અમેરિકા દુશ્મનના પંજામાંથી પોતાના સૈનિક કેવી રીતે પાછા લઈ આવે છે?

ઇમેજ સ્રોત, Sara D. Davis/Getty Image

ઇમેજ કૅપ્શન, અમેરિકન સૈનિક બોવે બર્ગડાલને તાલિબાને 2009માં અફઘાનિસ્તાનમાં પકડી લીધા હતા, બાદમાં તેમને અમેરિકાએ છોડાવ્યા હતા
    • લેેખક, સિમી જોલાસો
    • પદ, ઉત્તર અમેરિકા સંવાદદાતા
  • વાંચવાનો સમય: 4 મિનિટ

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે ઈરાનમાં તોડી પડાયેલા એફ-15 વિમાનના ગુમ ઑફિસરને સુરક્ષિત બચાવી લેવાયા છે.

આ પહેલાં અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દાવો કરતા આવ્યા છે કે તેમના સૈન્યે ઈરાનના સૈન્યને કમજોર કરી દીધું છે.

પરંતુ બીજી તરફ, ઈરાને તેનાથી ઊલટું અમેરિકાનું એફ-15 ઈગલ વિમાન તોડી પાડ્યું છે. આ અમેરિકા માટે એક મોટો ફટકો મનાઈ રહ્યો છે.

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે ઈરાનની હવાઈ સુરક્ષા એટલી નબળી પડી ચૂકી છે કે તે અમેરિકન વિમાનો વિરુદ્ધ કંઈ નથી કરી શકતું.

અમેરિકાના સંરક્ષણમંત્રી પીટ હેગસેથે પણ દાવો કર્યો હતો અમેરિકાએ ઈરાન પર 'હવાઈ સરસાઈ' હાંસલ કરી લીધી છે.

પરંતુ શુક્રવારે તોડી પડાયેલા એફ-15 ઈગલ વિમાનથી સ્પષ્ટ થાય છે કે ઈરાન હજુ પણ પોતાની હવાઈ સીમાનું રક્ષણ કરવામાં સક્ષમ છે, પછી ભલે એ સીમિત સ્તરે કેમ ન હોય.

અમેરિકન અધિકારીઓએ બીબીસીના અમેરિકન પાર્ટનર સીબીએસને જણાવ્યું કે વિમાનના પાઇલટને સુરક્ષિત બચાવી લેવાયા છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે હવે માહિતી આપી છે કે ગુમ થયેલા વેપન સિસ્ટમ્સ ઑફિસરનેય બચાવી લેવાયા છે.

Sorry, we can’t display this part of the story on this lightweight mobile page.

ટ્રમ્પે અમેરિકન ઑપરેશન વિશે શું જણાવ્યું?

ઇમેજ સ્રોત, Alex Brandon-Pool/Getty Images

ઇમેજ કૅપ્શન, ડોનાલ્ડ ટ્રમ્પે એફ-15 વિમાનને તોડી પાડવાની ઘટનાને હળવી રીતે રજૂ કરી છે

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર જાણકારી આપતાં કહ્યું, "મારા આદેશ પર તેને પાછા લાવવા માટે અમેરિકન સૈન્ય ડઝનો વિમાન મોકલ્યાં, જે વિશ્વનાં સૌથી ઘાતક હથિયારોથી સજ્જ હતાં."

ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ટ્રુથ સોશિયલ પર લખ્યું, "અમેરિકાની મિલિટરીના ઇતિહાસમાં સૌથી સાહસિક શોધખોળ અને બચાવ કાર્યવાહીમાંથી એકને અંજામ અપાયો છે. આ અમારા શાનદાર ક્રૂ મેમ્બર ઑફિસર માટે ચલાવાઈ હતી, જે એક અત્યંત સન્માનિત કર્નલ પણ છે. મને ખુશી છે કે હવે તેઓ સુરક્ષિત છે."

ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે ઑફિસરને કેટલીક ઈજા થઈ છે, પરંતુ તેઓ ઠીક થઈ જશે.

ઈરાનના રિવૉલ્યૂશનરી ગાર્ડ કોર આઇઆરજીસીએ આ શોધખોળ અભિયાનમાં સૈનિકો અને સ્થાનિક લોકોને પણ જોડી લીધા હતા. સૈન્ય ઑફિસરને જીવિત પકડવા માટે લગભગ 66000 ડૉલરનું ઇનામ પણ રાખવામાં આવ્યું હતું.

બીબીસી પર્શિયન સેવાનાં સિનિયર રિપોર્ટર ગોંચેહ હબીબીજાદ પ્રમાણે, ખુજેસ્તાન પ્રાંતથી એક પુષ્ટિ થયા વિનાનો વીડિયો સામે આવ્યો હતો. જેમાં કેટલાક લોકો હથિયારો અને ઇસ્લામિક રિપબ્લિકના ધ્વજ સાથે દેખાઈ રહ્યા હતા. તેમાંથી એક વ્યક્તિ કહેતી સંભળાય છે, "ખુદાએ ઇચ્છ્યું તો અમે તેને શોધી કાઢીશું."

જો ગુમ ઑફિસર ઈરાનના હાથમાં લાગી ગયા હોત તો યુદ્ધ પર તેની મોટી અસર થઈ હોત.

અમેરિકાએ પહેલાં આવી રીતે પોતાના બંદીઓને છોડાવ્યા છે

આવું પહેલાં પણ થઈ ચૂક્યું છે, જ્યારે વર્ષ 1979માં ઈરાને અમેરિકન રાજદ્વારીઓને 444 દિવસ સુધી બંધક બનાવીને રાખવામાં આવ્યા હતા.

ત્યારે અમેરિકાએ બંધકોને છોડવવાના બદલામાં ઈરાન પરથી કેટલાક પ્રતિબંધ હઠાવ્યા અને આઠ અબજ ડૉલરની ઈરાની સંપત્તિને અનફ્રીઝ કરી હતી. આ ઘટના અમેરિકા પર એક ઊંડી રાજકીય ઈજા છોડી ગઈ હતી.

એ બાદ પણ એવી ઘણી ઘટના થઈ, જ્યારે અમેરિકાએ પોતાના લોકોને છોડાવવા માટે ઘણાં મોટાં મોટાં પગલાં ઉઠાવ્યાં. ઘણી વાર તો અમેરિકન કેદીઓની મુક્તિના નિર્ણય પર વિવાદ પણ થયા.

વર્ષ 2014માં તત્કાલીન રાષ્ટ્રપતિ બરાક ઓબામાની સરકારે પોતાના સૈનિક બોવે બર્ગડાહલને છોડાવવા માટે પાંચ તાલિબાન કેદીઓને છોડી મૂક્યા હતા. બર્ગડાલને તાલિબાને 2009માં પકડી લીધા હતા.

જોકે, ટીકાકારો કહે છે કે આ પ્રકારના સોદા ભવિષ્યમાં અમેરિકા પર ભારે પડી શકે છે. આના કારણે વિરોધી બંધક બનાવીને પોતાની વાટાઘાટોની ક્ષમતા વધારી શકે છે.

અમેરિકન સૈનિકો પર વધતો જતો ખતરો

ઇમેજ સ્રોત, Scott Olson/Getty Images

ઇમેજ કૅપ્શન, અમેરિકા હુમલા તીવ્ર બનાવવા માટે કહી રહ્યું છે અને અખાતમાં તેના સૈનિકોને મોટા પાયે ખડકતું જઈ રહ્યું છે

વૉશિંગટનમાં સાંસદોએ ઑફિસરના સકુશળ પરત ફરવાની આશા વ્યક્ત કરી હતી, પરંતુ એ દરમિયાન મતભેદ પણ સામે આવ્યા. રિપબ્લિકન સાંસદ નેન્સી મેસે કહ્યું, "હવે સમય પાકી ગયો છે કે અમે સૈનિકોને ઘરે લેતા આવીએ."

જ્યારે ડેમૉક્રૅટ સેનેટર ટિમ કેને કહ્યું, "કોઈ પણ પકડાયેલા સૈનિક સાથે આંતરરાષ્ટ્રીય કાયદા મુજબ વ્યવહાર કરવામાં આવે."

અમેરિકન સૈનિકો માટે આ લડાઈમાં ખતરો વધી રહ્યો છે, ખાસ કરીને ત્યારે જ્યારે જમીન પરના હુમલાની ચર્ચા થઈ રહી છે.

અમેરિકામાં અલગ-અલગ રાજકીય વિચારધારા ધરાવતા લોકો પણ હવે 'લાંબા ખેંચાતા જતા યુદ્ધ'માં નથી પડવા માગતા. ન તેઓ અમેરિકન સૈનિકો પોતાનો જીવ ગુમાવે એ મતના છે.

અમેરિકાનો દાવો - આઇઆરજીસી કમાન્ડરના સંબંધીઓની ધરપકડ કરી

ઇમેજ સ્રોત, Pool / Press Office of Iranian Supreme Leader/Anadolu Agency/Getty Images

ઇમેજ કૅપ્શન, અમેરિકન વિદેશ મંત્રાલયે કહ્યું છે કે આઇઆરજીસીના મૃત્યુ પામેલા કમાન્ડર કાસિમ સુલેમાનીના સંબંધીઓની ધરપકડ કરાઈ છે

બીજી તરફ, અમેરિકન વિદેશ મંત્રાલયનું કહેવું છે કે ઈરાનના રિવૉલ્યૂનરી ગાર્ડના મૃત્યુ પામેલા કમાન્ડર કાસિમ સુલેમાનીના સંબંધીઓની ધરપકડ કરી લેવાઈ છે. સાથે જ તેમની અમેરિકામાં રહેવાની સ્થાયી પરવાનગી પણ રદ કરી દેવાઈ છે.

પરંતુ સુલેમાનીનાં દીકરીએ આ દાવાને ખોટા ગણાવ્યા છે. તેમનું કહેવું છે કે જે લોકોને પકડવામાં આવ્યા છે, તેમના તેમના પિતા સાથે કોઈ લેવાદેવા નથી.

કાસિમ સુલેમાની ઈરાનના સૌથી તાકતવર સૈન્ય કમાન્ડર હતા, જેમને 2020માં ઇરાકમાં અમેરિકન હવાઈ હુમલામાં મારી નખાયા હતા. ત્યારે પણ ડોનાલ્ડ ટ્રમ્પ જ અમેરિકાના રાષ્ટ્રપતિ હતા, હુમલાના આદેશ તેમણે જ આપ્યા હતા.

ટ્રમ્પે ઈરાનને 48 કલાકનો સમય આપ્યો

નોંધનીય છે કે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે ઈરાનને 48 કલાકનો સમય આપ્યો હતો.

તેમણે ચેતવણી ઉચ્ચારતાં કહ્યું હતું કે તેમની પાસે 'સમાધાન કરવા કે હોર્મુઝની સામુદ્રધુની ખોલવા' માટે 48 કલાકનો સમય છે, નહીંતર 'કેર વર્તાશે.'

ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ટ્રુથ સોશિયલ પર લખ્યું, "યાદ રાખો જ્યારે મેં ઈરાનને સમાધાન કરવા કે હોર્મુઝની સામુદ્રધુની ખોલવા માટે દસ દિવસનો સમય આપ્યો હતો. સમય સમાપ્ત થઈ રહ્યો છે. તેમના પર કેર વર્તાવામાં હવે માત્ર 48 કલાકનો સમય બાકી છે."

27 માર્ચના રોજ ટ્રમ્પે જાહેરાત કરી હતી કે તેઓ આગામી દસ દિવસ માટે ઈરાની ઊર્જા પ્લાન્ટ પર કોઈ પણ પ્રકારના હુમલાને રોકી રહ્યા છે.

અમેરિકા હુમલા તીવ્ર બનાવવાની વાત કરી રહ્યું છે, અખાતમાં તેના સૈનિકોના ધાડેધાડા ઉતારી રહ્યું છે, ટ્રમ્પ પહેલાંથી જ ચેતવણી આપી ચૂક્યા છે કે હજુ વધુ અમેરિકન સૈનિકોના જીવ જઈ શકે છે.

આ સંકેતોથી સ્પષ્ટ છે કે સ્થિતિ બગડી રહી છે અને લડાઈનો વ્યાપ વધતો જઈ રહ્યો છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન