થેઈયા : પૃથ્વી આ ગ્રહને ગળી ગઈ અને એમાંથી ચંદ્રની રચના થઈ?

ઇમેજ સ્રોત, Getty Images/Mark Garlick

    • લેેખક, ફર્નાન્ડો ડ્યુઅર્તે
    • પદ, બીબીસી વર્લ્ડ સર્વિસ
  • વાંચવાનો સમય: 5 મિનિટ

હવે પછી તમે પૂર્ણ કળાએ ખીલેલા ચંદ્રને જુઓ ત્યારે થેઈયાનો પણ વિચાર કરજો.

આજથી લગભગ 4.5 અબજ વર્ષ અગાઉ એક ગ્રહ પૃથ્વી સાથે ટકરાયો હોવાની શક્યતા છે, જેના કારણે તેના કાટમાળના ટુકડા અંતરિક્ષમાં ફેલાયા જેમાંથી ચંદ્રની રચના થઈ. વૈજ્ઞાનિકોએ આ ગ્રહને થેઈયા નામ આપ્યું છે.

આ થિયરી મુજબ થેઈયાએ 'અંતરિક્ષમાં બલિદાન' આપ્યું ન હોત તો પૃથ્વીવાસીઓને ચંદ્ર મળી શક્યો ન હોત અને તમે આ લેખ વાંચતા ન હોત.

Sorry, we can’t display this part of the story on this lightweight mobile page.

અંતરિક્ષમાં જ્યારે ભયંકર ટક્કર થઈ

ઇમેજ સ્રોત, POT

ઇમેજ કૅપ્શન, 1960 અને 1970ના દાયકામાં ઍપોલો મિશનના આધારે ચંદ્ર વિશે ઘણી માહિતી મળી.

વૈજ્ઞાનિકો હાલમાં માને છે કે પૃથ્વી તેના શૈશવકાળમાં હતી ત્યારે તેની સાથે મંગળની સાઈઝના કોઈ ગ્રહની ટક્કર થઈ હશે. તેમાંથી એટલો બધો કાટમાળ વિખેરાયો કે એક સમયે તે એકબીજા સાથે ચોંટી ગયો અને તેમાંથી ચંદ્રની રચના થઈ.

આને જાયન્ટ ઇમ્પેક્ટ હાઇપોથિસિસ કહેવામાં આવે છે. આ ઘટનાથી પૃથ્વી પર જીવનને એટલી અસર પડી કે તેને નકારી શકાય તેમ નથી.

ચંદ્રના કારણે આપણા ગ્રહ પર અબજો વર્ષથી ગુરુત્વાકર્ષણ બળ જળવાઈ રહ્યું છે. ચંદ્રના કારણે પૃથ્વી પોતાની ધરી પર પરિભ્રમણ વખતે સંતુલિત રહે છે અને આબોહવાની સ્થિરતા જાળવવામાં મદદ કરે છે.

જર્મનીસ્થિત મૅક્સ પ્લેન્ક ઇન્સ્ટિટ્યૂટ ફોર સોલર સિસ્ટમ રિસર્ચ ખાતે પ્લેનેટરી સાયન્ટિસ્ટ પ્રોફેસર થોર્સ્ટન ક્લેઇને કહ્યું કે, "ક્લાઇમેટની સ્થિરતા ન હોત તો આપણે ત્યાં આત્યંતિક હવામાન (અતિશય ગરમી અથવા અતિશય ઠંડી) અને આબોહવા સર્જાયાં હોત, જે જીવનના વિકાસ માટે અનુકુળ ન હોત."

ક્લેઇન એ રિસર્ચરોની એક આંતરરાષ્ટ્રીય ટીમના સભ્ય હતા જેમણે ગયા નવેમ્બરમાં પૃથ્વી સાથે ગ્રહની ટક્કર વિશે સંશોધન કર્યું હતું.

જર્નલ સાયન્સમાં પ્રકાશિત એક લેખમાં ટીમે પૃથ્વી અને ચંદ્ર પરના કેમિકલ કમ્પોઝિશનનું વિશ્લેષણ કર્યું હતું અને એવી થિયરી આપી હતી કે સૂર્યમંડળની રચનાના શરૂઆતના તબક્કામાં બધું જ્યારે અસ્તવ્યસ્ત હતું ત્યારે પૃથ્વી અને થેઈયા એકબીજાના પાડોશી હતા.

ચંદ્ર એક, પણ થિયરી અનેક

ઇમેજ સ્રોત, NASA/Getty Images

ઇમેજ કૅપ્શન, વૈજ્ઞાનિકોને શંકા છે કે થેઈયા અને પૃથ્વીની મૂળભૂત સંરચના સરખી હતી. શુક્ર (ડાબે) અને પૃથ્વી (જમણે) વચ્ચે પણ સમાનતા છે.

પરંતુ આપણે હંમેશથી થેઈયાને ગણતરીમાં લેતા ન હતા.

માનવીએ 1969માં ચંદ્ર પર પહેલી વખત પગ મૂક્યો, તે અગાઉ ચંદ્રની રચના કેવી રીતે થઈ તેના વિશે અલગ અલગ ત્રણ ધારણાઓ હતી.

એક હતી ફિશન થિયરી. તે મુજબ અબજો વર્ષ અગાઉ અત્યંત ઝડપથી પરિભ્રમણ કરતી પૃથ્વીમાંથી એક ટુકડો નોખો પડીને અંતરિક્ષમાં ફેંકાયો જેમાંથી ચંદ્રની રચના થઈ.

બીજી હતી કેપ્ચર થિયરી. તેમાં કહેવાયું છે કે સૂર્યમંડળમાં કોઈ અન્ય જગ્યાએ ચંદ્ર રચાયો હતો અને તે પૃથ્વી નજીકથી પસાર થતો હતો ત્યારે પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળે તેને ખેંચી લીધો.

ત્યાર પછી આવે છે કો-ફોર્મેશન થિયરી. તે મુજબ પૃથ્વી અને ચંદ્રનો નજીક નજીકમાં જ ઉદ્ભવ થયો અને બંને એકબીજાની નજીકમાં જ સ્થિર થયાં.

આ પૈકીની કઈ થિયરી વધુ સાચી હશે તેના પર પ્રકાશ ફેંકવાના બદલે નાસાના અપોલો મિશને એક સાવ નવી થિયરી આપી.

પૃથ્વી અને ચંદ્રની રાસાયણિક સમાનતાઓ

ઇમેજ સ્રોત, NASA/Getty Images

ઇમેજ કૅપ્શન, ઍપોલો મિશનથી પૃથ્વી પર લાવવામાં આવેલા નમુનાનું હજુ વિશ્લેષણ ચાલુ છે.
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

નીલ આર્મસ્ટ્રોંગ અને અન્ય અંતરિક્ષયાત્રીઓએ કઈ રીતે ચંદ્ર પર પગ મૂક્યો તેની વાતો બધા જાણે છે, પરંતુ ઍપોલો મિશનની સૌથી મહત્ત્વની સફળતા તો આ સફરમાંથી તેઓ જે મટિરિયલ લઈ આવ્યા તેમાં રહેલી છે.

યુનિવર્સિટી કૉલેજ લંડન ખાતે અંતરિક્ષવિજ્ઞાની પ્રોફેસર રમણ પ્રિંજા કહે છે કે "ઍપોલોના અંતરિક્ષયાત્રીઓ ચંદ્રના ખડકના નમુના લાવ્યા હતા. તેનું પૃથ્થકરણ કરવામાં આવ્યું ત્યારે વૈજ્ઞાનિકોને જાણવા મળ્યું કે ચંદ્રના ખડકો અને પૃથ્વીના ખડકો વચ્ચે ઘણી બધી રાસાયણિક સમાનતા હતી."

પ્રોફેસર રમણ પ્રિંજાએ 'વન્ડર્સ ઑફ ધ મૂન' નામે બાળકો માટે એક વિજ્ઞાનનું પુસ્તક પણ લખ્યું છે.

આ દર્શાવે છે કે ચંદ્રની ઉત્પતિ કદાચ પૃથ્વીમાંથી થઈ હોઈ શકે છે.

પ્રોફેસર પ્રિંજા એમ પણ કહે છે કે ખડકો અત્યંત ગરમીમાં રચાયા હોવાના સંકેત મળે છે, તેના પરથી જાણવા મળે છે કે તેઓ એક વિશાળ ઉલ્કાપિંડની ટક્કરથી રચાયા હશે.

એવું લાગે છે કે તેમણે એ તત્ત્વોનો એક મોટો હિસ્સો ગુમાવી દીધો છે જે ગરમીના કારણે સરળતાથી બાષ્પમાં ફેરવાઈ જાય છે. તે દર્શાવે છે કે ચંદ્રની રચના થઈ ત્યારે તે પીગળેલા સ્વરૂપમાં હતો.

નાસાના લુનર જિયોલોજિસ્ટ સારા વેલેન્સિયા કહે છે કે સેમ્પલમાંથી મળેલી કડીઓ તો માત્ર હિમશીલાની ટોચ સમાન છે.

તાજેતરના દાયકાઓમાં ટેક્નોલોજીના વિકાસ, ખાસ કરીને કૉમ્પ્યુટર મોડેલિંગે વિશાળ અસરની પરિકલ્પનાને વધારે મજબૂત બનાવી છે.

કેટલીક થિયરી તો એવો પણ તર્ક આપે છે કે પૃથ્વીની ધરીના ઝુકાવનું કારણ પણ થેઈયા સાથેની ટક્કર છે.

વેલેન્સિયાની દલીલ છે કે "પ્રચંડ ટક્કરની થિયરી પૃથ્વી અને ચંદ્ર વચ્ચે રસાયણ વિજ્ઞાન અને સંબંધોને સમજાવવા માટે સૌથી સારું મૉડલ છે."

શું પૃથ્વી થેઈયાને ગળી ગઈ હશે?

ઇમેજ સ્રોત, POT

ઇમેજ કૅપ્શન, ચંદ્ર વિશે હજુ ઘણા સવાલો છે. તેના કારણે નાસા આગામી વર્ષોમાં ફરીથી માનવીને ચંદ્રની સપાટી પર મોકલવા આયોજન કરે છે.

પરંતુ થેઈયાનું શું થયું?

આ એક એવું રહસ્ય છે જેનો હજુ ઉકેલ નથી મળ્યો.

6.5 કરોડ વર્ષ અગાઉ પૃથ્વી સાથે ટકરાઈને ડાયનોસોરનો સફાયો કરી નાખનાર અને મૅક્સિકોના યુકાટન ઉપદ્વીપ પર એક વિશાળ ખાડો છોડી નાખનાર લઘુગ્રહથી વિપરીત થેઈયાએ પૃથ્વી પર કોઈ નિશાન નથી છોડ્યાં.

શા માટે? ક્લાઈનનો દાવો છે કે થેઈયાનું વજન પૃથ્વી કરતાં 10મા ભાગનું હતું. આ તફાવતનો અર્થ એ થયો કે ટકરાવાના કારણે તેનો ભુક્કો થઈ ગયો હશે અને પૃથ્વી તેને ગળી ગઈ હશે.

તેના કેટલાક અંશ એ મિશ્રણનો પણ હિસ્સો હોઈ શકે છે જેનાથી ચંદ્રનું નિર્માણ થયું હતું.

વૈજ્ઞાનિકો કહે છે કે, "આ પ્રકારની ટક્કરનું આ જ સ્વાભાવિક પરિણામ હશે. પરંતુ અમને ચંદ્ર પર થેઈયાની સંરચનાના કોઈ સંકેત મળવાની આશા હતી, જે હજુ સુધી અમને નથી મળ્યા."

તેમણે આગળ કહ્યું કે એક સ્પષ્ટીકરણ એ આપવામાં આવે છે કે પૃથ્વી અને થેઈયા બહુ સમાન હતાં કારણ કે તેઓ સૂર્યમંડળના એક જ ક્ષેત્રમાં બનેલા હતા. તેથી તેમાં અંતર કરવાનું મુશ્કેલ હતું.

તેવી જ રીતે આપણે જાણીએ છીએ કે આપણા ગ્રહ આપણા બે સૌથી પડોશી ગ્રહો શુક્ર અને મંગળ સાથે ઘણી સમાનતા ધરાવે છે.

શુક્રને ક્યારેક ક્યારેક પૃથ્વીનો 'દુષ્ટ જોડિયો ભાઈ' પણ કહેવામાં આવે છે.

"પરંતુ જે રીતે થેઈયાની ઉત્પતિ વિશે કોઈ સ્પષ્ટ જાણકારી નથી, તેવી જ રીતે તેનો નાશ કેવી રીતે થયો તેની પણ ખબર નથી."

જોકે, તેની કેટલીક કડીઓ મળે છે.

2023નો એક અભ્યાસ દર્શાવે છે કે પૃથ્વીની અંદર બે મહાદ્વીપની સાઈઝના પ્રદેશ મળી આવ્યા જે થેઈયાના અવશેષ હતા.

ચંદ્ર પર વાપસી

પૃથ્વી અને ચંદ્ર એક જોડી તરીકે કેવી રીતે વિકસ્યા તેના વિશે હજુ ઘણું જાણવાનું બાકી છે. આ કારણથી જ વૈજ્ઞાનિકો નાસાના હાલના આર્ટેમિસ મિશન અને ચંદ્ર પર માનવીને ફરીથી મોકલવા વિશે આટલા ઉત્સાહિત છે.

ઍપોલો યુગમાં સંભવિત પ્રયોગોની તુલનામાં વધારે આધુનિક પ્રયોગો થવા ઉપરાંત નવા ચંદ્ર મિશનથી નવાં ક્ષેત્ર, જેમ કે તેના દક્ષિણ ધ્રુવ વિશે જાણકારી મળશે.

ઍપોલો મિશન દ્વારા પૃથ્વી પર લાવવામાં આવેલા ચંદ્રના સેમ્પલ બહુ નાના ક્ષેત્રમાંથી લેવાયા હતા. તે દૃશ્યમાન સપાટીના ભૂમધ્યરેખીય ક્ષેત્રમાંથી લેવાયા હતા.

વેલેન્સિયા એવો તર્ક આપે છે કે, "આપણે પૃથ્વી પર માત્ર છ સ્થળોની મુલાકાત લીધી હોય તો શું આપણે કહી શકીએ કે આપણે આખી દુનિયાને જોઈ લીધી છે અને તેના વિકાસને સમજી લીધો છે? બિલકુલ નહીં. ચંદ્ર પાસે અમર્યાદ વૈજ્ઞાનિક ક્ષમતા છે."

પરંતુ હાલમાં તો આપણે જે જાણ્યું છે, તેના આધારે એટલું કહેવું યોગ્ય રહેશે કે આપણે થેઈયાના બલિદાન બદલ બહુ આભારી રહી શકીએ છીએ.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન