રાજા રવિ વર્માનું 'યશોદા અને કૃષ્ણ' ચિત્ર 167 કરોડ રૂ.માં વેચાયું, આ ચિત્રમાં શું ખાસ છે?
- લેેખક, જાનવી મૂળે
- પદ, બીબીસી સંવાદદાતા
- વાંચવાનો સમય: 4 મિનિટ
ભારતના મહાન ચિત્રકાર રાજા રવિ વર્મા દ્વારા નિર્મિત, અમર કલાકૃતિ ગણાતા 'યશોદા અને કૃષ્ણ' ચિત્રે એક નવો રેકૉર્ડ સર્જ્યો છે. સાથે જ આ ચિત્રે ભારતીય કલાની વધતી માંગ પર પણ ધ્યાન ખેંચ્યું છે.
1 એપ્રિલ, 2026ના રોજ દિલ્હીમાં સેફ્રોનઆર્ટ દ્વારા આયોજિત હરાજીમાં આ પેઇન્ટિંગ 167.2 કરોડ રૂપિયામાં વેચાયું હતું.
આ હરાજીમાં વેચાયેલું સૌથી મોંઘું ભારતીય પેઇન્ટિંગ છે. અગાઉનો રેકૉર્ડ એમએફ હુસૈનની 'અનટાઇટલ્ડ - વિલેજ ટૂર'ના નામે હતો, જેને ગયા વર્ષે 119 કરોડ રૂપિયાની જંગી કિંમતે ખરીદાયું હતું.
હવે, સેફ્રોનઆર્ટે એક પ્રેસ રિલીઝમાં માહિતી આપી છે કે 'યશોદા અને કૃષ્ણ' પેઇન્ટિંગ પુણેમાં 'સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા'ના સ્થાપક સાયરસ પૂનાવાલાએ ખરીદ્યું છે.
પૂનાવાલાને ટાંકીને પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું છે, "આ રાષ્ટ્રીય ખજાનો સામાન્ય લોકો જોઈ શકે એ માટે સમયાંતરે ઉપલબ્ધ બને એ સુનિશ્ચિત કરવાની હું પહેલ કરીશ."
ભારતના પ્રાચીન વસ્તુઓ સંબંધી કાયદા હેઠળ, રાજા રવિ વર્માનાં ચિત્રોને રાષ્ટ્રીય ખજાના તરીકે સૂચિબદ્ધ કરવામાં આવ્યાં છે. પરિણામે, તેમનાં ચિત્રો દેશની બહાર નિકાસ કરી શકાતાં નથી અને ફક્ત ભારતીય ખરીદદારો જ તેને ખરીદી શકે છે.
'યશોદા અને કૃષ્ણ' કેમ ખાસ છે?
રાજા રવિ વર્માનો જન્મ 1848માં હાલના કેરળના ત્રાવણકોરના કિલમાનુર ગામમાં થયો હતો.
ભારતમાં આધુનિક ચિત્રકામનો પાયો નાખનાર ચિત્રકાર તરીકે જાણીતા, રવિ વર્મા તેમનાં ચિત્રોમાં યુરોપિયન તકનીકો અને ભારતીય પરંપરાઓનું મિશ્રણ લાવ્યાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
હિંદુ પૌરાણિક કથાઓ અને મહાકાવ્યોનાં દૃશ્યોનાં તેમનાં વાસ્તવિક ચિત્રો સમગ્ર ભારતમાં પ્રખ્યાત છે, તેની લોકપ્રિયતાનો અંદાજ એ વાત પરથી આવી જાય છે કે દેવી-દેવતાનાં તેમણે બનાવેલાં ચિત્રોની નકલો ઘણાં ભારતીય ઘરોની દીવાલો પર લટકતી જોવા મળે છે.
બુધવારે વેચાયેલું 'યશોદા અને કૃષ્ણ'નું આ પેઇન્ટિંગ 35 બાય 28.25 ઇંચ (89 બાય 72 સેમી)નું છે. કૅન્વાસ પરનું આ ઑઇલ પેઇન્ટિંગ 1890ના દાયકાનું છે, જ્યારે રાજા રવિ વર્મા તેમની કારકિર્દીની ટોચ પર હતા.
આ ચિત્રમાં બાળ કૃષ્ણ અને તેમનાં પાલક માતા યશોદાનું ચિત્રણ છે. યશોદા એક ગાયનું દૂધ દોહી રહ્યાં છે, અને કૃષ્ણ હાથમાં પ્યાલો લઈને તેમની બાજુમાં ઊભેલા દેખાય છે.
કૃષ્ણની આંખોમાં મસ્તીનો ભાવ છે, જ્યારે યશોદાના ચહેરા પર માતૃત્વનો સ્નેહ દેખાય છે. બંનેએ પહેરેલાં આભૂષણો સરળ છતાં જટિલ રીતે ડિઝાઇન કરવામાં આવ્યાં છે.
બૅંગ્લુરુસ્થિત રવિ વર્મા હેરિટેજ ફાઉન્ડેશને એક પોસ્ટમાં આ ચિત્રનું કંઈક આવું વર્ણન કર્યું, "રેશમી કાપડની રચના, ઘરેણાંની ચમક, ત્વચાની કોમળતા અને ગાયની શાંત સ્થિરતા આ દૃશ્યને ભક્તિમય અને આત્મીય બનાવે છે."
'યશોદા અને કૃષ્ણ' ચિત્રની તુલના ઘણી વાર યુરોપિયન કલામાં 'માતા અને બાળક' (મૅડોના અને ઈસુ)ના સાર્વત્રિક થીમ સાથે કરવામાં આવે છે.
માતા અને બાળક વચ્ચેના ભાવનાત્મક બંધનને વિશ્વભરમાં ઘણી વખત દર્શાવવામાં આવ્યું છે.
માત્ર ભારતમાં જ નહીં, પરંતુ સમગ્ર દક્ષિણ એશિયામાં, કૃષ્ણ અને યશોદાની આ જોડીએ સદીઓથી કલાકારોને પ્રેરણા આપી છે. તેમના પર ભક્તિ ગીતોમાં રચવામાં આવ્યાં છે, મંદિરનાં શિલ્પો અને સ્થાનિક ચિત્ર પરંપરાઓમાં પણ દર્શાવવામાં આવ્યાં છે.
પરંતુ કલા ઇતિહાસકારોના મતે, રવિ વર્માએ બનાવેલું આ ચિત્ર અગાઉનાં તમામ ચિત્રો કરતાં અલગ હતું, કારણ કે તેમાં યશોદા અને કૃષ્ણને દૈવી સ્વરૂપમાં નહીં, પરંતુ કુદરતી માનવ સ્વરૂપમાં દર્શાવવામાં આવ્યાં હતાં.
કલાકાર એ. રામચંદ્રન 'આઇકોનિક માસ્ટરપીસ ઑફ ઇન્ડિયન મૉર્ડન આર્ટ, આવૃત્તિ 03' માં લખે છે, "ભગવાનની લોકપ્રિય છબિ પ્રેમ અને આત્મીયતા નહીં, પણ આદર અને ભયને પ્રેરિત કરે છે, પરંતુ રવિ વર્માએ કૃષ્ણ અને પ્રેક્ષકો વચ્ચેનું અંતર ઘટાડ્યું."
દેવતાઓનું આ માનવીકરણ રવિ વર્માનાં ચિત્રોને વધુ જીવંત બનાવે છે.
એટલા માટે, રવિ વર્માનાં ચિત્રોની મુદ્રિત નકલો અને ઓલિયોગ્રાફ્સ (પુન: મુદ્રિત તૈલચિત્રો) સરળતાથી ઉપલબ્ધ હોવા છતાં, તેમનાં મૂળ ચિત્રો હજુ પણ કલાકારો, કલાપ્રેમીઓ અને સંગ્રહ કરનારાને આકર્ષે છે.
ભારતીય કલાકૃતિઓની વધતી કદર
હાલના સમયમાં દક્ષિણ એશિયન કલા, ખાસ કરીને ભારતીય કલાકૃતિઓ, વૈશ્વિક સ્તરે રેકૉર્ડ કિંમત મેળવી રહી છે.
ઐતિહાસિક કે સાંસ્કૃતિક રીતે મહત્ત્વપૂર્ણ ચિત્રો માટે કલેક્ટર્સ વધુને વધુ કિંમત ચૂકવવા તૈયાર થઈ રહ્યા છે.
બીબીસી સાથે વાત કરતાં ડીએજી (પહેલાં દિલ્હી આર્ટ ગૅલરી)ના સીઇઓ અને મૅનેજિંગ ડિરેક્ટર આશિષ આનંદ કહે છે, "ભારતીય કલાની અંગેની વિભાવનામાં સ્પષ્ટપણે પરિવર્તન આવ્યું છે."
"જેમ જેમ બજાર પરિપક્વ થાય છે અને માપદંડો વધે છે, તેમ તેમ કલેક્ટર્સ આ કલાકૃતિઓના સાંસ્કૃતિક અને આર્થિક મૂલ્યને ઓળખવા લાગ્યા છે."
પરંતુ તેઓ પણ બતાવે કરે છે કે આ બધામાં મૂળ છબિની ગુણવત્તા મહત્ત્વપૂર્ણ છે.
ભારતીય રોકાણકારો હવે કલા પર નાણાં ખર્ચવા તૈયાર છે. ભારતમાં આર્ટ કલેક્ટર્સ અને ભારતીય મૂળના લોકોમાં ભારતીય કલા પ્રત્યે જાગૃતિમાં પણ વધાર થયો છે.
તાજેતરના સમયમાં આંતરરાષ્ટ્રીય મ્યૂઝિયમો અને સંસ્થાઓએ પણ ભારતીય કલાકૃતિઓનું પુનર્મૂલ્યાંકન કર્યું છે.
આ કલાકૃતિઓ દુર્લભ છે, એ પણ તેનું આટલું મૂલ્યવાન હોવા પાછળનું બીજું એક મહત્ત્વનું કારણ છે.
રવિ વર્માથી માંડીને અમૃતા શેર-ગિલ અને વાસુદેવ ગાયતોંડે સુધી, ઘણા કલાકારોની શ્રેષ્ઠ કૃતિઓ કાં તો પબ્લિક કલેક્શનમાં છે અથવા ભાગ્યે જ હરાજી માટે ઉપલબ્ધ હોય છે.
આ પૃષ્ઠભૂમિ સામે, આશિષ આનંદ કહે છે કે 'યશોદા અને કૃષ્ણ' ચિત્રના વેચાણને પણ એક નવી શરૂઆત તરીકે જોવામાં આવી રહ્યું છે.
તેઓ કહે છે, "આ વૈશ્વિક રેકૉર્ડની અસર સમગ્ર ભારતીય કલા બજારમાં પડશે, અને ભારતીય કલાને માત્ર સૌંદર્યલક્ષી અથવા વ્યક્તિગત આનંદ તરીકે જ નહીં, પરંતુ એક ખરી આર્થિક સંપત્તિ તરીકે જોવામાં આવશે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
નવાજૂની
બીબીસી વિશેષ
સૌથી વધુ વંચાયેલી સ્ટોરીઝ
આ કન્ટેન્ટ ઉપલબ્ધ નથી