એ દેશ, જેના વડાની હત્યા કરવા અમેરિકાએ આઠ-આઠ પ્રયાસ કર્યા, એના હાલ આવા કેમ થઈ ગયા?

ઇમેજ સ્રોત, AFP via Getty Images

    • લેેખક, ક્રિસ્ટિના જે. ઓર્ગઝ
    • પદ, બીબીસી ન્યૂઝ મુંડો
  • વાંચવાનો સમય: 7 મિનિટ

દાયકાઓથી ક્યુબા માટે ડૉલરનો અગ્રણી સ્રોત રહેલો પ્રવાસન ઉદ્યોગ છેલ્લા કેટલાક સમયથી સતત પીછેહઠનો સામનો કરી રહ્યો છે અને સ્થિતિ વધુને વધુ કથળી રહી છે. પર્યટનઉદ્યોગ ક્યુબાની સરકાર અને સામાન્ય નાગરિકો, બંનેને ચાવીરૂપ આવક પૂરી પાડતો હતો. પરંતુ, ઘણી હોટેલોને તાળાં લાગી જતાં તથા મુલાકાતીઓની સંખ્યામાં સતત ઓટ આવવાના કારણે આ ઉદ્યોગને ભારે ફટકો પડ્યો છે.

ટાપુ માટે આ સ્થિતિ ઘણી મુશ્કેલીરૂપ છે. વેનેઝુએલાના ભૂતપૂર્વ પ્રમુખ નિકોલસ માદુરોની સરકારે ક્યુબાને ઈંધણનો પુરવઠો પૂરો પાડવાની બાંહેધરી આપી હતી, પરંતુ 3 જાન્યુઆરીના રોજ માદુરોની ધરપકડ થયા પછી 96 લાખ લોકોની વસ્તી ધરાવતા આ કેરિબિયન દેશે તેનો ઑઇલનો પ્રમુખ સ્રોત ગુમાવી દીધો છે.

તેના ટૂંક સમય બાદ જ, ઊર્જાનો પુરવઠો મોકલનારા દેશો પર ટેરિફ લાદવાની અમેરિકાની ધમકીને કારણે ક્યુબામાં હવાઈ સંપર્કો સ્થગિત થઈ ગયા, વીજકાપ મુકાયો અને ઈંધણની અછત સર્જાઈ.

આ સ્થિતિએ ફરી એક વખત 1991માં સોવિયેત સંઘના પતન પછી ઉદ્ભવેલી—'સ્પેશ્યલ પીરિયડ' તરીકે જાણીતી—ગંભીર આર્થિક કટોકટીની યાદ તાજી કરી દીધી છે. તે સમયે સોવિયેત સંઘ ક્યુબા માટે ઑઇલનું મુખ્ય સપ્લાયર હતું.

નીચું ઉત્પાદન, કાલગ્રસ્ત થયેલા થર્મોઇલેક્ટ્રિક પ્લાન્ટ્સ તેમજ ઊર્જા મેટ્રિક્સમાં વિવિધતાના અભાવે વીજ ઉત્પાદન સામેની લાંબા સમયથી ચાલી આવતી સમસ્યાઓને કારણે સ્થિતિ વધુ વિકટ બની છે. રાશનિંગ અને પેટ્રોલ પરનાં નિયંત્રણો 7 ફેબ્રુઆરીથી શરૂ થયાં હતાં અને તેના કારણે સમગ્ર દેશની વસ્તી પ્રભાવિત થઈ હતી.

વિદેશી ચલણની અછતને કારણે ખોરાક કે દવાની આયાત કરવામાં મુશ્કેલીનો સામનો કરી રહેલી મિગુએલ ડિયાઝ-કેનેલની સમાજવાદી સરકાર પાસે ઠપ થઈ ગયેલા પ્રવાસનને પુનઃ બેઠો કરવાનો ઘણો ઓછો અવકાશ બચ્યો છે.

ક્યુબાનું અર્થતંત્ર છેક 1960ના દાયકાના પ્રારંભથી જ અમેરિકાના પ્રતિબંધોનો સામનો કરી રહ્યું છે. ફિડેલ કાસ્ટ્રોએ લગભગ સાત દાયકા પહેલાં ક્રાંતિનું નેતૃત્વ કરીને સત્તા મેળવી, ત્યારથી જ અમેરિકાના અનેક રાષ્ટ્રપતિઓએ તેમની સરકારને ઉથલાવી પાડવાના પ્રયાસો કર્યા છે. શીત યુદ્ધ દરમિયાન એક નિષ્ફળ આક્રમણ પણ થયું હતું. સીઆઈએ (CIA) દ્વારા કાસ્ટ્રોને ઓછામાં ઓછી આઠ વખત મારી નાખવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, તેમના પર અગણિત આર્થિક દબાણો અને અનેક પ્રકારના પ્રતિબંધો પણ લાદવામાં આવ્યા છે

ડિયાઝ-કેનેલે આક્ષેપ કર્યો હતો કે, અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ક્યુબાના અર્થતંત્રને ગૂંગળાવી નાખવા માગે છે.

ગત 5 ફેબ્રુઆરીના રોજ 'એક્સ' પર એક પોસ્ટમાં પ્રમુખે લખ્યું હતું, "સામ્રાજ્ય આપણને વશમાં કરવા ફરી એક વખત પ્રયાસ કરી રહ્યું હોવાથી ક્રાંતિ કપરા સમયનો સામનો કરી રહી છે, પણ શરણાગતિ તેનો વિકલ્પ નથી."

Sorry, we can’t display this part of the story on this lightweight mobile page.

ક્યુબાને અલવિદા કહી દેવું અને કદિયે પરત ન ફરવું

ઇમેજ સ્રોત, Reuters

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ઓસ્માની (ઓળખ છુપાવવા માટે નામ બદલ્યું છે) પ્રવાસન ક્ષેત્ર સાથે સંકળાયેલા ક્યુબાના ત્રણ લાખ નાગરિકો પૈકીના એક હતા. બે અઠવાડિયાં પહેલાં તેઓ પેરુ જવા રવાના થઈ ગયા હતા અને હવે પરત ફરવાની તેમની કોઈ યોજના નથી. તેઓ તેમની પાછળ એવું હવાના છોડી ગયા છે, જ્યાં માર્ગોના ખૂણે કચરાના ઢગ ખડકાયા છે, ઇંધણ લેવા માટે લાંબી કતારો લાગી છે અને ત્યાં હવે લગભગ કોઈ પ્રવાસી રહ્યા નથી.

"હું ફૂડ સર્વિસ ક્ષેત્રે કામ કરતો હતો. હું એક કાફૅમાં બરિસ્તા હતો. વીજ કાપથી અમને એટલો ફટકો નહોતો પડ્યો, કારણ કે ઓલ્ડ હવાના અને સૅન્ટ્રલ હવાનાના વિસ્તારો સુધી પહોંચતું વાયરિંગ જમીનની અંદર છે. તે થાંભલા પરથી પસાર નથી થતું. વળી, સ્ટોરમાં ઇંધણથી ચાલતું જનરેટર હતું."

તેમણે બીબીસી મુંડોને જણાવ્યું હતું કે, પેટ્રોલ વિના વીજળી નથી અને પ્રોફેશનલ કૉફી મશીન ચલાવી નથી શકાતું. આ ઉપરાંત, માર્ગો પર માંડ કોઈ કાર જોવા મળે છે તેમજ કામ સુધી પહોંચવા માટે જાહેર પરિવહનની સુવિધા પણ ઘણી ઓછી છે.

"મેં કામ છોડ્યું, તે પહેલાં અઠવાડિયામાં બહુમાં બહુ પાંચથી છ ગ્રાહકો આવતા હતા. કોઈ આવતું ન હતું. ધીમે-ધીમે પ્રવાસીઓ આવતા બંધ થઈ ગયા અને તેમની સાથે ડૉલર પણ અદૃશ્ય થઈ ગયા."

મહામારી પછી તથા ઓબામાના શાસનકાળ દરમિયાન વૉશિંગ્ટન અને હવાના વચ્ચે શરૂ થયેલા આર્થિક સુધારાઓ ટ્રમ્પે નાબૂદ કરી દીધા, તે પછી ક્યુબાનો પ્રવાસન ઉદ્યોગ ભારે સંઘર્ષનો સામનો કરી રહ્યો છે.

2018માં ક્યુબાએ 47 લાખ પ્રવાસીઓ અને 2.782 અબજ ડૉલરની આવકનો ઐતિહાસિક વિક્રમ નોંધાવ્યો હતો. 2023 સુધીમાં 24 લાખ પર્યટકોએ આ ટાપુ દેશનો પ્રવાસ ખેડ્યો હતો, જેનાથી 1ય308 અબજ ડૉલરની આવક થઈ હતી. સ્પેનિશ ઇન્સ્ટિટ્યૂટ ફોર ફોરેન ટ્રેડ (આઈસીઇએક્સ) દ્વારા એકત્રિત કરવામાં આવેલા ડેટામાં અંદાજ આંકવામાં આવ્યો હતો કે, 2024માં 22 લાખ પ્રવાસીઓ ક્યુબાની મુલાકાત લેશે, જે આગલા વર્ષ કરતાં નવ ટકાનો ઘટાડો દર્શાવે છે.

અને ક્યુબાની નેશનલ ઓફિસ ઓફ સ્ટેટિસ્ટિક્સ એન્ડ ઇન્ફર્મેશન (ઓએનઇઆઇ)ના જણાવ્યા પ્રમાણે, 2025માં આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓનો આંકડો 18 લાખ પર પહોંચ્યો હતો, જે 18 ટકા ઘટાડો દર્શાવે છે. 2025ના આઇસીઇએક્સના અહેવાલ મુજબ, "2024 દરમિયાન દેશની વીજ વ્યવસ્થામાં જે સમસ્યા સર્જાઈ, તેની પ્રવાસનઉદ્યોગ પર વિપરીત અસર પડી હતી."

હવાઈ માર્ગો સ્થગિત કરી દેવાયા

ઇમેજ સ્રોત, Getty Images

થોડા દિવસો પૂર્વે ટાપુ પર ઇંધણની કટોકટીએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું હતું. તેના કારણે કમર્શિયલ ઍરલાઇન્સના સંચાલન માટેનું આવશ્યક 'જેટ એ-1' વિમાનનું ઈંધણ ખૂટી પડ્યું હતું. ક્યુબાની હવાઈ ઉડ્ડયન ઑથોરિટી દ્વારા કરાયેલી જાહેરાતના તત્કાળ પડઘા પડ્યા હતા. ક્યુબામાં પ્રવાસીઓના મુખ્ય સ્રોત એવી કૅનેડા અને રશિયાની ઍરલાઇન્સે ફસાઈ ગયેલા મુસાફરોને પરત લાવ્યા બાદ તેમની ફ્લાઇટ્સ સ્થગિત કરી દીધી હતી.

હવાઈ ઉડ્ડયન ઉદ્યોગની વિશ્લેષણ ફર્મ 'સિરિયમ'ના ડેટા અનુસાર, એપ્રિલ સુધીમાં 1,709 ફ્લાઇટ્સ રદ થઈ શકે છે. આ અવરોધના કારણે ઉત્તરીય ગોળાર્ધમાં તીવ્ર શિયાળાની ઋતુ દરમિયાન હજારો પ્રવાસીઓ ઓછા થઈ જવાની શક્યતા છે.

જ્યોર્જિયાની ઓગસ્ટા યુનિવર્સિટીના અર્થશાસ્ત્રી પાઓલો સ્પેડોનીએ રોઇટર્સને જણાવ્યું હતું, "ક્યુબાનું પર્યટન ક્ષેત્ર ધ્વસ્ત થઈ જતાં ટાપુ દેશની અર્થવ્યવસ્થા માટે અસ્થિર સ્થિતિનું નિર્માણ થશે અને તેનું અસ્તિત્વ જોખમાશે."

તાજેતરનાં સપ્તાહોમાં ટાપુ પર કોઈ ટેન્કર જહાજનું આગમન થયું નથી, 'એએફપી'એ દરિયાઈ પરિવહન પર દેખરેખ રાખતા ઘણા સ્રોતો થકી તેની પુષ્ટિ કરી હતી. લેટિન અમેરિકાની ઍરલાઇન 'LATAM'એ પ્રભાવિત થયેલા પેસેન્જરોને વિવિધ વિકલ્પો ઓફર કર્યા હતા, જેમ કે, તેમની ટિકિટોનું પૂરું રિફંડ અથવા તો કોઈ પણ વધારાનો ચાર્જ ચૂકવ્યા વિના પ્રવાસનું સ્થળ બદલીને મેક્સિકોનું કેનકન કે પછી ડોમિનિકન રિપબ્લિકનું પુન્ટા કાના કરવું.

યૂરોપ અને અમેરિકાની અન્ય ઍરલાઇન્સે હજુયે તેમની ફ્લાઇટ્સ ચાલુ રાખી છે, પરંતુ કેટલીક ઍરલાઇન્સ રૂટ્સમાં ફેરફાર કરી રહી છે અથવા તો ક્યુબાની બહાર ઈંધણ ભરવા માટેનાં તકનીકી સ્ટોપ્સનું મૂલ્યાંકન કરી રહી છે.

મેડ્રિડ ઍરપોર્ટ ખાતે સ્પેનિશ કંપની ઍર યૂરોપાના ગ્રાઉન્ડ સ્ટાફે બીબીસી મુંડો સમક્ષ પુષ્ટિ કરી હતી કે, ઍરલાઇને ક્યુબા સુધીની તેની ફ્લાઇટ્સની રોજિંદી ફ્રિક્વન્સી જાળવી રાખી હોવા છતાં તેનાં વિમાનો પેસેન્જરોને હવાનાના જોસ માર્ટી ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર ઉતાર્યા પછી સાન્ટો ડોમિંગોમાં ઇંધણ ભરાવવા માટે થોભે છે.

ઍરલાઇનના એક કર્મચારીએ જણાવ્યું હતું, "હા, ઈંધણની તંગી વિશે અખબારોમાં આવેલા અહેવાલોને પગલે અમારી ફ્લાઇટ્સ ખાલીખમ હોય છે." સ્પેનિશ ઍરલાઇન ઇબેરિયા પણ બ્રિટિશ ઍરવેઝ કે અમેરિકન ઍરલાઇન્સ દ્વારા સંચાલિત ફ્લાઇટ્સ પર પોતાના પ્રવાસના આયોજનમાં ફેરફાર કરવા ઈચ્છતા ક્યુબા જનારા ગ્રાહકોને વિકલ્પો પૂરા પાડે છે.

વિદેશથી ટાપુ પર મોકલાતાં નાણાં પર જોખમ

ઇમેજ સ્રોત, Reuters

ઉડાનોની અનિશ્ચિતતા તથા ફ્લાઇટ્સ રદ થવાને કારણે વિમાન મારફત આવતું ધન પણ જોખમમાં છે. વિદેશમાં વસનારા લોકો માટે ક્યુબામાં તેમના સંબંધીઓને નાણાં મોકલવાની છેલ્લી સત્તાવાર ચૅનલ 2020માં જ્યારે વેસ્ટર્ન યુનિયને ટ્રાન્સફર મુલતવી કરી દીધી, તે પછી બંધ થઈ ગઈ હતી.

ત્યારથી લઈને, અમેરિકાથી ડૉલર મેળવનારા ક્યુબાના નાગરિકો પ્લેનમાં આવતા અને પોતાની સાથે દવાઓ તથા અન્ય જરૂરી ચીજો લઈ આવતા લોકોને કારણે આમ કરી શકે છે.

વિખ્યાત આંતરરાષ્ટ્રીય મની ટ્રાન્સફર કંપની બંધ થઈ, તે પહેલાં અમેરિકામાં વસનારા ક્યુબાના નાગરિકો દર મહિને લગભગ 2,40,000 વેસ્ટર્ન યુનિયન ટ્રાન્ઝેક્શન્સ થકી મુખ્યત્વે ક્યુબાની રાજધાનીમાં નાણાં મોકલતા હતા.

કોલમ્બિયા યુનિવર્સિટીના સ્કૂલ ઓફ લોના પ્રોજેક્ટ "હોરિઝોન્ટે કુબાનો" દ્વારા કરવામાં આવેલા એક વિશ્લેષણ પ્રમાણે, "લગભગ સમાન પ્રમાણમાં નાણાં અનૌપચારિક ચૅનલ્સ મારફત, મિત્રો દ્વારા, પરિવારના સભ્યો દ્વારા કે પછી ટાપુ પર નાણાં અને સામાન પહોંચાડનારા લોકો દ્વારા લઈ જવામાં આવ્યાં હતાં."

"પેરિસ કરતાં ક્યુબામાં રહેવું વધુ ખર્ચાળ"

ઇમેજ સ્રોત, Getty Images

ફ્રાન્સના એક બિઝનેસમેને ક્યુબામાં બીબીસી મુંડો સાથે વાત કરતાં પોતાનું નામ ન જણાવવાની શરતે કહ્યું હતું, "ઓલ્ડ હવાના ખાલીખમ થઈ ગયું છે. આસપાસ લટાર મારવા નીકળીએ, તો બધું સૂમસામ લાગે છે. ટુર ગાઇડ્ઝ પાસે કોઈ ગ્રાહક નથી. અહીં પ્રવાસન જેવું કશું દેખાતું નથી."

"પેરિસની તુલનામાં ક્યુબામાં રહેવામાં મારે વધુ ખર્ચો કરવો પડે છે. જરૂરિયાતની દરેક વસ્તુ અહીં મળી રહે છે, પણ ભાવ ઘણા વધારે છે. વળી, વસ્તુઓ શોધવા માટે આખા શહેરમાં ફરવું પડે છે. જો તમારી પાસે વિદેશી ચલણ હોય, તો તમે તમારી કાર માટે પેટ્રોલ ખરીદી શકો છો, પણ કાળા બજારમાં એક લિટર પેટ્રોલનો ભાવ આઠથી દસ ડૉલર જેટલો હોય છે," એમ તેમણે ઉમેર્યું હતું.

ઇમેજ સ્રોત, Getty Images

રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય હોટેલોમાં પણ બુકિંગ્ઝ કેન્સલ થઈ રહ્યાં છે અને અત્યારે પીક સિઝન હોવા છતાં ઘણી અગ્રણી હોટેલ ચેઇન્સે ઓછી ઓક્યુપન્સીને પગલે તેમની સુવિધાઓ આંશિક સ્તર પર બંધ કરી હોવાનું કબૂલ્યું હતું. ક્યુબામાં વ્યાપક સ્તર પર હાજરી ધરાવતી સ્પેનિશ હૉટેલ ચેઇન મેલિયાના પ્રવક્તાએ બીબીસી મુંડોને જણાવ્યું હતું, "હાલની સ્થિતિ જોતાં તેમજ માગ અને પુરવઠાની વર્તમાન મર્યાદાઓને અનુરૂપ થવા માટે હોટેલની પ્રાપ્યતામાં એડજસ્ટમેન્ટ કરવામાં આવ્યું છે, જેમાં કેટલીક સુવિધાઓ, ખાસ કરીને અત્યાર સુધીમાં ત્રણ હોટેલ્સનું કામચલાઉ ધોરણે એકત્રીકરણ કરવામાં આવ્યું છે."

જોકે, સ્પેનની વિશાળ કદની હોટેલ કંપની એનએચે પણ ગયા સપ્તાહે જાહેરાત કરી હતી કે, તેણે ક્યુબામાંની તેની તમામ હોટેલો બંધ કરી દીધી છે. સમાન બાબત હોસ્ટેલ્સ કે ખાનગી ઘરોને પણ લાગુ પડે છે. એક લોજિંગ સુવિધામાં કામ કરતા વર્કરે કહ્યું હતું, "અમારી પાસે 25 રૂમો છે, તેમાંથી વધુમાં વધુ 10 રૂમ ભરેલા છે." હવાનાની ફાઇવ-સ્ટાર ઇબેરોસ્ટાર પાર્ક સૅન્ટ્રલ હોટેલે પણ તાજેતરમાં બુકિંગ્ઝ કેન્સલ થયાં હોવાની પુષ્ટિ કરી હતી.

"બસ, હવે બહુ થયું"

ઇમેજ સ્રોત, Getty Images

અમેરિકન યુનિવર્સિટી ખાતે સેન્ટર ફોર લેટિન અમેરિકન ઍન્ડ લેટિનો સ્ટડીઝના સંશોધક રિકાર્ડો ટોરેસ પેરેઝે "હોરિઝોન્ટે ક્યુબાનો"માં લખ્યું હતું, "હાલની સમસ્યાઓ આર્થિક નીતિ અને સંસાધનોની ફાળવણીમાં લેવાયેલા નિર્ણયોને પણ પ્રતિબિંબિત કરે છે.

વર્ષોથી ક્યુબાએ સતત ઘટાડો થતો હોવા છતાં થર્મોઇલેક્ટ્રિક પાવર પ્લાન્ટનાં યંત્રોની પુનઃ સ્થાપના કે ગ્રીડના આધુનિકીકરણને પ્રાથમિકતા આપ્યા વિના રોકાણ કર્યું હતું. તેને બદલે તેણે સતત 30 ટકા કરતાં નીચેનો ઓક્યુપન્સી રેટ નોંધાવનારી ઉચ્ચ સ્તરની હોટેલ્સના નિર્માણ પર ધ્યાન આપ્યું હતું."

ઓસ્માની જણાવે છે કે, તેઓ પ્રવાસીઓ માટેના તેમના કાફૅમાં રોજના 15 અમેરિકન ડૉલર જેટલી કમાણી કરતા હતા. "ક્યુબામાં કોઈપણ વર્કર માટે આ સારો પગાર છે. હું અઠવાડિયાના છ દિવસ સવારે 8 વાગ્યાથી રાતના 11 વાગ્યા સુધી કામ કરતો હતો," એમ તેમણે કહ્યું હતું.

"ઈંધણની અછત સર્જાઈ, ત્યારથી સિબોનીમાં પોતાના ઘરે જવું પણ દોહ્યલું થઈ ગયું છે. એક દિવસ હું વહેલો, સાંજે સાત વાગ્યે નીકળી ગયો, પણ મધરાત સુધી મને કોઈ વાહન ન મળ્યું. મેં મારી જાતને કહ્યું, 'બસ, હવે બહુ થયું. મારે અહીંથી જવું જ પડશે, કારણ કે હું ઘરે પણ પહોંચી નહોતો શકતો.'"

અંતમાં તેઓ કહે છે, "મારું માનવું છે કે, જે વ્યક્તિ ક્યુબામાં કેવી રીતે રહેવું તે જાણતો હોય, તે દુનિયામાં ક્યાંય પણ રહી શકે છે. લિમામાં હું એકલો છું, પણ હું મારું ગુજરાન ચલાવી લઈશ."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન