રાજકોટ : ડીસીપીએ યુવાનને માર માર્યાની ફરિયાદ બાદ પોલીસના સમર્થનમાં રેલી નીકળી, શું છે સમગ્ર મામલો?
ઇમેજ સ્રોત, Bipin Tankaria
રાજકોટમાં છેલ્લા એક અઠવાડિયાથી ખાસ કરીને સોશિયલ મીડિયામાં સુરેશ વડેચા નામના કથિત પત્રકારનું નામ ખૂબ ચર્ચામાં છે.
'ખબર રાજકોટની' નામનું છાપું ચલાવતા અને સોશિયલ મીડિયાના માધ્યમથી પણ સમાચાર પ્રસિદ્ધ કરતા સુરેશ વડેચાએ આક્ષેપ કર્યો છે કે તેમણે એક બિલ્ડર વિરુદ્ધ ફરિયાદ કર્યા બાદ રાજકોટ સિટી પોલીસની ક્રાઇમ બ્રાન્ચના અધિકારીએ તેમને ખરાબ રીતે માર માર્યો હતો.
જોકે પોલીસે સુરેશ વડેચાના આરોપોને ફગાવી દીધા છે.
ત્યાર બાદ તેઓ હૉસ્પિટલમાં દાખલ થયા હતા અને સોશિયલ મીડિયા પર તેમણે પોલીસ વિરુદ્ધ કરેલા આક્ષેપોને પગલે વિવાદ એટલો વકર્યો કે પોલીસના સમર્થનમાં રેલી નીકળી તો વડેચાને મળવા હૉસ્પિટલમાં નેતાઓ પહોંચવા લાગ્યા હતા.
રાજકોટનું સુરેશ વડેચા પ્રકરણ શું છે?
ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC
સુરેશ વડેચાએ આક્ષેપ કર્યો છે કે એક બિલ્ડર વિરુદ્ધ જાહેર રસ્તા પર બાંધકામની સામગ્રી ઉતારવાની ફરિયાદ પોલીસને આપી તો રાજકોટ સિટી પોલીસની ક્રાઇમ બ્રાન્ચના વડા, ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ (ડીસીપી) જગદીશ બંગારવાએ તેમને ઊંધા લટકાવી, સખત માર માર્યો હતો.
તેમણે પોલીસ અધિકારીઓ પર તેમના પર અત્યાચાર ગુજારવાનો આક્ષેપ કર્યો છે.
સુરેશ વડેચાનો આરોપ છે કે પોલીસે ધમકી આપી કે જો તેમણે આપેલી "ફરિયાદો" પાછી નહીં ખેંચે તો તેમનું છાપું બંધ કરાવી દેશે અને ગુજસીટોક હેઠળના ગુનામાં "ફિટ" કરી દેશે.
ફરિયાદ કરનાર પત્રકાર રાજકોટના ભાગોળે આવેલા બેડી ગામના રહેવાસી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે પોલીસ સામે કરેલા આક્ષેપથી વકરેલા વિવાદમાં રાજકીય આગેવાનોએ પણ ઝંપલાવ્યું છે.
વડેચા કોળી સમાજમાંથી આવે છે અને ગુજરાત સરકારના ગ્રામ્ય વિકાસ મંત્રી કુંવરજી બાવળીયા, કૉંગ્રેસના સોમનાથ બેઠકના ધારાસભ્ય વિમલ ચુડાસમા, ચોટીલાના પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણા સહિતના કોળી આગેવાનો તેમના સ્વાસ્થ્યના ખબર-અંતર પૂછવા રાજકોટની સિવિલ હૉસ્પિટલ પહોંચ્યા હતા.
તો કૉંગ્રેસના ધારાસભ્ય અને ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ કમિટીના કાર્યકારી પ્રમુખ જિજ્ઞેશ મેવાણીએ પણ વડેચાને મળ્યા બાદ માંગણી કરી હતી કે વડેચા પર અત્યાચાર ગુજારવા બદલ ડીસીપી બાંગરવા સામે ફોજદારી ગુનો નોંધવામાં આવે.
તો બીજી તરફ પોલીસ સમન્વય સમિતિ નામની એક બિનસરકારી સંસ્થાએ બુધવારે ડીસીપી જગદીશ બાંગરવા અને પોલીસના સમર્થનમાં રાજકોટ શહેરમાં એક રેલી કાઢી અને માંગણી કરી કે પોલીસ વિરુદ્ધ "બફાટ" કરનારા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે.
કથિત ઘટના કઈ રીતે સામે આવી?
ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ક્રાઇમ બ્રાંચના અધિકારીઓએ બીબીસીને જણાવ્યું કે બેડી ગામ નજીકના હડાળા ગામે રહેતા ભરત સગર નામના ભંગારના વેપારીએ 10 માર્ચ 2026ના રોજ રાજકોટ ક્રાઇમ બ્રાંચની ઑફિસે આવી એક અરજી આપી.
તે અરજીમાં સગરે ફરિયાદ કરી કે બે મહિના પહેલાં સુરેશ વડેચાએ તેમના ભંગારના ડેલા પર આવીને તેમનું વીડિયો શૂટિંગ કરી લીધું.
અરજી અનુસાર ત્યાર બાદ પરોક્ષ રીતે તેમનો સંપર્ક કરી, એક હોટેલમાં તેમને મળવા બોલાવી વડેચાએ આઠ લાખ રૂપિયા ખંડણી પેટે માંગ્યા અને ધમકી આપી કે જો ખંડણી નહીં આપવામાં આવે તો તેઓ વીડિયોને વાઇરલ કરી દેશે અને તેમની આબરૂને હાનિ પહોંચાડશે.
આ અરજીમાં આગળ કહેવામાં આવ્યું કે સગરે રૂપિયા 50,000 આપવાની તૈયારી બતાવી પરંતુ વડેચા અને તેમની સાથેના માણસોએ તેમને કહ્યું કે ઓછામાં ઓછા એક લાખ તો આપવા જ પડશે.
પોલીસ અનુસાર આ અરજીની તપાસ સંદર્ભે 22 માર્ચ, 2026ના રોજ રાજકોટ ક્રાઇમ બ્રાંચના અધિકારીઓએ વડેચા અને તેમના મિત્ર હીરેન ટાંકને ક્રાઇમ બ્રાન્ચની ઑફિસે બોલાવ્યા. બીજા દિવસે પોલીસે વડેચા અને ટાંકને એક મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કર્યા. મેજિસ્ટ્રેટે તેમને જામીન પર મુક્ત કરવાનો હુકમ કર્યો.
પરંતુ જામીન પર છૂટ્યા બાદ વડેચા 108 ઍમ્બ્યુલન્સ સેવા મારફત રાજકોટની સિવિલ હૉસ્પિટલ ગયા અને ત્યાં ફરિયાદ કરી કે તેમને ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે માર માર્યો જેથી ઈજાઓ થઈ છે.
તેમણે આક્ષેપ કર્યો કે ડીસીપી બંગારવાએ તેમને ઊંધા લટકાવીને પટ્ટા અને પાઇપ વડે માર માર્યો.
પોલીસ વિરુદ્ધના તેમના આક્ષેપો સોશિયલ મીડિયામાં ફેલાઈ જતા 26 માર્ચના રોજ કૉંગ્રેસના ધારાસભ્ય અને ગુજરાત કૉંગ્રેસના કાર્યકારી પ્રમુખ જિગ્નેશ મેવાણી સુરેશ વડેચાની ખબર પૂછવા હૉસ્પિટલ દોડી ગયા.
ત્યાર બાદ રાજકોટમાં એક સભાને સંબોધતા મેવાણીએ માંગણી કરી કે સુરેશ વડેચા પર અત્યાચાર ગુજારવા બદલ ડીસીપી સામે ફોજદારી ગુનો નોંધવામાં આવે. કુંવરજી બાવળિયા અને અન્ય રાજકીય નેતાઓ પણ વડેચાની ખબર પૂછવા હૉસ્પિટલ ગયા હતા.
સુરેશ વડેચા સામે શું ફરિયાદો થઈ હતી?
ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC
બીબીસી સાથે વાત કરતા રાજકોટ શહેરના પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ કહ્યું કે સુરેશ વડેચા બિલ્ડરો અને વેપારીઓને પોતે પત્રકાર હોવાની ઓળખ આપી, તેમની વિરુદ્ધ સમાચાર છાપવાની ધમકીઓ આપી "ખંડણી" ઊઘરાવવાની ટેવ ધરાવે છે.
કમિશનરે કહ્યું કે છેલ્લાં પાંચેક વર્ષ દરમિયાન સુરેશ વડેચા વિરુદ્ધ તે પ્રકારની દસેક અરજીઓ રાજકોટ સિટી પોલીસને મળી છે અને તેમની સામે મારામારીનો એક કેસ પણ નોંધાયો છે.
ભંગારના વેપારી ભરત સગરે ક્રાઇમ બ્રાન્ચને અરજી આપી તે પહેલાં વિનાયક ડેવેલપર્સના સાઇટ મૅનેજર અસીમ અબ્દુલભાઈ અઘામે પણ વડેચા વિરુદ્ધ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચને 2 માર્ચ 2026ના રોજ એક અરજી આપી હતી. તેમાં અઘામે આક્ષેપ કર્યો કે રાજકોટ શહેરના સાધુ વાસવાણી રોડ ખાતે ચાલતા તેમના એક પ્રોજેક્ટ વિશે હકીકતથી વેગળા સમાચાર છાપી વડેચા બદનક્ષી કરી રહ્યા છે.
બ્રજેશકુમાર ઝાએ કહ્યું, "એક બિલ્ડરે એક અરજી દ્વારા ફરિયાદ કરી હતી કે સુરેશ વડેચા બિલ્ડરો સામે પોતાને પત્રકાર તરીકે ઓળખાવી, તેઓ બાંધકામ વખતે નિયમભંગ કરે છે તેવા આક્ષેપ કરી બિલ્ડરો પાસેથી ખંડણી માંગે છે.
"વેપારીની અરજીની તપાસના સંદર્ભમાં તેમને ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે બોલાવીને તેમની સામે અટકાયતી પગલાં લીધાં હતાં."
પરંતુ સુરેશ વડેચાના વકીલ રણજીત પટગીરે ગુરુવારે બીબીસીને જણાવ્યું કે તેમણે કોર્ટને અરજી કરી છે કે ક્રાઇમ બ્રાંચના અધિકારીઓ વિરુદ્ધ હત્યાની કોશિશ, ગુનો બન્યાની ખબર હોવા છતાં તેની જાણ ન કરવાની અને પુરાવાનો નાશ કરવાની કલમો હેઠળ એક એફ.આઈ.આર. (ફર્સ્ટ ઇન્ફોરમેશન રિપોર્ટ) એટલે કે ગુનો નોંધવામાં આવે.
રણજીત પટગીરે કહ્યું, "કોર્ટે અમારી ફરિયાદ નોંધી લીધી છે અને સુનાવણી માટે 18 એપ્રિલની તારીખ નક્કી કરી છે. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ અને સારવારના કાગળ કોર્ટને સોંપી દેવાયા છે અને સુરેશભાઈ સ્વસ્થ થતા કોર્ટમાં જુબાની આપી વધારાના પુરાવા આપશે."
"તેમને સિવિલ હૉસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે પરંતુ વધારે સારવારની જરૂર હોવાથી તેઓ ખાનગી હૉસ્પિટલમાં દાખલ થયા હતા."
"બુધવાર સુધી તેઓ હૉસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા. ગુરુવારે મારી તેમની સાથે વાત થઈ નથી તેથી તેઓ હજુ પણ હૉસ્પિટલમાં છે કે તેમને રજા આપી દેવામાં આવી છે તે બાબતની જાણકારી મારી પાસે નથી."
સુરેશ વડેચાએ કોર્ટમાં શું ફરિયાદ કરી છે?
ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC
27 માર્ચના રોજ સુરેશ વડેચાએ રાજકોટની સિવિલ કોર્ટમાં ફરિયાદ કરી કે ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ તેમને માર માર્યો છે, તેથી તે અધિકારીઓ વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવે.
વડેચાએ તેમની ફરિયાદમાં આરોપી તરીકે ડીસીપી જગદીશ બાંગરવા, પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એલ. ડામોર, પોલીસ સબઇન્સ્પેક્ટર એ.એન પરમાર, પોલીસ સબઇન્સ્પેક્ટર વીબી ચુડાસમા, વિનાયક ડેવલપર્સના જવાબદાર કર્મચારી અસીમ અબ્દુલભાઈ અઘામ અને અતુલ સુરાણીનાં નામ આપ્યાં છે.
ફરિયાદ અનુસાર અસીમ અઘામ અને અતુલ સુરાણી બંને પત્રકાર પણ છે.
સુરેશ વડેચાએ તેમની ફરિયાદમાં જણાવ્યું છે કે તેમણે એક અહેવાલ છાપ્યો હતો જેમાં તેમણે જણાવ્યું હતું કે રાજકોટ શહેરના સાધુ વાસવાણી રોડ પર બાંધકામના એક પ્રોજેક્ટ માટે વિનાયક ડેવેલપર્સ દ્વારા લોકોને અડચણ થાય તે રીતે જાહેર રસ્તા પર બાંધકામનો સામાન મૂકવામાં આવ્યો છે અને ફૂટપાથ પર સાઇટ ઑફિસ ખોલવામાં આવી છે. સુરેશ વડેચાએ બિલ્ડર દ્વારા કથિત રીતે નિયમભંગ થતો હોવાની રાજકોટ મહાનગરપાલિકાને લેખિતમાં જાણ પણ કરી.
ફરિયાદ અનુસાર, આ બાબતનો ખાર રાખીને અસીમ અઘામે સુરેશ વડેચાને જાનથી મારી નાખવાની અને તેમની ન્યૂઝ ચેનલ બંધ કરાવી દઈ ગંભીર ગુનાઓમાં ફિટ કરાવી દેવાની ધમકી આપી.
તેથી, સુરેશ વડેચાએ 4 માર્ચ 2026ના રોજ પોલીસ કમિશનરની કચેરીમાં એક ફરિયાદ આપી. સુરેશ વડેચાનો આરોપ છે કે તેમની ફરિયાદ સંદર્ભે પોલીસે કોઈ કાર્યવાહી કરી નહીં.
સુરેશ વડેચાએ ફરિયાદમાં જણાવ્યું છે કે તેઓ સિવિલ હૉસ્પિટલમાં દાખલ હતા ત્યારે પોલીસે ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ વિરુદ્ધ તેમની ફરિયાદ ન નોંધતા તેમણે કોર્ટનો આશરો લેવાની ફરજ પડી છે.
આક્ષેપ બાબતે રાજકોટ પોલીસનું શું કહેવું છે?
ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC
રાજકોટ પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ સુરેશ વડેચાના આક્ષેપોને નકારી કાઢ્યા છે.
બીબીસી સાથે વાત કરતા પોલીસ કમિશનરે જણાવ્યું, "પોલીસ સ્ટાફ દ્વારા સુરેશ વડેચાને માર મારવામાં આવ્યો હોય તેવા આક્ષેપો પાયાવિહોણા છે."
"ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે મને જણાવ્યું છે કે તેમણે સુરેશ વડેચાને કડક શબ્દોમાં ચેતવણી આપી હતી કે લોકો વિરુદ્ધ સમાચાર છાપી દેવાની ધમકી આપી લોકો પાસેથી પૈસા પડાવવાની પ્રવૃત્તિ બંધ કરે."
"પરંતુ અમારો સ્ટાફ ભારપૂર્વક જણાવે છે કે તેમણે સુરેશ વડેચાને કોઈ ઢોર માર માર્યો નથી."
કમિશનર ઝાએ એમ પણ કહ્યું કે આ મુદ્દાને રાજકીય રંગ આપી દેવામાં આવ્યો છે અને સુરેશ વડેચા કોળી સમાજના હોવાથી કોળી સમાજની વ્યક્તિ સામે અત્યાચાર થયો હોય તેવો પ્રચાર કરવામાં આવી રહ્યો છે.
બ્રજેશકુમાર ઝાએ કહ્યું, "સુરેશ વડેચાએ ત્રણ દિવસ સુધી પોલીસમાં ફરિયાદ જ ન લખાવી અને સીધી કોર્ટમાં જ અરજી દાખલ કરી."
"આ પોલીસ વિરુદ્ધ વડેચા કે પોલીસ વિરુદ્વ કોળી સમાજ એવો મામલો નથી. પરંતુ જિગ્નેશ મેવાણી તે જ વાતને વળગી રહ્યા છે."
પોલીસ કમિશનરે એમ પણ કહ્યું કે સુરેશ વડેચાને ભય હતો કે તેમની સામે અન્ય કેસોમાં પોલીસ કાર્યવાહી થશે.
તેમણે ઉમેર્યું કે, "થોડા સમય પહેલાં કથિત પત્રકારોની એક ગૅંગ દ્વારા એક ડૉક્ટરની અંગત પળોના વીડિયો ઉતારી લઈ તેમને બ્લેકમેઇલ કરી ખંડણી માંગવાની કોશિશ કરવામાં આવી હતી."
"પોલીસ આવા તોડબાજોની ટોળકી સામે કાર્યવાહી કરી રહી છે. તે કામમાં અડચણ ઊભી કરવા સુરેશ વડેચા પોલીસ અધિકારીઓ સામે પાયાવિહોણા આક્ષેપ કરી રહ્યા છે."
બીબીસી સાથે વાત કરતા અસીમ અઘામે પણ વિનાયક ડેવલપર્સ સામેના આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા.
તેમણે કહ્યું, "કરોડોનો પ્રોજેક્ટ મંજૂરી વગર કોઈ ચાલુ કરે? અમારું કોઈ મટિરીયલ જાહેર રસ્તા પર નથી અને અમે કોઈ જાહેર રસ્તો બ્લૉક કર્યો નથી."
"ઑફિસ માટે પણ અમે રાજકોટ મહાનગરપાલિકાની પૂર્વ મંજૂરી લીધી છે અને 500 રૂપિયા ફી ભરી છે. પરંતુ સુરેશ વડેચા અમારા પ્રોજેક્ટ વિશે ખોટા સમાચાર છાપી ત્રણ લાખ રૂપિયાની ખંડણી માંગતા હતા."
"તેથી અમે પોલીસમાં તેમની વિરુદ્ધ ફરિયાદ કરી અને તેમને લીગલ નોટિસ પણ આપી છે."
ભરત સગરે પણ બીબીસીને કહ્યું કે સુરેશ વડેચા તેમને 'હેરાન' કરતા હતા.
તેમણે કહ્યું, "તે (સુરેશ વડેચા) મને ધમકી આપતા કે વીડિયો વાઇરલ કરીશ અને ધંધો નહીં કરવા દઉં. તેઓ મને હેરાન કરતા હતા. મેં ફરિયાદ કરી પછી શું થયું તેની મને ખબર નથી. હું તેમને મારવા ગયો નથી."
બીબીસી માટે કલેક્ટિવ ન્યુઝરુમનું પ્રકાશન
નવાજૂની
બીબીસી વિશેષ
સૌથી વધુ વંચાયેલી સ્ટોરીઝ
આ કન્ટેન્ટ ઉપલબ્ધ નથી