ઉપ-કુલપતિની 'વિવાદાસ્પદ' ટિપ્પણી બાદ વિદ્યાર્થિનીઓનું શૉર્ટ્સ પહેરીને વિરોધપ્રદર્શન

ઇમેજ સ્રોત, Handout

    • લેેખક, નંદિન રામસ્વામી
    • પદ, બીબીસી સંવાદદાતા
  • વાંચવાનો સમય: 5 મિનિટ

શૉર્ટ્સ પહેરતી વિદ્યાર્થિનીઓ અન્ય લોકોને જાતીય સતામણી માટે 'આમંત્રણ' આપે છે, એવું ત્રિચીસ્થિત તામિલનાડુ નૅશનલ લૉ યુનિવર્સિટીમાં વિદ્યાર્થી પ્રતિનિધિઓ સાથેની બેઠકમાં ઉપ-કુલપતિએ કહ્યું ત્યારે વિવાદ સર્જાયો હતો. આ વિધાનને કારણે વિદ્યાર્થીઓએ મોટા પાયે વિરોધપ્રદર્શન કર્યું હતું.

જોરદાર વિરોધનો સામનો કરી રહેલા ઉપ-કુલપતિએ સ્પષ્ટતા કરી હતી કે તેમણે વિદ્યાર્થિનીઓની સલામતી સંબંધે ટિપ્પણી કરી હતી અને શૈક્ષણિક સંસ્થા ગામમાં આવેલી હોવાથી એ મુજબ પોશાક પહેરવો જરૂરી છે.

જોકે, વિદ્યાર્થીઓ કહે છે કે તેમને આ ખુલાસો સ્વીકાર્ય નથી.

ખરેખર શું થયું હતું?

ઇમેજ સ્રોત, Handout

ત્રિચીની તામિલનાડુ નૅશનલ લૉ યુનિવર્સિટીમાં 15 એપ્રિલે વર્ગ પ્રતિનિધિઓની એક બેઠક યોજાઈ હતી. ઉપ-કુલપતિ વી. નાગરાજ, કૉલેજના કર્મચારીઓ, વિદ્યાર્થી પ્રતિનિધિઓ અને અન્ય લોકોએ તે બેઠકમાં ભાગ લીધો હતો.

વિદ્યાર્થીઓના આક્ષેપ મુજબ, ઉપ-કુલપતિ નાગરાજે એવું કહ્યું હતું કે વિદ્યાર્થિનીઓ દ્વારા શૉર્ટ્સ પહેરવાથી કૉલેજ કર્મચારીઓનું "ધ્યાન ખેંચાશે" અને તે પોશાક "જાતીય સતામણીનું" આમંત્રણ હશે.

વિદ્યાર્થીઓએ બહાર પાડેલા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે "વાઇસ-ચાન્સેલરે કહ્યું હતું કે અગાઉ તેઓ બૅંગ્લુરુમાં નૅશનલ લૉ સ્કૂલ ઑફ ઇન્ડિયા યુનિવર્સિટીમાં કામ કરતા હતા ત્યારે પણ તેમણે આ પ્રકારની ટિપ્પણી કરી હતી અને આ વાતનો તેમને ગર્વ છે."

નિવેદનમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે "વાઇસ-ચાન્સેલર દ્વારા અલગ-અલગ સંસ્થાઓમાં પોતાના વલણનો વારંવાર પુનરોચ્ચાર કરવો એ કોઈ સામાન્ય ભૂલ નથી, પરંતુ તે એક એવી સંસ્થાગત વિચારધારાને દર્શાવે છે, જે ઉત્પીડનને સામાન્ય માને છે અને પીડિતો પર વધારે બોજ નાખે છે."

વિદ્યાર્થીઓ માંગણી કરી છે કે વાઇસ-ચાન્સેલર તેમની આ ટિપ્પણી પાછી ખેંચે અને એ માટે માફી માંગે. આ મામલાની સંસ્થાગત સ્તરે તપાસ કરવામાં આવે અને ડ્રેસ કોડના નામે કોઈ પણ વિદ્યાર્થિનીનું ઉત્પીડન ન થાય તે વાઇસ-ચાન્સેલર સુનિશ્ચિત કરે, એવી માંગણી પણ વિદ્યાર્થીઓએ કરી છે.

ઇમેજ સ્રોત, Social Media

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

વહીવટી તંત્ર દર મહિને વિદ્યાર્થી પ્રતિનિધિઓ સાથે એક મિટિંગ કરશે અને એ મિટિંગમાં વિદ્યાર્થીઓની સમસ્યાઓ રજૂ કરવામાં આવશે. એ સમયે વાઇસ-ચાન્સેલર નાગરાજે યુનિવર્સિટીમાં માળખાકીય સુવિધાઓ બહેતર બનાવવાની અને વિદ્યાર્થીઓના પ્રવેશ બાબતે વાત કરી હતી.

વાઇસ-ચાન્સેલરે એ વખતે કહ્યું હતું કે વિદ્યાર્થિનીઓ શૉર્ટ્સ પહેરશે તે કૉલેજના કર્મચારીઓ માટે જાતીય સતામણીનું "આમંત્રણ" હશે. એ બેઠકમાં હાજર મહિલા કર્મચારીઓ સહિતના કોઈએ વાઇસ-ચાન્સેલરના આ કથન બાબતે પ્રતિક્રિયા આપી ન હતી. યુનિવર્સિટીની એક વિદ્યાર્થિનીએ નામ ન આપવાની શરતે બીબીસી તામિલને કહ્યું હતું કે "વાઇસ-ચાન્સેલરની ટિપ્પણી અમારાં માટે આઘાતજનક અને પીડાદાયક હતી."

એ પછી 16 અને 17 એપ્રિલે વિદ્યાર્થિનીઓએ શોર્ટ્સ પહેરીને યુનિવર્સિટીના વહીવટી વિભાગના પ્રવેશદ્વાર પર ધરણાં કર્યાં હતાં.

વિદ્યાર્થીઓના કહેવા મુજબ, તેમણે ગુરુવારે આખી રાત વિરોધપ્રદર્શન કર્યું હતું અને વહીવટી વિભાગ તરફથી તેમની સાથે વાત કરવા કોઈ આવ્યું ન હતું.

એક વિદ્યાર્થિનીએ કહ્યું હતું કે "અમે યુનિવર્સિટીમાં આખી રાત વિરોધપ્રદર્શન કર્યું હતું. વહીવટીતંત્ર તરફથી અમને મળવા કોઈ આવ્યું ન હતું. અન્યથા કોઈ નાની ઘટના બને તો પણ તેઓ આવીને વહીવટીતંત્ર વતી વાત કરતા હોય છે, પરંતુ વિદ્યાર્થીઓ આટલા મોટા વિરોધ માટે એકઠા થયા હતા અને આખી રાત વિરોધ પ્રદર્શિત કર્યો ત્યારે વહીવટીતંત્ર તરફથી કોઈ એક શબ્દ બોલ્યું ન હતું."

યુનિવર્સિટીના એક વિદ્યાર્થીએ તેનું નામ જાહેર ન કરવાની શરતે બીબીસીને કહ્યું હતું કે "બીજા દિવસે, શુક્રવારે રજિસ્ટ્રાર, વાઇસ-ચાન્સેલર અને અન્ય વહીવટી અધિકારીઓએ અમારી સાથે વાત કરી હતી. વાઇસ-ચાન્સેલરે તેમની ટિપ્પણીનો મતલબ સમજાવતું સત્તાવાર નિવેદન પણ બહાર પાડ્યું હતું."

"કૉલેજમાં વિદ્યાર્થીઓની નોંધણી વધારવા માટે શું કરી શકાય તેની ચર્ચા બેઠકમાં ચાલી રહી હતી ત્યારે વાઇસ-ચાન્સેલરે શૉર્ટ્સ પહેરતી વિદ્યાર્થિનીઓ વિશે ટિપ્પણી કરી હતી. તેમણે એ ટિપ્પણી પાછી ખેંચી ન હતી કે માફી માંગી ન હતી આગળ શું કરવું તેના વિશે અમે વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરી રહ્યા હતા. તેના આધારે ભાવિ નિર્ણય લેવામાં આવશે," એમ તેમણે કહ્યું હતું.

વાઇસ-ચાન્સેલરનું નિવેદન શું કહે છે?

વાઇસ-ચાન્સેલર નાગરાજે આ સંદર્ભે 19 એપ્રિલે એક સત્તાવાર નિવેદન બહાર પાડ્યું હતું.

અહેવાલ જણાવે છે કે 16 અને 17 એપ્રિલે યોજાયેલા વિરોધપ્રદર્શન માટે વિદ્યાર્થીઓએ પરવાનગી લીધી ન હતી. ઉપ-કુલપતિએ તેમના ખુલાસામાં જણાવ્યું હતું કે તે બેઠકમાં વિદ્યાર્થી સંઘની ચૂંટણી યોજવા સહિતના ઘણા મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી.

ઉપ-કુલપતિના જણાવ્યા મુજબ, તેમણે ત્રણ વર્ષ પહેલાં વાઇસ-ચાન્સેલર તરીકે પદભાર સંભાળ્યો એ વેળાએ બેઠકમાં જણાવ્યું હતું કે યુનિવર્સિટીમાં ઘણી માળખાકીય સુવિધાઓ અને નાણાકીય પરિસ્થિતિની ઘણાં પાસાં યોગ્ય નથી. તેમાં સુધારા માટે પગલાં લેવામાં આવ્યાં છે.

તેમના જણાવ્યા અનુસાર, યુનિવર્સિટીને ઉચ્ચ સ્થાને લાવવા અને તેની છબિ સુધારવા માટે શું કરી શકાય એ બાબતે તેમણે નૅશનલ લૉ યુનિવર્સિટી સ્તરે વિદ્યાર્થીઓ સમક્ષ સવાલ ઉઠાવ્યો હતો.

તેમણે તેમના નિવેદનમાં જણાવ્યું હતું કે "ઘણી શૈક્ષણિક સંસ્થાઓમાં ડ્રેસ કોડની ચર્ચા થતી નથી. આ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ એ સંદર્ભે કશું કરે તો તેનાથી આ શૈક્ષણિક સંસ્થાની છબિ સુધારવામાં મદદ મળશે. મેં એમ પણ કહ્યું હતું કે હું ડ્રેસ કોડ લાદી શકું નહીં. મેં બૅંગ્લુરુસ્થિત નૅશનલ લૉ સ્કૂલ ઑફ ઇન્ડિયન યુનિવર્સિટીમાંનો મારો 2016નો અનુભવ પણ શૅર કર્યો હતો."

ઇમેજ સ્રોત, Handout

તેમણે એમ પણ જણાવ્યું હતું કે "(મહિલા છાત્રાલયનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે ત્યારે) કૅમ્પસમાં કામ કરતા કામદારો, મુલાકાતીઓ અને દુકાનદારોને ચોક્કસ પ્રકારનાં વસ્ત્રો વિચલિત કરી શકે છે. એ ઉપરાંત આ સંસ્થા ગ્રામ પંચાયત હેઠળના વિસ્તારમાં આવેલી હોવાથી વસ્ત્રસજ્જાની બાબતમાં વિદ્યાર્થીઓએ તેમની વિવેકબુદ્ધિનો ઉપયોગ કરવો જોઈએ, જેથી બહારના લોકોનું કોઈ બિનજરૂરી ધ્યાન ન ખેંચાય કે ટિપ્પણી કરવામાં આવે."

આ નિવેદન અનુસાર, સંસ્થાની આંતરિક ફરિયાદ સમિતિ(આઈસીસી)ને મળેલી ફરિયાદ બાબતે તેમણે વિદ્યાર્થીઓને 2026ની 29 માર્ચે જણાવ્યું હતું અને સલામતી વિશેનું પોતાનું મંતવ્ય વ્યક્ત કર્યું હતું.

તેમણે કહ્યું હતું કે "મારી ટિપ્પણીથી યુનિવર્સિટીના વિદ્યાર્થી સંગઠન, કર્મચારીઓ અને વહીવટીતંત્રને માઠું લાગ્યું હોય તો તેના માટે માફી માંગવામાં મને કોઈ ખચકાટ નથી."

જોકે, જે વિદ્યાર્થીઓએ બીબીસી સાથે વાત કરી હતી તેઓ કહે છે કે વાઇસ-ચાન્સેલરનો ખુલાસો સ્વીકાર્ય નથી.

"વાઇસ-ચાન્સેલરનું નિવેદન ખોટું છે, ભલે તે ગમે તે સંદર્ભમાં કરવામાં આવ્યું હોય. કૅમ્પસમાં કાર્યરત બાંધકામ કામદારો વિચલિત થશે, તેવો તેમનો ખુલાસો વર્ગ આધારિત ધારણા સાથે આગળ વધવા જેવો છે. એવી જ રીતે, કૉલેજ ગ્રામ્ય વિસ્તારમાં હોવાથી અમારે તે મુજબ પોશાક પહેરવો જોઈએ, એમ કહેવું એ પણ ખોટું છે. વાઇસ-ચાન્સેલરે ભલે કહ્યું, પરંતુ બેઠકમાં આઈસીસી ફરિયાદ બાબતે કોઈ ચર્ચા થઈ ન હતી."

એક અન્ય વિદ્યાર્થીએ બીબીસી સાથે વાત કરતાં કહ્યું હતું કે "વાઇસ-ચાન્સેલરે તેમનું નિવેદન પાછું ખેંચ્યું નથી. તેમણે માફી પણ માંગી નથી. તેનાથી વિપરીત, તેઓ એવું કહે છે કે કોઈની લાગણી દુભાઈ હોય તો તેઓ માફી માંગતા ખચકાશે નહીં. આ વાત અસ્વીકાર્ય છે."

યુનિવર્સિટી વતી વાત કરતાં એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું તું કે આ સંદર્ભે વાઇસ-ચાન્સેલરે જે ખુલાસો કર્યો તે સ્પષ્ટ છે.

તેમણે તેમની ઓળખ જાહેર ન કરવાની શરતે બીબીસી તામિલ સાથે વાત કરી હતી.

તેમણે કહ્યું હતું કે "વાઇસ-ચાન્સેલરે પોતાનો અભિપ્રાય સમજાવ્યો છે. વિદ્યાર્થીઓ સહિતની દરેક વ્યક્તિ તેમના અભિપ્રાયને સમજી ગઈ છે. અંતે તો તેમનો ખુલાસો જ યોગ્ય છે. બેઠકમાં ઘણા મુદ્દાઓ વિશે ચર્ચા થઈ હતી. વાઇસ-ચાન્સેલરે આઈસીસી ફરિયાદનો ઉલ્લેખ કરતી વખતે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો. તેમના અભિપ્રાયને તે સંદર્ભમાં સમજવો જોઈએ. વળી, ડ્રેસ કોડ વિશે તેમણે કશું કહ્યું નથી. તેમણે માત્ર વિદ્યાર્થીઓનો અભિપ્રાય માંગ્યો હતો. પોતે કોઈ નિયમ અમલી બનાવશે, એવું પણ તેમણે કહ્યું ન હતું."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન