'ઘરમાં તેમના ફોટા લગાડવાની હિંમત પણ નથી': પહલગામ હુમલામાં માર્યા ગયેલા લોકોના પરિવારોની વ્યથા

ઇમેજ સ્રોત, Tariq Khan/BBC Hindi

ઇમેજ કૅપ્શન, પહલગામ હુમલામાં માર્યા ગયેલા લોકોમાં એશાન્યા દ્વિવેદીના પતિ શુભમનો પણ સમાવેશ થાય છે
    • લેેખક, ઝોયા મતીન, કમલ સૈની, નીતુસિંહ
    • પદ, બીબીસી પંજાબી, બીબીસી હિન્દી
  • વાંચવાનો સમય: 6 મિનિટ

કાશ્મીરમાં પ્રવાસીઓ પરના જીવલેણ હુમલાના એક વર્ષ પછી પણ પીડિતોના પરિવારજનોના ઘા હજુ રૂઝાયા નથી.

કાનપુરનાં એશાન્યા દ્વિવેદી તેમના ઓરડામાંના અરીસા તરફ ઇશારો કરીને તેમના પતિ શુભમને યાદ કરે છે.

તેઓ કહે છે, "મેં તેમને એક વાર પૂછ્યું હતું કે અહી અરીસો કેમ નથી? બીજા જ દિવસે તેઓ આ અરીસો લઈ આવ્યા હતા."

શુભમ દ્વિવેદી એ 26 લોકો પૈકીના એક હતા, જેમની ચરમપંથીઓએ 2025ની 22 એપ્રિલે હત્યા કરી હતી.

પ્રવાસીઓ પર કરવામાં આવેલો એ ગોળીબાર કાશ્મીરમાં દાયકાઓના સૌથી ઘાતક હુમલા પૈકીનો એક હતો.

ભારતે પહલગામ હુમલા માટે પાકિસ્તાનને જવાબદાર ઠેરવ્યું હતું. પાકિસ્તાનસ્થિત એક સંગઠને આ હત્યાઓ કરી હોવાનો આરોપ ભારતે મૂક્યો હતો. જોકે, પાકિસ્તાન તે આરોપને સતત નકારતું રહ્યું છે.

બે સપ્તાહ પછી ભારતે પાકિસ્તાનમાંનાં અનેક સ્થળોએ, તેને "આતંકવાદી ઠેકાણાં" ગણાવીને હુમલા કર્યા હતા.

એ પછી, પરમાણુ શક્તિ ધરાવતા બન્ને પાડોશી દેશો વચ્ચે ચાર દિવસ સુધી જોરદાર ગોળીબાર અને હવાઈ હુમલા થયા હતા.

પછી અચાનક યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી હતી.

પહલગામ હુમલામાં માર્યા ગયેલા અનેક યુવાઓ પ્રવાસી હતા. તેઓ તેમનાં લગ્ન, કારકિર્દી અને જીવનની શરૂઆત કરી રહ્યા હતા, પરંતુ તેમની જિંદગી નિર્મમપણે છીનવી લેવામાં આવી હતી.

(ચેતવણીઃ નીચે આપેલું વિવરણ કેટલાક વાચકોને વિચલિત કરી શકે છે)

આ દુર્ઘટના વિશે અનેક સરકારી નિવેદન બહાર પાડવામાં આવ્યાં હતાં. આકરા નિયંત્રણો લાદવામાં આવ્યાં હતાં અને કાશ્મીર ખીણમાં સલામતી વ્યવસ્થા વધારે ચુસ્ત કરવામાં આવી હતી.

Sorry, we can’t display this part of the story on this lightweight mobile page.

'પલંગનો એ હિસ્સો શુભમનો છે, હું ત્યાં બેસતી પણ નથી'

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, પહલગામમાં જ્યાં હત્યાઓ થઈ હતી તે સ્થળ પ્રવાસીઓમાં ખૂબ જ લોકપ્રિય છે

આ દુર્ઘટનાની સૌથી વધારે માઠી અસર પોતાના પરિવારજનોને ગુમાવ્યા હતા તેમના પર થઈ. સમયની સાથે પીડા ઓછી થઈ નહીં, પરંતુ તેને વ્યક્ત કરવાની રીત બદલાઈ ગઈ.

એશાન્યા માટે તેમનો બેડરૂમ તેમના પતિની સ્મૃતિ જાળવી રાખવાનો એક માર્ગ બની ગયો.

તેઓ પહેલી નજરમાં ખાસ ન લાગે એવી ચીજો પણ સંભાળીને રાખે છે, પરંતુ એકેય વસ્તુને તેની જગ્યાએથી ખસેડવામાં આવી નથી. પલંગ, કપડાં અને શુભમ લાવ્યાં હતાં તે અરીસો બધું પહેલાંની જેમ જ રાખવામાં આવ્યું છે.

એશાન્યા પલંગ તરફ ઇશારો કરતાં કહે છે, "પલંગનો એ હિસ્સો શુભમનો છે, હું ત્યાં બેસતી પણ નથી કે સૂતી પણ નથી. ઊંઘતી વખતે પણ ધ્યાન રાખું છું. હું એ તરફ ઓશિકા રાખી દઉં છું."

એશાન્યા આજે પણ એ દિવસ ભૂલ્યાં નથી.

તેમનાં લગ્નને માત્ર બે મહિના થયા હતા અને આ યુગલ તેમના અન્ય નવ પરિવારજનો સાથે રજા માણવા પહલગામ ગયું હતું.

હુમલો કરવામાં આવ્યો એ દિવસે શુભમ અને એશાન્યા બૈસરન ખીણમાં ગયાં હતાં, જ્યારે પરિવારના અન્ય લોકો હોટલમાં જ રોકાયા હતા.

ઇમેજ સ્રોત, Tariq Khan/BBC Hindi

ઇમેજ કૅપ્શન, એશાન્યા દ્વિવેદીએ તેમના ફોનના વૉલપેપરમાં તેમનાં લગ્નનો ફોટો રાખેલો છે
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

બાદમાં આપેલા ઇન્ટરવ્યૂમાં એશાન્યાએ જણાવ્યું હતું કે તેઓ મેદાનમાં ફરી રહ્યા હતા ત્યારે એક માણસ તેમની પાસે આવ્યો હતો. તેણે શુભમને તેનો ધર્મ પૂછ્યો હતો અને પછી શુભમને ગોળી મારી દીધી હતી.

એશાન્યાએ એ પણ જણાવ્યું હતું કે તેમને પણ ગોળી મારી દેવાની વિનંતી તેમણે હુમલાખોરોને કરી હતી, પરંતુ હુમલાખોરોએ એવું કર્યું ન હતું.

એશાન્યા બીબીસીને કહે છે, "જીવવા માટે મારી પાસે શુભમની ઘણી બધી સ્મૃતિઓ છે."

તેમના મોબાઇલ ફોનના લૉક સ્ક્રીન પર આજે પણ તેમનાં લગ્નની એક અણમોલ પળ છે અને તેઓ વારંવાર ફોનની ફોટો ગેલેરી સ્ક્રોલ કરે છે, "શુભમને ફરીથી જોવા માટે."

ક્યારેક તેઓ તેમના જૂના વીડિયો નિહાળે છે, ધ્યાનપૂર્વક સાંભળે છે, જાણે કે દરેક નાની-નાની વિગતને કેદ કરવાનો પ્રયાસ કરતાં હોય.

એશાન્યા કહે છે, "તેમનો અવાજ કેવો હતો...તેઓ કેવી રીતે ખડખડાટ હસતા હતા, એ યાદ કરવાના પ્રયાસ હું કરું છું."

હુમલાના થોડા મહિના પછી એશાન્યાએ શુભમ વિશે વધુ વાત કરવા લાગ્યા હતાં. શરૂઆતમાં કારણ એ હતું કે લોકો તેમને શુભમ વિશે પૂછતા હતા અને પછી, એ વાતો કરવાથી તેમને રાહત મળતી હતી.

તેઓ કહે છે, "મીડિયા સાથે વાત કરવાનું મારા માટે ઉપચારકારક બની રહ્યું છે. હવે હું તેનાથી ટેવાઈ ગઈ છું."

જોકે, આ રીતે પીડા જાહેર કરવાથી તેમના માટે મુશ્કેલી સર્જાઈ.

એશાન્યા જણાવે છે કે તેમણે ઑનલાઇન ટ્રોલિંગનો પણ સામનો કરવો પડ્યો હતો.

ભારતે પાકિસ્તાનમાં અનેક ઠેકાણે હવાઈ હુમલા કર્યા એ પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદમાં ભાષણ આપ્યું હતું. એ વેળાએ એશાન્યાએ કહ્યું હતું કે વડા પ્રધાને ભાષણમાં પીડિતોનાં નામ પણ લેવાં જોઈએ. એ પછી અનેક લોકોએ તેમને ઑનલાઇન નિશાન બનાવ્યાં હતાં. તેમ છતાં તેઓ ખચકાયા વિના પોતાની વાત કરતાં રહ્યાં હતાં, એવું એશાન્યા જણાવે છે.

તેઓ કહે છે, "હું બોલીશ. હું બહાર જઈશ. હું એ બધું કરીશ, જે હું કરવા ઇચ્છું છું. પતિને ગુમાવ્યા પછી મારો વ્યવહાર કેવો હોવો જોઈએ એ નક્કી કરવાનો આ લોકોને (ટ્રોલ્સને) કોઈ અધિકાર નથી."

એશાન્યા માટે, બોલવું તેમની પીડાને એક રીતે સધિયારો આપે છે, પરંતુ કેટલાક લોકો માટે પોતાની પીડા જાહેર કરવાની રીત અલગ હોય છે.

'પરિવારના સભ્યો તેનું નામ લેતાં ખચકાય છે'

ઇમેજ સ્રોત, BBC Punjabi

ઇમેજ કૅપ્શન, વિનય નરવાલ પોતાના હનીમૂન માટે પહલગામ ગયા હતા (ફાઇલ ફોટો)

રાજેશ નરવાલના પુત્ર વિનય નરવાલ પણ હુમલામાં માર્યા ગયેલા લોકોમાં સામેલ હતા. વિનયનાં લગ્નને એક અઠવાડિયું પણ થયું ન હતું. ભારતીય નૌકાદળના 26 વર્ષના અધિકારી વિનય નરવાલ કાશ્મીરમાં હનીમૂન કરવા ગયા હતા ત્યારે તેમને ગોળી મારી દેવામાં આવી હતી.

હુમલાના થોડા કલાકો પછી તેમનાં પત્ની હિમાંશીનો એક ફોટોગ્રાફ સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો. એ ફોટોગ્રાફમાં હિમાંશી વિનયના મૃતદેહ પાસે બેઠાં હતાં.

વિનયના ઘરમાં તેમનો સામાન હજુ પણ એ જ સ્થિતિમાં, ખોલ્યા વિના રાખવામાં આવ્યો છે. પરિવારના સભ્યો તેમનું નામ પણ લેતાં ખચકાય છે અથવા તો વિનય સાથે શું થયું હતું તે વિશે વાત કરવા ઇચ્છુક નથી.

પિતા રાજેશ નરવાલ કહે છે, "અમારામાંથી કોઈમાં પણ હિંમત નથી. અમે તો ઘરમાં તેમનો એક ફોટો લગાવવાની હિંમત સુધ્ધાં એકઠી કરી શકતા નથી."

અલબત્ત, સ્મૃતિ દરેક જગ્યાએ તેમનો પીછો કરે છે.

વિનય નાના હતા ત્યારે પિતા-પુત્ર ઘરના આંગણામાં ક્રિકેટ રમતા હતા. પિતા કામ પરથી ઘરે પાછા આવે તેની વિનય રોજ રાહ જોતા હતા. પિતા આવે એટલે તેમને ક્રિકેટ રમવા કહેતા હતા. રજાઓમાં તો આ ખેલ આખો દિવસ ચાલતો રહેતો હતો.

રાજેશ નરવાલ કહે છે, "અમે આ દુઃખનો સામનો પણ કરી શકતા નથી. અમે હજુ પણ શોકમાં છીએ."

"કામ કરતી વખતે તેમાં ધ્યાન રહે છે, પરંતુ ઘરે આવું કે તરત જ, કોઈએ તાજા જખમને સ્પર્શ કર્યો હોય એવું લાગે છે. અસહનીય પીડા થાય છે."

બન્ને પરિવારોએ પોતાના પ્રિયજનોની કમી સાથે જીવવાનું અલગ-અલગ રીતે શીખી લીધું છે.

એક પરિવાર પોતાના પ્રિયજન વિશે વાતો કરીને તેમની સ્મૃતિને જીવંત રાખી રહ્યો છે, જ્યારે બીજા પરિવાર મૌન રહીને સ્મૃતિને જીવંત રાખે છે, પરંતુ બન્ને પરિવારો એ ખાલિપા સાથે પોતપોતાની જિંદગી આગળ વધારવાના પ્રયાસ કરી રહ્યા છે, જે ખાલિપો ક્યારેય ભરી શકાશે નહીં.

વીડિયો કૅપ્શન, Pahalgam Attack : Lieutenant Vinay Narval ના પિતા પુત્રને યાદ કરી શું બોલ્યા?

કાનપુરમાં એશાન્યા આજે પણ તેમના વિખેરાયેલી જીવનને સંભાળવાનું શીખી રહ્યાં છે.

તેઓ રોજ સાંજે સાસરિયાના લોકો સાથે બેસે છે અને લગભગ એક કલાક સુધી શુભમ વિશે વાતો કરે છે.

તેઓ કહે છે, "દીકરી કે પતિને ગુમાવ્યાની પીડા ક્યારેય ખતમ થવાની નથી, પરંતુ તેનો અર્થ એવો નથી કે આપણે જીવવાનું છોડી દેવું."

એશાન્યા સંગીત સાંભળે છે. લખે છે. એશાન્યા કહે છે, "લખતાં-લખતાં હું રડી પડું છું, પરંતુ રડવું અને ચીસો પાડવી પણ જરૂરી છે."

તાલીમ પામેલા નૃત્યાંગના હોવા છતાં એશાન્યા ફરીથી નૃત્ય શરૂ કરી શક્યાં નથી.

ઇમેજ સ્રોત, Kamal Saini/BBC Punjabi

ઇમેજ કૅપ્શન, રાજેશ નરવાલને એ દિવસો યાદ કરે છે, જ્યારે તેઓ તેમના પુત્ર વિનય સાથે ક્રિકેટ રમતા હતા

તેઓ કહે છે, "મારા પગ ચાલતા જ નથી." જોકે, આ પરિસ્થિતિ બદલાશે એવી આશા તેમને છે.

કેટલીક પળો એવી આવે છે, જેને તેઓ સંપૂર્ણપણે સમજી શકતાં નથી. માત્ર એટલું જ કહે છે કે તેમાં કશીક ખાસ અનુભૂતિ થાય છે.

તેમના જણાવ્યા મુજબ, એક ફ્લાઇટ દરમિયાન શુભમને પસંદ ગીત સાંભળતી વખતે તેમણે બારીની બહાર જોયું ત્યારે એક ઈન્દ્રધનુષ્ય જોવા મળ્યું હતું.

એક સાંજે તેઓ બાલ્કનીમાં આવ્યાં. તેમણે ચંદ્રને નિહાળ્યો અને એક પળ માટે એવી અનુભૂતિ થઈ હતી કે જાણે શુભમ તેમને નિહાળી રહ્યા હોય.

આવી પળોથી લાગે છે કે શુભમ આજે પણ મારી સાથે છે, એશાન્યા જણાવે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન