ધુરંધર: ધ રિવેન્જ બાદ વાઇરલ થયેલા લ્યારીના 'ધ ગ્રાન્ડ ઑપરેશન' વીડિયોનું સત્ય શું છે?

ઇમેજ સ્રોત, ANCC/Dhurandhar - The Revenge

    • લેેખક, શુમાઇલા ખાન
    • પદ, બીબીસી સંવાદદાતા
  • વાંચવાનો સમય: 6 મિનિટ

જ્યારે માર્ચ 2026માં 'ધુરંધર: ધ રિવેન્જ' થિયેટરોમાં રિલીઝ થઈ, ત્યારે ફિલ્મની કહાણીને અસલ જિંદગીમાં સામે આવવામાં વધુ સમય ન લાગ્યો.

ઇન્ટરનેટ પર એક વીડિયો ઝડપથી વાઇરલ થવા લાગ્યો. આ વીડિયોને ભારતમાં ઘણો શૅર થયો, જેમાં દાવો કરાયો હતો કે લૉ એન્ફોર્સમેન્ટ એજન્સીએ લ્યારીમાં ભારતીય ગુપ્તચરોને પકડવા માટે એક 'ગ્રાન્ડ ઑપરેશન' ચલાવ્યું છે.

સોશિયલ મીડિયા પર ઘણી પોસ્ટમાં એવો દાવો કરાયો કે આ ઑપરેશન ફિલ્મની જાસૂસીવાળી કહાણીથી પ્રેરિત હતું.

જોકે, બીબીસી આ વીડિયોના અસલ સ્રોતોની સ્વતંત્રપણે પુષ્ટિ નથી કરી શક્યું.

આ વીડિયો ક્લિપ ઘણી નાટકીય લાગી રહી હતી. પોલીસ સડકની એક બાજુએ સૂઈ રહેલી એક વ્યક્તિને જગાડે છે, તેની તપાસ કરે છે અને પછી તેને જવા દે છે, પરંતુ હકીકત કંઈક અલગ જ દેખાય છે.

વાઇરલ વીડિયોમાં સ્પષ્ટપણે એવું દેખાઈ રહ્યું છે કે લોકોમાં રેડની આગેવાની કરનાર યુનુસ અમીન છે. બીબીસીએ અમીન સાથે વાત કરી. તેઓ પૉલ્ટ્રીનો ધંધો કરે છે અને સાથે જ એક ઍન્ટિ-નાર્કોટિક્સ એનજીઓના એક સ્વયંસેવક પણ છે.

તેઓ આ પ્રકારનાં ઑપરેશન્સમાં 'ઍન્ટિ-નાર્કોટિક્સ ઍન્ડ ક્રાઇમ કંટ્રોલ' (એએનસીસી)ના ઑપરેશનલ ડાયરેક્ટર તરીકે પણ સામેલ થાય છે.

આ સંસ્થા સામાજિક જાગૃતિ અને નશામુક્તિના ક્ષેત્રમાં કામ કરે છે.

Sorry, we can’t display this part of the story on this lightweight mobile page.

'દાવા સંપૂર્ણપણે ખોટા છે'

ઇમેજ સ્રોત, ANCC

ઇમેજ કૅપ્શન, યુનુસ અમીન ઍન્ટિ-નાર્કોટિક્સ એનજીઓના એક સ્વયંસેવક પણ છે

અમીને સ્પષ્ટ કર્યું કે વાઇરલ થઈ રહેલા દાવા સંપૂર્ણપણે ખોટા છે.

અમીન પ્રમાણે, આ વીડિયોના જાસૂસી કે લ્યારી સાથે કોઈ લેવાદેવા નહોતા, બલકે એ ડ્રગ્સની ટેવવાળા લોકોની ઓળખ અને તેમને રિહેબિલિટેશન સેન્ટરમાં મોકલવા માટે ચલાવાઈ રહેલાં અભિયાનોનો જ એક ભાગ હતો.

તેમણે જણાવ્યું, "અમે પાંચ વર્ષ પહેલાં પોલીસ સાથે મળીને આ અભિયાન શરૂ કર્યું હતું, જેથી ડ્રગ્સની ટેવવાળા લોકોની ઓળખ કરી શકાય અને તેમને રિહેબિલિટેશન માટે મોકલી શકાય."

તેમણે કહ્યું, "આ વીડિયો ખરેખર તો પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં સ્થિત હૈદરાબાદનો હતો, ના કે લ્યારીનો. તેના ગુપ્તચરોની શોધ સાથે કોઈ લેવાદેવા નથી."

આ ઑપરેશનને ઘણી વાર ઑનલાઇન 'મોટાં ઑપરેશન' કહીને ખોટાં નામ અપાય છે, પરંતુ અસલમાં એ ડ્રગ્સની ટેવવાળા લોકોની ઓળખ અને તેમના રિહેબિલિટેશન માટે કરાતી એક શાંત કોશિશનો ભાગ છે. તેમાં કેટલીક વાર ઈધી વેલફેર ફાઉન્ડેશનની મદદ પણ લેવાય છે.

અમીન કહે છે કે, "આ વીડિયોનો હેતુ જાગૃતિ ફેલાવવાનો છે, ના કે સનસનાટી પેદા કરવાનો. અમે ટિકટૉકર્સ નથી. લોકો અમારા વીડિયો લઈને તેને કોઈ પણ સંદર્ભ વિના વાઇરલ કરી દે છે."

લ્યારીની હકીકત

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

વાઇરલ વીડિયોના દાવાથી ઊલટું લ્યારીની અસલ કહાણી હૉસ્પિટલો અને ઘરોમાં જોવા મળે છે.

એક રિહેબિલિટેશન સેન્ટરની ઠીક બહાર એક આધેડ ઉંમરની વ્યક્તિ રાહ જોઈ રહી છે. તેઓ એક મિત્રના ઇલાજની વ્યવસ્થા કરવાના પ્રયાસમાં છે, જેમનું જીવન સંપૂર્ણપણે વિખેરાઈ ચૂક્યું છે.

તેઓ કહે છે કે, "એ એક વર્ષથી ક્રિસ્ટલ મેથ લઈ રહ્યો છે. પહેલાં એ આ બધું સંતાઈને કરતો, હવે એ સરાજાહેર કરે છે. એ રાત્રે સૂતો નથી અને બહાર નીકળી પડે છે. જ્યારે અમે તેનો પીછો કર્યો. તો અમને ખબર પડી કે એ ડ્રગ્સ લઈ રહ્યો છે."

તેઓ એક સમયે સારું એવું કમાતા હતા, તેમનાં લગ્ન થઈ ચૂક્યાં છે અને એક બાળકના પિતા છે. હવે જ્યારે તેઓ પોતાની ટેવનો ખર્ચ નથી ઉઠાવી શકતો તો ચોરી કરવા લાગે છે.

ત્યાંથી અમુક ડગલાના અંતરે, એક બુરખાધારી મહિલા ઊભાં હતાં. માત્ર તેમની આંખો જ દેખાઈ રહી હતી અને એ આંખો ચૂપચાપ પોતાની કહાણી સંભળાવી રહી હતી.

આ એક એી કહાણી હતી, જેને એ વિસ્તારના ઘણા લોકો જાણતા હતા. તેમનો 20 વર્ષીય દીકરો પહેલાં ક્યારેક રિક્ષા ચલાવીને ઘરખર્ચમાં મદદ કરતો. પરંતુ હવે પોતાની રાતો રસ્તા પર ભટકીને પસાર કરે છે.

તેઓ કહે છે કે, "એ સૂઈ નથી શકતો અને તેના કારણે અમે પણ જાગતા રહીએ છીએ. તેમને સૌથી વધુ એ વાતની તકલીફ છે કે એ કેટલો બદલાઈ ગયો છે. એ આખું ઘર ચલાવતો અને હવે નશાએ તેને બરબાદ કરી દીધો છે."

તેઓ કહે છે કે, "તેને સુધારવાના કરાયેલા પ્રયાસ વારંવાર નિષ્ફળ થઈ રહ્યા છે. આ ટેવ છૂટતી જ નથી."

પોતાના પુત્રને દરેક પસાર થતા દિવસ સાથે કમજોર થતો જોઈને આ મા માત્ર એટલું કહી શકે છે, "તેને આ હાલમાં જોવો ખૂબ તકલીફ આપે છે."

મોહમ્મદ ઇકબાલ જેવા વૃદ્ધોને આ બદલાવ પેઢીઓનો બદલાવ લાગે છે. તેઓ કહે છે કે, "પહેલાં ક્યારેય સ્થિતિ આટલી ખરાબ નહોતી. આજે દરેક જગ્યાએ નશો જ નશો દેખાય છે. ક્રિસ્ટલ મેથથી માંડીને ગુટકા અને તમાકુ સુધી. આખીને આખી પેઢીઓ બરબાદ થઈ રહી છે."

તેમણે સવાલ ઉઠાવ્યો કે ગૅંગવૉર ખતમ થયા બાદ પણ નશો બજારમાં કેવી રીતે મોજૂદ છે?

લ્યારીમાં એક નવો પડકાર

લ્યારીમાં પહેલાં ગૅંગ, કબજા અને હથિયારોવાળા ઝઘડાની સમસ્યા હતી. પરંતુ હવે એ સમયગાળો ઘણી ખરી હદ સુધી પસાર થઈ ચૂક્યો છે, પરંતુ જે લોકોએ એ સમયગાળો જોયો છે, તેમનું કહેવું છે કે આજના પડકારો વધુ જટિલ છે.

ઇન્સ્પેક્ટર મુનવ્વર હુસૈને ચૌધરી અસલમની લ્યારી ટાસ્ક ફોર્સમાં કામ કર્યું હતું. તેઓ આ વિસ્તારમાં બદલાતી નશાની ટેવ અંગે જણાવે છે.

તેઓ કહે છે, "પહેલાં અફીણ મુખ્ય નશો હતો, પરંતુ હવે લોકો 'આઇસ' અને 'ક્રિસ્ટલ મેથ'નો ઉપયોગ કરે છે. નશાના મોટા અડ્ડા ખતમ થઈ જવાને કારણે, હવે આ સમસ્યા નાના પાયે મોજૂદ છે."

પત્રકાર સુલતાન મંધ્રો કહે છે કે કોઈ વસ્તુનું ગાયબ થઈ જવાનો અર્થ એ વસ્તુ સંપૂર્ણપણે ખતમ થઈ ગઈ છે એવો નથી થતો.

તેઓ સમજાવતાં કહે છે કે, "2005થી 2013 સુધી, લ્યારી ડ્રગ્સ વેચનારા માટે એક સ્વર્ગ સમાન હતું. જેવી રીતે આજે પાનની દુકાનો છે, એવી રીતે એક જમાનામાં નશાકારક પદાર્થો પણ ખુલ્લેઆમ વેચાતા. હવે તેનું વેચાણ અલગ-અલગ રીતે ચોરીછૂપીથી કરવામાં આવે છે. હાલનાં વર્ષોમાં નશાકારક પદાર્થ વેચતી મહિલાઓને પણ પકડવામાં આવી છે. આ પોલીસ રેકૉર્ડમાં પણ નોંધાયેલું છે."

લ્યારીમાં બદલાવના સંકેત

પડકારો વચ્ચે આ સંકટનો સામનો કરવાના પ્રયાસ ચાલુ છે. લ્યારીમાં લગભગ દસ લાખ કરતાં વધુ લોકો રહે છે. અહીં છથી આઠ રિહેબિલિટેશન સેન્ટર છે - કેટલાંક મોટાં અને અમુક નાનાં. આ માત્ર આ વિસ્તારના જ નહીં, બલકે આસપાસના વિસ્તારના લોકો માટે પણ કામ કરે છે.

તેમાંથી એક છે 'બેનઝીર શહીદ એએનએફ મૉલ એડિક્શન ટ્રીટમેન્ટ ઍન્ડ રિહેબિલિટેશન સેન્ટર.' એ ઍન્ટિ નાર્કોટિક્સ ફોર્સ અને સિંધ સરકારની સંયુક્ત દેખરેખ અતંર્ગત ચાલે છે.

2010માં 100 પથારી સાથે શરૂ થયેલું આ સેન્ટર પુરુષો, મહિલાઓ અને યુવાનો, બધાનું ઇલાજ કરે છે. અહીંના ડૉક્ટરોનું કહેવું છે કે પાછલાં કેટલાંક વર્ષોમાં સ્થિતિમાં સુધારો થયો છે, જોકે, પડકારો તો હજુ પણ છે.

આ કેન્દ્રની શરૂઆતથી અહીં સેવા આપતા ડૉક્ટર મોહમ્મદ અલી આ બદલાવ વિશે જણાવે છે.

તેઓ કહે છે કે, "હવે સ્થિતિમાં ઘણો સુધારો થયો છે. પહેલાં એક જ દિવસમાં 50-60 દર્દી આવતા. હવે એક અઠવાડિયામાં માત્ર દસ-15 દર્દી જ લાવવામાં આવે છે."

તેઓ એવું પણ જણાવે છે કે સ્પષ્ટપણે સુધારો દેખાતો હોવા છતાં, તેનો અર્થ એ નથી કે સંકટ સંપૂર્ણપણે ખતમ થઈ ગયો છે.

કહાણીનો બોજો

દાયકાઓથી લ્યારીને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે હિંસાનો પર્યાય માનવામાં આવે છે.

ત્યાંના ઘણા લોકોનું માનવું છે કે 'ધુરંધર: ધ રિવેન્જ' જેવી ફિલ્મો હિંસા અને કાયદા-વ્યવસ્થાની કમીવાળી એક જૂની છબિને જ વધુ મજબૂત કરે છે.

અબ્દુલ સામીનો પરિવાર અહીં પેઢીઓથી રહી રહ્યો છે. તેઓ આ પ્રકારની તસવીરને મૂળથી ખારિજ કરે છે.

તેઓ કહે છે કે, "ફિલ્મમાં જે રીતે બતાવાયું છે કે અહીં આતંકવાદી સરાજાહેર હથિયાર લઈને ફરી રહ્યા હતા, જાણે કે, અહીં સરકારનો કોઈ રાજ જ ન હોય, ખરેખર તો આવું બિલકુલ નહોતું. આ કાયદાવિહોણું જંગલ નહોતું."

તેમજ, કેટલાક લોકો લ્યારીની એક સાવ અલગ જ ઓળખ તરફ ઇશારો કરે છે.

સોશિયલ ઍક્ટિવિસ્ટ દાનિશ સૂમરો કહે છે કે, "લ્યારી વિશ્વમાં પોતાની રમતો માટે ખ્યાત છે, તેને 'મિનિ બ્રાઝીલ' પણ કહેવામાં આવે છે. લ્યારીની અસલ ઓળખ ફૂટબૉલ છે, ના કે 'ધુરંધર' જેવી ફિલ્મો."

તેમ છતાં આની પાછળ એક એવી ટીકા છુપાયેલી છે, જે રિપ્રેઝેન્ટેશનને ઇકૉનૉમિક્સમાં બદલી દે છે.

સોશિયલ ઍક્ટિવિસ્ટ મોહમ્મદ હાશિમ કહે છે કે, "આ ફિલ્મો, 'ધુરંધર વન' અને 'ટુ' ભારતીય છે."

"પાકિસ્તાનવિરોધી ફિલ્મો ત્યાં ખૂબ ચાલે છે. અમારા માટે, આ માત્ર કૉમેડી ફિલ્મો જ છે. હકીકત એ છે કે આ બંને ફિલ્મોએ જોરદાર કમાણી કરી છે. તેથી, જ્યારે તેમણે લ્યારીના નામે આટલી મોટી કમાણી કરી છે, તો તેમાંથી અમને પણ કેટલોક ભાગ આપવો જોઈએ. અમે તેમાં અમુક ભાગના હકદાર છીએ."

લ્યારીના રહેવાસી યુવાન મોહમ્મદ ઇરાફને અત્યંત કઠોર શબ્દોમાં કહ્યું, "ફિલ્મમાં જેવું લ્યારી દેખાડાયું છે, તેવું જ લ્યારી અમારા માટે બનાવીને બતાવો."

તેઓ ફિલ્મમાં બતાવાયેલા વધુ સ્વચ્છ અને વધુ વિકસિત લ્યારી તરફ ઇશારો કરી રહ્યા હતા.

આજે પણ લ્યારીના રહેવાસીઓ માટે એ કોઈ સરળ જગ્યા નથી; ત્યાં ગરીબીનું પ્રમાણ વધુ છે, પાયાનું આંતરમાળખું કમજોર છે અને જરૂરી સેવાઓ ઘણી વાર ભરોસાપાત્ર નથી હોતી.

ભૂતકાળની છાપા હજુ પણ અહીં મોજૂદ છે. 'ગૅંગ હિંસા'થી માંડીને વર્ષોની અવગણના સુધી.

પરંતુ હકીકત આના કરતાં ખૂબ જટિલ છે. લ્યાર ખોટી માહિતીઓ અને ખુદને નવી રીતે ઘડવાની કોશિશ કરી રહેલા એક સમુદાય વચ્ચે ફસાયેલું છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન