દુ:ખનું દ્વાર : ઈરાને હવે રાતા સમુદ્રના એક જળમાર્ગને બંધ કરવાની ધમકી આપી, કોને કેવી અસર થશે?
ઇમેજ સ્રોત, Gallo Images via Getty
રાતા સમુદ્રના એક અત્યંત મહત્ત્વપૂર્ણ શિપિંગ રૂટ અંગે ઈરાનની ધમકીઓએ વૈશ્વિક વેપારમાં મુશ્કેલીઓ હજુ વધુ વધારવા અંગે ચિંતા વધારી દીધી છે.
ઈરાન પહેલાં જ હોર્મુઝની સામુદ્રધુનીને અસરકારક રીતે બંધ કરી ચૂક્યું છે, જેનાથી સમુદ્રી વાહનવ્યવહાર ફારસના અખાતમાં ફસાઈ ગયો છે.
હવે ઈરાન એડનના અખાત અને રાતા સમુદ્ર વચ્ચે આવેલા બાબ અલ-માંડબ સામુદ્રધુનીથી પસાર થતા વેપારમાં અવરોધ પેદા કરવાની ધમકી આપી રહ્યું છે, જે આગળ સુએઝ નહેર સુધી જાય છે.
ઈરાને કહ્યું છે કે જો જમીન પર અમેરિકન સૈનિક તહેનાત કરાયા તો તે યુદ્ધમાં 'બીજા મોરચા' ખોલી શકે છે.
ઇસ્લામિક રિવોલ્યૂશનરી ગાર્ડ કૉર્પ્સ સાથે જોડાયેલી તસનીમ ન્યૂઝ એજન્સીએ એક ઈરાની સૈન્ય સૂત્રના હવાલાથી કહ્યું, " બાબ અલ-માંડબ સામુદ્રધુનીને વિશ્વની વ્યૂહરચનાત્મક સામુદ્રધુનીઓ પૈકી એક ગણવામાં આવે છે અને ઈરાન પાસે તેના પર જોખમ ઊભું કરવાની મંશા હોવાની સાથોસાથ પ્રામાણિક ક્ષમતા પણ છે."
ઈરાને ધમકી આપી છે કે જો અમેરિકા ખાર્ગ દ્વીપ પર હુમલો કરે છે તો તે આ સામુદ્રધુની પર અવરોધ પેદા કરશે.
ખાર્ગ દ્વીપ પર એક મોટું ક્રૂડઑઇલ ટર્મિનલ મોજૂદ છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે તેઓ ઈરાનનું ક્રૂડઑઇલ 'લેવા' માગે છે અને આ દ્વીપ પર કબજો કરવાનું વિચારી રહ્યા છે.
બાબ અલ-માંડબ સામુદ્રધુની આટલી મહત્ત્વપૂર્ણ કેમ?
બાબ અલ-માંડબ સામુદ્રધુની રાતા સમુદ્રના આરબવાળા કાંઠે યમન અને આફ્રિકન કાંઠા પર જિબૂતી અને ઇરિટ્રિયા વચ્ચે આવેલી છે. હિંદ મહાસાગર અને એડનના અખાતથી આવતા સમુદ્રી વાહનવ્યવહારને સુએઝ નહેર સુધી પહોંચવા માટે આ જ રસ્તેથી પસાર થવાનું હોય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
115 કિમી લાંબી અને 38 કિમી પહોળી સામુદ્રધુની 1869માં સુએઝ નહેર ખૂલ્યા બાદ વૈશ્વિક વેપારની એક અનિવાર્ય કડી બની ગઈ, કારણ કે તેનાથી યુરોપ અને એશિયા વચ્ચે એક નાનો સમુદ્ર માર્ગ બની ગયો.
રાતા સમુદ્રનું આ કૉરિડૉર હવે વિશ્વના સૌથી વ્યસ્ત સમુદ્રી માર્ગો પૈકી એક છે, અને વિશ્વના કુલ સમુદ્ર વાહનવ્યવહારનો લગભગ એક ચતુર્થાંશ ભાગ આ રસ્તેથી જ પસાર થાય છે.
હોર્મુઝની સામુદ્રધુનીમાંથી વિશ્વનું 20 ટકા ક્રૂડઑઇલ ટ્રાન્સપૉર્ટ થાય છે અને આ રસ્તો યુદ્ધના કારણે લગભગ બંધ છે. જો બાબ અલ-માંડબ સામુદ્રધુની બંધ થાય, તો તેનાથી વૈશ્વિક ક્રૂડઑઇલના પુરવઠાનો વધુ 12 ટકા ભાગ અસરગ્રસ્ત થશે.
અમેરિકન ઊર્જા સૂચના પ્રશાસન પ્રમાણે, મધ્યપૂર્વ અને એશિયાના દેશોમાંથી પશ્ચિમના દેશો તરફ જતું લગભગ 50 લાખ બૅરલ ક્રૂડઑઇલ દરરોજ આ જ રસ્તેથી થઈને પસાર થાય છે.
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
આ સિવાય, લિક્વિફાઇડ નૅચરલ ગૅસ (એલએનજી)ની વૈશ્વિક ખેપનો લગભગ આઠ ટકા ભાગ પણ આ જ સામુદ્રધુનીમાંથી પસાર થાય છે, જેથી એ વિશ્વના ઊર્જા પુરવઠા માટે એક અત્યંત મહત્ત્વપૂર્ણ માર્ગ બની જાય છે.
હોર્મુઝની સામુદ્રધુની અસરકારક રીતે બંધ થયા બાદથી વૈશ્વિક વેપારમાં રાતા સમુદ્રનું મહત્ત્વ હજુ વધી ગયું છે. સાઉદી અરેબિયાએ યનબૂ બંદરમાંથી સાઉદી ક્રૂડઑઇલની અવરજવર માટે બાબ અલ-માંડબને એક ટ્રાન્ઝિટ પૉઇન્ટ તરીકે ઉપયોગમાં લેવાનું શરૂ કરી દીધું છે. સાઉદી અરેબિયા પોતાનાં પૂર્વ ક્રૂડઑઇલ ક્ષેત્રોથી દરરોજ પાઇપલાઇન મારફતે ત્યાં લાખો બૅરલ ક્રૂડઑઇલ મોકલે છે.
ક્રૂડઑઇલ અને ગૅસ સિવાય, બાબ અલ-માંડબની સામુદ્રધુની પૂર્વ અને પશ્ચિમ વચ્ચે મુખ્ય કારોબારી સંપર્કનો ભાગ પણ છે, જ્યાંથી દરરોજ ડઝનો માલવાહક જહાજ પસાર થાય છે.
જો આ સામુદ્રધુની બંધ થઈ તો તેની અસર 2021ની એ ઘટનાઓ જેવી થશે, જ્યારે પનામાના ધ્વજવાળું માલવાહક જહાજ એવર ગિવેન ફસાઈ જતાં સુએઝ નહેર બંધ થઈ ગઈ હતી. તેનાથી વૈશ્વિક પુરવઠા તંત્રમાં ભારે અવરોધ સર્જાયો હતો, જેના કારણે ક્રૂડઑઇલ અને ઘણા પ્રકારના સામાનનો ખર્ચ વધી ગયો હતો અને ડિલિવરીમાં પણ મોડું થયું હતું.
હૂતી વિદ્રોહીઓની ભૂમિકા
ઇમેજ સ્રોત, Suez Canal Authority via European Pressphoto Agency
બાબ અલ-માંડબની સામુદ્રધુની પર કોઈ પણ પ્રકારનો હુમલો મોટા ભાગે હૂતી વિદ્રોહી કરશે, જેઓ યમનમાં ઈરાન સમર્થિત એક રાજકીય અને સૈન્ય સમૂહ છે.
નામ ન છાપવાની શરતે રૉયટર્સ સાથે વાત કરતાં હૂતીઓના એક નેતાએ કહ્યું કે સમૂહ ઈરાનના સમર્થનમાં બાબ અલ-માંડબની સામુદ્રધુનીને નિશાન બનાવવા માટે "સૈન્યરૂપે તૈયાર" છે.
28 માર્ચના રોજ હૂતીએ ઇઝરાયલ પર હુમલો કર્યો, જે ઈરાન સાથે ચાલી રહેલા અમેરિકા-ઇઝરાયલ યુદ્ધમાં તેમની પ્રથમ ભાગીદારી હતી. ઇઝરાયલે કહ્યું કે તેણે યમનમાંથી આવેલી બે મિસાઇલોને તોડી પાડી.
આ સમૂહ યમનના રાતા સમુદ્ર સાથે જોડાયેલી સમુદ્રી કાંઠારેખાને નિયંત્રિત કરે છે અને ગાઝા યુદ્ધ દરમિયાન પણ બાબ અલ-માંડબની સામુદ્રધુનીને નિશાન બનાવી ચૂક્યો છે. એકલા હાથે આ સમૂહે મિસાઇલો અને ડ્રોન મારફતે 100 કરતાં વધુ વ્યાવસાયિક જહાજો પર હુમલો કર્યો. આ દરમિયાન બે જહાજ ડૂબી ગયાં અને ચાર નાવિકોનાં મૃત્યુ થયાં.
ઇમેજ સ્રોત, Houthi Military Media via Reuters
નવેમ્બર 2023માં આ સમૂહે એક હેલિકૉપ્ટરનો ઉપયોગ કરીને રાતા સમુદ્રમાં જાપાન દ્વારા સંચાલિત અને બ્રિટનના માલિકી હકવાળા એક માલવાહક જહાજનું અપહરણ કર્યું હતું.
જોકે, હૂતીઓનો દાવો છે કે તેઓ માત્ર ઇઝરાયલ સાથે સંકળાયેલાં જહાજોને નિશાન બનાવી રહ્યા છે, પરંતુ આને મોટા પાયે અંધાધૂંધ કરાયેલા હુમલા ગણાવાયા. એ બાદ વિશ્વની સૌથી મોટી શિપિંગ અને ક્રૂડઑઇલ કંપનીઓએ આ વિસ્તારમાંથી થઈને જતાં પોતાનાં જહાજ રોકી દીધાં.
અમેરિકાના હૂતીઓ ઘૂંટણિયે પડી ગયા હોવાના અને હૂતીઓના અમેરિકાએ પીછેહઠ કર્યાના દાવા વચ્ચે અંતે હુમલા રોકાઈ ગયા, પરંતુ વિશ્લેષકોને ચિંતા છે કે એ ફરી શરૂ થઈ શકે છે.
બીબીસીનાં મુખ્ય આંતરરાષ્ટ્રીય સંવાદદાતા લીસ ડુસેટ કહે છે કે, "જો યુદ્ધ લાંબું ચાલશે તો યમનના હૂતી તેમાં સામેલ થશે, એ વાતની અપેક્ષા હંમેશાંથી રખાઈ રહી હતી."
તેઓ આગળ કહે છે, "હૂતીઓનો ઉત્તર પશ્ચિમ યમન પર ઊંડો પ્રભાવ છે અને તેમણે અત્યાર સુધી પોતાના સૌથી તાકતવર હથિયારનો ઉપયોગ નથી કર્યો - અને એ છે બાબ અલ-માંડબ મારફતે પસાર થતા વાહનવ્યવહારમાં અવરોધ પેદા કરવાની તેમની ક્ષમતા. આ રસ્તો રાતા સમુદ્રને વૈશ્વિક વેપાર માર્ગો સાથે જોડતો એક મહત્ત્ત્વપૂર્ણ સમુદ્રી ચેકપૉઇન્ટ છે."
26 ફેબ્રઆરીના રોજ અમેરિકન પરિવહન વિભાગના મેરિટાઇમ ઍડમિનિસ્ટ્રેશને એક નોટિસમાં કહ્યું, "જોકે, ઑક્ટોબર 2025માં ઇઝરાયલ અને ગાઝા વચ્ચે થયેલા સંઘર્ષ વિરામ સમાધાન બાદથી હૂતી આતંકવાદી સમૂહે કોઈ વ્યાવસાયિક જહાજ પર હુમલો નથી કર્યો, પરંતુ હૂતી આ ક્ષેત્રમાં અમેરિકાની સંપત્તિઓ, જેમાં વ્યાવસાયિક જહાજ પણ સામેલ છે, માટે હજુ પણ એક ખતરો છે."
વૈશ્વિક શિપિંગ દબાણમાં
ઇમેજ સ્રોત, Getty Images
બાબ અલ-માંડબનો અરેબિકમાં અર્થ થાય છે 'આંસુઓનો દરવાજો' કે 'દુ:ખનું દ્વાર'. આ નામ ત્યાં રહેલા ખતરાને દર્શાવે છે, જેમાં તીવ્ર સમુદ્રી ધારા અને અનિશ્ચિત હવાઓથી માંડીને સમુદ્રી લૂંટફાટ અને સંઘર્ષ પણ સામેલ છે.
2008થી 2012 વચ્ચે બાબ અલ-માંડબની સામુદ્રધુની અને તેની આસપાસના જળક્ષેત્રમાં ઘણી સમુદ્રી લૂંટફાટની ઘટનાઓ થઈ - જે પૈકી મોટા ભાગનીને સોમાલી સમૂહોએ અંજામ આપ્યો હતો, જેઓ ખંડણી માટે જહાજોના ચાલકદળનું અપહરણ કરતા હતા. આ ઘટનાઓ બાદ આંતરરાષ્ટ્રીય સમુદાય અને શિપિંગ કંપનીઓએ આ ક્ષેત્રમાં સુરક્ષા વધુ કડક બનાવી દીધી હતી.
જો આજે આ માર્ગને બંધ કરી દેવાય, તો તેનાથી ઊર્જા બજારનું સંકટ વધુ ઘેરાઈ જશે, જે પહેલાંથી જ હોર્મુઝની સામુદ્રધુનીની સ્થિતિના કારણે દબાણમાં છે.
અખાતના ક્ષેત્રમાં શિપિંગ અવરોધવાથી બ્રેન્ટ ક્રૂડની કિંમતો સંકટ પહેલાંની લગભગ 70 ડૉલર પ્રતિ બૅરલની સપાટીથી વધીને 115 ડૉલરથી ઉપર પહોંચી ગઈ છે.
ઉપભોક્તા વસ્તુઓથી માંડીને કૃષિ ઉત્પાદનો સુધી, ઘણા પ્રકારના સામાન સાથે જોડાયેલ વૈશ્વિક વેપાર પણ આની અસર અનુભવી રહ્યો છે. અન્ય કોઈ સમુદ્ર માર્ગમાં અવરોધ પેદા થવાની સ્થિતિ કિંમતોમાં હજુ વધારો લાવી શકે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
નવાજૂની
બીબીસી વિશેષ
સૌથી વધુ વંચાયેલી સ્ટોરીઝ
આ કન્ટેન્ટ ઉપલબ્ધ નથી