ઈરાન : શું મધ્યપૂર્વના ભયંકર યુદ્ધમાં 'પાણી' એ અસલી હથિયાર બની ગયું છે?

ઇમેજ સ્રોત, BBC and Getty Images

    • લેેખક, નિક ઍરિક્સન
    • પદ, બીબીસી વર્લ્ડ સર્વિસ
  • વાંચવાનો સમય: 5 મિનિટ

દુનિયામાં કુદરતી સંસાધનો માટે કેવા કેવા યુદ્ધ થઈ શકે તેની કલ્પના ઘણી નવલકથાઓ અને ફિલ્મોમાં કરવામાં આવી છે. ઈરાન પર અમેરિકા-ઇઝરાયલના હુમલા તેજ થવાથી એવું લાગે છે કે તમામ કલ્પનાઓ જાણે વાસ્તવિકતાનું રૂપ ધારણ કરી રહી છે.

દેખીતી રીતે જ આંશિક રીતે આ યુદ્ધ 'ઑઇલ' પર કેન્દ્રિત છે. ઑઇલ એ એવું કુદરતી સંસાધન છે જેના માટે અહીં ઘણા દાયકાથી પશ્ચિમી દેશોએ 'દખલગીરી' કરી છે.

નિષ્ણાતોનું કહેવું છે કે યુદ્ધ જેમ જેમ અખાતના પાડોશી દેશોમાં ફેલાતું જશે, તેમ તેમ ઑઇલ કરતાં પણ વધારે મહત્ત્વના સંસાધન, એટલે કે પાણીને પણ અસર થવાની શક્યતા છે.

અખાતના દેશો પાસે વિશ્વમાં પીવાલાયક પાણીનો માત્ર બે ટકા હિસ્સો છે. 1950ના દાયકાથી આ ક્ષેત્રમાં ઑઇલ ઉદ્યોગના ઝડપી વિકાસના કારણે મર્યાદિત જળસ્રોત પર ભારે દબાણ વધ્યું છે. તેના કારણે આ દેશો મુખ્યત્વે ખારા પાણીને શુદ્ધ કરવાના પ્લાન્ટ પર નિર્ભર છે.

Sorry, we can’t display this part of the story on this lightweight mobile page.

ઈરાનની રણનીતિ શું છે?

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, ઈરાને અમેરિકા અને ઇઝરાયલના હુમલાના જવાબમાં પાડોશી દેશો પર મિસાઇલો છોડી છે

ફ્રૅન્ચ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ટરનૅશનલ રિલેશન્સ મુજબ કુવૈત પોતાની 90 ટકા પાણીની જરૂરિયાત માટે આવા પ્લાન્ટ પર આધારિત છે. ઓમાન 86 ટકા પાણી માટે, સાઉદી અરેબિયા 70 ટકા પાણી માટે અને યુએઈ (યુનાઇટેડ આરબ અમીરાત) 42 ટકા પાણી માટે તેના પર નિર્ભર છે.

ઓમાનમાં પર્યાવરણ, મત્સ્યપાલન અને જળ કૃષિ વિજ્ઞાન કેન્દ્રના ડૉ. વિલ લી ક્વેસ્નેએ બીબીસી વર્લ્ડ સર્વિસના ન્યૂઝ-ડે કાર્યક્રમમાં જણાવ્યું કે "2021 સુધીમાં અખાતના દેશોમાં ખારા પાણીને શુદ્ધ કરવાના પ્લાન્ટ રોજનું 20 મિલિયન ઘન મીટર કરતાં વધારે પાણીનું ઉત્પાદન કરતાં હતાં. તે ઑલિમ્પિક સાઇઝના લગભગ 8000 સ્વિમિંગ પૂલ ભરાય એટલું છે."

અખાતના પ્રદેશમાં ખેતી અને ખાદ્ય ઉત્પાદન હવે ખારાશ દૂર કરાયેલા પાણી પર આધારિત છે કારણ કે ભૂગર્ભ જળનો જથ્થો ઘટતો જાય છે, જેના કારણે પાણીને લગતું માળખું તેની વ્યૂહાત્મક નબળાઈ બની ગયું છે.

અમેરિકા અને ઈરાન બંને તેનો ફાયદો ઉઠાવવાની કોશિશ કરી રહ્યા છે. નિષ્ણાતોનું કહેવું છે કે ઈરાન આ અંગે અમેરિકા અને ઇઝરાયલ સાથે સીધું ટક્કરમાં ઉતરવાના બદલે ભૌગોલિક વિસ્તરણની નીતિ અપનાવી રહ્યું છે.

તેથી પાણીના માળખાને નિશાન બનાવવું એ ઈરાનની વ્યૂહરચનાનો હિસ્સો હોય તેવું લાગે છે, ભલે પછી તેને બદલાની કાર્યવાહી તરીકે દેખાડવામાં આવે.

ડિસેલિનેશન પ્લાન્ટ પર મધ્યપૂર્વના દેશોનો આધાર

ઇમેજ સ્રોત, Fadel Senna / AFP via Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

કતાર ખાતે નૉર્થવેસ્ટર્ન યુનિવર્સિટીના પ્રોફેસર માર્ક ઑવેન જૉન્સે કહ્યું કે "અખાતના દેશોની સરકારોને લાગે કે તેમનાં જળ સંસાધનો પર હુમલો થઈ રહ્યો છે, તો તેઓ અમેરિકા પર યુદ્ધ સમાપ્ત કરવા માટે દબાણ લાવી શકશે."

લોકોમાં ભય ફેલાવવો અને તેમને આ ક્ષેત્ર છોડવા માટે પ્રભાવિત કરવા એ પણ ઈરાનની રણનીતિનો એક હિસ્સો હોય એમ લાગે છે.

બહેરિને ઈરાન પર ડિસેલિનેશનના માળખા પર હુમલો કરવાનો આરોપ લગાવ્યો છે, ત્યારે ઈરાનનું કહેવું છે કે આનાથી પહેલાં થયેલા હુમલામાં હોર્મુઝ સામુદ્રધુની સ્થિત કેશમ ટાપુ પર વૉટર સપ્લાયના માળખાને નુકસાન પહોંચાડાયું હતું.

દુબઈના જેબેલ અલી પૉર્ટ પર થયેલા હુમલાને દુનિયામાં સૌથી મોટા ડિસેલિનેશન પ્લાન્ટની બહુ નજીકના હુમલા તરીકે ગણાવાય છે.

સંયુક્ત આરબ અમીરાતના ફુજૈરાહસ્થિત પ્લાન્ટમાં આગ લાગવાના સમાચાર છતાં અધિકારીઓએ કહ્યું કે પ્લાન્ટ ચાલુ છે.

કુવૈતમાં દોહા વેસ્ટ ફૅસિલિટીને પણ પરોક્ષ રીતે નુકસાન થયું હોવાના અહેવાલ છે. નજીકના પૉર્ટ પર થયેલા હુમલા અથવા ડ્રૉન હુમલામાંથી પડેલા કાટમાળના કારણે આ નુકસાન થયું હોઈ શકે.

યુનાઇટેડ નૅશન્સ યુનિવર્સિટીના ઇન્સ્ટિટ્યૂટ ફૉર વૉટર, એન્વાયર્નમેન્ટ એન્ડ હેલ્થના વડા પ્રોફેસર કાવેહ મદાનીએ બીબીસી વર્લ્ડને જણાવ્યું કે, "આ ઈરાનના દૃષ્ટિકોણથી એક ચેતવણી છે."

ગલ્ફમાં ડરાવવાના હથિયાર તરીકે 'પાણી'નો ઉપયોગ

ઇમેજ સ્રોત, Fadel Senna / AFP via Getty Images

ઇમેજ કૅપ્શન, મધ્યપૂર્વના તમામ દેશો પીવાના પાણી માટે મોટા ભાગે ડિસેલિનેશન પ્લાન્ટ પર નિર્ભર છે.

ઈરાન પોતાના હુમલાને લઈને બહુ સતર્ક રહ્યું છે અને પોતાનાં કાર્યોને માત્ર "ન્યાયસંગત જવાબી કાર્યવાહી" તરીકે યોગ્ય ગણાવતું રહ્યું છે. ખાસ કરીને બહેરિનમાં કેશમ ટાપુ પર અમેરિકાના હુમલાના વળતા જવાબ તરીકે.

મહત્ત્વની જળ સુવિધાઓ પર કોઈ પણ હુમલો એ અમેરિકા તથા ઇઝરાયલી સૈન્ય કાર્યવાહીના જવાબમાં ઈરાન કઈ હદ સુધી જવા તૈયાર છે તે દેખાડશે.

જોકે, મદાનીનું કહેવું છે કે ઈરાનની શક્તિ અખાતનાં મહત્ત્વપૂર્ણ જળ સંસાધનોને નિશાન બનાવીને હુમલો કરવાની તેની ધમકીમાં નિહિત છે. પરંતુ તેનો અર્થ એવો નથી કે ઈરાન ભવિષ્યમાં પણ આવું જ કરશે.

તેઓ કહે છે કે, "પાણીનો ઉપયોગ હંમેશાથી ડરાવવા-ધમકાવવાના હથિયાર તરીકે થતો આવ્યો છે."

જીનીવા કન્વેન્શનની કલમ 45 હેઠળ નાગરિકોના પાયાના માળખા પર હુમલો કરવાની મનાઇ છે. આ કારણથી જ ઈરાન બહુ સાવધાની રાખે છે અને અખાતમાં ડિસેલિનેશન પ્લાન્ટ પર સીધો હુમલો કરવાના બદલે માત્ર "બદલો લેવા" હુમલો કરી રહ્યું છે.

મદાનીએ અબ્બાસ અરાગચીને ટાંકીને એક સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે, "કાયદા પ્રમાણે પાયાના નાગરિક માળખા પર હુમલો કરી શકાય નહીં. જોકે, ઈરાને પોતાની જાતે આ શરૂ નથી કર્યું."

અરાગચીએ કેશન ટાપુ પરના હુમલાને "જઘન્ય અપરાધ" ગણાવ્યો હતો. આ હુમલાના કારણે કેટલાંય ગામોમાં પાણીનો પુરવઠો અટકી ગયો હતો.

પાણીની તંગીના કારણે વિકટ સ્થિતિ

ઇમેજ સ્રોત, Morteza Nikoubazl/NurPhoto via Getty Images

આ હુમલા ચાલુ રહે કે ન રહે, પરંતુ આ ઘટનાઓ જળ સુરક્ષાના મામલે અમેરિકાના સહયોગીઓ માટે પાણીને લગતા જોખમની ગંભીરતા દેખાડે છે.

જોકે, મદાનીનું કહેવું છે કે ઈરાનની જળ પુરવઠા વ્યવસ્થા તેના પડોશી દેશોની તુલનામાં વધુ વૈવિધ્યપૂર્ણ છે. તે ડિસેલિનેશન પર બહુ ઓછો આધાર રાખે છે. છતાં ઈરાને તેના કારણે ગંભીર મુશ્કેલીઓનો સામનો કરવો પડશે.

ઈરાનમાં ઘણા સમયથી પાણીની તંગી પેદા થયેલી છે. ઊર્જા મંત્રી અબ્બાસ અલીબાદીએ કહ્યું કે ઓછા વરસાદ, કેટલાય દાયકા જૂની જળ વિતરણ પ્રણાલિમાં લીકેજ અને ગયા વર્ષે ઇઝરાયલ સાથે થયેલા 12 દિવસીય યુદ્ધના કારણે પાણીમાં ઘટાડો થયો છે.

ઈરાનના રાષ્ટ્રીય જળવાયુ અને દુષ્કાળ પ્રબંધન કેન્દ્રના અહમદ વઝીફે કહ્યું કે દેશભરના ડૅમ હાલમાં ચિંતાજનક સ્થિતિમાં છે.

ફ્રૅડ પિયર્સ જેવા પર્યાવરણવાદીઓનું કહેવું છે કે દાયકાઓ અગાઉ બનેલા ડૅમ, પાણી પર ખેતીવાડીની નિર્ભરતા અને યોગ્ય મૅનેજમેન્ટના અભાવે ઈરાનની સ્થિતિ વધુ ગંભીર બની શકે છે.

કેટલાક પ્રદેશમાં વધુ પ્રમાણમાં ભૂગર્ભજળ ઉલેચાવાના કારણે જમીનને ગંભીર નુકસાન થયું છે.

પાણીની અછતના લીધે અસ્થિરતા વધશે?

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઈરાન પર ઇઝરાયલ અને અમેરિકાના હુમલા અને સુપ્રીમ લીડરની હત્યા પછી ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે.

કેટલાક સંશોધનકારો આને એક પર્યાવરણીય અને રાષ્ટ્રીય સુરક્ષાના ખતરા તરીકે જુએ છે જે ઈરાનની આંતરિક સ્થિરતા અને આર્શિક સુધારાને અસર પાડી શકે છે. અમેરિકા અને ઇઝરાયલ સાથે ચાલતા સંકટમાં આ સમસ્યા ઘણી વધી જાય છે.

આ યુદ્ધ અગાઉ પણ પાણીની અછતના કારણે ઈરાનમાં આંતરિક અસ્થિરતા પેદા થઈ હતી. ખુઝેસ્તાન, ઇસ્ફાહાન અને બીજા પ્રદેશોમાં પાણીને લઈને થયેલાં વિરોધપ્રદર્શનો રાજકીય મુદ્દા અને વધતી મોંઘવારી સાથે સંકળાયેલાં હતાં.

હેલમંડ નદીના મામલે અફઘાનિસ્તાન સાથે, ટાઇગ્રિસ અને યુફ્રેટ્સ નદીઓ પર બંધાયેલા ડૅમના કારણે તુર્કી સાથે અને વહેંચણીના પાણીના મામલે ઇરાક સાથે લાંબા સમયથી વિવાદ ચાલે છે.

આ ક્ષેત્રમાં ભવિષ્યના સંઘર્ષ માત્ર ઑઇલની પાઇપલાઇનો અને ટૅન્કરો દ્વારા જ નહીં, પરંતુ નદીઓ અને ડિસેલિનેશન પ્લાન્ટથી પણ નક્કી થશે. ભવિષ્યમાં આ સંઘર્ષમાં પાણી એ ઑઇલ કરતાં પણ વધુ મહત્ત્વપૂર્ણ બની શકે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન