'મને કહેવાયું કે તેઓ મૃત્યુ પામ્યા છે', બ્રિટિશ આર્મી બેઝ પાસે જન્મેલાં બાળકોના પિતા કોણ છે તે કેવી રીતે ખબર પડી?
- લેેખક, જૉસેફાઇન કૅસર્લી અને ઇવાના ડૅવિડૉવિક
- પદ, બીબીસી ન્યૂઝ
- વાંચવાનો સમય: 7 મિનિટ
નવ વર્ષનો કૅન્યાનો છોકરો "ઍડવર્ડ" હંમેશાંથી જાણતો હતો કે, તેમના પિતા બ્રિટિશ સૈન્ય માટે કામ કરતા હતા.
આ છોકરાનો રંગ તેની વયના અન્ય છોકરાઓ કરતાં ઉજળો હોવાને કારણે તેને વર્ષો સુધી પજવવામાં આવ્યો હતો. ઍડવર્ડ (નામ બદલ્યું છે) જન્મ્યો, તે પહેલાં જ તેના પિતા ગુમ થઈ ગયા હતા. તેનાં માતા દારૂણ ગરીબીમાં જીવતાં હતાં અને તેમના પરિવારના કેટલાક સભ્યોએ તેમનો બહિષ્કાર કર્યો હતો.
હવે, કૅન્યામાં બ્રિટિશ આર્મી બેઝ પર કૉન્ટ્રેક્ટર તરીકે કામ કરનાર તે વ્યક્તિની અને ત્યાં સૈનિકો તરીકે ફરજ બજાવનારા અન્ય 19 વ્યક્તિઓની ડીએનએ અને કાનૂની પ્રક્રિયા મારફત તપાસ કરવામાં આવી. આ તપાસ બાદ તે બેઝ નજીક જન્મેલાં બાળકોના પિતા તરીકે તે તમામની ઓળખ કરવામાં આવી છે.
બીબીસી વર્લ્ડ સર્વિસની એક તપાસના આધારે જાણવા મળ્યું કે, બ્રિટનની સર્વોચ્ચ ફૅમિલી કોર્ટના ન્યાયાધીશ દ્વારા અત્યાર સુધીમાં 12 કેસોની કાનૂની રીતે પુષ્ટિ કરવામાં આવી છે.
આ પ્રક્રિયામાં એવાં બાળકોને જવાબ મળી શકશે, જેઓ નહોતાં જાણતાં કે તેમના પિતા ક્યાં છે અને અમુક કિસ્સાઓમાં તો એ પણ નહોતી ખબર કે તેમના પિતા કોણ છે.
તેમાંનાં કેટલાંક બાળકોને એવો વિશ્વાસ અપાયો હતો કે, તેમના પિતા મૃત્યુ પામી ચૂક્યા હતા. તમામ બાળકો તેમના વારસા વિશે જવાબો શોધી રહ્યાં હતાં અને આર્થિક ભીંસનો સામનો કરી રહ્યાં હતાં. પુષ્ટિ કરવામાં આવેલા 12 કિસ્સામાંથી મોટાભાગનાં બાળકો હવે બ્રિટિશ નાગરિકત્વ માટે નોંધણી કરાવવાની યોગ્યતા ધરાવે છે. 18 વર્ષ કરતાં નાની વયના કે પછી ઉચ્ચ શિક્ષણ મેળવી રહેલાં બાળકો બાળ સહાય મેળવવા પાત્ર છે.
બ્રિટનના સોલિસિટર જૅમ્સ નેટ્ટો અને કૅન્યામાં ક્લાયન્ટ્સ શોધનારા વકીલ કૅલ્વિન કુબાઈ જણાવે છે કે, કૅન્યામાં બ્રિટિશ આર્મી ટ્રેનિંગ યુનિટ (બટુક) પાસે બ્રિટિશ સૈનિકો થકી જન્મેલાં બાળકોના આશરે 100 દસ્તાવેજી કેસ છે.
નેટ્ટોનું માનવું છે કે, આવા કિસ્સાનો આંક હજુ ઊંચો જઈ શકે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
બટુકની સ્થાપના 1964માં થઈ હતી અને ત્યાં દર વર્ષે 5,000 કરતાં વધારે બ્રિટિશ કર્મચારીઓ તાલીમ લે છે. નૈરોબીથી 185 કિલોમીટર (115 માઇલ) ઉત્તરે આવેલા નાન્યુકી નગરમાં આવેલું બટુક દાયકાઓથી વિવાદમાં રહ્યું છે.
બે વર્ષથી ચાલી રહેલી કૅન્યાની સંસદીય તપાસનો અહેવાલ ગયા ડિસેમ્બરમાં પ્રકાશિત થયો, જેમાં બ્રિટિશ સૈનિકો ઉપર બેઝ પર "મુક્તિની સંસ્કૃતિ" હેઠળ કામ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો, જેના પરિણામે જાતીય શોષણ, હત્યાના બે આરોપ, માનવાધિકારોનું ઉલ્લંઘન, પર્યાવરણને નુકસાન તથા સ્થાનિક બાળકોની ઉપેક્ષા તથા ત્યાગ જેવી ઘટનાઓ ઘટી હતી.
બ્રિટનના સંરક્ષણ મંત્રાલયે પ્રતિભાવ આપ્યો હતો કે, "કૅન્યામાં હાજર બ્રિટનના સંરક્ષણ યુનિટને કારણે ત્યાં ઉદ્ભવેલી સમસ્યાઓ અને પડકારો બદલ અમે અફસોસ વ્યક્ત કરીએ છીએ... આ સમસ્યાઓના નિવારણ માટે અમે પગલાં ભરવાનું ચાલુ રાખીશું."
જૅમ્સ નેટ્ટોને નાન્યુકીમાં બાળકો તેમના પિતાઓને શોધી રહ્યાં હોવા વિશે જાણ થઈ. અગ્રણી જિનેટિક્સ (આનુવંશિકતા) પ્રોફેસર ડૅનિસ સિન્ડરકોમ્બ કોર્ટ સાથે મળીને તેઓ "ડીએનએ કિટ્સથી ભરેલી સૂટકેસ" સાથે કૅન્યા આવી પહોંચ્યા.
તે પછી તેમણે એકઠાં કરેલાં ડીએનએ સૅમ્પલ્સને કૉમર્શિયલ જીનૉલૉજી ડેટાબેઝ પર ઉપલબ્ધ આનુવંશિક પ્રોફાઇલ્સ સાથે તપાસી જોયાં, જેથી ત્રણ વર્ષથી લઈને 70 વર્ષ સુધીનાં ક્લાયન્ટ્સના ગેરહાજર બ્રિટિશ લશ્કરી પિતાઓને શોધી શકાય.
નેટ્ટો કહે છે, "આટલા મોટાપાયે ડીએનએ ટેસ્ટિંગ બ્રિટનની અદાલતોમાં આ અગાઉ કદી કરવામાં આવ્યું નથી."
નેટ્ટો તથા તેમની ટીમ પાસે એકત્રિત સેમ્પલ્સની તુલના કરવા આનુવંશિક માહિતીનો મોટો પુલ છે. ગયા વર્ષ સુધીમાં વિશાળ કૉમર્શિયલ ડીએનએ વેબસાઇટ ઍન્સેસ્ટ્રીડોટકોમ પર ઉપલબ્ધ આશરે ત્રણ કરોડ જેટલી પ્રોફાઇલ્સનો પ્રોફેસર ડૅનિસે મુખ્ય સ્રોત તરીકે ઉપયોગ કર્યો હતો.
નેટ્ટો કહે છે કે, તેમને કેટલી સફળતા મળશે, તેનો તેમને અંદાજ નહોતો, પણ સકારાત્મક પરિણામ જોઈને તેમની નવાઈનો પાર ન રહ્યો. "અમને પરિવારના સાવ દૂરના સભ્યો મળ્યા, પછી પ્રમાણમાં નિકટના કૌટુંબિક સભ્યો મળ્યા અને આખરે પિતાની સચોટ ઓળખ થઈ."
આ સફળતા ઍડવર્ડ અને તેમનાં માતા નસીબો માટે જીવન બદલી નાખનારી નીવડી શકે છે, કારણ કે હવે ઍડવર્ડ તેમના પિતા પાસેથી આર્થિક સહાય મેળવવા હકદાર બનશે.
બ્રિટિશ સૈન્ય વિશે નસીબો કહે છે, "હું માનતી હતી કે, તેઓ સજ્જન છે." નસીબોને લાગતું હતું કે, ઍડવર્ડના પિતા તેમને સાચો પ્રેમ કરતા હતા અને તેમની દરકાર રાખતા હતા. અમે સૈનિકનાં માતાએ નસીબોને લખેલો પત્ર જોયો છે. આ પત્ર નસીબો ગર્ભવતી થયાં, તે પહેલાંનો છે. પત્રમાં તેમણે પુત્રને ખુશ રાખવા બદલ નસીબોનો આભાર માન્યો છે. જ્યારે નસીબોએ સૈનિકને પોતે ગર્ભવતી હોવાની જાણ કરી, ત્યારે સૈનિક ખુશ જણાતા હતા. સૈનિકે નસીબોને આગ્રહ કર્યો હતો કે, જો છોકરો જન્મે, તો પોતાના (સૈનિકના) ભાઈના નામ ઉપરથી તેનું નામ રાખવામાં આવે. તેઓ બ્રિટનના પ્રવાસ પરથી પરત ફર્યા, ત્યારે નસીબો માટે સગાઈની વીંટી પણ લઈ આવ્યા હતા.
પણ જ્યારે નસીબો ચાર માસનાં ગર્ભવતી હતાં, ત્યારે સૈનિકે તેમને કહ્યું કે, કોઈ કટોકટી આવી જવાથી તેમણે તાકીદે બ્રિટન જવું પડશે. તે પછી તેમણે તમામ સંપર્કો કાપી નાખ્યા, એમ નસીબોએ જણાવ્યું હતું.
નસીબો આગળ જણાવે છે કે, તેમના કેટલાક સંબંધીઓએ તેમને કૌટુંબિક ઘર છોડવાની ફરજ પાડી. તેમના પુત્રની ચામડી ઉજળી હોવાથી સ્કૂલમાં પણ તેને હેરાન કરવામાં આવતો હતો.
નસીબોએ જણાવ્યું હતું, "શાળામાં સૌ તેને 'બ્રિટિશ વસાહતી' કહીને ચીઢવતા હતા."
ઉલ્લેખનીય છે કે, બ્રિટિશોએ 1895થી 1963 સુધી કૅન્યા પર રાજ કર્યું હતું.
કોર્ટે સંરક્ષણ મંત્રાલય, ડિપાર્ટમેન્ટ ફૉર વર્ક એન્ડ પેન્શન્સ તેમજ એચએમ રેવેન્યૂ એન્ડ કસ્ટમ્સને તે વ્યક્તિનું નામ અને સરનામું જણાવવાનો આદેશ આપ્યા પછી નેટ્ટો ઍડવર્ડના પિતાને શોધી શક્યા હતા. તે વ્યક્તિએ (સૈનિકે) નેટ્ટોને પોતાના સંપર્કની વિગતો નસીબો કે તેમના પુત્રને ન આપવા જણાવ્યું હતું, પણ વકીલ હવે બાળકના ભરણ-પોષણ માટે નાણાં ચૂકવવાનું દબાણ કરવા માટે અદાલતી પ્રક્રિયા શરૂ કરશે.
કૅન્યાનાં અન્ય એક યુવતી, 18 વર્ષનાં ઇવોન તો પોતાના પિતા વિશે ઍડવર્ડ કરતાં પણ ઓછું જાણતાં હતાં.
તેમને કહેવામાં આવ્યું હતું કે, તેમના પિતા બ્રિટિશ સૈન્યમાં ફરજ બજાવતાં હતાં, પણ તેમને પિતાનું નામ નહોતી ખબર અને તેઓ એવું માનીને જ મોટાં થયાં હતાં કે, તેમના પિતા મૃત્યુ પામ્યા હતા.
ઇવોન નાનાં હતાં, ત્યારે જ તેમનાં માતાનું અવસાન થયું હતું અને બટુક ખાતેના સૈનિકોએ ઇવોનનાં દાદા-દાદીને જણાવ્યું હતું કે, ઇવોનના પિતા મૃત્યુ પામ્યા છે.
આ કાનૂની પ્રોજેક્ટમાં તે માણસનાં માતાના કઝીન (જેમના ડીએનએ એન્સસ્ટ્રીડોટકોમ પર અપલોડ કરાયા હતા) મારફત પ્રગટ થયું છે કે, વાસ્તવમાં ઇવોનના પિતા હયાત છે અને બ્રિટનમાં રહે છે.
કોર્ટના આદેશનો પાંચ વખત ભંગ કર્યા પછી આખરે ઇવોનના પિતા સુનાવણી વખતે કોર્ટમાં હાજર રહ્યા હતા. તેમણે પોતે ઇવોનના પિતા હોવાની ખાતરી કરવા માટે ડીએનએ ટેસ્ટની માગણી કરી હતી. એક સપ્તાહ પછી આવેલા ડીએનએ ટેસ્ટનાં પરિણામમાં સાબિત થયું કે, તેઓ જ ઇવોનના પિતા છે.
હાલ તેઓ ઇવોન સાથે સંપર્ક રાખવા માગતા નથી, પણ તેમની માતાના કઝીન કહે છે કે, પોતે ઇવોનને મળવા માટે ઉત્સુક છે.
એવું નથી કે, ઓળખ કરાયેલા તમામ પિતા સંપર્ક રાખવા માગતા નથી.
2004માં નાન્યુકીમાં તહેનાત ભૂતપૂર્વ બ્રિટિશ સૈનિક ફિલ કહે છે કે, તેમની 20 વર્ષની પુત્રી કૅથી વિશે જાણીને તેમને આનંદ થયો છે. અગાઉ તેમણે કૅથીનાં માતા મૅગીને પ્રપોઝ કર્યું હતું અને કૅથીના જન્મ પછી કેટલાક મહિનાઓ તેમની સાથે પસાર કર્યા હતા. પણ તે પછી તેમની અન્ય સ્થળે બદલી થઈ હતી, જ્યાં તેમનો ફોન ચોરાઈ જતાં તેમણે તમામ સંપર્કો ગુમાવી દીધા.
મૅગીને લાગ્યું કે, કૅથીને એમ કહેવું વધુ ઉચિત રહેશે કે, તેના પિતા મૃત્યુ પામ્યા હતા. પણ કૅથી મોટી થઈ, ત્યારે તેને ખબર પડી કે, તેના પિતા હયાત હતા. કૅથીએ ફેસબુક પર તેમને મૅસેજ કરવાનો પ્રયત્ન કર્યો, પણ ફિલ જણાવે છે કે, તેમણે તે એકાઉન્ટ ઓળખ્યાં નહીં અને બ્લૉક કરી દીધાં.
આ તરફ, ફિલ કહે છે કે, તે તબક્કે તેમણે આર્મીમાં કામ કરવાનું છોડી દીધું અને થોડા સમય સુધી તેઓ ઘરવિહોણા હતા અને માનસિક આરોગ્ય સામે ઝઝૂમી રહ્યા હતા. "નાગરિક જીવનમાં રૂપાંતરણ સરળ નહોતું," એમ તેઓ કહે છે.
તે સમયે કૅથી પણ મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યાં હતાં અને તેમણે જીવન ટૂંકાવવાનો પ્રયાસ પણ કર્યો હતો.
"મોટી થતી ગઈ, એમ-એમ મને પિતાની ખોટ સાલતી હતી, કારણ કે, કેટલીક બાબતો એવી હતી, જે મારાં માતા વંશીય ભેદભાવ તથા અન્ય કારણોસર સમજી શકે એમ નહોતાં. તેથી, મને ઘણી એકલતા સાલતી હતી."
"તમારા અસ્તિત્વનો એક ભાગ એવો હોય છે, જેના વિશે તમે ખુદ નથી જાણતા હોતા. જાણે કે, તે તમારા માટે કોઈ રહસ્ય હોય."
બ્રિટનની અદાલતોમાં પિતૃત્વની પુષ્ટિ થયા બાદ ફિલ કહે છે કે, પુનઃ મિલન થવા બદલ તેમને આનંદ છે. તેમણે તેને "ખૂબ સુખદ આશ્ચર્ય" ગણાવ્યું હતું.
તેઓ કહે છે કે, તેઓ કૅથી સાથે સંપર્કમાં છે અને કૅથીને તથા મૅગીને નાણાંકીય સહાય પૂરી પાડી રહ્યા છે.
"મેં કૅથીને કહ્યું... હું ગમે તેટલા પ્રયાસ કરું, તો પણ તેની સાથે રહેવાનો જે સમય મેં ગુમાવી દીધો છે, તેની ભરપાઈ કદી થઈ શકે એમ નથી. હું મારાથી બનતું બધું જ કરી છૂટવાનો પ્રયાસ કરીશ."
કૅથી હવે બ્રિટનનો પ્રવાસ ખેડવા માગે છે.
નેટ્ટો જણાવે છે કે, તેમની જાણકારી અનુસાર, અત્યાર સુધીના તમામ ક્લાયન્ટ્સના પિતાઓમાંથી ફિલ એકમાત્ર એવા પિતા છે, જે તેમનાં સંતાનને પૈસા મોકલી રહ્યા છે.
બ્રિટિશ સૈનિકોનાં બાળકોને નાણાંકીય મદદ કરવા માટે કનેક્ટિંગ રૂટ્સ કૅન્યા નામની ચૅરિટી શરૂ કરનારા કૅન્યાના સ્થાનિક વકીલ કૅલ્વિન કુબાઇને અમે પૂછ્યું કે, લગ્નેતર સંબંધોથી જન્મેલાં બાળકોની સંખ્યા જોતાં, શું આવા સંબંધો પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકાવો જોઈએ?
તેમણે જવાબ આપ્યો, "તે અત્યંત વંશીય ટિપ્પણી ગણાશે, કારણ કે, મુખ્યત્વે તમે શ્વેત સૈનિકોને અશ્વેત મહિલાઓથી દૂર રહેવાનું કહી રહ્યા છો, કારણ કે, તેના લીધે મુસીબત ઊભી થઈ શકે છે. એકમાત્ર વ્યવહારુ ઉકેલ એ છે કે, કૅન્યામાં તેઓ તાલીમ દરમિયાન જ્યારે બાળકોના પિતા બને, ત્યારે તેમને જવાબદાર ગણવામાં આવે."
નેટ્ટો અને કુબાઈનું કામ આગળ ધપી રહ્યું છે અને આગામી મહિનાઓમાં વધુ કેસો હાઇકોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે, એમ નેટ્ટોએ કહ્યું હતું.
બ્રિટનના સંરક્ષણ મંત્રાલયે (એમઓડી) અમને જણાવ્યું હતું, "જ્યાં બ્રિટિશ સર્વિસ પર્સનલ સામે ગેરકાયદેસર પ્રવૃત્તિનો ફોજદારી આરોપ ન હોય અને સ્થાનિક પોલીસ દ્વારા કોઈ ચોક્કસ ચિંતા વ્યક્ત ન કરાઈ હોય, તેવા કિસ્સામાં બ્રિટિશ એમઓડી તપાસ કરશે નહીં. પિતૃત્વના કેટલાક દાવા પરસ્પર સંમતિથી બંધાયેલા સંબંધોને લગતા હોઈ શકે છે, જે બ્રિટિશ એમઓડીની નીતિ વિરુદ્ધ નથી."
બ્રિટિશ આર્મીને તાલીમ આપતા કલેક્ટિવ ટ્રેઇનિંગ ગ્રૂપના કમાન્ડર ઑફિસર બ્રિગેડિયર સિમોન રિજવેએ ઉમેર્યું હતું કે, પિતૃત્વના પ્રશ્નોથી પ્રભાવિત લોકોએ કૅન્યન નૅશનલ ચિલ્ડ્રન્સ સર્વિસનો સંપર્ક સાધવો જોઈએ. "તે પછી તેઓ બ્રિટનનો સંપર્ક સાધે છે અને અમે પ્રશ્નોના જવાબ આપવાને લગતી તથા આરોપોને ઉકેલવાને લગતી તમામ સહાય પૂરી પાડીએ છીએ."
અમારા પ્રકાશન પછી સંરક્ષણ મંત્રાલયે વધુ એક નિવેદન પ્રગટ કરીને જણાવ્યું હતું કે, "ઉચિત સહાય વિના છોડી દેવાયેલાં બાળકો અંગેના આરોપોથી તે ઊંડી ચિંતા અનુભવે છે."
નિવેદનમાં આગળ જણાવ્યું હતું, "જો કોઈ સેવાકર્મી તેની જવાબદારી ચૂક્યો હોવાનું માલૂમ પડશે, તો તેણે તેનાં કાર્યોની જવાબદારી ઉઠાવવાની રહેશે. જાતીય શોષણ કે પછી પિતૃત્વની જવાબદારી તરફથી મોં ફેરવવું અસ્વીકાર્ય છે."
કૅન્યાની ડિસેમ્બરની સંસદીય તપાસમાં નૈરોબી સરકાર સમક્ષ નવી વ્યવસ્થાનો અમલ કરવાની માગણી કરવામાં આવી છે, જેથી પરસ્પરની સંમતિથી જન્મેલાં બાળકોના ઉછેર માટે બટુક સૈનિકોને જવાબદાર ગણવામાં આવે. વળી, તેમાં ડીએનએ પરીક્ષણ અને આવાં બાળકો માટે મનોસામાજિક સહાયનો પણ સમાવેશ થાય છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
નવાજૂની
બીબીસી વિશેષ
સૌથી વધુ વંચાયેલી સ્ટોરીઝ
આ કન્ટેન્ટ ઉપલબ્ધ નથી