'મને લાગ્યું કે હવે મોત નજીક છે', યુદ્ધ વચ્ચે ઈરાનથી પાછા ફરેલા ભારતીય નાવિકોની આપવીતી

ઇમેજ સ્રોત, Mohammad Sartaj Alam

ઇમેજ કૅપ્શન, ઈરાનમાં કેદથી મુક્ત થયા બાદ ભારતીય નાવિકો આર્મીનિયા થઈને ભારત પરત ફર્યા છે
    • લેેખક, મોહમ્મદ સરતાજ આલમ
    • પદ, બીબીસી માટે
  • વાંચવાનો સમય: 6 મિનિટ

ગત વર્ષે 8 ડિસેમ્બરના રોજ ઈરાની અધિકારીઓએ જે સમુદ્રી જહાજ 'એમટી વૈલેંટ રોર'ને પોતાના કબજામાં લઈ લીધું હતું, તેના ચાલકદળના આઠ ભારતીય સભ્યો રવિવાર ભારત આવી પહોંચ્યા.

ગત વર્ષે 8 ડિસેમ્બરના રોજ યુએઇના ડિબ્બા બંદર પાસે આંતરરાષ્ટ્રીય જળક્ષેત્રમાંથી પકડાયેલા આ જહાજમાં કુલ 16 ભારતીય કર્મચારી હાજર હતા.

તેમાંથી આઠ કર્મચારી 10 ફેબ્રુઆરીના રોજ ભારત પરત ફરી ચૂક્યા હતા, પરંતુ અન્ય આઠ કર્મચારી 27 ફેબ્રુઆરીના રોજ મુક્ત થયા બાદ પણ પોતાના ઘરે પરત ન ફરી શક્યા.

ઈરાન પર ઇઝરાયલ અને અમેરિકાના હુમલાના કારણે જહાજના કપ્તાન સહિત અન્ય આઠ નાવિક સંઘર્ષપૂર્ણ હાલતમાં આર્મીનિયાના રસ્તે 29 માર્ચે ભારતે પહોંચ્યા.

એક સમયે આશા ગુમાવી ચૂકેલા આ નાવિક ભારત પરત ફર્યા બાદ હવે નવેસરથી જીવન શરૂ કરવાનું વિચારી રહ્યા છે અને એ પૈકી એકનાં તો ટૂંક સમયમાં જ લગ્ન પણ થવાનાં છે.

બીબીસી સાથે ફોન પર વાત કરતાં આ નાવિકોએ ઈરાનમાં ધરપકડ બાદ પેદા થયેલી અત્યંત મુશ્કેલ પરિસ્થિતિ વિશે જણાવ્યું.

Sorry, we can’t display this part of the story on this lightweight mobile page.

'... લાગ્યું કે ક્યારેય ભારત નહીં પહોંચીએ'

ઈરાની અધિકારીઓએ 6000 મેટ્રિક ટન ગેરકાયદેસર ડીઝલ લઈ જવાના આરોપમાં સમુદ્રી જહાજ 'એમટી વૈલેંટ રોર'ને ડિબ્બા બંદર પાસે આંતરરાષ્ટ્રીય જળક્ષેત્રમાંથી પોતાના કબજામાં લીધા હતા અને તેના 18 ક્રૂ મેમ્બરની ધરપકડ કરી લીધી હતી.

આ જહાજના કપ્તાન વિજયે જણાવ્યું કે યુએઇના ડિબ્બા બંદરની પાસે આંતરરાષ્ટ્રીય જળક્ષેત્રમાં જહાજ પર અચાનક ફાયરિંગ શરૂ થઈ ગયું હતું, બાદમાં તેમને ખબર પડી કે આ કાર્યવાહી ઈરાની સુરક્ષા દળ 'ઇસ્લામિક રિવોલ્યૂશનરી ગાર્ડ'એ કરી છે.

એ બાદ ઈરાની સુરક્ષા દળ આ જહાજને આંતરરાષ્ટ્રીય જળક્ષેત્રમાંથી ઈરાની બંદર અબ્બાસ સુધી લઈ ગયા.

ઇમેજ સ્રોત, Mohammad Sartaj Alam

ઇમેજ કૅપ્શન, ઈરાન અને આર્મીનિયા બૉર્ડર જ્યાંથી આ આઠ લોકો ઍરપૉર્ટ જવા માટે પસાર થયા
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

તેમણે દાવો કર્યો કે એ દરમિયાન ઈરાની અધિકારીઓએ જહાજના તમામ કર્મચારીઓનાં પૈસા, સામાન, મોબાઇલ, લૅપટૉપ, બધાં કપડાં, પાસપૉર્ટ અને અહીં સુધી કે તેમનાં શૈક્ષણિક પ્રમાણપત્ર પણ જપ્ત કરી લીધાં.

કપ્તાન વિજયે કહ્યું, "અમને ઘણા દસ્તાવેજ પર સહી કરવાનું કહેવાયું, પરંતુ અમે ના પાડી દીધી."

આ જહાજના 18 ક્રૂ મેમ્બર પૈકી 16 ભારતીય હતા. એ પૈકી 10ને જેલમાં મોકલી દેવાયા અને છને ઈરાની ગાર્ડ્સની કડક દેખરેખમાં જહાજના મેસ રૂમમાં 27 ફેબ્રુઆરી સુધી નજરબંધ રખાયા.

ચાલકદળના તમામ સભ્યોનું કહેવું છે કે તેમને ત્યાં અત્યંત ખરાબ સ્થિતિમાં રાખવામાં આવ્યા હતા.

ફોન પર થયેલી વાતચીતમાં જહાજના સેકન્ડ એન્જિનિયર રાજશેખર ડૂંગાએ ભાવુક થતાં કહ્યું, "રૅશન ન હોવાને કારણે અમે ચોખામાં મીઠું ભેળવી ખાતા અને પીવા માટે અયોગ્ય એવું ઇન્ડસ્ટ્રિયલ પાણી ઉકાળીને પીતા."

આ ચાલકદળના પરેશાન થઈ ગયેલા પરિવારજનો જાન્યુઆરી માસમાં દિલ્હી હાઇકોર્ટની શરણે પહોંચ્યા. હાઇકોર્ટ 15 જાન્યુઆરીના રોજ વિદેશ મંત્રાલય પાસેથી જવાબ માગ્યો, જેનો જવાબ વિદેશ મંત્રાલયે 20 જાન્યુઆરીના રોજ દાખલ કર્યો.

જવાબમાં કહેવાયું કે "સ્થિતિ પર વિદેશ મંત્રાલય સતત નજર રાખી રહ્યું છે અને પકડાયેલા ક્રૂને કન્સુલર એક્સેસ અપાયું છે."

નાવિક સતીશ અનુસાર ભારતીય દૂતાવાસનું કન્સુલર એક્સેસ બીજા અઠવાડિયામાં મળ્યું હતું.

બીબીસી સાથેની વાતચીતમાં આ નાવિકોએ કહ્યું કે કન્સુલર એક્સેસ મળતા પહેલાં એવું લાગી રહ્યું હતું કે ક્યારેય પાછા પોતાના દેશ નહીં પહોંચી શકીએ, કારણ કે ઘણા લોકો એવી જ સ્થિતિઓમાં વર્ષોથી જહાજોમાં ફસાયેલા હતા.

મુક્ત તો થઈ ગયા, પણ...

ઇમેજ સ્રોત, Mohammad Sartaj Alam

ઇમેજ કૅપ્શન, (ડાબેથી જમણે) કેતન મહેતા, રાજશેખર ડૂંગા અને સતીશકુમાર

10 ફેબ્રુઆરીના રોજ આઠ કર્મચારી મુક્ત થઈને ભારત પહોંચ્યા, પરંતુ જેલમાં રહી રહેલા દિલ્હીના કેતન મહેતા, ઉત્તર પ્રદેશના અનિલકુમાર સિંહ, હરિયાણાના સતીશકુમાર, આંધ્ર પ્રદેશના વેંકટ રાવ અને બિહારના મસૂદ આલમનો છુટકારો ન થયો.

તેમણે જણાવ્યું કે ઈરાની ગાર્ડ્સ તેમને જહાજ પર પરત લઈ આવ્યા. જ્યાં પહેલાંથી જ ઉત્તર પ્રદેશના કપ્તાન વિજય, આંધ્ર પ્રદેશ અને રાજશેખર ડૂંગા અને નંદકી વેંકટેશ નજરબંધ હતા.

અનિશ્ચિતતા, ભય અને મુશ્કેલીઓનો સામનો કરી રહેલા લોકોને મુક્તિનો આદેશ 27 ફેબ્રુઆરીની સાંજે મળ્યો.

છુટકારોનો આદેશ મળ્યા બાદ ભારતીય દૂતાવાસે હસ્તક્ષેપ કરીને ઈરાની ગાર્ડ્સ પાસેથી આઠ કર્મચારીઓના પાસપૉર્ટ પાછા અપાવ્યા. એનાથી તેમને લાગ્યું કે તેઓ અંતે આઝાદ થઈ ગયા, પરંતુ રાત પડતાં જ ઇઝરાયલ અને અમેરિકાએ ઈરાન પર હુમલો કરી દીધો.

જહાજના કપ્તાન વિજયકુમાર કહે છે, "યુદ્ધના કારણે મુક્તિના આદેશની ખુશી અમુક કલાક સુધી પણ જળવાઈ ન રહી શકી."

ઇઝરાયલ-અમેરિકા અને ઈરાન યુદ્ધ સાથે જ ઈરાનની બૉર્ડર અને હવાઈ મથકથી અવરજવર રોકાઈ ગઈ અને આના કારણે મુક્તિ છતાં તેઓ ભારત પરત આવી નહોતા શકી રહ્યા.

'અસહાય થઈને આસપાસ પડતી મિસાઇલોને જોતા રહ્યા'

ઇમેજ સ્રોત, Mohammad Sartaj Alam

ઇમેજ કૅપ્શન, આ તમામ નાવિક 'એમટી વૈલેંટ રોર' નામના આ જ જહાજમાં તહેનાત હતા

અબ્બાસ બંદરમાં આ લોકો જહાજ ઈરાની નૌસેના બેઝની બિલકુલ નિકટ હાજર હતું. આવી સ્થિતિમાં જંગ શરૂ થયાના કારણે તમામને એક નવી ચિંતા ઘેરી વળી.

કપ્તાન વિજયે જણાવ્યું કે તેઓ ઇચ્છીને પણ જહાજને બીજી જગ્યાએ નહોતા લઈ જઈ શકી રહ્યા, કારણ કે જહાજના બધાં નેવિગેશન ઉપકરણ પહેલાંથી જ ઈરાની અધિકારીઓ હઠાવી ચૂક્યા હતા.

તેઓ કહે છે કે, "આવી સ્થિતિમાં અમે નિ:સહાયપણે આકાશમાંથી પડતી મિસાઇલોને જોતા રહ્યા, જે અમારી આસપાસ પડી રહી હતી."

કૅપ્ટન વિજયે કહ્યું કે તેમણે પોતાની કંપનીને આ સ્થિતિની જાણ પણ કરી કે તેમની પાસે આગ ઓલવવાનાં કે જીવનરક્ષક ઉપકરણ નથી, પરંતુ કંપનીનો આદેશ હતો કે એ બધા જહાજ પર રહે.

બીબીસી ન્યૂઝ હિંદીએ કૅપ્ટન વિજયના આ આરોપ વિશે કંપનીના માલિક જોગવિંદર બરાડનો સંપર્ક કર્યો, પરંતુ તેમણે કૉલનો જવાબ ન આપ્યો.

3 માર્ચની રાત્રે ભારતીય દૂતાવાસે તમામને રેસ્ક્યૂ કરાવીને અબ્બાસ બંદરની એક હોટલમાં શરણ અપાવી.

કેતન મહેતા કહે છે કે ત્યાં પણ આસપાસના કાટમાળને જોઈને દિવસે ઊંઘ નહોતી આવતી અને રાત પણ મિસાઇલોના ભયમાં પસાર થતી.

ચીફ એન્જિનિયર અનિલકુમાર સિંહ કહે છે કે, "50 વર્ષની ઉંમર સુધી મેં ક્યારેય દુ:ખ, તકલીફ, ભયનું આવું કોઈ દૃશ્ય નથી જોયું, પરંતુ આ સફરમાં અમારી એકેક પળ મોતની સાવ નિકટથી પસાર થઈ."

ભારતીય ક્રૂ અનુસાર સ્થિતિ એવી હતી કે આસપાસ થઈ રહેલા બૉમ્બમારાના કારણે આખી રાત તેમની હોટલની દીવાલો ભયંકરપણે ધ્રૂજતી.

ઉત્તર પ્રદેશના રહેવાસી અનિલકુમાર સિંહ જણાવે છે કે 3થી માંડીને 11 માર્ચ સુધી સ્થિતિ બદતર રહી, પરંતુ 11 માર્ચ બાદ હુમલામાં ઘટાડો થઈ ગયો.

વગર પૈસે બે દેશોની સફર

ઇમેજ સ્રોત, Mohammad Sartaj Alam

ઇમેજ કૅપ્શન, જહાજના કપ્તાન વિજયકુમાર

15 માર્ચના રોજ ભારતીય દૂતાવાસે કૅપ્ટન વિજયને આર્મીનિયા બૉર્ડર ખૂલવાની માહિતી આપી.

ચાલકદળના સભ્યોએ જણાવ્યું કે ધરપકડ સમયે તેમનાં પૈસા-કપડાં બધું ઈરાની અધિકારીઓએ લઈ લીધાં હતાં, તેથી પાછા ફરવા માટે તેમણે ક્યાંકથી ઉધારે પૈસાની વ્યવસ્થા કરવી પડી.

એ બાદ તેમણે એક કૅબ કરી. સફર દરમિયાન તેઓ એક એવા વિસ્તારમાંથી પસાર થયા જ્યાં બૉમ્બમારો થઈ રહ્યો હતો. આર્મીનિયા બૉર્ડરથી લગભગ 60 કિમી પહેલાં ઈરાનના ઝૉલ્ફામાં તેમણે રોકાવવું પડ્યું.

ત્રણ દિવસ સુધી રાહ જોયા બાદ તમામને આર્મીનિયાના વિઝા મળ્યા, 27 માર્ચના રોજ આર્મીનિયાના પાટનગર યેરેવાન પહોંચ્યા. ત્યાં તમામે ઍરપૉર્ટની નજીક હોટલમાં રાત પસાર કરી.

28 માર્ચની સાંજે બધા દુબઈ પહોંચ્યા. જ્યાંથી 29 માર્ચની સવારે પાંચ વાગ્યે એ લોકો મુંબઈ પહોંચ્યા.

ચાલકદળના સભ્યોએ જણાવ્યું કે આ ઉડાનો માટે ડીજી શિપિંગ ઑફ ઇન્ડિયાની પહેલથી તમામને ફ્લાઇટની ટિકિટ મળી.

કપ્તાન વિજય કહે છે કે, "ઈરાની નિયંત્રણ દરમિયાન શિપ પર ભોજનથી માંડીને તમામ જરૂરી વસ્તુઓ, વકીલ, હોટલ, કૅબ, વગેરેનો ખર્ચ અમારી સુરક્ષાની જવાબદારી કંપનીના માલિકની હતી, પરંતુ તેમનો રિસ્પૉન્સ ન મળવો એ અમારા માટે નિરાશાજનક રહ્યું."

તેઓ જણાવે છે કે ભારતીય દૂતાવાસના હસ્તક્ષેપ બાદ કંપનીએ માત્ર બંદર અબ્બાસની હોટલનો ખર્ચ ઉપાડ્યો, જ્યારે ઝૉલ્ફાની હોટલનો ખર્ચ દૂતાવાસે વેઠ્યો. આર્મીનિયા પહોંચ્યા બાદ જે હોટલ લેવાઈ તેનો ખર્ચ ખુદ વેઠ્યો.

કપ્તાન વિજય સાથે સંમત થતાં મસૂદ આલમ કહે છે કે "અમને બધાને ઘણા મહિનાથી ચુકવણી નથી કરાઈ. જણાવો જરા, અમે ફરી વાર આ કંપનીની શિપમાં જવાની હિંમત કેવી રીતે કરીશું?"

ખૂંખાર અપરાધીઓ સાથે કેદથી લગ્નની તૈયારીઓ સુધી

ઇમેજ સ્રોત, Mohammad Sartaj Alam

ઇમેજ કૅપ્શન, મસૂદ આલમના ઘરમાં તેમનાં લગ્નની તૈયારીઓ ફરી શરૂ થઈ ગઈ છે

મસૂદનું માનવું છે કે આ સફર એક એવી હકીકત છે, જેનાથી છુટકારો મેળવવો ખૂબ મુશ્કેલ છે.

તેઓ કહે છે, "અમને ઈરાનીઓએ બળાત્કાર, ડ્રગ્સની હેરાફેરી, હત્યાના ગંભીર ગુનાના અપરાધીઓ વચ્ચે રાખ્યા. જે અત્યંત કષ્ટદાયક હતું, કારણ કે અમે બધા નિર્દોષ હતા, જેને અમે ક્યારેય ભૂલી નહીં શકીએ. આની જવાબદારી માત્ર કંપનીની છે."

જોકે, ભારત પાછા ફર્યા બાદ આ તમામ નાવિક અત્યંત રાહત અનુભવી રહ્યા છે.

મસૂદનાં ઈદ બાદ લગ્ન થવાનાં હતાં, જે થોડી વાર માટે તો અટકી પડ્યાં હતાં... પરંતુ હવે આશા અને ઉંમગ પરત ફર્યાં છે.

લગ્નની નવી તારીખ નક્કી કરાઈ રહી છે અને તેમના ઘરમા ફરી પાછી તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.

બીબીસી સાથેની વાતચીતમાં મસૂદના બનેવીએ ખુશ થઈને કહ્યું કે આજકાલ તમામ લોકો લગ્ન માટે ખરીદીમાં વ્યસ્ત છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન