પૅન્ટ પહેરવાથી માંડીને પાલક સુધી : ઈરાની સંસ્કૃતિએ વિશ્વને આપેલી આઠ ભેટો

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પૌરાણિક શહેર પર્સેપોલિસ પ્રાચીન પર્શિયન સામ્રાજ્યની ઔપચારિક રાજધાની હતી
    • લેેખક, માર્ગરિટા રોડ્રિગ્ઝ
    • પદ, બીબીસી ન્યૂઝ વર્લ્ડ
  • વાંચવાનો સમય: 14 મિનિટ

"પશ્ચિમમાં આપણા ઘણા વિચારો માટે ફારસી દુનિયા જવાબદાર છે." કહેતા પ્રોફેસર જોસ કુટિલાસે ઈરાનમાં અધ્યયન–અધ્યાપન કર્યું હતું.

એલિકન્ટે યુનિવર્સિટીમાં ફારસી ભાષા અને ઈરાની સંસ્કૃતિના પ્રોફેસર કહે છે, "અમારા દૃષ્ટિકોણથી, અમે વિચારીએ છીએ કે બધું જ યૂરોસેન્ટ્રિક છે કે દરેક વસ્તુનું મૂળ ગ્રીકો-લૅટિન દુનિયામાં છે અને કોઈ પણ વિચાર માટે ત્યાં શરૂઆતના સંકેત હતા."

પરંતુ, પૂર્વ-ઇસ્લામિક ફારસી કાળમાં એવી વિભાવનાઓ ઊભરી આવી જેનાથી 'આપણે ખૂબ જ ટેવાયેલા છીએ; જેમ કે, અસંખ્ય એવાં તત્ત્વો છે જે એ દુનિયામાંથી આવે છે અને તેને આપણે અપનાવી લીધાં છે.'

ઉદાહરણ તરીકે, જ્યારે એવો અભ્યાસ કરવામાં આવે છે કે રાજકીય-વહીવટી સ્તરે યુરોપીય સમાજોને કઈ રીતે બન્યા હતા, ત્યારે તેમાં વિશાળ અચેમેનિડ ફારસી સામ્રાજ્ય (ઈ.સ.પૂ. 550-330)માં સ્પષ્ટપણે સ્થાપિત લાક્ષણિકતાઓ જોવા મળે છે.

લગભગ 3,500 વર્ષ પહેલાં, પ્રાચીન ઈરાનમાં ધાર્મિક રીતે એકેશ્વરવાદ હતો, જ્યારે જરથુસ્તે પારસી ધર્મની સ્થાપના કરી હતી.

શિક્ષણવિદ્ કહે છે, "પારસી ધર્મમાં આપણે પહેલાંથી જ દેવદૂતો, પયગંબરોની વિભાવના જોઈએ છીએ. સાથે જ, સ્વર્ગ અને નરકની વિભાવના પણ."

ઇતિહાસકાર ટૉમ હોલૅન્ડ અનુસાર, "વિશ્વના ઇતિહાસમાં પર્શિયા, વધારે નહીં તો કમ સે કમ, એથેન્સ જેટલું જ પ્રભાવશાળી છે."

લેખકે લંડન યુનિવર્સિટીમાં સ્કૂલ ઑફ ઓરિએન્ટલ ઍન્ડ આફ્રિકન સ્ટડીઝ અને બ્રિટિશ ઈરાની સોસાયટી દ્વારા આયોજિત 'વૉટ હેવ ધ પર્શિયન ડૂ એવર ફૉર અસ?' વિષયક ચર્ચામાં ભાગ લીધો હતો.

તેમણે કહ્યું, પશ્ચિમમાં ઇતિહાસના જનક કહેવાતા હેરોડોટસ ફારસીઓના પ્રશંસક હતા.

"તેમની પ્રખ્યાત ઉક્તિ છે, જે કહે છે, ફારસી ત્રણ વસ્તુ શિખવાડે છે: તીરંદાજી કરો, ઘોડેસવારી કરો અને સાચું બોલો."

પર્શિયન સામ્રાજ્યના રાજાઓ માટે સત્ય અસત્યની સાથે એક મહાન વૈશ્વિક યુદ્ધમાં ડૂબી ગયું હતું, જે રીતે અંધકાર સાથે પ્રકાશ અને બૂરાઈની સાથે ભલાઈ.

પર્શિયાની હજારો વર્ષ જૂની સંસ્કૃતિનાં આઠ યોગદાનોના માધ્યમથી બીબીસી તમને ઇસ્લામ પહેલાંના અને પછીના પર્શિયાના રસપ્રદ પ્રવાસે લઈ જવા માગે છે.

1. પૅન્ટ પહેરવું

ઇમેજ સ્રોત, Bildagentur-online/Universal Images Group via Getty Images

ઇમેજ કૅપ્શન, આ ચિત્ર ઈ.સ.પૂ. આઠમી કે સાતમી સદી આસપાસના સીથિયનનો એક સમૂહ દર્શાવે છે

જર્મન આર્કિઑલોજિકલ ઇન્સ્ટિટ્યૂટ 'ધ ઇન્વેન્શન ઑફ ધ ટ્રાઉઝર્સ'ની ડૉક્યુમેન્ટરીમાં કહે છે, 5,000થી 2,000 વર્ષ પહેલાંના સમયગાળા દરમિયાન વિવિધ સભ્યતાઓ, જેવી કે સુમેરિયન, એસિરિયન, ગ્રીક પુરુષો સ્કર્ટ પહેરતા હતા.

રોમનોએ ખુલ્લા પગે અને ટ્યુનિક (બાંય વગરનો ઝભ્ભો) સાથે યુદ્ધ કર્યાં.

પૅન્ટની શોધ ક્યાં અને ક્યારે થઈ તે નક્કી કરવું અત્યંત જટિલ છે.

જોકે, ઘણા નિષ્ણાતોનું માનવું છે કે યુરેશિયન મેદાનોમાં વિકસેલા ઈરાની મૂળના સિથિયન જેવા વિચરતા લોકો તેના વિકાસમાં સામેલ હતા.

એડ્રિએન મેયરે નૅચરલ હિસ્ટરી જર્નલના એક લેખ 'હૂ ઇન્વેન્ટેડ પેન્ટ્સ?'માં લખ્યું છે કે, "ઈ.સ.પૂ. 600 સુધીમાં ગ્રીક કલામાં ટ્રાઉઝર્સ વિદેશી તીરંદાજો, ખાસ કરીને સિથિયન, ફારસીઓ અને અમેઝૉનનું પ્રતીક બની ગયાં."

Sorry, we can’t display this part of the story on this lightweight mobile page.

ઇતિહાસકારે આ ભાગને યાદ કરતાં કહ્યું કે, "ગ્રીક જહાજો પર મહિલા યોદ્ધાઓ જોવા મળે છે, તેમાંની મોટા ભાગની, સિથિયન પુરુષો દ્વારા પહેરવામાં આવે છે તેવાં, ટ્યુનિક અને ટ્રાઉઝર કે લેગિંગ્સ પહેરે છે."

આર્કિઑલોજિકલ મ્યૂઝિયમ ઑફ ગ્રીસ અનુસાર, હેરોડોટસે કહ્યું કે ફારસીઓ "પોતાના માથા પર ઢીલી ટોપી, બાંય સાથેના ટ્યુનિક અને ટ્રાઉઝર્સ પહેરતા હતા".

કાર્ડિફ યુનિવર્સિટીના પ્રોફેસર લૉયડ લેવેલિન-જોન્સ બ્રિટિશ મ્યૂઝિયમના વીડિયો 'પર્શિયા ઍન્ડ ગ્રીસ - ઑબ્ઝેક્ટ્સ ઇન ફોકસ: ઑક્સસ ટ્રેઝર ફિગર્સ'માં સમજાવે છે, "તેઓ તેમના વંશજોને કારણે ટ્રાઉઝર પહેરતા હતા."

"પર્શિયનોનો ઉદ્ભવ યુરેશિયાનાં મેદાનોમાં થયો હતો અને ઘોડેસવારી કરતા વિચરતી જાતિના લોકો હતા."

ઇમેજ સ્રોત, Universal History Archive/Universal Images Group via Getty Images

ઇમેજ કૅપ્શન, ઈ.સ.પૂ. 470 આસપાસના મનાતા ફ્લાવર વાઝમાં એક ગ્રીક અલબાસ્ટર, જેને અમેઝૉન યોદ્ધા માનવામાં આવે છે

આ તેમના જીવનની મૂળભૂત પ્રવૃત્તિ હતી. તેઓ પોતાના શરીરનું રક્ષણ કરવા અને લાંબા અંતરની મુસાફરી આરામદાયક રહે તે માટે પૅન્ટ પહેરતા હતા.

એવી ઘણી શક્યતા કે ફારસીઓએ આ વસ્ત્રોનો પ્રચાર કરવામાં મદદ કરી હોય.

ઉદાહરણ તરીકે, ફારસીમાં એક શબ્દ છે, જેનો અર્થ 'પગનું વસ્ત્ર' થાય છે: pā[y]ǧāme.

સ્પેનિશ ભાષાના શબ્દકોશ મુજબ, એ શબ્દ પરથી હિન્દીમાં એક શબ્દ આવ્યો, pā[e]ǧāma (પાયજામા), અને તેમાંથી અંગ્રેજીમાં એક શબ્દ આવ્યો pajamas.

અને પછી આપણો શબ્દ પાયજામા આવ્યો. જોકે, પાયજામાને સૂવાના વસ્ત્ર તરીકે ગણવામાં આવે છે. 19મી સદીના અંતમાં જ્યારે અંગ્રેજોએ ભારતના નિવાસીઓને ખુલ્લા બ્લાઉઝ અને ટ્રાઉઝર પહેરતા જોયા, ત્યારે તે લોકપ્રિય બની ગયો.

2. લોકોના સ્વતંત્રત જીવવાના અધિકાર અંગે 'પ્રથમ' ઘોષણા

ઇમેજ સ્રોત, Tish Wells/Tribune News Service via Getty Images

ઇમેજ કૅપ્શન, ઇરાકમાં 1879માં મળેલા 'સાઇરસ સિલેન્ડર'ને રાજકીય પ્રચારનાં પ્રારંભિક ઉદાહરણોમાંનું એક માનવામાં આવે છે

સપ્ટેમ્બરમાં, યુનેસ્કો કૉન્ફરન્સમાં, 2,500 વર્ષ કરતાં વધારે જૂની વસ્તુમાં નિર્ધારિત સિદ્ધાંતોને પ્રોત્સાહન આપવા માટે એક પહેલ રજૂ કરવામાં આવી હતી.

સાઇરસ સિલિન્ડર તરીકે ઓળખાતો માટીનો એક ટુકડો છે, જેના પર પર્શિયાના રાજાના સુધારાને ક્યુનિફૉર્મ લિપિમાં કોતરવામાં આવ્યા હતા. ઘણા નિષ્ણાતો તેને 'માનવ અધિકારોનું પ્રથમ જાણીતું ચાર્ટર' માને છે.

તે મુજબ ઈ.સ.પૂ. 539નું વર્ષ હતું અને સાઇરસ મહાન, જેમણે તાજેતરમાં જ બેબીલોન પર વિજય મેળવ્યો હતો, તેઓ પ્રથમ મહાન વિશ્વ સામ્રાજ્યનું નેતૃત્વ કરશે

શાસકે ગુલામ હતા તેવા કેદીઓને મુક્ત કર્યા એટલું જ નહીં, પરંતુ તેમને તેમની ભૂમિ પર પાછા જવાની મંજૂરી આપી. તેમણે ડઝનબંધ વંશીય સમુદાયોની પરંપરાઓ અને ધર્મોનો પણ આદર કર્યો.

ઇમેજ સ્રોત, Spencer Platt/Getty Images

ઇમેજ કૅપ્શન, એક પૂજારીનો આ પટ્ટ 2013માં 'ધ સાઇરસ ઍન્ડ એન્શિયન્ટ ફારસ' પ્રદર્શનના ભાગરૂપે ન્યૂ યૉર્કમાં મેટ્રોપૉલિટન મ્યૂઝિયમ ઑફ આર્ટમાં પ્રદર્શિત કરવામાં આવ્યો હતો

બ્રિટિશ મ્યૂઝિયમના ડિરેક્ટર નીલ મૅકગ્રેગરે ટેડટૉકમાં '2600 યર્સ ઑફ હિસ્ટરી ઇન વન ઑબ્જેક્ટ'માં યાદ કર્યું કે, સાઇરસનો 'લડાઈ વિના' જ બેબીલોનમાં પ્રવેશ 'યહૂદી લોકોના ઇતિહાસમાં એક મહાન ક્ષણ' હતો.

પર્શિયન રાજાનો આભાર, યહૂદીઓ યેરુસલેમ પાછા ફરવામાં સફળ રહ્યા, જેમને બેબીલોનીઓએ પાછા જવા દીધા હતા.

સાઇરસના નેતૃત્વ હેઠળનું સામ્રાજ્ય 'પહેલું વ્યાપક બહુસાંસ્કૃતિક અને બહુધાર્મિક રાજ્ય' હતું, એક એવી શક્તિ જેમાં 200 વર્ષ સુધી સ્થિરતા રહી.

ઇમેજ સ્રોત, VCG Wilson/Corbis via Getty Images

ઇમેજ કૅપ્શન, મૅકગ્રેગર કહે છે કે અમેરિકાના સંસ્થાપકોમાંના એક મનાતા થૉમસ જેફરસન સાઇરસના આદર્શોના ખૂબ જ પ્રશંસક હતા (રેમ્બ્રાંટ પીલ દ્વારા પોર્ટ્રેટ)

'વૉઝ વન ઑફ ધ ગ્રેટ ટેક્સ્ટ્સ ધેટ ઇન્સ્પાયર્ડ ધ ફાઉન્ડિંગ ફાધર ઑફ ધ અમેરિકન રિવૉલ્યૂશન'માં મૅકગ્રેગરે કહ્યું, સાઇરસનો વારસો યુરોપ સુધી પહોંચ્યો હતો, જ્યાં તેમને એક ઉદાહરણ તરીકે રજૂ કરવામાં આવ્યા હતા. ઝેનોફોન (પ્રાચીન ગ્રીસના ઇતિહાસકાર) દ્વારા તેમના પર લખાયેલું પુસ્તક "અમેરિકન ક્રાંતિના સ્થાપક પિતાઓને પ્રેરણા આપનારા મહાન ગ્રંથોમાંનું એક હતું".

"આ ઉદ્દેશ માનવીય આકાંક્ષાનાં મહાન નિવેદનોમાંનો એક છે. તે અમેરિકાના બંધારણમાં જોવા મળે છે. એમાં કશી શંકા નથી કે, તે મેગ્ના કાર્ટા કરતાં વાસ્તવિક સ્વતંત્રતાઓ વિશે ઘણું બધું કહે છે."

તે આજે આપણને 'એક જ રાજ્યમાં, વિવિધ ધર્મો સાથે, સ્વતંત્ર રીતે એકસાથે રહેવાના લોકોના અધિકાર'ની યાદ અપાવે છે.

3. બગીચા અને સ્વર્ગ

ઇમેજ સ્રોત, Kaveh Kazemi/Getty Images

ઇમેજ કૅપ્શન, યુનેસ્કોનું કહેવું છે કે પર્શિયન ઉદ્યાન 'માનવની રચનાત્મક પ્રતિભાની ઉત્કૃષ્ટ કૃતિ' છે. આ ઈરાનમાં શઝદેહ ગાર્ડન કે પ્રિન્સ ગાર્ડન છે (ફોટો: 2011)

"મોટા ભાગનાં ઘરોમાં બગીચો કે એક આંગણું હોવાનું કારણ કદાચ પર્શિયનો છે." જૉની થૉમસને બિગ થિંકના લેખમાં લખ્યું છે, "પ્રાચીન પર્શિયાએ પાંચ રીતે આપણી આધુનિક દુનિયાને આકાર આપ્યો છે."

દાર્શનિકો જણાવે છે કે, ઇજિપ્તવાસીઓ પાસે રણોદ્યાન હતા અને બેબીલોનવાસીઓ પાસે હૅંગિંગ ગાર્ડન્સ હતા. પરંતુ પર્શિયનોએ બગીચાને લોકપ્રિય બનાવ્યા.

તે માત્ર શાસકોના આનંદપ્રમોદ માટેનાં સ્થળ નહોતાં, પરંતુ દુનિયા સાથે સુમેળ સાધવા માટે બાકીના લોકો માટેની પણ જગ્યાઓ હતી.

'પર્શિયન ગાર્ડન'ને સંયુક્ત રાષ્ટ્ર શૈક્ષણિક, વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક સંગઠન (યુનેસ્કો)ની વર્લ્ડ હેરિટેજ સૂચિમાં સ્થાન મળ્યું છે.

યુનેસ્કો કહે છે કે, "ચાર ક્ષેત્રોમાં વિભાજિત, સિંચાઈ અને સુશોભનના તત્ત્વ તરીકે પાણીની સર્વવ્યાપક હાજરી દ્વારા વર્ગીકૃત થયેલા પર્શિયન ગાર્ડનની એડન અને ચાર ઝોરોસ્ટ્રિયન તત્ત્વો: આકાશ, પૃથ્વી, પાણી અને વનસ્પતિજગતના પ્રતીક તરીકે કલ્પના કરવામાં આવી હતી."

ઇમેજ સ્રોત, Eric Lafforgue/Art in All of Us/Corbis via Getty Images

ઇમેજ કૅપ્શન, પર્શિયન ઉદ્યાનને 'ચાહર બાગ' તરીકે ઓળખવામાં આવે છે, જેનો અર્થ 'ચાર ઉદ્યાન' થાય છે. આ ભારતમાં એક ઉદાહરણ છે

પૃથ્વી પરના સ્વર્ગની સાથે બગીચાનું આ જોડાણ આપણને તે શબ્દની વ્યુત્પત્તિ તરફ દોરી જાય છે.

સ્પેનિશ ભાષાના શબ્દકોશ અનુસાર, સ્વર્ગ લૅટિન શબ્દ પૅરાડિસસ પરથી આવ્યો છે, જે ગ્રીક શબ્દ પરેડિસોસ પરથી બન્યો છે: 'બગીચો', 'સ્વર્ગ'.

ગ્રીકોએ તેને પૅરિડેઅઝા પરથી લીધો, જે અવેસ્તાં (જૂની ઈરાની ભાષા)માંથી આવે છે, જે શાહી બગીચાઓ તરફ ઇશારો કરે છે.

વ્યુત્પત્તિશાસ્ત્ર ઉપરાંત, યુનેસ્કો એ વાત પર પ્રકાશ પાડે છે કે કેવી રીતે પર્શિયન બાગ 'પશ્ચિમ એશિયા, અરબ દેશો અને યુરોપમાં પણ બગીચાની ડિઝાઇનના વિકાસ માટે મુખ્ય સંદર્ભ' હતો.

"એવું લાગે છે કે, તે જટિલ જળ વ્યવસ્થાપન પ્રણાલીની સાથોસાથ સ્થાપત્યની ભૂમિતિ અને સમપ્રમાણતા છે, જેણે આ બધા બગીચાની ડિઝાઇનને પ્રભાવિત કરી હોય."

4. ઔપચારિક ટપાલસેવા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કુટિલાસ કહે છે, "તે સમયે કોઈ પત્ર નહોતા, તેઓ એક પ્રકારની માટીની તકતીનો ઉપયોગ કરતા હતા, જે કેન્દ્રીય વહીવટી તંત્ર અને વિભિન્ન પ્રાંતો વચ્ચેના આદાનપ્રદાનમાં વપરાતી હતી"

થૉમસનનું કહેવું છે કે જોકે, ઇજિપ્તવાસીઓ અને અસિરિયન પાસે કુરિયર સેવાઓ હતી, પણ પર્શિયનોએ વિશ્વને 'રિલે અને પોસ્ટ ઑફિસનું પ્રથમ નેટવર્ક' આપ્યું હતું.

આ એ સમય હતો જ્યારે સામ્રાજ્યનું નેતૃત્વ ડેરિયસ પ્રથમ દ્વારા કરવામાં આવ્યું હતું, જે ઈ.સ.પૂ. 521ની આસપાસ સત્તા પર આવ્યા હતા.

શિક્ષણવિદો અનુસાર, સંદેશવાહકો ઘોડા પર લાંબા અંતરની મુસાફરી કરતા હતા અને આરામ કરવા માટે બનાવવામાં આવેલાં સ્થળોએ પહોંચતા હતા. બીજા દિવસે સવારે, તેઓ નાસ્તો કરતા, બીજો ઘોડો લેતા અને તેમની મુસાફરી ચાલુ રાખતા.

"અગાઉની કોઈ પણ પદ્ધતિ કરતાં તે ઘણું ઝડપી, સલામત અને વધુ કાર્યક્ષમ હતું."

પ્રોફેસર કુટિલાસ આપણને યાદ અપાવે છે કે પર્શિયન સામ્રાજ્ય એટલું વિશાળ હતું, જે ત્રણ ખંડોને આવરી લેતું હતું.

"સંદેશાવ્યવહાર માટે તેમણે ટપાલની શોધ કરવી પડી, જે સામ્રાજ્યના બધા ભાગોને જોડવાનો માર્ગ હતી અને તે આપણા દિવસો સુધી પહોંચી ગયો છે."

5. પ્રખ્યાત જાજમ

ઇમેજ સ્રોત, Ambrosiana Library/Getty Images

ઇમેજ કૅપ્શન, 1860ના દાયકાનું એમિલ ડુહૉસેટ દ્વારા બનાવાયેલું ચિત્ર 'ઈરાનના ફારસી સંગીતકાર'

1929માં થયેલી એક શોધે પુરાતત્ત્વવિદોને ચકિત કરી દીધા.

સાઇબિરિયામાં એક ખોદકામ દરમિયાન તેમને મમીકૃત શબો, એક ઔપચારિક રથ અને લગભગ 2,500 વર્ષ જૂની અનેક વસ્તુઓ સાથેની કબરો મળી.

મારિયા ઝાવિતુખિનાએ 'પસિરિક: ધ ફ્રોઝન વિલેજ ઑફ ધ અલ્તાઇ'માં લખ્યું છે, "પસિરિકમાં મળેલા બધા ખજાનામાંથી કદાચ સૌથી મહત્ત્વપૂર્ણ એક જાડી અને બહુરંગી કાર્પેટ છે, જે ખાસ તકનીકથી વણાયેલી છે, જેના લગભગ ચારે ખૂણે (આશરે 2 X 2 મીટર) પર ઘોડા અને અસવારો, ચરતાં હરણ, ગ્રિફિન અને શૈલીબદ્ધ છોડ દર્શાવવામાં આવ્યાં છે."

"આ જાજમ વિશ્વમાં આ પ્રકારની સૌથી જૂની છે અને ઈરાની વણકરોના કૌશલ્ય માટે પ્રશંસા જગાડે છે."

ઇમેજ સ્રોત, Heritage Art/Heritage Images via Getty Images

ઇમેજ કૅપ્શન, આ પેઇન્ટિંગ 1662માં જન્મેલા ડચ ચિત્રકાર વિલેમ વૅન મિએરિસનું છે. સ્ક્વાયર કહે છે, "આપણે યુરોપીય ચિત્રોમાં ક્લાસિક ફારસી ડિઝાઇનોવાળી ઘણી જાજમ જોઈએ છીએ."
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

યુનેસ્કો કુરિયરમાં પ્રકાશિત લેખ અનુસાર, તે ક્ષેત્રમાં વિચરતા લોકો માટે મધ્ય એશિયામાંથી આવતાં 'વિશિષ્ટ ઈરાની શૈલીમાં બનેલાં' ઊની જાજમ અને કપડાં માટે પશુધન અને કીમતી ધાતુઓનું આદાનપ્રદાન શક્ય હતું.

લંડનમાં કોર્ટૉલ્ડ ઇન્સ્ટિટ્યૂટ ઑફ આર્ટનાં પ્રોફેસર માર્ગરેટ સ્ક્વાયર્સ કહે છે, જોકે એ નક્કી કરવું મુશ્કેલ છે કે કાર્પેટનો જન્મ ક્યારે અને ક્યાં થયો હતો, પરંતુ બધું જ સૂચવે છે કે તેનો વિકાસ કાર્પેટ બેલ્ટ તરીકે ઓળખાતા એ વિશાળ ક્ષેત્રમાં થયો હતો, જે મધ્ય એશિયા અને મધ્યપૂર્વને આવરી લે છે અને જેમાં હાલના ઈરાનનો સમાવેશ થાય છે.

તેમણે ઉમેર્યું કે, "કાર્પેટ વણાટની કળા ઓછામાં ઓછી 2,500 વર્ષ જૂની છે, કદાચ ઘણી જૂની છે." પરંતુ તેના જન્મસ્થળને ધ્યાનમાં ન લઈએ તો ઈરાન તેના વિકાસમાં મુખ્ય કેન્દ્ર હતું.

"નિઃશંકપણે, ગૂંથેલી જાજમ એ વૈશ્વિક સ્તરે સૌથી વધુ માન્યતાપ્રાપ્ત ઈરાની સાંસ્કૃતિક નિકાસ છે અને તે 16મી સદીની છે, જ્યારે સફાવિદ કાળ દરમિયાન તેનો રાજદ્વારી ભેટ તરીકે ઉપયોગ કરાતો હતો."

કેટલીક વૈભવી વસ્તુઓ હતી, જેને કલાકારો દ્વારા કુશળતાપૂર્વક ડિઝાઇન કરવામાં આવી હતી અને હાથથી ગૂંથેલી હતી, જે રાજાઓ અને ધાર્મિક સંસ્થાઓને આપવામાં આવી હતી.

ઇમેજ સ્રોત, Jakub Porzycki/Anadolu via Getty Images

ઇમેજ કૅપ્શન, સ્ક્વાયર પોપ ફ્રાન્સિસના અંતિમ સંસ્કારમાં ફારસી જાજમો દ્વારા ભજવાયેલી પ્રતીકાત્મક ભૂમિકા પર પ્રકાશ પાડે છે

સદીઓથી તે એક વેપારી જણસ અને આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતાપ્રાપ્ત કલાત્મક અભિવ્યક્તિ બની ગઈ.

"પશ્ચિમી, ખ્રિસ્તી સંદર્ભમાં, પોપની શબપેટી નીચે પર્શિયન કાર્પેટ મૂકીને એ વિચારને સ્પષ્ટ રીતે સાકાર કરવામાં આવ્યો છે કે જાજમ એક સ્થાન દર્શાવે છે. જે છેલ્લા ત્રણ પોપના અંતિમસંસ્કારમાં બન્યું હતું, તેમણે એક પવિત્ર સ્થાનને ચિહ્નિત કર્યું."

સંશોધકો અનુસાર, આ કોઈ નવી વાત નથી, 14મી સદીથી ધાર્મિક સ્થળોએ પર્શિયન કાર્પેટનો ઉપયોગ થતો આવ્યો છે.

"હું ઘણા દેશોમાં કૅથલિક ચર્ચમાં ગયો છું અને મેં વેદીની નીચે પર્શિયન કાર્પેટ જોઈ છે."

"આપણે આપણા રોજિંદા જીવનમાં તેને જોઈને એટલા બધા ટેવાઈ ગયા છીએ કે આપણને તેના સાંસ્કૃતિક સંબંધનો ખ્યાલ નથી આવતો."

6. એક સ્મારકીય તબીબી વિશ્વકોશ

ઇમેજ સ્રોત, Bettman/Getty Images

ઇમેજ કૅપ્શન, વિલિયમ ઓસ્લરે એવિસેનાને 'ચિકિત્સાના ઇતિહાસમાં સૌથી મહત્ત્વપૂર્ણ નામોમાંના એક' કહ્યા

1913માં, આધુનિક ચિકિત્સાના જનક ગણાતા વિલિયમ ઓસ્લરે યેલ યુનિવર્સિટીમાં 'ધ ઇવોલ્યુશન ઑફ મૉડર્ન મેડિસિન' શીર્ષક હેઠળ વ્યાખ્યાનો આપ્યાં હતાં.

કૅનેડિયન ડૉક્ટરે 'ચિકિત્સાના ઇતિહાસમાં સૌથી મહત્ત્વપૂર્ણ નામોમાંના એક' વિશે વાત કરી હતી કે, ઇબ્ન સિના, જે પશ્ચિમમાં એવિસેના નામે જાણીતા છે.

"તેઓ અત્યાર સુધીમાં લખાયેલા સૌથી પ્રખ્યાત તબીબી પાઠ્યપુસ્તકના લેખક છે. એવું ચોક્કસપણે કહી શકાય કે 'કૅનન' અન્ય કોઈ પણ કરતાં લાંબા સમય સુધી તબીબી બાઇબલ રહ્યું."

ઓસ્લર 'કેનન ઑફ મેડિસિન' વિશે વાત કરતા હતા, જે પાંચ ખંડ ધરાવતો વિશ્વકોશ છે, જેને ઇસ્લામના સુવર્ણ યુગના એક દિગ્ગજ પર્શિયન તીબીબે 1012માં લખવાનો શરૂ કર્યો હતો.

980માં જન્મેલા એવિસેનાએ એ કાર્યમાં ગ્રીક, રોમન, ભારતીય, પર્શિયન અને ઇસ્લામિક સ્રોતોના જ્ઞાનને સંક્ષેપમાં રજૂ કર્યું અને તેમના પોતાનાં અવલોકનો અને પ્રયોગોને સામેલ કર્યાં.

ન્યૂ યૉર્ક યુનિવર્સિટીનું કહેવું છે કે, "ખાસ કરીને પુનર્જાગરણ દરમિયાન" યુરોપિયન યુનિવર્સિટીઓમાં તબીબી શિક્ષણ માટે તેમનું 'કેનન' મૂળભૂત હતું.

"શરીરરચના વિજ્ઞાન અને નવી વૈજ્ઞાનિક શોધોના ઉદય છતાં કેનનનો અભ્યાસ ચાલુ રહ્યો, જે અકૅડમિક મેડિસિનમાં તેના ઊંડા સંકલનને દર્શાવે છે."

ઇમેજ સ્રોત, Universal History Archive/Universal Images Group via Getty Images

ઇમેજ કૅપ્શન, એવિસેનાએ ખૂબ જ લેખન કર્યું છે, તેમના 400થી વધારે લેખો હતા, જે વિવિધ સાયન્સમાં પ્રકાશિત થયા હતા

17મી સદીના મધ્ય સુધી યુરોપિયન મેડિકલ સ્કૂલ્સમાં તેનો ઉપયોગ થતો હતો, એટલે સુધી કે પડુઆ યુનિવર્સિટીમાં પણ 1715 સુધી તેનો ઉપયોગ કરાયો હતો.

જોકે, બે પર્શિયન વિદ્વાનો, અલ-રાઝી અને અલ-મજુસીને મૅજિસ્ટ્રેટ સંબંધી તબીબી ગ્રંથો લખ્યા હતા, નિષ્ણાતો નોંધે છે કે એવિસેનાની વૈજ્ઞાનિક પદ્ધતિ 'કેનન'માં કેટલી વ્યવસ્થિત અને સ્પષ્ટ હતી.

એવિસેનાનો વિચાર એટલો ઉચ્ચ છે કે એવા લોકો પણ છે જેઓ ફિલસૂફી પર તેમનો સૌથી વધારે પ્રભાવ જુએ છે.

કૅમ્બ્રિજ યુનિવર્સિટીના પ્રોફેસર એમેરિટસ ટૉની સ્ટ્રીટ માટે, તેમના જીવનના અંત સુધીમાં, એવિસેનાએ "સર્વકાલીન સૌથી મહત્ત્વપૂર્ણ ફિલસૂફ તરીકે એરિસ્ટૉટલ કરતાં પાછળ છોડી દીધા હતા – કમ સે કમ મુસ્લિમ સ્કૉલર્સ માટે."

અને આ બધાની શરૂઆત ત્યારથી થઈ, જ્યારે કિશોરાવસ્થામાં સુલતાનને સાજા કર્યા પછી તેમની શિક્ષણને પ્રોત્સાહન આપનારા ઈરાની રાજવંશ સમેનિડસના ભવ્ય પુસ્તકાલય સુધી પહોંચ બની ગઈ.

7. ઘન સમીકરણોમાં

ઇમેજ સ્રોત, Bettman/Getty Images

ઇમેજ કૅપ્શન, ખય્યામે ઈરાનમાં એક વેધશાળાનું નેતૃત્વ કર્યું, જ્યાં તેમણે મહત્ત્વપૂર્ણ ખગોળીય અભ્યાસ કર્યો

તમે બીજગણિતના પિતા કહેવાતા અલ-ખ્વારિઝ્મી વિશે સારી રીતે સાંભળ્યું હશે.

આ ફારસી ગણિતશાસ્ત્રીના પુસ્તકને કારણે, પશ્ચિમના દેશો ઇન્ડો-અરેબિક સંખ્યા પદ્ધતિથી પરિચિત થયા, જે દશાંશ બિંદુ અથવા અલ્પવિરામ સાથે આપણે જે સંખ્યાઓનો ઉપયોગ કરીએ છીએ તેનો આધાર છે.

અલ-ખ્વારિઝ્મીનો જન્મ 780માં થયો હતો અને તેઓ પૂર્વી પર્શિયાથી બગદાદ જતા રહ્યા હતા. ત્યાં તેમણે ઇસ્લામના સુવર્ણ યુગ દરમિયાન સ્થાપિત એક અસાધારણ અકૅડમી હાઉસ ઑફ વિઝડમનું સંચાલન કર્યું.

તે સમયગાળાના બીજા એક પ્રખ્યાત ગણિતશાસ્ત્રી ઉમર ખય્યામ હતા, તેમનો જન્મ 1048માં ઈરાની બૌદ્ધિક કેન્દ્ર નિશાપુરમાં થયો હતો.

ઑક્સફર્ડ યુનિવર્સિટીના ગણિતના પ્રોફેસર માર્કસ ડુ સોટૉયે બીબીસી વર્લ્ડને જણાવ્યું, "સામાન્ય રીતે ઉમર ખય્યામ પર્શિયન વિજ્ઞાન અને ગણિત—અરબ દુનિયામાં થઈ રહેલા વિકાસથી ખૂબ જ પ્રભાવિત હતા."

"ખય્યામ બીજગણિતનો ઉપયોગ કરનારા અગ્રણીઓમાંના એક હતા, જેમણે હાઉસ ઑફ વિઝડમ અને અલ-ખ્વારિઝ્મી જેવી નવી ગાણિતિક ભાષા પ્રસ્તુત કરી હતી, જે આપણને સંખ્યાઓ કઈ રીતે કાર્ય કરે છે તે સમજવામાં મદદ કરે છે."

ખય્યામે તેમના ક્રાંતિકારી 'ટ્રીટિસ ઑન એલ્જિબ્રા' દ્વારા એ ક્ષેત્રને ઘન સમીકરણો સુધી વિસ્તૃત કર્યું, જે ત્રિ-પરિમાણીય આકૃતિઓ અને કદ સંબંધિત સમસ્યાઓમાં ઉદ્ભવતાં હતાં.

તેમના માટે બીજગણિત ભૂમિતિ અને અંકગણિતની સમસ્યાઓ ઉકેલવાનો માર્ગ હતો.

તેમણે વિવિધ પ્રકારનાં 14 ઘન સમીકરણો શોધી કાઢ્યાં અને તેમાંનાં કેટલાંકને ઉકેલવાની પદ્ધતિઓ આપી.

ઇમેજ સ્રોત, ATTA KENARE/AFP via Getty Images

ઇમેજ કૅપ્શન, સોટૉય આપણને યાદ કરાવે છે કે ગણિતમાં નોબેલ પુરસ્કાર ગણાતો ફીલ્ડ્સ મેડલ જીતનાર પ્રથમ મહિલા ઈરાની મરિયમ મિર્ઝાખાની હતાં. 15 જુલાઈ 2017એ કૅન્સરના કારણે તેમનું મૃત્યુ થયું. બીજા દિવસે તેઓ ઈરાની અખબારોના પહેલા પાને હતાં.

એવા લોકો છે જેઓ તેમને ઘન સમીકરણોનો સામાન્ય સિદ્ધાંત આપનાર અને તેના પર વ્યવસ્થિત વૈજ્ઞાનિક સંશોધન કરનાર પ્રથમ વ્યક્તિ હોવાનું શ્રેય આપે છે.

વેલાડોલિડ યુનિવર્સિટીમાં ગણિતના પ્રોફેસર અલ્ફોન્સો જે.એ બીબીસી મુંડોને કહ્યું, "ઉમર ખય્યામ વિશેની મૂળ વાત એ છે કે જ્યારે આ પ્રકારનાં સમીકરણો ઉકેલવાની કોઈ પદ્ધતિ નહોતી ત્યારે તેમણે તેને ઉકેલ્યાં હતાં."

500 વર્ષ પછી, 16મી સદી સુધી યુરોપમાં આ ક્ષેત્રે કશી પ્રગતિ થઈ નહોતી.

જ્યારે તમે x³ સાથેનું સમીકરણ જુઓ છો ત્યારે તમને ખય્યામ યાદ આવી શકે છે. જે ઘન માટે અજાણ્યું છે તે અર્થશાસ્ત્ર, એન્જિનિયરિંગ, કમ્પ્યૂટિંગ અને અન્ય ઘણાં ક્ષેત્રોમાં ઉદ્ભવતી અસંખ્ય સમસ્યાઓમાં જોવા મળે છે.

એટલે સુધી કે, જ્યારે તમે પંચાંગ જુઓ છો ત્યારે પણ તમે આ ગણિતશાસ્ત્રીને કલ્પી શકો છો. તેમની ગણતરીઓએ પર્શિયન કૅલેન્ડરની કલ્પના કરવામાં મદદ કરી, જે ઇતિહાસમાં સૌથી સચોટમાંનું એક મનાય છે (ગ્રેગોરિયન કૅલેન્ડર કરતાં ઘણું વધારે).

ખય્યામને તમે તેમની એક કવિતાના માધ્યમથી ઇન્ટરનેટ પર પહેલાં મળી ચૂક્યા હશો. હકીકતમાં, તેમના 'રુબાયત'ના કામને કારણે પશ્ચિમમાં ઘણા લોકો તેમના વિશે જાણે છે.

8. એક સુપરફૂડ

ઇમેજ સ્રોત, History/Universal Images Group via Getty Images

ઇમેજ કૅપ્શન, 'સા'દી ઇન અ રોઝ ગાર્ડન' એ 1645નું પેઇન્ટિંગ છે, જેને ગોવર્ધન નામના ચિત્રકાર દ્વારા બનાવવામાં આવ્યું છે, જે ગુલિસ્તાન અથવા 'ધ રોઝ ગાર્ડન' જેવી કૃતિઓના પર્શિયન કવિ-લેખકનું ચિત્રણ કરે છે

2000 કરતાં વધુ વર્ષ પહેલાં પાલકની ખેતી પહેલી વાર પર્શિયામાં કરવામાં આવી હતી.

વિસ્કોન્સિન-મેડિસન યુનિવર્સિટી અનુસાર, એવું માનવામાં આવે છે કે, 6ઠ્ઠી સદીમાં ચીની લોકો પહેલાંથી જ તેનું સેવન કરતા હતા અને 11મી સદીની આસપાસ અરબ તેને સ્પેન લાવ્યા.

"14મી સદી સુધીમાં તે યુરોપના બાકીના ભાગોમાં ફેલાઈ ગઈ હતી અને પ્રથમ વસાહતીઓની સાથે તે અમેરિકા પહોંચી ગઈ હતી."

પાલક શબ્દ અરબી ઇસ્બાના અથવા ઇસ્ફાના પરથી આવ્યો છે, જે ફારસી એસ્પેનાહ પરથી બન્યો છે.

જો તમે સ્વાદિષ્ટ પાલક એસ્કેબેચે તૈયાર કરો છો, તો યાદ રાખો કે આ શબ્દ પણ ફારસી (સેકબા) છે.

હું આ લેખ અહીં છોડી રહ્યો છું, કારણ કે મેં ઈરાની ખોરાક વિશે વિચારવાથી મને ભૂખ લાગી છે, પરંતુ સદીઓથી ઈરાનીઓ (અને બિન-ઈરાનીઓ)ની પેઢીઓ માટે ભાવનાત્મક પોષણ તરીકે શું કામ કરતું તેનો ઉલ્લેખ કર્યા વિના હું આને સમાપ્ત નથી કરી શકતો, તેથી તેમની કવિતા:

વોલ્ટેર, ગ્યૂથે, વિક્ટર હ્યુગો દ્વારા પ્રશંસા પામેલા કવિ સા'દીના કેટલાક છંદ - જેને સંયુક્ત રાષ્ટ્રના મુખ્ય કાર્યાલયમાં પર્શિયન કાર્પેટ પર ભરતકામથી ગૂંથેલા છે.

મને મેક્સિકોમાં ઈરાની દૂતાવાસ દ્વારા પ્રકાશિત પ્રકાશનમાં તેનો અનુવાદ મળ્યો:

"મનુષ્ય એક જ શરીરના અવયવો છે

સમાન તત્ત્વ અને આત્મામાંથી બનેલા

જો કોઈ એક અંગમાં પીડામાં હોય

બીજાં શાંતિથી નથી રહી શકતાં

જો તમને મનુષ્યના દર્દ માટે કરુણા નથી

તમે માનવ નામને લાયક નથી"

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન