'મેં તારા પર બળાત્કાર કર્યો એવું વારંવાર કેમ બોલે છે?' 'ચિરૈયા' વેબસીરિઝમાં શું બતાવાયું છે?

ઇમેજ સ્રોત, JioHotstar

ઇમેજ કૅપ્શન, અભિનેત્રી પ્રસન્ના બિષ્તે નવવધૂ પૂજાની ભૂમિકા ભજવી છે, જેનો પતિ લગ્નની રાત્રે તેના પર બળાત્કાર ગુજારે છે
    • લેેખક, ગીતા પાંડે
    • પદ, મહિલા અને સામાજિક બાબતોનાં સંપાદક, ભારત
  • વાંચવાનો સમય: 5 મિનિટ

ભારત જેવો દેશ વૈવાહિક બળાત્કારને અપરાધ જાહેર કરવાનો મક્કમપણે નનૈયો ભણતો આવ્યો છે, ત્યારે તે જ મુદ્દો લઈને આવેલી એક નવી વેબ સિરીઝે આ ગંભીર વિષય પર પ્રકાશ પાડ્યો છે.

નાનાં પક્ષીઓને હિંદીમાં 'ચિરૈયા' કહેવાય છે. આ જ નામ ધરાવતી વેબ સિરીઝ ગત માર્ચમાં જીયોહૉટસ્ટાર ઉપર પ્રસારિત થઈ હતી.

લાખો દર્શકો તે જોઈ ચૂક્યા છે, જેને પગલે તેણે નેટવર્કના સૌથી લોકપ્રિય હિંદી શોની યાદીમાં સ્થાન મેળવ્યું છે.

વર્જિત ગણાતા વિષય પર કામ કરવા બદલ મીડિયા વિવેચકો દ્વારા પ્રશંસા મેળવનારી આ વેબ સિરીઝને કારણે સોશિયલ મીડિયા ઉપર સંમતિ તથા મહિલાઓ પ્રત્યે દ્વેષને લઈને ચર્ચા છેડાઈ ગઈ છે.

તેની સાથે જ, કેટલાક વિવેચકોએ આ શોને "પુરુષ વિરોધી" અને "લગ્નની પવિત્રતાને નબળી પાડવાના પ્રયાસરૂપ" ગણાવ્યો છે.

શોના સ્ક્રિપ્ટ રાઇટર દિવ્ય નિધિ શર્મા કહે છે કે, આ સિરીઝમાં કમલેશ અને પૂજા નામની બે મહિલાઓની વાત છે.

કમલેશ (દિવ્યા દત્તા) આધેડ વયનાં ગૃહિણી છે, જેનું દૃઢપણે માનવું છે કે, "મહિલાઓને રસોઈ અને ઘરકામમાં જ રસ હોવો જોઈએ." બીજી તરફ, પૂજા (પ્રસન્ના બિષ્ટ) શિક્ષિત, જાગૃત છે અને તે જાતિગત સમાનતા અને ગરિમા વિશે વાત કરે છે.

આ બંને પાત્રો એકમેક સાથે ત્યારે ટકરાય છે, જ્યારે કમલેશના દિયર અરુણનાં લગ્ન પૂજા સાથે થાય છે.

કમલેશે અરુણને પોતાના પુત્રની માફક ઉછેર્યો છે. કમલેશ પૂજા માટે એકદમ પરફેક્ટ લાગે છે, પણ લગ્નની રાત્રે અરુણે પૂજા ઉપર બળાત્કાર ગુજારતાં સુખી લગ્નજીવનનાં તેનાં તમામ સપનાં રોળાઈ જાય છે.

જ્યારે તે અરુણ સાથે આ વિશે વાત કરે છે, ત્યારે અરુણ તેને કહે છે કે, "મેં એ જ લીધું છે, જે મારું છે."

તે પૂછે છે, "તું વારંવાર એમ શા માટે કહે છે કે, મેં તારા ઉપર બળાત્કાર ગુજાર્યો હતો? ભારતમાં વૈવાહિક બળાત્કાર ગુનો નથી અને તે અંગેનો કોઈ કાયદો પણ નથી."

Sorry, we can’t display this part of the story on this lightweight mobile page.

'આપણા ઘર અને પાડોશમાં આ અન્યાય થઈ રહ્યો છે'

ઇમેજ સ્રોત, JioHotstar

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

દિવ્યા દત્તા કહે છે કે, આ શો સંમતિ વિશે છે, "ખાસ કરીને લગ્નજીવનમાં, જેને અત્યંત વિશિષ્ટ બંધન માનવામાં આવે છે."

તેમણે બીબીસીને જણાવ્યું હતું, "વૈવાહિક બળાત્કાર વિશે વાત કરવી મુશ્કેલ છે. આ યાતનામાંથી પસાર થનારી દરેક મહિલાને લાગે છે કે, તેની સાથે જ આવું થાય છે. તેને લાગે છે કે, જો તે આ વિશે બોલશે, તો સામાજિક બદનામી થશે અને ઘરની શાંતિ છિનવાઈ જશે."

શોમાં, ઈજા પામેલી પૂજા અરુણ તેની સાથે કેવું વર્તન કરે છે, તે વિશે જ્યારે વાત કરે છે, ત્યારે તેનાં માતા સહિત તમામ લોકો તેને સહન કરવાની સલાહ આપે છે, કારણ કે, આ વિશે વાત કરવાથી તેમણે જ સંકોચની સ્થિતિમાં મૂકાવું પડશે.

દત્તા કહે છે કે, કમલેશ શરૂઆતમાં એવું જ માનતી હોય છે કે, લગ્નમાં જાતીય સંબંધ માટે સંમતિ અંતર્નિહિત જ હોય છે.

પણ સિરીઝ આગળ વધે છે, તેમ-તેમ તેની વિચારપ્રક્રિયા બદલાવા માંડે છે અને એક તબક્કે તેણે તેના "કમ્ફર્ટ ઝોન" અને "તે જેને ખાસ પસંદ નથી કરતી તેવી મહિલાને મદદ કરવા"માંથી કોઈ એકની પસંદગી કરવાની ફરજ પડે છે.

દત્તા કહે છે, "તે સાચો રસ્તો પસંદ કરે છે અને પૂજાની વિશ્વાસપાત્ર સાથી બની જાય છે."

સરકારી આંકડા અનુસાર, આશરે 6.1 ટકા ભારતીય મહિલાઓ જાતીય હિંસાનો ભોગ બની છે. પરંતુ, ચળવળકર્તાઓનાં વર્ષોના અભિયાન છતાં, પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને સાઉદી અરેબિયા સહિતના એવા ત્રણ ડઝન દેશોમાં ભારત સામેલ છે, જ્યાં વૈવાહિક બળાત્કાર ગેરકાયદેસર નથી.

વૈવાહિક બળાત્કારને ગુનો જાહેર કરવા માટે તાજેતરનાં વર્ષોમાં કાર્યકર્તાઓએ સુપ્રીમ કોર્ટમાં સંખ્યાબંધ યાચિકાઓ દાખલ કરી છે.

પણ સરકાર, ધાર્મિક જૂથો અને પુરુષ અધિકારોના કાર્યકર્તાઓ સંસ્થાનવાદી સમયના કાયદામાં સુધારો કરવાની કોઈપણ યોજના સામે વિરોધ નોંધાવે છે.

સંસ્થાનવાદી કાળનો કાયદો પુરુષને - જો તેની પત્ની સગીર ન હોય, તો તેની સાથે બળજબરીપૂર્વક જાતીય સંબંધ બાંધવાની મુક્તિ આપે છે.

ગયા વર્ષે પત્ની પર બળાત્કાર ગુજારનાર વ્યક્તિને અપીલ ઉપર મુક્ત કરાતાં ભારે આક્રોશ ફેલાયો હતો, કારણ કે, ન્યાયાધીશે કહ્યું હતું કે, ભારત વૈવાહિક બળાત્કારને માન્યતા આપતું નથી.

ચિરૈયાના પટકથા લેખક શર્માએ બીબીસીને જણાવ્યું હતું, "આ અન્યાય આપણાં ઘરોમાં, આપણી આડોશ-પાડોશમાં પણ થઈ રહ્યો છે."

"મને સૌથી વધુ પરેશાન કરતી બાબત એ લાગે છે કે, તેનો કોઈ સામાજિક કે કાનૂની ઉકેલ નથી. આથી, એક લેખક તરીકે મને લાગ્યું કે, મારે તે વિષય પર મારું યોગદાન આપવું જોઈએ."

'એ રાક્ષસો નથી, તેઓ આપણને રોજ મળતા સામાન્ય પુરુષો જ છે'

ઇમેજ સ્રોત, JioHotstar

"સંપૂર્ણ" નામના એક બંગાળી શો પરથી રૂપાંતરિત "ચિરૈયા"ને મુખ્યત્વે પુરુષ પ્રધાન એવા ઉત્તર ભારતની પાર્શ્વભૂમિમાં પુનઃ આકાર આપવામાં આવ્યો હતો.

શર્મા કહે છે, ""સંપૂર્ણ"ની નાયિકા નારીવાદી છે, જ્યારે આપણી નાયિકા કમલેશને સ્ત્રીદ્વેષ એટલે શું, તેની પણ સમજ નથી. પિતૃસત્તાક વ્યવસ્થામાં તે એટલી ખૂંપી ગઈ છે કે, તેણે તેની નૈતિક સમજ પણ ગુમાવી દીધી છે."

"પણ અંતમાં, તે જે ખોટું છે, તેની સામે લડવા માટે ઊભી થાય છે."

ડિરેક્ટર શશાંક શાહ કહે છે કે, "કમલેશના સ્વરૂપમાં અમે એવી મહિલા રજૂ કરવા માગતા હતા, જેની સાથે ભારતની કરોડો મહિલાઓ સ્વયંને જોડી શકે."

"તે કુટુંબ વ્યવસ્થામાં વિશ્વાસ ધરાવતી મહિલા છે. પણ ધીમે-ધીમે તમે તેનામાં પરિવર્તન આવતું જોઈ શકશો, જેમ-જેમ તેની દુનિયા વિખરાતી જાય છે, તેમ-તેમ તેને સમજાય છે કે, આ બધું એક દેખાડો છે, એક તમાશો છે, જ્યાં લોકો પરિવારની અંદર ગૂંગળાઈ રહ્યા છે."

"ચિરૈયા" બનાવવા પાછળનો હેતુ પ્રગટ કરતાં તેઓ કહે છે, "આ પાછળનો આશય સરકાર કે કાયદા પર સવાલ ઉઠાવવાનો નહોતો, અમે સમાજ સમક્ષ આ સવાલ ઉઠાવવા માગતા હતા - તમે તેને કઈ રીતે જુઓ છો? અમે લોકોને જાગૃત કરવા માગતા હતા."

તેઓ આગળ કહે છે, "પૂજાની વાર્તા કાલ્પનિક છે, પણ તે લાખો મહિલાઓની વાસ્તવિકતા છે. અને કમલેશના પાત્ર થકી અમે નારીત્વની કહાણી વર્ણવવા માગતા હતા."

શાહ કહે છે કે, વેબ સિરીઝની વાર્તા મહિલાઓની આસપાસ ફરતી હોવા છતાં, "ચિરૈયા"ના પુરુષોને ઉગ્ર કે ખલનાયક તરીકે ચીતરવામાં ન આવે, તે વાતનું ખાસ ધ્યાન રખાયું હતું.

તેમણે કહ્યું હતું કે, "તે રાક્ષસો નથી - તેઓ રોજિંદા જીવનમાં આપણને મળતા સામાન્ય માણસો જ છે. પિતૃસત્તાક વ્યવસ્થાનાં મૂળ એટલાં ઊંડાં ઊતરી ચૂક્યાં છે કે, ઘણા લોકોને એ પણ ખબર નથી હોતી કે, તેઓ સ્ત્રીદ્વેષી વર્તન કરી રહ્યા છે."

પ્રશંસાની સાથોસાથ નકારાત્મક પ્રતિભાવ પણ મળ્યા

ઇમેજ સ્રોત, JioHotstar

દિવ્યાના જણાવ્યા પ્રમાણે, શોને અત્યંત "ઉમળકાભેર પ્રતિસાદ સાંપડ્યો છે."

"મને અડધી રાત્રે મેસેજ અને ફોન આવી રહ્યા છે અને ઇન્સ્ટાગ્રામ તથા ટ્વિટર ઉપર વ્યક્તિગત સંદેશા મળી રહ્યા છે."

"સૌકોઈ આ વેબ સિરીઝ જોઈ રહ્યાં છે. દિગ્ગજ કલાકારો મને ફોન કરીને આ શો કરવા બદલ અભિનંદન આપી રહ્યા છે."

"કોઈએ મને હૃદયસ્પર્શી નોંધ સાથે સાડી મોકલી હતી, તો કોઈએ મને તેમણે લખેલી કવિતા મોકલી હતી. મને લાગે છે કે, આ શો લોકોના મનને સ્પર્શી ગયો છે."

બીજી તરફ, કેટલાક નકારાત્મક પ્રતિભાવો પણ મળ્યા છે.

શર્મા કહે છે કે, "કેટલાક લોકો શોને કારણે ઉશ્કેરાઈ રહ્યા છે અને પુરુષોનો એક વર્ગ આ શોની ટીકા કરતાં કહે છે કે, આ પ્રકારના શો પુરુષોને ખરાબ રીતે રજૂ કરે છે."

તેમણે કહ્યું હતું કે, "પણ અમારો આશય કેવળ આ વિષય પર વાતચીત શરૂ કરવાનો હતો. અમે કલાકારો છીએ, અમે કાયદો ન ઘડી શકીએ, અમે અપરાધને ડામી ન શકીએ, અમે ઝડપથી સમાજમાં બદલાવ ન લાવી શકીએ, પણ અમે એક વર્જિત વિષયને મુખ્ય પ્રવાહમાં લઈ આવવા માટે અમારી કળાનો ઉપયોગ જરૂર કરી શકીએ."

દત્તા કહે છે કે, તેઓ સકારાત્મક પ્રતિભાવો પર જ ધ્યાન આપી રહ્યાં છે અને તે સિવાયની પ્રતિક્રિયાઓને અવગણી રહ્યાં છે. "હું એક ટકા લોકોની (નકારાત્મક પ્રતિક્રિયા) નહીં વાંચું અને એ 99 ટકા લોકોની પ્રતિક્રિયાઓ વાંચીશ, જેઓ મને તેમનો પ્રેમ આપી રહ્યા છે, જેઓ મારો આભાર માની રહ્યાં છે. તે આભાર ઉપર જ આપણે ધ્યાન આપીશું."

દત્તાના મતે, "ચિરૈયા" જેવી પ્રભાવશાળી વાર્તાઓ વિશ્વને બદલવાની તાકાત ધરાવે છે.

"મારું માનવું છે કે, તેનાથી ઘણી બધી રીતે ફર્ક પડશે, કારણ કે, તે આપણને જણાવે છે કે, આપણે ક્યાં ભૂલ કરી રહ્યાં છીએ."

"અને અન્ય કોઈના શિરે જવાબદારી નાખવાને બદલે આ શો - આપણે ઘરથી શરૂઆત કરવી જોઈએ - તે વાત પર ભાર મૂકે છે."

"અને આ પગલું પ્રથમ છે, પણ તે મક્કમતાપૂર્વક ઉઠાવાયું છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન