'મારા પૂર્વ પતિએ મારાં બાળકોને મારી નાખ્યાં', એક પીડાદાયક સંબંધની ઘૃણાસ્પદ કહાણી
ઇમેજ સ્રોત, Personal file
- લેેખક, થાઇસ કેરાન્સા
- પદ, બીબીસી ન્યૂઝ બ્રાઝિલ, સાઓ પાઉલોથી
- વાંચવાનો સમય: 5 મિનિટ
ચેતવણી: આ લેખની વિગતો કેટલાક વાચકોને વ્યથિત કરી શકે છે.
"ડિસેમ્બર, 2022માં તેની વધી રહેલી ઇર્ષ્યાથી કંટાળીને મેં સંબંધનો અંત આણી દીધો, કારણ કે મારી સહનશક્તિ ખૂટી પડી હતી. તે પછી 10મી જુલાઈ, 2023ના રોજ તેણે અમારાં બંને બાળકોને મારી નાખ્યાં."
આ દર્દનાક કહાણી ઉત્તર બ્રાઝિલના બેલેમમાં રહેતાં સિવિલ પોલીસ ડિટેક્ટિવ (તપાસ અધિકારી) અમાન્ડા સોઝાની છે. એ મહિલા પોલીસકર્મીએ તે દિવસની વાત માંડતાં કહ્યું, "તેણે સવારે મને મૅસેજ મોકલ્યો કે તારું ભવિષ્ય એકલતા અને ઉદાસીથી ભરાઈ જશે."
"તે પછી બપોરે ચાર વાગ્યે તેણે મને ફોન કર્યો અને કહ્યું, 'અભિનંદન, તારે જે જોઈતું હતું તે તને મળી ગયું: મેં તારાં બંને બાળકોને મારી નાખ્યાં'."
યાતના આપવાના ઇરાદાથી આચરવામાં આવેલી આ 'પરોક્ષ હિંસા'નો ભોગ બનેલાં અમાન્ડાએ ગત ફેબ્રુઆરીમાં ફરી એ દિવસ યાદ કર્યો, જ્યારે બ્રાઝિલના મધ્ય પશ્ચિમના ગોયાસ રાજ્યની ઇટુમ્બિયારા નગરપાલિકામાં આ જ પ્રકારનો એક બીજો કેસ નોંધાયો હતો.
ત્યાં મ્યુનિસિપલ ગવર્મેન્ટ સેક્રેટરી થેલેસ માચાડોએ તેના ઘરે તેનાં બંને બાળકોને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી. બે પૈકીના એક બાળકે ઇમર્જન્સી મેડિકલ સર્વિસ આવી પહોંચે તે પહેલાં જ જીવ ગુમાવ્યો હતો, જ્યારે આઠ વર્ષના નાના ભાઈને ગંભીર સ્થિતિમાં હૉસ્પિટલ લઈ જવાયો હતો, પણ ગણતરીના કલાકોમાં તેણે પણ અંતિમ શ્વાસ લીધા હતા.
પરોક્ષ હિંસા (Vicarious Violence) એટલે એવી સ્થિતિ, જેમાં ગુનેગાર સીધો પીડિત (મોટા ભાગે મહિલા) ઉપર હુમલો કરવાને બદલે તેની પ્રિય વ્યક્તિઓ - બાળકો કે અન્ય પરિવારજનોને નુકસાન પહોંચાડે છે.
માતાને જવાબદાર ઠેરવવી
ઇમેજ સ્રોત, Archive
અમાન્ડા સોઝા કહે છે કે, થેલેસ માચાડોનાં પત્ની સારાહ અરાઉજોના કેસની જાણકારી તેમને સોશિયલ મીડિયા થકી મળી હતી. તેઓ યાદ કરે છે, "મને ઘણો આઘાત લાગ્યો. મને ભાવનાત્મક ઠેસ પહોંચી હતી. મને 10મી જુલાઈ, 2023ની મારી હાલત યાદ આવી ગઈ. તે માતાનું દર્દ હું અનુભવી શકતી હતી."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પોલીસ અધિકારી અમાન્ડા કહે છે કે, આ કેસની વિગતો વાંચતી વખતે તેમને સૌથી વધારે આઘાત સોશિયલ મીડિયા પરની કમેન્ટ્સ વાંચીને લાગ્યો, જેમાં બંને બાળકોની ઘાતકી હત્યા માટે તેમની માતાને જવાબદાર ઠેરવવામાં આવ્યાં હતાં.
"માતા પ્રત્યે તેમનું વલણ ઘણું જ નિષ્ઠુર હતું. આટલું બધું થયું હોવા છતાં, સમાજ પોતાનો આખો પરિવાર ગુમાવી બેસનારી માતાને જ દોષ દઈ રહ્યો હતો."
સોઝા નોંધે છે કે, તે કમેન્ટ્સમાં પતિના ગુનાઇત કૃત્યને ઉચિત ઠેરવવા માટે પત્નીની કથિત બેવફાઈનું કારણ આગળ ધરવામાં આવ્યું હતું. પોલીસ ચીફે રોષ સાથે કહ્યું હતું, "તેમાં માણસાઈ અને અનુકંપાનો સદંતર અભાવ છતો થાય છે. આપણે જે પુરુષપ્રધાન સમાજમાં જીવીએ છીએ, તેનો આ જીવતો-જાગતો દાખલો છે. જાણે કે સ્ત્રીની બેવફાઈથી પુરુષને તેનાં ખુદનાં જ બે બાળકોના જીવ લેવાનો પરવાનો મળી જાય છે - આ માની ન શકાય તેવી બાબત છે."
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
આ પૈકીની મોટા ભાગની કમેન્ટ્સ અન્ય મહિલાઓ દ્વારા જ કરાઈ હતી, તે હકીકત સોઝા માટે વધુ આઘાતજનક હતી.
આ એવા દેશમાં બની રહ્યું છે, જ્યાં 2023માં સ્ત્રીઓની હત્યાના વિક્રમી આંકડા નોંધાયા હતા (જે આંકડો 1,458 હતો). વળી, અહીં રોજ સરેરાશ ચાર સ્ત્રીઓની તેમના લિંગના કારણે હત્યા થાય છે.
"ખુદ મહિલાઓ દ્વારા જ આવી લિંગ-આધારિત કમેન્ટ્સ જોઈને સૌથી વધુ દુઃખ અને ગુસ્સો આવે છે. આ લૈંગિકવાદને કારણે જ આપણે - ખુદ મહિલાઓ મોતને ભેટી રહી છીએ. મહિલાઓ તરફ આંગળી ચીંધવામાં અને પુરુષોના અપરાધને હળવો ગણાવવામાં આપણે જ પ્રથમ હોઈએ છીએ."
અમાન્ડાના મતે, ઇટુમ્બિયારામાં થેલેસ માચાડો દ્વારા આચરવામાં આવેલો આ અપરાધ એક લાક્ષણિક સ્વકેન્દ્રી પુરુષની નિશાની છે, જેણે કદીયે તેનાં ખુદનાં બાળકોને પ્રેમ કર્યો નહોતો અને તે કોઈ પણ ભોગે પોતાની મરજી લાદવા માગતો હતો.
પોતાનાં બાળકોને મારી નાખીને તે તેની પત્નીને ભયંકર આઘાત આપવા માગતો હતો. તેના ગુના માટે કથિત બેવફાઈને જવાબદાર ઠેરવીને તે પોતાની પત્નીને નૈતિક રીતે પાયમાલ કરવા માગતો હતો.
અમાન્ડા કહે છે, "તે ઇચ્છે છે કે આ મહિલા જીવતેજીવ પીડાય અને જે કંઈ પણ થયું તે બદલ તે ખુદ અપરાધભાવ અનુભવે. આ જ વિકેરિયસ વાયોલન્સની સંકલ્પના છે."
તેમનાં સંતાનોની હત્યા થઈ તે સમયે તેઓ બ્રાઝિલના પેરા ખાતે ઘરેલું હિંસાનાં પીડિતોને સહાય પૂરી પાડતા એકમ 'સ્પેશિયલાઇઝ્ડ વિમેન્સ પોલીસ સ્ટેશન' (DEAM)માં કાર્યરત હતાં. આજે 43 વર્ષનાં અમાન્ડા સોઝા બેલેમમાં 'મોબાઇલ ડિવાઇસ રિકવરી યુનિટ'માં પ્રતિનિધિ તરીકે કામ કરે છે.
"મેં તેને તે જીત ન મેળવવા દીધી, જે તેને જોઈતી હતી"
ઇમેજ સ્રોત, Personal file
સોઝા કહે છે કે, લિંગ આધારિત હિંસાની પીડિતા તરીકેની તેમની પોતાની કહાણી જણાવીને તેઓ અપમાનજનક સંબંધોનો સામનો કરી રહેલી મહિલાઓને મદદ કરવા માગે છે. અમાન્ડા કહે છે કે, તેમના કિસ્સામાં જ્યારે તેઓ પોલીસ અધિકારી બનવાની તાલીમ મેળવવા માટે બેલેમ ખાતે જતાં રહ્યાં, ત્યારથી તેમના પતિનું વર્તન બદલાવા માંડ્યું હતું.
પોલીસ અધિકારી કહે છે, "20 વર્ષ સુધી મારું જીવન સંપૂર્ણપણે મારા પતિના નિયંત્રણમાં હતું. તેણે બહુ ઝીણવટપૂર્વક આમ કર્યું હતું, જેથી મારા પરનો તેનો આ અંકુશ મને નિયંત્રણ જેવો નહીં, બલકે કાળજી જેવો લાગે. પણ જ્યારે હું ત્યાંથી જતી રહી, ત્યારે અત્યાર સુધી જે ધરબાયેલું હતું તે બધું છતું થઈ ગયું. તે વધુ ઇર્ષ્યાળુ બન્યો અને મને વધુ અંકુશમાં રાખવા માંડ્યો."
સોઝા કહે છે કે, તેનો ભૂતપૂર્વ પતિ હંમેશાં જાણવા માગતો કે તે ક્યાં છે અને કોની સાથે છે? તે વારંવાર વીડિયો કૉલ્સ કરતો અને તેઓ જેમની સાથે હોય, તે લોકોના સંપર્કની વિગતો પણ મેળવવા માગતો હતો. અમાન્ડા સોઝાએ આ સંબંધનો અંત આણવાનું નક્કી કર્યું, તે પછી તેના પતિએ એવો અપરાધ આચર્યો જેના પરિણામે આખો પરિવાર છિન્ન-ભિન્ન થઈ ગયો.
તે કમભાગી ફોન કૉલ પછી સોઝા તાબડતોબ ઘરે પહોંચ્યાં. સૌથી પહેલાં તેમણે તેમનાં બાળકોના મૃતદેહો જોયા: માર્સેલો 12 વર્ષનો હતો અને લેટિસિયા નવ વર્ષની હતી. તેમના ભૂતપૂર્વ પતિએ પણ ગુનો આચર્યા પછી આત્મહત્યા કરી લીધી હતી.
તેમણે કહ્યું, "તે બોલ્યો હતો, 'મેં તારાં બંને બાળકોને મારી નાખ્યાં, અભિનંદન, તારે જે જોઈતું હતું તે તને મળી ગયું.' તેના કહેવાનો અર્થ એ હતો કે મેં તે લગ્નનો અંત આણવાનો નિર્ણય લીધો હોવાથી બાળકોના મોત માટે હું જવાબદાર છું. તેઓ હંમેશાં તેમણે આચરેલી ક્રૂરતા માટે પીડિતને જ દોષિત ઠેરવતા હોય છે."
સોઝા કહે છે કે, તેમના પતિએ તેમને બરબાદ કરી નાખવાના મનસૂબા સાથે જે વાક્યનો ઉપયોગ કર્યો હતો, વાસ્તવમાં તે વાક્યથી જ તેમને આગળ વધવાની શક્તિ મળી. "તેણે કહ્યું હતું કે મારું ભવિષ્ય ઉદાસી અને એકલતાથી ભરેલું હશે. મેં આગળ વધવા માટે તે જ વાક્યનો સહારો લીધો, કારણ કે હું તેને તે વિજય નહોતી આપવા માગતી જે તેને જોઈતો હતો. હું કોઈ પુરુષને મારી નિયતિ નક્કી કરવાની છૂટ ન આપી શકું."
હવે અમાન્ડા સોઝા એક માસ્ટર્સ પ્રોગ્રામમાં વિકેરિયસ વાયોલન્સનો અભ્યાસ કરવાની યોજના ધરાવે છે. તેઓ કહે છે, "દુર્વ્યવહાર કરનારા લોકોની એક પૅટર્ન હોય છે. જો આપણે તે પારખી શકીએ, તો તેને અટકાવી પણ શકીએ છીએ. મારું લક્ષ્ય માહિતી પૂરી પાડવાનું છે, જેથી લોકો સમજી શકે કે તેઓ યાતનામય સંબંધમાં ફસાયેલા છે અને તેમાંથી સલામત રીતે બહાર નીકળી શકે."
(આત્મહત્યા ગંભીર મનોવૈજ્ઞાનિક તથા સામાજિક સમસ્યા છે. જો તમે તણાવગ્રસ્ત હો, તો ભારત સરકારની જીવનસાથી હેલ્પલાઇન 1800 233 3330 ની મદદ લઈ શકો છો. આ અંગે મિત્રો તથા પરિવારજનો સાથે વાત કરવી જોઈએ.)
પીડાદાયક સંબંધમાંથી છૂટકારો મેળવવા શું કરવું?
જે મહિલાઓ પીડાદાયક સંબંધોમાં ફસાયેલી હોય, તેમને સોઝા સલાહ આપે છે:
"સૌથી પહેલાં તો, આત્મ-જ્ઞાન મેળવવું જરૂરી છે. ઘણા લોકો ભાવનાત્મક નિર્ભરતાને કારણે એટલા ફસાઈ ગયા હોય છે કે તેઓ સ્વયંને તે સંબંધમાંથી બહાર જોઈ જ નથી શકતા. "
"અને બીજું, તમારે આર્થિક રીતે સ્વાવલંબી બનવાની જરૂર છે. ઘણીવાર મહિલાઓ જાણતી હોય છે કે તેઓ અપમાનજનક સંબંધમાં છે, પણ આર્થિક નિર્ભરતાને કારણે બહાર નથી નીકળી શકતી. આથી, મહિલાઓએ નાણાકીય સ્વતંત્રતા મેળવવી અનિવાર્ય છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
નવાજૂની
બીબીસી વિશેષ
સૌથી વધુ વંચાયેલી સ્ટોરીઝ
આ કન્ટેન્ટ ઉપલબ્ધ નથી