માત્ર 'ફળાહાર' કરવાથી વજન ઘટે પણ શું છે તેના ફાયદા અને નુકસાન?

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, શનમુગા પ્રિયા સૅલ્વરાજ
    • પદ, બીબીસી તમિલ
  • વાંચવાનો સમય: 3 મિનિટ

વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનના (ડબલ્યુએચઓ) અહેવાલ પ્રમાણે, વિશ્વની દર આઠમાંથી સરેરાશ એક વ્યક્તિ મેદસ્વી છે.

ડબલ્યુએચઓનો વર્ષ 2025માં અહેવાલ પ્રકાશિત થયો. તે મુજબ વર્ષ 1990થી 35 વર્ષના ગાળા દરમિયાન વિશ્વમાં મેદસ્વી પુખ્તોની સંખ્યામાં બમણો વધારો થયો છે. જ્યારે તરુણોમાં આ વૃદ્ધિ ચારગણી થઈ છે.

વર્ષ 2022માં 18 વર્ષ (કે તેથી વધુ ઉંમર ધરાવનારા) 689 કરોડ લોકો મેદસ્વી હતા. ડબલ્યુએચઓના આંકડા પ્રમાણે, તેમાંથી 43 ટકા ઓવરવેઇટ તથા 16 ટકા જાડા હતા.

જાણકારોના કહેવા પ્રમાણે, જ્યારે વ્યક્તિના આહાર અને તેની શારીરિક પ્રવૃત્તિ વચ્ચે અસંતુલન પેદા થાય એટલે વ્યક્તિનું વજન વધે છે અથવા મેદસ્વી બની જાય છે.

ડબ્લુએચઓનું કહેવું છે કે મોટાભાગના કિસ્સામાં પર્યાવરણ, મનોસ્થિતિ તથા આનુવંષિક કારણોની જેમ અનેક બાબતો મેદસ્વિતાને અસર કરતી હોય છે.

લોકો આહારમાં ફેરફાર કરીને મેદસ્વીતાને ટાળવા માટે અલગ-અલગ ખાનપાનની પદ્ધતિ કે ઉપાયો અજમાવતા હોય છે.

જેમાંનો એક રસ્તો ફળાહારનો પણ હોય છે. જેમાં વ્યક્તિ માત્ર ફળ, સૂકામેવા તથા અલગ-અલગ બીજ ખાય છે.

શું માત્ર ફળો શરીર માટે સારાં?

ઇમેજ સ્રોત, Getty Images

ઘણા લોકોનું માનવું છે કે ખોરાકમાં માત્ર ફળ ખાવાથી વજન ઘટાડવામાં મદદ મળી રહે છે, ત્યારે સવાલ એ છે કે શું તે ખરેખર આરોગ્યપ્રદ છે?

ડૉ. અરુણ કુમારનું કહેવું છે કે આહારમાં માત્ર ફળો લેવાથી વજન ઘટે એ વાત ખરી, પરંતુ તે આરોગ્યપ્રદ નથી.

આનું કારણ સમજાવતા ડૉ. અરુણ કુમાર કહે છે, "જે લોકો માત્ર ફળાહાર કરે છે, તેમને દૈનિક જરૂરિયાના 80થી 90 ટકા કૅલરી ફળોમાંથી મળી રહે છે. સામાન્ય રીતે ફળોમાં કૅલરી ઓછી હોય છે અને મહત્તમ લગભગ 1500 કૅલરી તેમાંથી મળી શકે."

"જેના કારણે કૅલરીની ઘટ થાય અને વજન ઘટે. જોકે, માત્ર ફળો ખાવાને કારણે શરીરની પ્રોટિનની જરૂરિયાત પૂર્ણ નથી થતી. જેના કારણે સ્નાયુઓને ઘસારો લાગી શકે છે."

"વધુમાં માત્ર ફળો ખાવાથી શરીરને લોહતત્ત્વ, ઝિંક તથા ઓમૅગા 3 જેવા જરૂરી પોષકતત્ત્વો નથી મળતા. તેનાથી શરીરમાં ફ્રૂક્ટોસનું (એક પ્રકારની કુદરતી શર્કરા) સ્તર વધી જાય છે. જેનાથી ટ્રાઇગ્લિસરાઇડ્સ (એક પ્રકારની ફેટ) અને લિવર ફેટ પણ વધી જાય છે."

ડૉ. અરુણનું કહેવું છે કે માત્ર ફળાહારએ વજન ગુમાવવા માટેનો યોગ્ય રસ્તો નથી. તેઓ ભોજનમાં પૂરતા પ્રમાણમાં ફળોને સામેલ કરવાની હિમાયત કરે છે, જેથી કરીને વજન ઘટે, પરંતુ સંપૂર્ણપણે માત્ર ફળ ખાવાને જોખમી ગણાવે છે.

જો માત્ર ફળ ખાઈએ તો?

Sorry, we can’t display this part of the story on this lightweight mobile page.

ખોરાકમાં માત્ર ફળ, મેવા કે બીજ લેવામાં આવે તો અલગ-અલગ પ્રકારના પોષકતત્ત્વોની ઊણપ થઈ શકે છે, એવું અનેક અભ્યાસના તારણોમાં બહાર આવ્યું છે.

અમેરિકાની નૉન-પ્રૉફિટ મેડિકલ ઑર્ગેનાઇઝેશન માયો ક્લિનિકના જણાવ્યા પ્રમાણે, માત્ર ફળોને કારણે પ્રોટિન, જરૂરી ફેટ, કૅલ્શિયમ, લોહતત્ત્વ, વિટામિન બી12 વગેરે નથી મળતા, જેના કારણે સ્નાયુઓને ઘસારો લાગે છે અને શરીરની રોગપ્રતિકારક શક્તિ નબળી પડે છે અને ઍનિમિયા થવાની શક્યતા રહે છે.

જર્નલ ઑફ ધ ઇન્ટરનૅશનલ સોસાયટી ઑફ સ્પૉર્ટ્સ ન્યૂટ્રિશિયનમાં જણાવ્યા પ્રમાણે, જો શરીરમાં પ્રોટીનનો અભાવ હોય, તો તેની સીધી અસર શરીરના પાચનતંત્ર ઉપર પડે છે.

જે શરીરના લાંબાગાળાના આરોગ્ય માટે સંતુલિત આહારના મહત્ત્વને છત્તું કરે છે.

ચિકન-મટન ખાવાથી જાડા થઈ જવાય?

વીડિયો કૅપ્શન, મેનોપૉઝ ક્લિનિક શું હોય છે, તે મહિલાઓને કેવી રીતે ઉપયોગી બની રહ્યા છે?

એવી એક માન્યતા છે કે વધુ પડતું ચિકન અને મટન ખાવાથી જાડા થઈ જવાય, શું તેમાં સત્ય છે?

ડૉ. અરુણ કુમાર કહે છે, "જો યોગ્ય પ્રમાણમાં ચિકન અને મટન ખાવામાં આવે, તો તે વજન ઘટાડવામાં મદદ કરી શકે છે."

"વધુ પડતી કૅલરી તથા કાર્બૉહાઇડ્રેટ્સને કારણે ઇન્સ્યુલિનનો સ્રાવ વધે છે, જેના કારણે શરીરમાં ચરબી એકઠી થાય છે. જે ખોરાકમાં વધુ પ્રમાણમાં કાર્બૉહાઇડ્રેટ્સ હોય, તેનું સેવન વધુ પડતું થવાને કારણે પેટની આસપાસ ચરબી એકઠી થાય છે."

"વધુ પડતા કાર્બોહાઇડ્રેટ્સવાળો, વધુ પડતી કૅલરીવાળો, અને ઇન્સ્યુલિનનો સ્રાવ વધારનારો ખોરાક લેવાથી પેટની આસપાસ ચરબી એકઠી થાય છે."

તેમણે કહ્યું હતું કે યોગ્ય પ્રમાણમાં ચિકન અને મટન જેવો ખોરાક લેવામાં આવે, તો તે વજન ઘટાડવા માટે યોગ્ય આહાર બની શકે છે.

તેઓ વજન ઘટાડવા માટે માંસની સાથે વધુ કૅલરી ન હોય, તેવો આરોગ્યપ્રદ ખોરાક લેવાની ભલામણ કરે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન