વસ્તીગણતરી : તમારે કઈ માહિતી આપવી પડશે અને કયા દસ્તાવેજો બતાવવા પડશે?

ઇમેજ સ્રોત, Getty Images

વાંચવાનો સમય: 6 મિનિટ

ભારતમાં લગભગ 15 વર્ષના ગાળા પછી વસ્તીગણતરીનો પ્રારંભ થયો છે, જે દુનિયામાં આ પ્રકારની સૌથી મોટી કવાયત ગણાશે.

અલગ અલગ બે તબક્કામાં થનારી આ કવાયત સપ્ટેમ્બર મહિનાના અંત સુધી ચાલશે જેમાં લગભગ 30 લાખ કર્મચારીઓ જોડાવાના છે. તેમાં દેશની દરેક વ્યક્તિની નોંધણી કરીને તેમના વિશે ડેટા તૈયાર કરવામાં આવશે.

દરેક વસ્તીગણતરી વખતે લોકોને કેટલાક સવાલો પૂછવામાં આવે છે. આ વખતે 33 સવાલો કરવામાં આવશે જેના વિશે અહીં માહિતી આપવામાં આવી છે.

આ ઉપરાંત ઘણા લોકોના મનમાં વસ્તી ગણતરી વિશે પ્રશ્નો છે, જેમ કે શું આ પ્રક્રિયામાં ભાગ લેવું ફરજિયાત છે? કોઈ દસ્તાવેજો દેખાડવા પડશે? સરકારી અધિકારીઓના પ્રશ્નોના જવાબ આપવા ફરજિયાત છે?

Sorry, we can’t display this part of the story on this lightweight mobile page.

વસ્તીગણતરીમાં કયા 33 સવાલો પૂછાશે?

વસ્તીગણતરીની વેબસાઇટ મુજબ આ પ્રક્રિયામાં તમારે આટલા સવાલોની માહિતી આપવાની રહેશે.

1. તમારા બિલ્ડિંગનો નંબર

2. તમે જ્યાં રહો છો તે ઘરનો નંબર

3. ઘરનું ભોંયતળિયું કઈ સામગ્રીનું બનેલું છે?

4. ઘરની દીવાલો શેની બનેલી છે?

5. ઘરની છત શેની બનેલી છે? (કૉન્ક્રિટની છે કે કાચી)

6. ઘરનો ઉપયોગ

7. ઘરની સ્થિતિ કેવી છે?

8. પરિવારમાં કેટલા સભ્યો છે?

9. ઘરમાં સામાન્ય રીતે કેટલા લોકો રહે છે?

10. પરિવારના વડાનું નામ

11. પરિવારના વડાનું લિંગ (સ્ત્રી છે કે પુરુષ)

12. જાતિ (સામાન્ય, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, અથવા OBC)

13. ઘરની માલિકીની સ્થિતિ

14. ઘરમાં રૂમની સંખ્યા

15. ઘરમાં પરિણીત યુગલોની સંખ્યા

16. પીવાના પાણીનો સ્ત્રોત

17. પીવાના પાણીની ઉપલબ્ધતા

18. વીજળીનો સ્ત્રોત

19. શૌચાલયની ઉપલબ્ધતા

20. શૌચાલયનો પ્રકાર

21. ગંદા પાણીના નિકાલની વ્યવસ્થા

22. બાથરૂમની ઉપલબ્ધતા

23. ગૅસ કનેક્શન (એલપીજી/પીએનજી કનેક્શન)

24. રસોઈનું મુખ્ય ઇંધણ

25. ઘરમાં રેડિયો /ટ્રાન્ઝિસ્ટર છે?

26. ઘરમાં ટીવી છે?

27. ઇન્ટરનેટ ઍક્સેસ ધરાવો છો?

28. લેપટૉપ અથવા કમ્પ્યુટર છે?

29. ટેલિફોન/મોબાઇલ/સ્માર્ટ ફોન છે?

30. સાયકલ/સ્કૂટર/મોટરસાઇકલ/મોપેડ છે?

31. કાર/જીપ/વાન છે?

32. મુખ્યત્વે કયું અનાજ ખાવ છો?

33. મોબાઇલ નંબર (માત્ર વસ્તીગણતરીના હેતુસર)

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, દેશના અલગ અગલ ભાગોમાં વસ્તીગણતરીની પ્રક્રિયા બે તબક્કામાં કરવામાં આવશે.

પહેલી એપ્રિલથી અંદામાન નિકોબાર, દિલ્હી, ગોવા, કર્ણાટક, લક્ષદ્વીપ, મિઝોરમ, ઓડિશા અને સિક્કિમમાં સ્વ-ગણતરીનો પહેલો તબક્કો શરૂ થયો છે. ત્યાર પછી ગુજરાતમાં પાંચમી એપ્રિલથી પ્રક્રિયા શરૂ થઈ શકે છે, પરંતુ તે ફેરફારને આધીન છે. પશ્ચિમ બંગાળ માટે હજુ તારીખો નક્કી થઈ નથી.

એક વખત જે રાજ્યમાં સ્વ-ગણતરીનો તબક્કો પૂરો થાય, ત્યાં ઘરે ઘરે જઈને વસ્તી ગણતરીની પ્રક્રિયા કરવામાં આવશે.

આ વખતે પહેલી વાર ડિજિટલી વસ્તીગણતરી થવાની છે. એટલે કે મોબાઇલ ફોન ઍપ્લિકેશનનો ઉપયોગ કરીને માહિતી એકત્ર કરાશે.

વિશ્વની સૌથી મોટી વસ્તીગણતરી પ્રક્રિયા વિશે આટલું જાણવું જરૂરી છેઃ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, આ વખતની વસ્તીગણતરીથી ભારતના લોકો વિશે એક વધુ સચોટ ચિત્ર મળવાની અપેક્ષા છે.

વસ્તીગણતરીમાં ભાગ લેવું ફરજિયાત છે?

હા. સેન્સસ ઍક્ટ, 1948 મુજબ વસ્તીગણતરીમાં ભાગ લેવો ફરજિયાત છે.

તેમાં દરેક પરિવારે પોતાની જાણકારી મુજબ સચોટ માહિતી આપવાની રહેશે. આ ઍક્ટના સેક્શન 8 મુજબ વ્યક્તિએ દરેક સવાલના જવાબ પણ પોતાની જાણકારી પ્રમાણે સાચા આપવાના રહેશે. જાણી જોઈને જવાબ ન આપવા બદલ વધુમાં વધુ એક હજાર રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે.

ઇમેજ સ્રોત, AFP via Getty Images

ઇમેજ કૅપ્શન, વર્ષ 2023માં ભારત વસ્તીના મામલે ચીન કરતાં આગળ નીકળી ગયું હતું. ત્યારથી તે દુનિયામાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે.

તમારે કોઈ દસ્તાવેજ દેખાડવા પડશે?

તમારે કોઈ દસ્તાવેજ આપવાના નથી. તમે જે માહિતી આપી હશે તેના આધારે ઇન્યુમરેટર (ગણતરી કર્મચારી) માહિતી રેકૉર્ડ કરશે. તેના કોઈ દસ્તાવેજી પુરાવા આપવાના નથી. પરંતુ તમે જે માહિતી આપો તો ખરી અને સત્તાવાર હોય તે જરૂરી છે.

વસ્તીગણતરીમાં કેવી માહિતી એકઠી કરાશે?

વસ્તીગણતરીના પ્રથમ તબક્કામાં ઘર શેનું બનેલું છે? કેવી સ્થિતિમાં છે? પીવાના પાણી, શૌચાલય, વીજળી, ઇંધણ, ઇન્ટરનેટની સુવિધા છે કે નહીં?, વગેરે પૂછવામાં આવશે. આ ઉપરાંત રેડિયો, ટીવી, કમ્પ્યુટર, વાહનો વગેરે સવાલ પૂછાશે.

ત્યાર પછી બીજા તબક્કામાં નામ, ઉંમર, લિંગ, પરિણીત છો કે નહીં, જાતિ, ધર્મ, શિક્ષણ, ભાષા, વિકલાંગતા, માઇગ્રેશન, વ્યવસાય તથા પરિણીત મહિલાઓને કેટલા સંતાન છે તેની વિગત એકત્ર કરવામાં આવશે.

સ્વ-ગણતરી કેવી રીતે કરવી?

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ભારત એ યુવાનોની સૌથી વધારે વસ્તી ધરાવતો દેશ છે, પરંતુ રોજગારી એક મોટો પડકાર છે.

ઇમેજ સ્રોત, se.census.gov.in

ઇમેજ કૅપ્શન, વસ્તીગણતરી માટેની વેબસાઇટનું હોમ પેજ. અહીં તમે મોબાઇલ નંબરનો ઉપયોગ કરીને ડેટા ભરી શકો છો.

સ્વ-ગણતરી માટે તમે મોબાઇલ નંબર અને બીજી વિગતોનો ઉપયોગ કરીને se.census.gov.in પૉર્ટલ પર માહિતી ભરી શકો છો. એક ઘર માટે માત્ર એક મોબાઇલ નંબર વાપરી શકાશે.

તેની પદ્ધતિ આ મુજબ છેઃ સૌથી પહેલાં se.census.gov.in પર જાવ. તમારા મોબાઇલ નંબરનો ઉપયોગ કરીને લૉગિન કરો. ત્યાર પછી નકશા પર સ્થાન ઓળખો, પરિવારની વિગતો ભરો, માહિતી સબમિટ કરો, SE ID મેળવો, વસ્તીગણતરીકાર ફિલ્ડ વિઝિટ પર આવે ત્યારે તેમને SE ID આપો. ત્યાર પછી તમારા ડેટાની પુષ્ટિ થશે અને વસ્તીગણતરીમાં સમાવેશ થશે.

આ પ્રક્રિયા માટે https://se.census.gov.in પર User Guide વિભાગમાં તમામ વિગતો આપેલી છે.

મારી અંગત માહિતી ગુપ્ત રહેશે?

સેન્સસ ઍક્ટ, 1948ના સેક્શન 15 હેઠળ તમારી અંગત માહિતી ગુપ્ત રાખવામાં આવશે અને કોઈને શૅર નહીં કરાય. માત્ર સરેરાશ ડેટા અથવા સમરીને રાજ્ય, જિલ્લા, ગ્રામ્ય અથવા સબ ડિસ્ટ્રિક્ટ સ્તરે વહીવટી લેવલ પર પ્રકાશિત કરવામાં આવશે.

સ્વ-ગણતરીનો શું ફાયદો છે? શું તે ફરજિયાત છે?

સ્વ-ગણતરીની પ્રક્રિયાથી તમે તમારી સગવડ પ્રમાણે માહિતી દાખલ કરી શકશો જેથી ઘણો સમય બચી જશે. તેનાથી ગણતરીકર્તાના કામનો બોજ ઘટશે અને સચોટ માહિતી મળવાની શક્યતા વધશે.

જોકે, સ્વ-ગણતરી ફરજિયાત નથી. જેઓ સ્વ-ગણતરીની માહિતી ઑનલાઇન નહીં ભરે તેમને પણ ફિલ્ડ વિઝિટ દરમિયાન આવરી લેવાશે.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વસ્તીગણતરીથી દેશમાં સ્ત્રી-પુરુષનો રેશિયો, શિક્ષણ, સુવિધાઓ, ભાષા, જ્ઞાતિ સહિત અનેક પ્રકારની લેટેસ્ટ માહિતી મળશે.

હું પરિવારના બધા સભ્યોની માહિતી ભરી શકું?

હા. પરિવારના વડા અથવા કોઈ પણ જવાબદાર પુખ્ત વયની વ્યક્તિ પરિવારના બધા સભ્યોની માહિતી ભરી શકશે. તેઓ સિંગલ હાઉસહોલ્ડ લૉગિનમાં આ માહિતી ભરી શકશે.

સ્વ-ગણતરી પૉર્ટલ પર મારું ઘર કેવી રીતે શોધવું?

સ્વ-ગણતરી પૉર્ટલ પર તમે ડ્રૉપડાઉન મેનુમાં તમારું રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશ પસંદ કરીને જિલ્લો સિલેક્ટ કરી શકો છો. અથવા તો પિનકોડ નાખી શચો. ત્યાર બાદ ગામ, વિસ્તાર, શેરી કે નજીકના લૅન્ડમાર્કની વિગત દાખલ કરીને સર્ચ પર ક્લિક કરો.

તેનાથી તમને નકશો જોવા મળશે જેમાં તમે તમારા રહેણાકને સચોટ રીતે માર્ક કરી શકશો.

પરંતુ ખોટી રીતે માર્કર મૂકવામાં આવે તો મોબાઇલ ઍપ પર ઘરની વિગતો ન મળે તેવું બની શકે. તેથી આ કામમાં સાવધાની રાખવી.

આ ઉપરાંત વસ્તીગણતરી વિશે આટલું જાણો

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, આ વખતે ઘરમાં શૌચાલયની સુવિધા છે કે નહીં તેનો ડેટા પણ એકત્ર કરવામાં આવશે.
  • વસ્તીગણતરીનું se.census.gov.in પૉર્ટલ અંગ્રેજી અને 15 ભારતીય ભાષાઓ સહિત કુલ 16 ભાષાને સપોર્ટ કરે છે.
  • પૉર્ટલ પર સ્વ-ગણતરી માટે માહિતી અપલોડ કરવા ઇન્ટરનેટ કનેક્શન ચાલુ હોવું જરૂરી છે. તેમાં સ્વગણતરી કર્યા પછી પણ ઇન્યુમરેટર તમારા ઘરની મુલાકાત લેશે. તમારે તેમને SE ID (સેલ્ફ ઇન્યુમરેશન ID) આપવાનું રહેશે જેનાથી વેરિફિકેશન થશે. ખૂટતી વિગતો ઇન્યુમરેટર દ્વારા ઉમેરી દેવામાં આવશે. ત્યાર પછી તમારો ડેટા ફાઇનલ થશે અને અપલોડ કરવામાં આવશે.
  • ફાઇનલ વિગતો સબમિટ કર્યા પછી ભૂલ ધ્યાનમાં આવે તો ઇન્યુમરેટર તમારા ઘરની મુલાકાતે આવે ત્યારે તેને આની જાણ કરો. ડેટા ફાઇનલ કરીને અપલોડ કરતા પહેલાં ઇન્યુમરેટર આ વિગતોમાં સુધારા કરી શકશે.
  • હું ભાડાના મકાનમાં રહું છું, પરંતુ મારું માલિકીનું ઘર બીજે ક્યાંક આવેલું છે. તો મકાનની માલિકીમાં શું સિલેક્ટ કરવું? આવી સ્થિતિમાં તમે ઑપ્શનોમાંથી 'ભાડે રહું છું, પરંતુ અન્યત્ર મકાન છે' વિકલ્પ પસંદ કરી શકો છો.
  • દરેક રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશે એસસી અને એસટીનું પોતાનું નોટિફાઇડ લિસ્ટ આપેલું છે. તમારી જાતિનું નામ તેમાં ન હોય તો તમે 'અન્ય' ઑપ્શન પસંદ કરી શકો છો.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન