હોર્મુઝના બંધ થવાની સ્માર્ટફોન, દવાઓ અને ખોરાક પર શું અસર પડી શકે?

ઇમેજ કૅપ્શન, હોર્મુઝ સામુદ્રધુની બંધ થવાની અસર ખાવાની વસ્તુઓથી લઈને સ્માર્ટફોન સુધી થશે
    • લેેખક, બૅન ચુ
    • પદ, બીબીસી વેરિફાઈ
  • વાંચવાનો સમય: 4 મિનિટ

અમેરિકા-ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધને કારણે હોર્મુઝ સામુદ્રધુનીમાંથી પસાર થતા ક્રૂડઑઇલ અને ગૅસના પુરવઠામાં અડચણ આવવાથી વૈશ્વિક ઊર્જાના ભાવમાં વધારો થયો છે.

પેટ્રોલના ભાવ પહેલાંથી જ વધી ગયેલા છે અને યુકેના ઘરઘરાઉ હીટિંગ બિલોમાં પણ વધારો થવાનું લગભગ નક્કી છે.

પણ આ સંઘર્ષની અસર માત્ર ઈંધણ પર જ નથી પડી, બીજાં મહત્ત્વનાં કેમિકલ્સ, ગૅસ અને અન્ય ઉત્પાદનો કે જે હોર્મુઝની આંતરરાષ્ટ્રીય સપ્લાય ચેઇનમાંથી પસાર થાય છે, તેની પર પણ ગંભીર અસર થઈ છે.

બીબીસી વૅરિફાઇએ તપાસ્યું હતું કે ખોરાક, સ્માર્ટફોન, દવાઓ સુધીના અનેક માલસામાન પર આની ઊંડી અસર થઈ શકે છે, કારણ કે યુદ્ધ પહેલાં હોર્મુઝમાંથી પસાર થતાં જહાજોની સંખ્યા 100થી વધુ હતી જે ઘટીને ઘણી ઓછી થઈ ગઈ છે.

આમાંથી શું શું અસરગ્રસ્ત થઈ શકે, તેની વાત અહીં કરવામાં આવી છે.

ખાતર (ખાદ્ય પદાર્થ)

Sorry, we can’t display this part of the story on this lightweight mobile page.

પેટ્રોકેમિકલ્સ ઑઇલ અને ગૅસમાંથી નીકળે છે અને ખાડી દેશો દ્વારા તેનું મોટા પાયે ઉત્પાદન તથા નિકાસ કરવામાં આવે છે. તેમાંથી એક મહત્ત્વનો પદાર્થ છે ખાતર, જે વૈશ્વિક કૃષિ ઉત્પાદનમાં ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે.

સંયુક્ત રાષ્ટ્રના મતાનુસાર વિશ્વના લગભગ ત્રીજા ભાગનાં ખાતરો જેમ કે યુરિયા, પોટાશ, ઍમોનિયા અને ફોસ્ફેટ હોર્મુઝ સામુદ્રધુનીમાંથી પસાર થાય છે.

નાના ખેડૂતો પોતાની પાકમાં વપરાતા ખાતરમાં યુરિયા પર બહુ આધાર રાખે છે. વર્લ્ડ ટ્રેડ સેન્ટર ઑર્ગેનાઇઝેશનનો ડેટા બતાવે છે કે સંઘર્ષ શરૂ થયો ત્યારથી દરિયાઈ માર્ગ દ્વારા ખાતરસંબંધી ઉત્પાદનોની ખેપોમાં મોટા પાયે ઘટાડો થયો છે.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ઈરાન-સંઘર્ષની શરૂઆત થઈ ત્યારથી ખાતરની ખેપો મોટે ભાગે બંધ થઈ ગઈ છે.

વિશ્લેષકોએ ગંભીરપણે ચેતવણી આપી છે કે આ ખાતરોની અછત હાલમાં કૃષિ ઉત્પાદન ક્ષેત્રે નુકસાનકારક સાબિત થઈ શકે છે, કેમ કે માર્ચ અને એપ્રિલનો સમયગાળો ઉત્તર ગોળાર્ધમાં વાવણીનો હોય છે અને હાલમાં ખેડૂતો દ્વારા થતો ઓછા ખાતરનો ઉપયોગ વર્ષના અંતે મળતી ઊપજ પર પડશે.

કીલ ઇન્સ્ટિટ્યૂટના સંશોધકોના જણાવ્યા મુજબ, "હોર્મુઝ ખાડીથી આવતું ખાતર પ્રમાણમાં ટૂંકા ગાળા માટે બંધ રહે, તો પણ સમગ્ર પાકની મોસમમાં વિક્ષેપ પડી શકે છે અને ખાદ્ય સુરક્ષાનાં પરિણામો હોર્મુઝ સામુદ્રધુની ફરી ખૂલ્યા પછી પણ લાંબા સમય સુધી જોવા મળી શકે છે."

સંસ્થાનું કાર્ય સૂચવે છે કે હોર્મુઝ સામુદ્રધુનીને સંપૂર્ણપણે બંધ કરવાથી વૈશ્વિક સ્તરે ઘઉંના ભાવમાં 4.2% અને ફળો તથા શાકભાજીના ભાવમાં 5.2%નો વધારો થઈ શકે છે.

અને તેમનો એવો અંદાજ છે કે ખાદ્ય પદાર્થોના ભાવવધારામાં સૌથી વધુ પ્રભાવિત દેશો ઝામ્બિયા (31%), શ્રીલંકા (15%), તાઇવાન (12%) અને પાકિસ્તાન (11%) હશે.

સાધારણ રીતે જોઈએ તો રશિયા વૈશ્વિક ખાતરના નિકાસના પાંચમા ભાગનો પુરવઠો પૂરો પાડે છે અને વિશ્લેષકોનું કહેવું છે કે આ અછતની ભરપાઈ કરવા માટે તે પોતાના ઉત્પાદનમાં વધારો કરી શકે છે.

વ્લાદિમીર પુતિનના ખાસ દૂત કિરીલ દિમિત્રીવે કહ્યું છે કે ખાતર જેવી ચીજવસ્તુઓનું બહોળા પ્રમાણમાં ઉત્પાદન કરનાર રશિયા, 'ખૂબ સારી સ્થિતિમાં' છે.

હીલિયમ (માઇક્રોચિપ્સ)

Sorry, we can’t display this part of the story on this lightweight mobile page.

હીલિયમ ગૅસના વૈશ્વિક વેપારનો લગભગ ત્રીજો ભાગ સામાન્ય રીતે કતારથી આવે છે અને હોર્મુઝ સામુદ્રધુનીમાંથી પસાર થાય છે. તે કુદરતી ગૅસના ઉત્પાદનની આડપેદાશ છે અને તેનો ઉપયોગ સેમિકન્ડક્ટર વૅફરના ઉત્પાદનમાં થાય છે. બાદમાં આ વૅફરને પ્રોસેસ કરીને માઇક્રોચિપ્સ બનાવવામાં આવે છે, જેનો ઉપયોગ કમ્પ્યુટર, વાહનો અને ઘરગથ્થુ ઉપકરણોમાં થાય છે.

હૉસ્પિટલોમાં ઉપયોગમાં લેવાતા મૅગ્નેટિક રેઝોનન્સ ઇમૅજિંગ (એમઆરઆઇ) સ્કૅનરમાં ચુંબકને ઠંડું પાડવા માટે પણ હીલિયમનો ઉપયોગ થાય છે.

ગૅસનું ઉત્પાદન કરતા કતારના વિશાળ રાસ લાફાન પ્લાન્ટે ઈરાની મિસાઇલ અને ડ્રોન હુમલા પછી ઉત્પાદન બંધ કરી દીધું છે અને કતાર સરકારે ચેતવણી આપી છે કે થયેલા નુકસાનને ઠીક કરવામાં ત્રણથી પાંચ વર્ષ લાગશે, જેના કારણે પુરવઠા બાબતે ચિંતા ઊભી થઈ છે.

2023માં યુએસ સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રી ઍસોસિયેશને ચેતવણી આપી હતી કે જો વૈશ્વિક હીલિયમ પુરવઠો ખોરવાઈ જાય તો ભાવવધારો આવી શકે.

વિશ્લેષકોએ ચેતવણી આપી છે કે હોર્મુઝ સામુદ્રધુનીમાં ઊભા થયેલા અવરોધને લીધે સ્માર્ટફોનથી લઈને ડેટા સેન્ટર સુધીની અત્યાધુનિક ટૅક્નૉલૉજીના ભાવમાં વધારો થઈ શકે છે.

અને કાઉન્સિલ ઑન ફૉરેન રિલેશન્સમાં ગ્લોબલ હેલ્થના સિનિયર ફૅલો પ્રશાંત યાદવે ચેતવણી આપી છે કે લાંબા સમય સુધી હીલિયમની અછતને કારણે એમઆરઆઇના ભાવમાં પણ વધારો થઈ શકે છે.

"એમઆઇઆર મશીનોમાં ચુંબકને ઠંડું પાડવા માટે 1500થી 2000 લિટર હીલિયમની જરૂર પડે છે. દર વખતે જ્યારે તમે સ્કૅન કરો છો, ત્યારે તેમાંથી થોડુંક હીલિયમ ઊકળે છે અથવા બાષ્પીભવન થાય છે."

તેમણે બીબીસી વૅરિફાઇને જણાવ્યું, "લોકોને એવું લાગે છે કે હીલિયમનો મુખ્ય ઉપયોગ ડેટા સેન્ટરો, સેમિકન્ડક્ટર અને એઆઇ તથા ડેટા ઇન્ડસ્ટ્રીમાં ઠંડક માટે થાય છે. પણ આપણે એ ન ભૂલવું જોઈએ કે હીલિયમ એમઆરઆઇ અને અન્ય તબીબી વપરાશકર્તાઓ માટે પણ ખૂબ જ મહત્ત્વનું છે."

પેટ્રોકેમિકલમાંથી નીકળનાર પદાર્થો (દવાઓ)

Sorry, we can’t display this part of the story on this lightweight mobile page.

પેટ્રોકેમિકલ્સમાંથી બનતાં ડૅરિવેટિવ્ઝ, જેમ કે મિથેનોલ અને ઇથિલિન દુનિયાભરમાં બનતી દવાઓમાં ખૂબ જ જરૂરી છે. તેમાં પેઇનકિલર્સ, ઍન્ટિબાયોટિક્સ અને રસીઓ સહિત મહત્ત્વપૂર્ણ સામગ્રીનો સમાવેશ થાય છે.

ગલ્ફ કૉ-ઓપરેશન કાઉન્સિલના દેશો સાઉદી અરેબિયા, કતાર, ઓમાન, સંયુક્ત આરબ અમીરાત, કુવૈત અને બહેરીન વૈશ્વિક પેટ્રોકેમિકલ ઉત્પાદન ક્ષમતાના લગભગ 6% હિસ્સો ધરાવે છે.

આ દેશો આ રસાયણોને દુનિયાના બીજા દેશોમાં મોકલવા માટે મુખ્યત્વે હોર્મુઝ સામુદ્રધુનીનો ઉપયોગ કરે છે અને તેમાંથી લગભગ અડધોઅડધ રસાયણો એશિયામાં જાય છે.

ભારત વિશ્વની જેનેરિક (નૉન-બ્રાન્ડેડ) ફાર્માસ્યુટિકલ નિકાસનો પાંચમો ભાગ ઉત્પન્ન કરે છે, જેમાંથી ઘણી અમેરિકા અને યુરોપ મોકલવામાં આવે છે.

આમાંનાં ઘણાં ફાર્માસ્યુટિકલ ઉત્પાદનો સામાન્ય રીતે ગલ્ફ હબ ઍરપૉર્ટ, ખાસ કરીને દુબઈથી વૈશ્વિક બજારોમાં મોકલવામાં આવે છે. સંઘર્ષને કારણે આ રસ્તાઓ ગંભીર રીતે ખોરવાઈ ગયા છે.

ઘણા વિશ્લેષકોએ ચેતવણી આપી છે કે હોર્મુઝ સામુદ્રધુનીમાં થયેલા વિક્ષેપને કારણે સાધારણ પરિવારો માટે દવાના ભાવો ખૂબ વધી શકે છે.

સલ્ફર (ધાતુઓ/બૅટરી)

ઇમેજ સ્રોત, Robert Alexander Getty Images

ઇમેજ કૅપ્શન, જો સલ્ફરની આયાતમાં પણ બાધા આવશે તો બૅટરીઓ વાળા ઉત્પાદનોની કિંમત વધશે

સલ્ફર એ ક્રૂડઑઇલ અને કુદરતી ગૅસની ઉત્પાદન પ્રક્રિયા દરમિયાન પેદા થતી વધુ એક આડપેદાશ છે અને ગલ્ફ દેશોમાં નિકાસ માટે તેનું મોટા પ્રમાણમાં ઉત્પાદન કરવામાં આવે છે.

દુનિયાભરમાં દરિયાઈ માર્ગે થતા સલ્ફરના વેપારનો લગભગ અડધોઅડધ ભાગ સામાન્ય રીતે હોર્મુઝ સામુદ્રધુનીમાંથી પસાર થાય છે.

તેનો મુખ્ય ઉપયોગ કૃષિ ખાતર તરીકે થાય છે, પણ તે ધાતુની પ્રક્રિયામાં પણ ખૂબ ઉપયોગી છે.

સલ્ફરનો ઉપયોગ સલ્ફ્યુરિક ઍસિડ બનાવવામાં થાય છે, જેનો ઉપયોગ તાંબુ, કૉબાલ્ટ અને નિકલની પ્રક્રિયા કરવામાં તથા લીથિયમના નિષ્કર્ષણ માટે પણ થાય છે.

આ બધી ધાતુઓ બૅટરીના ઉત્પાદન માટે જરૂરી છે, જેનો ઉપયોગ ઘરેલુ ઉપકરણોથી લઈને ઇલેક્ટ્રિક વાહનો અને ડ્રોન જેવા લશ્કરી હાર્ડવેરમાં પણ થાય છે.

વિશ્લેષકો ચેતવણી આપે છે કે જો સલ્ફરનો પુરવઠો ખોરવાશે તો બૅટરીવાળી પ્રોડક્ટ્સના ભાવો ખૂબ વધવાની શક્યતા છે.

વિશેષ રિપોર્ટિંગ: ટૉમ એજિંગ્ટન અને જોશુઆ ચીથમ

ગ્રાફિક્સ: ટૉમ શીલ

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન