએઇએ સાઉદી અરેબિયા સામે ઝૂકવું પડશે."

'અમેરિકા હથિયારો મેળવવા માટેનો દેશ છે'

ઇમેજ સ્રોત, Getty Images

ગલ્ફ કોઑર્ડિનેશન કાઉન્સિલના નેજા હેઢળ સૈન્ય અને સંરક્ષણ સંબંધી ઇન્ડસ્ટ્રિયલ ઝોનની રચના કેટલી હદ સુધી શક્ય છે? અને આની સામે અમેરિકાની કેવી પ્રતિક્રિયા હશે એ મુખ્ય સવાલો છે.

સાઇમન માને છે કે આ ઝોન ક્યાં બનાવવા એ મુદ્દો પણ જટિલ છે.

સાઇમન કહે છે કે, "અખાતના દેશો પ્રવાસન, ટ્રાન્સપૉર્ટેશન, અને હાઇ-ટૅક સેક્ટરો પર આધારિત છે. તેમની પાસે સંરક્ષણ સંબંધી ઉત્પાદન માટે ઇન્ડસ્ટ્રિયલ ઝોન નથી. તેના માટે એન્જિનિયરિંગ સ્કૂલો, યુનિવર્સિટીઓ અને સ્થાનિક નિષ્ણાતોની દરકાર હોય છે. હાલ તો આ ક્ષેત્ર પાસે એમાંથી કંઈ નથી."

સાઇમન કહે છે, "શું આ દેશો બીજા દેશોના નાગરિકો પર રાષ્ટ્રીય સુરક્ષા અને હથિયારોના ઉત્પાદન બાબતે આધાર રાખી શકે? એ પણ એક સવાલ છે. તેથી હાલ તો અમેરિકા પર આધાર છે. ભવિષ્યમાં પણ એવું જ રહેશે. અખાતના દેશોનાં સૈન્યો માટે અમેરિકન હથિયારોનો જ આધાર છે."

પ્રોફેસર મેહરાન માને છે કે અખાતના દેશોમાં હથિયારોના ઉત્પાદન માટે ઇન્ડસ્ટ્રિયલ ઝોનનું નિર્માણ મુશ્કેલ હશે.

તેમણે કહ્યું, "સૈન્ય તાકતથી માંડીને નેતાગીરી સુધી અખાતના દેશો વચ્ચે ઘણા બધા મુદ્દે તીવ્ર હરિફાઈ અને મતભેદ છે."

જોકે, તેઓ માને છે કે આ દેશોમાં કોઈક થિયરી કે સમાધાનો થકી એકબીજા સાથે આવવાની ક્ષમતા ખરી.

તેમણે કહ્યું, "સૈન્ય-ઇન્ડસ્ટ્રિયલ કૉમ્પ્લેક્સ ઊભું કરવા માટે લાંબા ગાળાના આયોજન, રોકાણ, લોજિસ્ટિક્સ અને વ્યવહારિક સ્થિતિની દરકાર હોય છે. હાલ તો આ બધી બાબતો શક્ય નથી જણાતી."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન