ખેડૂત આંદોલન : ભગતસિંહના કાકાએ ત્રણ કૃષિકાયદાઓ સામે આંદોલન છેડ્યું અને અંગ્રેજ સરકારને ઝૂકવું પડ્યું

ઇમેજ સ્રોત, AJIT SINGH-AN EXILED REVOLUTIONARY

ઇમેજ કૅપ્શન, બ્રિટિશ અધિકારીઓનાં રહસ્યો જાણવા માટે અજિત સિંહે થોડા સમય માટે ઉર્દુ અને ફારસી પણ ભણાવ્યું હતું (1903).
    • લેેખક, ચમન લાલ
    • પદ, નિવૃત્ત પ્રોફેસર, જવાહરલાલ નહેરુ વિશ્વવિદ્યાલય, નવી દિલ્હી

પોતાના લેખ 'સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન પંજાબમાં પહેલો જુવાળ'માં ભગતસિંહે લખ્યું છે, "લોકમાન્ય પ્રત્યે ખાસ લાગણી ઘરાવતા યુવાનોમાં કેટલાક પંજાબી યુવાનો પણ હતા. આવા બે પંજાબી યુવાનો હતા કિશનસિંહ અને મારા આદરણીય કાકા સરદાર અજિતસિંહજી."

અજિતસિંહનો જન્મ 23 ફેબ્રુઆરી 1881ના રોજ જલંધર જિલ્લાના ખટકડ કાલા ગામમાં થયો હતો. ભગતસિંહના પિતા કિશનસિંહ તેમના મોટા ભાઈ હતા. સ્વર્ણસિંહ નાના ભાઈ હતા, જેમનું 23 વર્ષની ઉંમરે સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન જેલમાં ક્ષય રોગથી મૃત્યુ થયું હતું.

ત્રણેયના પિતા અરજનસિંહ તે દિવસોમાં સ્વતંત્રતા સંગ્રામની વાહક કૉંગ્રેસ પાર્ટી સાથે સંકળાયેલા હતા અને ત્રણેય ભાઈઓ પણ તેમની સાથે જોડાઈ ગયા.

ત્રણેય ભાઈઓએ સાંઈ દાસ ઍંગ્લો સંસ્કૃત સ્કૂલ જાલંધરથી મેટ્રિકની પરીક્ષા પાસ કરી હતી અને અજિતસિંહે 1903-04માં બરેલી કૉલેજમાંથી કાયદાનો અભ્યાસ પૂર્ણ કર્યો. 1903માં તેમના લગ્ન કસુરના સૂફી વિચારધારા ધરાવતા ધનપત રાયનાં પુત્રી હરનમકોર સાથે થયાં હતાં.

1906માં દાદાભાઈ નવરોજીની અધ્યક્ષતામાં કલકત્તા કૉંગ્રેસ યોજાઈ હતી, જ્યાં તેઓ બાળ ગંગાધર ટિળકથી ખૂબ પ્રભાવિત થયા હતા. ત્યાંથી પાછા ફર્યા બાદ બંને ભાઈઓ કિશનસિંહ અને અજિતસિંહે 'ભારત માતા સોસાયટી' કે 'અંજુમન-મુહબ્બતે વતન'ની સ્થાપના કરી અને અંગ્રેજવિરોધી પુસ્તકો છાપવાનું શરૂ કર્યું.

અંગ્રેજ સરકાર લાવી હતી કાયદો

ઇમેજ સ્રોત, AJIT SINGH-AN EXILED REVOLUTIONARY

ઇમેજ કૅપ્શન, 1907માં સુરત કૉંગ્રેસ વખતે લોકમાન્ય ટિળક અને અરબિંદો ઘોષ સાથે અજિતસિંહ

1907માં બ્રિટિશ સરકાર ત્રણ ખેડૂતવિરોધી કાયદા લઈ આવી, જેની સામે પંજાબના ખેડૂતોમાં ભારે રોષની લાગણી ઉભી થઈ ગઈ.

અજિતસિંહે આગળ વધીને ખેડૂતોને સંગઠિત કર્યા અને સમગ્ર પંજાબમાં બેઠકો કરી, જેમાં પંજાબના વરિષ્ઠ કૉંગ્રેસ નેતા લાલા લજપત રાયને આમંત્રિત કરાતા હતા.

આ ત્રણેય કાયદા વિશે ભગતસિંહે પોતાના ઉપર જણાવેલ લેખમાં ઉલ્લેખ કર્યો છે - નવા કૉલોની ઍક્ટ, જે અંતર્ગત ખેડૂતોની જમીન જપ્ત થઈ શકે તેવી જોગવાઈ હતી. વધેલી મહેસૂલ (માલિયા) અને બારી દોબઆબ નહેરના પાણીના દરમાં વધારો.

માર્ચ 1907માં લાયલપુરની એક મોટી સભામાં 'ઝાંગ સ્યાલ' પત્રિકાના સંપાદક લાલા બાંકે દયાલે, (જેઓ પોલીસની નોકરી છોડીને આંદોલનમાં સામેલ થયા હતા) એક માર્મિક કવિતા - 'પગડી સંભાળ જટ્ટા...' વાંચી; જેમાં ખેડૂતોના શોષણની વેદનાનું વર્ણન કરવામાં આવ્યું હતું.

ચાળીસ ભાષાના જાણકાર

ઇમેજ સ્રોત, AJIT SINGH-AN EXILED REVOLUTIONARY

ઇમેજ કૅપ્શન, અજિત સિંબ ઈટાલીમાં - વચમાં પઘડી બાંધેલા

એ કવિતા એટલી લોકપ્રિય થઈ કે ખેડૂતો પ્રતિકારનું નામ કવિતાના નામ પરથી 'પગડી સંભાલ જટ્ટા... આંદોલન' પડી ગયું. 113 વર્ષ બાદ વર્ષ 2020-21ના ખેડૂત આંદોલનમાં પણ એ આંદોલનની અસર જોઈ શકાય છે, જ્યારે ખેડૂતોમાં ફરીથી તેમની જમીન ગુમાવવાનો ભય ઊભો થયો છે.

21 એપ્રિલ 1907ના રોજ રાવલપિંડીમાં આટલી મોટી સભામાં અજિતસિંહે જે ભાષણ આપ્યું તેને બ્રિટિશ સરકારે ખૂબ જ બળવાખોર અને દેશદ્રોહી ભાષણ ઠેરવ્યું હતું અને વર્તમાન સમયની જેમ તેમની વિરુદ્ધ 124-એ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. પંજાબમાં આવી 33 બેઠકો થઈ હતી, જેમાંથી 19માં અજિતસિંહ મુખ્ય વક્તા હતા.

ભારતમાં બ્રિટિશ આર્મીના કમાન્ડર લૉર્ડ કિચનરે ભય વ્યક્ત કર્યો હતો કે આ આંદોલનથી સેના અને પોલીસમાં ફરજ બજાવતા ખેડૂત પરિવારના પુત્રો બળવો કરી શકે છે અને પંજાબના લેફ્ટનન્ટ ગવર્નરે પણ પોતાના અહેવાલમાં આવી જ આશંકા વ્યક્ત કરી હતી.

બ્રિટિશ સરકારે મે, 1907માં આ કાયદા રદ કરી દીધા પરંતુ ચળવળના નેતાઓ - લાલા લાજપત રાય અને અજિતસિંહને 1818ના રેગ્યુલેશન-3 મુજબ છ મહિના માટે બર્માના (જે તે દિવસોમાં ભારતનો ભાગ હતો) માંડલે જેલમાં મોકલી દીધા, જ્યાંથી તેમને 11 નવેમ્બર 1907ના રોજ છોડવામાં આવ્યા.

માંડલેથી પરત ફર્યા બાદ અજિતસિંહે સૂફી અંબાપ્રસાદ સાથે ડિસેમ્બર 1907માં સુરત કૉંગ્રેસમાં હાજરી આપી હતી. જ્યાં લોકમાન્ય ટિળકે અજિતસિંહને 'ખેડૂતના રાજા' તરીકે ઓળખાવીને એક તાજ આપ્યો હતો, જે આજે પણ બંગાના ભગતસિંહ સંગ્રહાલયની પ્રદર્શનમાં જોઈ શકાય છે.

સુરતથી પાછા ફરીને અજિતસિંહે પંજાબમાં 'ટિકળઆશ્રમ'ની સ્થાપના કરી, જે તેમના વિચારોને ફેલાવતું હતું.

તેમના બળવાખોર વિચારોને લીધે બ્રિટિશ સરકાર અજિતસિંહ સામે કેટલીક મોટી કાર્યવાહી કરવાની યોજના બનાવી રહી હતી. જેને ધ્યાનમાં રાખીને ઑગસ્ટ-સપ્ટેમ્બર 1909માં અજીતસિંહ સૂફી અંબાપ્રસાદ સાથે કરાચીથી જહાજમાં બેસીને ઈરાન પહોંચી ગયા.

અહીં તેમણે મિર્ઝા હસનખાન નામ ધારણ કર્યું. આ નામથી તેમણે બ્રાઝિલિયન પાસપૉર્ટ પણ બનાવ્યો હતો.

અજિતસિંહ 1914 સુધીમાં ઈરાન, તુર્કી, પેરિસ, જર્મની અને સ્વિટ્ઝર્લૅન્ડમાં રહ્યા, જ્યાં તેઓ કમાલ પાશા, લેનિન, ટ્રૉત્સ્કી જેવા વિદેશી ક્રાંતિકારીઓ અને લાલા હરદયાલ, વીરેન્દ્ર ચટ્ટોપાધ્યાય અને ચંપક રમણ પિલાઈ જેવા ભારતીય ક્રાંતિકારીઓને મળ્યા. તેઓ ત્યાં મુસોલિનીને પણ મળ્યા હતા.

1914માં તેઓ બ્રાઝિલ ગયા અને ત્યાં 18 વર્ષ રહ્યા. ત્યાં પણ તેઓ 'ગદર પાર્ટી'ના સંપર્કમાં રહ્યા. તેઓ ગદર પાર્ટીના ક્રાંતિકારીઓ રત્નસિંહ અને બાબા ભગતસિંહ બિલ્ગાના સંપર્કમાં હતા.

સ્વાસ્થ્યનાં કારણોસર તેઓ થોડા સમય માટે આર્જેન્ટિનામાં પણ રહ્યા. તેઓ વિદેશીઓને જીવનનિર્વાહ માટે ભારતીય ભાષાઓ શીખવતા હતા અને ભાષાઅધ્યાપકના પદ પર પણ રહ્યા હતા. તેઓ ચાળીસ ભાષાઓના જાણકાર બની ગયા હતા.

ઇમેજ સ્રોત, AJIT SINGH-AN EXILED REVOLUTIONARY

ઇમેજ કૅપ્શન, લોકમાન્ય ટિળક દ્વારા આપવામાં આવેલ તાજ

1912માં તેમણે પરિવારને પહેલો પત્ર પોતાના સસરા ધનપત રાયને લખ્યો. ભગતસિંહ તેમના કાકાના સમાચાર માટે પોતાના મિત્રોને પત્રો લખતા હતા. તેના જવાબમાં પ્રખ્યાત લેખક અને ભારતીય ક્રાંતિકારીઓના હમદર્દ ઍગ્નેસ સ્માડલેએ માર્ચ 1928માં બી. એસ. સંધુ લાહોરના નામે લખેલા પત્રમાં બ્રાઝિલમાં અજિતસિંહનું સરનામું મોકલ્યું હતું.

અજિતસિંહ ભત્રીજા ભગતસિંહને બોલાવવા માગતા હતા અને ભગતસિંહને ચિંતા હતી કે તેમના કાકાનું મૃત્યુ પરદેશમાં ન થઈ જાય.

1932થી 1938 દરમિયાન અજિતસિંહ યુરોપના ઘણા દેશોમાં રહ્યા પરંતુ મોટો ભાગે સ્વિટ્ઝર્લૅન્ડમાં ગાળ્યો. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન તેઓ ઇટાલી સ્થળાંતર કરી ગયા. ઇટાલીમાં તેઓ નેતાજી સુભાષ બોઝને મળ્યા અને ત્યાં 11000 સૈનિકોનું સ્વતંત્ર ભારતીય લશ્કર બનાવ્યું.

મુસોલિનીના નજીકના સાસંદ અને 'ફ્રેન્ડ્સ ઑફ ઇન્ડિયા'ના અધ્યક્ષ ગ્રેના સંગઠનમાં અજિતસિંહ મહામંત્રી હતા અને ઇકબાલ શાયદાઈ તેના ઉપપ્રમુખ હતા.

ઇમેજ સ્રોત, AJIT SINGH-AN EXILED REVOLUTIONARY

ઇમેજ કૅપ્શન, 38 વર્ષના દેશનિકાલ બાદ લાહોર આવતી વખતે યશ, કુલતાર સિંહ, માતા હરનામ કૌર, કિશન સિંહ અને વરિંદર

વિશ્વયુદ્ધના અંતે, તેમની તબિયત નબળી હોવા છતાં તેમને જર્મન જેલમાં કેદ કરવામાં આવ્યા હતા અને તેમને મુક્ત કરાવવા વચગાળાના વડા પ્રધાન જવાહરલાલ નહેરુને દખલ કરવી પડી હતી.

મુક્ત થયા બાદ બે મહિના બ્રિટનમાં રહીને તેમણે સ્વાસ્થ્ય પર ધ્યાન આપ્યું અને 7 માર્ચ, 1947ના રોજ તેઓ 38 વર્ષ પછી ભારત પાછા ફર્યા.

દિલ્હીમાં તેઓ વડા પ્રધાન નહેરુના અંગત મહેમાન હતા અને 9 એપ્રિલે તેઓ લાહોર પહોંચ્યા ત્યારે તેમનું મોટું સ્વાગત કરવામાં આવ્યું હતું.

તબિયત નબળી હોવાને કારણે તેઓ ગામમાં જઈ શક્યા નહીં અને સ્વાસ્થ્યલાભ માટે જુલાઈ 1947માં તેમને ડૅલહાઉસી જવું પડ્યું.

તે જ સમયે 14-15 ઑગસ્ટ 1947ના રોજ ભારતમાં બ્રિટિશ શાસનના અંત પછી, વડા પ્રધાન નહેરુનું ભાષણ સાંભળીને સવારે લગભગ 3.30 વાગ્યે 'જય હિન્દ' કહીને કાયમ માટે તેમણે પોતાની આંખો મીંચી લીધી.

તેમનું સ્મારક ડૅલહાઉસીમાં જ પાંજપુલા ખાતે બનાવવામાં આવ્યું છે. જ્યાં હજારો લોકો તેમને શ્રદ્ધાંજલિ આપે છે.

દેશભક્તિની આ અગ્નિની જ્યોત આઝાદીની તાજી હવાથી બુઝાઈ હતી.

ઇમેજ સ્રોત, CHAMAN LAL

ઇમેજ કૅપ્શન, પંજોલ- ડલહોઝીમાં અજિતસિંહ મૅમોરીયલ પાસે લેખક

(ચમન લાલ ભારતીય ભાષા કેન્દ્ર, જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી, નવી દિલ્હીના નિવૃત્ત પ્રાધ્યાપક તથા ભગતસિંહ આર્કાઇવ્સ અને રિસૉર્સ સેન્ટરના માનદ્ સલાહકાર છે.)

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો