ઑફિસમાં કલાકો સુધી બેઠા રહો છો? વાંકીચૂંકી, સૂજી ગયેલી નસો ક્યારે ગંભીર સમસ્યા બની જાય?

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, ઓમકાર કરંબેળકર
    • પદ, બીબીસી મરાઠી
  • વાંચવાનો સમય: 6 મિનિટ

આપણે રોજિંદા જીવનમાં આપણા પગ પર વધારે ધ્યાન આપતા નથી. ઘણા ભારતીયો સામાન્ય, પરંતુ ઉપેક્ષિત સમસ્યા વેરિકોઝ વેઇન્સથી પીડાય છે. વેરિકોઝ વેઇન્સ એટલે કે પગમાં દેખાતી વાંકીચૂંકી, સૂજી ગયેલી અને વાદળી દેખાતી નસો જોઈને ઘણા લોકો કહે છે કે એ માત્ર દેખાતી સમસ્યા જ છે.

જોકે, નિષ્ણાતોનું કહેવું છે કે આ એક કૉસ્મેટિક સમસ્યા જ નથી, પરંતુ તે પગમાં ખરાબ રક્તસંચારનો સંકેત પણ હોઈ શકે છે.

વધારે સમય ઊભા રહેવાથી, સતત બેઠા રહેવાથી, વજન વધવાથી, ગર્ભાવસ્થા અને બદલતી જીવનશૈલીને કારણે ભારતમાં વેરિકોઇઝ વેઇન્સથી પીડાતા લોકોની સંખ્યા વધી રહી છે. વધારે મહત્ત્વની વાત એ છે કે ઘણા લોકો, તેમના પગમાં પીડા થાય, સોજો આવે, ત્વચામાં ફેરફાર કે ઉઝરડા ન દેખાય ત્યાં સુધી આ સમસ્યાની અવગણના કરે છે.

આધુનિક ઉપચાર પદ્ધતિથી આ સમસ્યાના નિવારણમાં સદનસીબે મોટી ક્રાંતિ આવી છે. જે દર્દીઓ ક્યારેક મોટી સર્જરીથી ડરતા હતા તેમનો ઇલાજ આજે થોડી કલાકોમાં જ લેઝર, આરએફ, ગ્લૂ કે સ્ક્લેરોથૅરપી જેવી મિનિમલ ઇન્વેસિવ રીતોથી કરી શકાય છે, પરંતુ સમયસર કોઈ નિષ્ણાત પાસે જવું અને યોગ્ય નિદાન કરાવવું બહુ મહત્ત્વપૂર્ણ છે.

Sorry, we can’t display this part of the story on this lightweight mobile page.

વેરિકોઝ વેઇન્સ શું છે?

પગમાંથી હૃદય સુધી લોહી લઈ જવા માટે નસોમાં નાના-નાના વાલ્વ હોય છે. એ વાલ્વ યોગ્ય રીતે ઉઘડતા અને બંધ થતા રહે તો રક્તનો પ્રવાહ યોગ્ય રીતે વહેતો રહે છે.

આ વાલ્વ જ્યારે નબળા પડવા લાગે, તેનું કામકાજ બગડી જાય ત્યારે લોહી ઊલટી દિશામાં એકઠું થવા લાગે છે. એવા સમયે નસોમાં સોજો આવે છે અને તે બહાર દેખાવા લાગે છે, જેને વેરિકોઝ વેઇન્સ કહે છે.

આ સમસ્યા પ્રારંભિક તબક્કામાં માત્ર દેખાવ પૂરતી હોઈ શકે છે, પરંતુ તેની અવગણના કરવામાં આવે તો તેનાથી પગમાં ભારેપણું, સતત થાક, મોજાં ઉતાર્યાં પછી પણ સોજો રહેવો, ત્વચા કાળી પડવી કે ખંજવાળ જેવી સમસ્યાઓ સર્જાઈ શકે છે. જે વર્ષો સુધી તેના પર ધ્યાન નથી આપતા તેમને પગની ઘૂંટીઓ પાસે રૂઝાઈ નહીં તેવા ઘા પડી શકે છે. તેને વેનસ અલ્સર કહેવામાં આવે છે.

અહીં એ નોંધવું જોઈએ કે પગમાં દુખાવાની દરેક ફરિયાદ અથવા દેખાતી દરેક નસને વેરિકોઝ વેઇન્સ કહી શકાતી નથી. ઘણી વાર આ લક્ષણો, સ્નાયુઓમાં તણાવ, નસોના સંકોચન, સાંધામાં દુખાવો અથવા રક્ત પુરવઠામાં ઘટાડાને કારણે પણ જોવા મળી શકે છે. તેથી નિષ્ણાતો અને ખાસ કરીને વેસ્ક્યુલર સર્જન પાસે, સમસ્યાનું અસલી કારણ જાણી શકાય એટલા માટે તપાસ કરાવવી ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે.

સમયસરનું કલર ડોપ્લર સ્કેન યોગ્ય નિદાન અને સારવાર નક્કી કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

ભારતમાં વેરિકોઝ વેઇન્સ એક સર્વસામાન્ય સમસ્યા હોવા છતાં લોકો તેની ગંભીરતાને ઘણી વાર ઓછી આંકે છે.

ઇમેજ સ્રોત, Getty Images

ઘણા લોકો પગ પરની વાંકીચૂંકી અથવા ફૂલેલી નસોને માત્ર દેખાવ સાથે જોડે છે, પરંતુ મુંબઈની કોકિલાબહેન ધીરુભાઈ અંબાણી હૉસ્પિટલના વેસ્ક્યુલર સર્જરીના વડા ડૉ. રઘુરામ શેખર કહે છે, "તે માત્ર કૉસ્મેટિક સમસ્યા નથી. રક્તના ઊલટા પ્રવાહનાં ગંભીર કારણો આ નસોમાં રહેલાં હોય છે."

તેમના મતાનુસાર, ભારતમાં શિક્ષકો, સિક્યૉરિટી ગાર્ડ્સ, ફૅક્ટરી કામદારો, દુકાનદારો અથવા તો કલાકો સુધી બેસીને કામ કરતા ઑફિસ કર્મચારીઓમાં આ રોગનું પ્રમાણ ઝડપથી વધી રહ્યું છે. આ સમસ્યા વકરે નહીં ત્યાં સુધી લોકો તેની અવગણના કરતા હોય છે.

ડૉ. રઘુરામ શેખર કહે છે, "જડપણું, સોજો, ત્વચા કાળી પડવી એ બધી શરીરની પ્રારંભિક ચેતવણી છે, પરંતુ લોકો આજે પણ મોડી સારવાર શરૂ કરે છે, જેનું કારણ તેમના મનમાં રહેલો જૂની મોટી સર્જરીનો ડર છે."

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

આ વાતને આગળ ધપાવતાં મુંબઈની જસલોક હૉસ્પિટલના વેસ્ક્યુલર સાયન્સ વિભાગના ડાયરેક્ટર ડૉ. શોએબ પદારિયા કહે છે, ભારતમાં વેરિકોઝ વેઇન્સનો વાસ્તવિક વ્યાપક 10થી 20 ટકા હોઈ શકે છે, પરંતુ ચોક્કસ આંકડા ઓછા જોવા મળે છે. તેનું કારણ એ છે કે "લોકો હજુ પણ આ રોગને કૉસ્મિટિક સ્થિતિ માને છે. જાગૃતિનો અભાવ, યોગ્ય નિષ્ણાતો સુધીની પહોંચનો અભાવ અને જૂના ભયને કારણે નિદાન મોડું થાય છે."

તેઓ સમજાવે છે કે આજે સારવાર પદ્ધતિઓ સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. "આજે લેઝર, આરએફ, ગ્લૂ કે ફોમ સ્ક્લેરોથૅરાપી જેવી મોટા ભાગની સારવાર મિનિમલ ઇન્વેસિવ છે. આ ડે-કેર પ્રોસિજર્સ છે અને દર્દી બીજા દિવસે કામ પર જઈ શકે છે."

બંને નિષ્ણાતો જે વાત ભારપૂર્વક જણાવે છે તે સમયસરનું નિદાન છે. ડૉ. રઘુરામ શેખર સલાહ આપે છે કે "દેખાતી દરેક નસ ખતરનાક નથી હોતી, પરંતુ પગમાં થતા દરેક દુખાવાનું કારણ વેરિકોઝ વેઇન્સ હોતી નથી. યોગ્ય નિદાન માટે ડોપ્લર સ્કેન આવશ્યક છે."

ડૉ. શોએબ પદારિયા કહે છે, "મિનિમલ ઇન્વેસિવ સારવાર વેળાએ નસનું કદ, ઊંડાઈ અને સરળપણું એ બધાની તપાસ મહત્ત્વપૂર્ણ હોય છે. તેથી જાતે સારવાર કરવી જોખમી છે અને લાયક વેસ્ક્યુલર સર્જન પાસે જવું હિતાવહ છે."

આ બીમારીનાં લક્ષણો અને જોખમો શું હોય?

ઇમેજ સ્રોત, Getty Images

વેરિકોઝ વેઇન્સ શરૂઆતમાં દેખાવ પૂરતી ત્રાસદાયક લાગી શકે છે, પરંતુ બંને નિષ્ણાતોના મતાનુસાર, શરીર પહેલાંથી જ કેટલાક મહત્ત્વપૂર્ણ સંકેતો આપતું હોય છે.

ડૉ. રઘુરામ શેખર કહે છે, "જડપણું, સાંજે વધતો દુખાવો, પગની ઘૂંટીની આસપાસનો સોજો એ ફક્ત કૉસ્મેટિક ફેરફારો નથી. તે ક્ષતિગ્રસ્ત રક્ત પરિભ્રમણના સંકેતો છે."

તેમના જણાવ્યા અનુસાર, આ બધાની લાંબા સમય સુધી અવગણના કરવાથી પગની ઘૂંટી પરની ત્વચા જાડી થાય છે તેમજ કાળી પડે છે અને ન રૂઝાય તેવા ઘા પડવાનું જોખમ વધે છે. કેટલાક દર્દીઓમાં ઉપરની નસોમાં લોહી એકઠું થવાથી સૌમ્ય ગાંઠો બનવા લાગે છે.

"સુપરફિશિયલ વેઈન થ્રોમ્બોસિસ પીડાદાયક છે, પણ જીવલેણ નથી. લોકો તેનાથી ડરતા હોય છે, પરંતુ ખતરનાક ક્લોટ્સ નસોની અંદર થાય છે."

ડૉ. શોએબ પદારિયા ભારપૂર્વક કહે છે, "કોઈ લક્ષણો ન હોય તો પણ તે જોખમી હોઈ શકે છે. મોટી નસોમાં દુખાવો ન હોય તો પણ પગમાં ત્વચાને ધીમે ધીમે નુકસાન થતું રહે છે. તેથી આ સંદર્ભે સમયાંતરે નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે."

સારવાર કેવી રીતે કરવામાં આવે છે?

ડૉ. શોએબ પદારિયાના જણાવ્યા મુજબ, સારવાર પસંદ કરતી વખતે નસનું કદ, તેની ઊંડાઈ, સરળપણું અને ત્વચા તેનું અંતર આ ચાર નિર્ણાયક પરિબળો છે.

  • નસના આકાર અનુસાર
  • નસનું કદ 4-5 મિમી કરતાં ઓછું હોય તો ફોમ સ્ક્લેરોથૅરપી
  • 5-12 મિમી હોય તો લેઝર (ઇવીએલટી) અથવા આરએફ એબ્લેશન
  • 12-15 મિમી કે તેથી વધુ હોય તો લેસર (ઇવીએલટી) વધારે અસરકારક છે.

નસની રચના અનુસાર

  • મુખ્ય નસ સીધી હોય તો લેસર / આરએફ સારવારની ભલામણ કરવામાં આવે છે.
  • નસ વાંકીચૂંકી (Tortuous) હોય તો ફોમ સ્ક્લેરોથૅરપીની ભલામણ કરવામાં આવે છે

ત્વચાની ઊંડાઈ અનુસાર

  • પાંચ મિમી કરતાં વધારે ઊંડાઈ હોય તો લેસર – આરએફ.
  • ત્વચાની ખૂબ નજીક (<5 મિમી) હોય તો ગ્લૂ અથવા ફોમ.

(આ પદ્ધતિઓમાં ઉષ્ણતાનો ઉપયોગ કરવામાં આવતો ન હોવાથી ત્વચા બળી જવાનું જોખમ ઓછું હોય છે)

વેરિકોઝ વેઇન્સના ઉપચાર માટે ઉપયોગમાં લેવાતી ચારેય પદ્ધતિઓ – લેસર (ઇવીએલટી), રેડિયોફ્રિકવન્સી (આરએફ), ગ્લૂ અને ફોમ સ્ક્લેરોથૅરપીના અલગ-અલગ ફાયદા તથા ઉપયોગના અલગ-અલગ સંદર્ભો છે.

લેસર અને આરએફ બન્ને પદ્ધતિમાં ઉષ્ણતાનો વપરાશ કરવામાં આવે છે. નસને અંદરથી બંધ કરવા માટે થર્મલ ઍનર્જીની જરૂર પડે છે. આ પ્રક્રિયા દરમિયાન લોકલ એનેસ્થેસિયા એટલે કે ટ્યુમેસન્ટ ઇન્જેક્શન આપવું જરૂરી બને છે.

ઇમેજ સ્રોત, Getty Images

બન્ને ઉપચાર પછી દર્દીને થોડી-મધ્યમ પીડા થઈ શકે છે, પરંતુ સારવારનું પરિણામ દીર્ઘકાલીન અને વિશ્વસનીય હોય છે. મોટી મુખ્ય નસો અથવા સીધી પથરાયેલી જીએસવી જેવી નસો માટે તેને વધુ યોગ્ય માનવામાં આવે છે અને તેમાં પુનરાવૃત્તિનું જોખમ બહુ ઓછું હોય છે.

તેનાથી વિપરીત ગ્લુ ટ્રીટમેન્ટ અને ફોમ સ્ક્લેરોથૅરપી નૉન-થર્મલ પદ્ધતિઓ છે, એટલે કે તેમાં ગરમીનો ઉપયોગ થતો નથી. તેથી ડ્યુમસેન્ટ જેવા ઇન્જેક્શનની જરૂર પડતી નથી અને પ્રોસિજર પછી અત્યંત અલ્પ અથવા નહિવત્ પીડા થાય છે.

ગ્લુ ટ્રીટમેન્ટ સામાન્ય રીતે એનેસ્થેસિયા લેવા ન ઇચ્છતા હોય તેવા અથવા જેમની નસો ત્વચાની ખૂબ જ નજીક હોય તેવા દર્દીઓ માટે ઉપયોગી છે. ફોમ સ્ક્લેરોથૅરપી વાંકીચૂંકી, બારીક નસો માટે હોય છે. જોકે, ફોમ સ્ક્લેરોથૅરપીમાં નસ ફરી બનવાનું જોખમ અન્ય પદ્ધતિઓ કરતાં થોડું વધારે હોઈ શકે છે.

એકંદરે દરેક પદ્ધતિનું પોતાનું વિશિષ્ટ સ્થાન છે. લેસર અથવા આરએફ મોટી અને સીધી નસો માટે યોગ્ય છે, જ્યારે ગ્લુ અથવા ફોમ નાની, વક્ર કે ત્વચાની નજીકની નસો માટે યોગ્ય છે. ચોક્કસ પસંદગીનો આધાર ડોપ્લર મેપિંગ અને નિષ્ણાતના મૂલ્યાંકન પર હોય છે.

બંને ડૉક્ટર કહે છે, "બધાની વાહિનીઓ અલગ-અલગ હોય છે. તેથી બધાને એક પ્રકારનો ઉપચાર લાગુ પડતો નથી. એકમાત્ર અને સૌથી સચોટ પગલું ડોપ્લર મેપિંગ છે."

જીવનશૈલીમાં કેવો ફેરફાર કરવો જોઈએ?

ડૉ. રઘુરામ શેખર અને ડૉ. શોએબ પદારિયાના અવલોકન અનુસાર, આ સમસ્યા વધારવામાં આધુનિક જીવનશૈલી એક મુખ્ય પરિબળ છે. તેથી કેટલાક સરળ ફેરફારો વડે મોટો ફરક પાડી શકાય છે.

  • દરરોજ ચાલવું – ચાલવાથી પિંડીના સ્નાયુ પંપ સક્રિય થાય છે. લોહીને હૃદયની તરફ ધકેલે છે.
  • વજન નિયંત્રણમાં રાખવું – પગ પરના દબાણમાં ઘટાડો થાય છે.
  • દર 30 મિનિટે બેસવા, ઊભવાની સ્થિતિ બદલવી.
  • પગ સહેજ ઊંચા રાખીને આરામ કરવો – તેનાથી સોજો અને જડપણું ઘટે છે.
  • કોમ્પ્રેશન સ્ટોકિંગ્ઝ વાપરવા – ખાસ કરીને પ્રારંભિક તબક્કમાં તે ઉપયોગી છે.

આટલું ટાળો

  • કલાકો સુધી એક જ જગ્યાએ ઊભા રહેવું.
  • લાંબા સમય સુધી બેઠા રહેવું.
  • અત્યંત ચુસ્ત કે પહોળા ચપ્પલ પહેરવાથી, હાઈ હિલ્સને કારણે પિંડીના સ્નાયુઓની શક્તિમાં ઘટાડો થાય છે.
  • પગ ગરમ પાણીમાં પલાળવાથી નસો વધારે ફૂલી શકે છે.

ડૉ. રઘુરામ શેખર કહે છે, "લક્ષણો સામાન્ય હોય તો જીવનશૈલીમાં ફેરફાર કરવાથી ખૂબ ફાયદો થાય છે, પણ ત્વચામાં સોજો આવે કે ફેરફાર થાય તો તમારે નિષ્ણાતની સલાહ લેવી જોઈએ."

તમારી જીવનશૈલીમાં કોઈ નોંધપાત્ર ફેરફાર કરવા ઇચ્છતા હો, તમારા આહારમાં ફેરફાર કરવા ઇચ્છતા હો અથવા વ્યાયામ શરૂ કરવા ઇચ્છતા હો તો તમારે ડૉક્ટર અને લાયક ટ્રેનરની મદદ અવશ્ય લેવી જોઈએ. ડૉક્ટર પાસે તમારા શરીર અને લક્ષણોની યોગ્ય રીતે તપાસ કરાવીને, તેમની સલાહ અનુસાર જ જીવનશૈલીમાં ફેરફાર કરવો જોઈએ.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન