'એ પાણીની ટાંકીએ મારું આખું જીવન બદલી નાખ્યું, મને પૈસા કમાવા લાયક બનાવી'
- લેેખક, અમરેન્દ્ર યારલાગડ્ડા
- પદ, બીબીસી સંવાદદાતા
- વાંચવાનો સમય: 7 મિનિટ
વેનેલ્લાએ કહ્યું, "આ પાણીની ટાંકીએ મારું જીવન સંપૂર્ણપણે બદલી નાખ્યું. તેણે મને ગ્રેજ્યુએટ કરી. મને પૈસા કમાવા લાયક બનાવી. દસથી બાર વર્ષ સુધી ભોજન આપ્યું. તેણે મને લોકો સાથે કેવી રીતે વાત કરવી અને પરિવારની સંભાળ કેવી રીતે રાખવી તે પણ શીખવ્યું. જો આ પાણીની ટાંકી મારા જીવનમાં ન હોત, તો આજે હું અહીં ન હોત."
પોતાના જીવનનો આધાર બનેલી પાણીની ટાંકી વિશે વેનેલ્લાએ ભાવુક બનીને અમારી સાથે વાત કરી.
જ્યારે તેમનાં માતા-પિતા તેમનાં લગ્ન કરાવડાવીને તેમને સાસરિયે મોકલવા માગતાં હતાં, ત્યારે તેમણે આ પાણીની ટાંકીમાં પોતાનો અભ્યાસ ચાલુ રાખ્યો.
પાણીની ટાંકીમાં ભણતર! એવું સાંભળીને તમને આશ્ચર્ય થાય છેને?
આ વાર્તા જાણવા માટે તમારે હૈદરાબાદના મિયાપુર વિસ્તારના માતૃશ્રીનગરમાં આવેલી 'વૉટર ટેન્ક સ્કૂલ' વિશે જાણવું પડશે. આ પાણીની ટાંકી કૉલોની વેલ્ફેર સોસાયટીની છે.
બાળકો આ પાણીની ટાંકી પાસે કેમ આવે છે?
દરરોજ સાંજે 5:30 વાગ્યે એક વાન પાણીની ટાંકી પાસે આવીને ઊભી રહે છે.
કેટલાંક બાળકો તેમાંથી ઊતરીને પાણીની ટાંકીના ઉપરના માળે અભ્યાસ કરવા માટે જાય છે.
થોડા સમય પછી બીજાં કેટલાંક બાળકો પણ ત્યાં આવે છે અને રાત પડે ત્યાં સુધી અભ્યાસ કરતા રહે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સોમસુંદર સમાજ કલ્યાણ અને ચેરિટેબલ ટ્રસ્ટ (પીએસએસ ટ્રસ્ટ) બધાને અહીં મફત શિક્ષણ પૂરું પાડી રહ્યું છે.
વેનેલ્લાએ જણાવ્યું કે આ ટ્રસ્ટે ડિપ્લોમા પછી અને એન્જિનિયરિંગનો અભ્યાસ પૂર્ણ થાય ત્યાં સુધી ફી તથા પુસ્તકો સહિતની તમામ નાણાકીય જરૂરિયાતોમાં ટેકો આપ્યો હતો.
પિતા સુરક્ષા ગાર્ડ, દીકરી રિસર્ચ એન્જિનિયર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
લિંગમપલ્લીના વેનેલ્લા એવા લોકોમાંના એક છે, જેમણે ટ્રસ્ટની મદદથી અભ્યાસ કર્યો હતો.
તેમના પિતા સુરક્ષા ગાર્ડ તરીકે કામ કરતા હતા અને તેમનાં માતા ચાની લારી ચલાવતાં હતાં.
વેનેલ્લાએ બીબીસીને જણાવ્યું, "જ્યારે હું મારા ડિપ્લોમાના છેલ્લા વર્ષમાં હતી, ત્યારે મારા માતા-પિતાએ મારાં લગ્ન કરાવવાનું નક્કી કર્યું. હું લગ્ન કરવા માગતી નહોતી, અને મેં કહ્યું હતું કે હું ભણીશ, છતાં તેઓ મારું સાંભળતાં નહોતાં. ઘણા દિવસો સુધી હું રડતી રહી. જ્યારે મેં શ્રીનિવાસસાહેબને ફોન કર્યો ત્યારે તેઓ આવ્યા અને તેમણે મારાં માતા-પિતાને મારો અભ્યાસ ચાલુ રાખવા દેવા માટે મનાવી લીધા."
વેનેલ્લાએ કહ્યું કે ટ્રસ્ટે તેમને ડિપ્લોમા પછી અને એન્જિનિયરિંગનો અભ્યાસ પૂર્ણ થાય ત્યાં સુધી ફી અને પુસ્તકો સહિતની તમામ નાણાકીય જરૂરિયાતોમાં ટેકો આપ્યો હતો.
તે હાલમાં હૈદરાબાદમાં હ્યુન્ડાઇ ટ્રાન્સિસ નામની કંપનીમાં રિસર્ચ એન્જિનિયર તરીકે કામ કરી રહી છે.
"મારાં માતા-પિતાને હવે મારા પર ખૂબ ગર્વ થાય છે. જે લોકો પહેલાં નાનાં-નાનાં કામ કરીને ગુજરાન ચલાવતાં હતાં, ટ્રસ્ટે આજે તેમની દીકરીને કાચથી ચમકતી મોટી ઑફિસમાં બેસીને કામ કરવા સક્ષમ બનાવી. આ પાણીની ટાંકીએ મારું જીવન બદલી નાખ્યું છે," વેનલ્લાએ કહ્યું.
2003માં પોથુકુચી સોમસુંદર સમાજ કલ્યાણ અને ચેરિટેબલ ટ્રસ્ટ હેઠળ એક મફત કોચિંગ સંસ્થા તથા ટ્યુશન સેન્ટરની સ્થાપના કરવામાં આવી હતી.
આ પહેલ પાણીની ટાંકી સુધી પહોંચી
ગરીબ બાળકોની શૈક્ષણિક જરૂરિયાતો પૂરી કરવાના ઉદ્દેશ્યથી પોથુકુચી શ્રીનિવાસે 15 ઑગસ્ટ, 2003ના રોજ તેમના પિતાના નામે પોથુકુચી સોમસુંદર સમાજ કલ્યાણ અને ચેરિટેબલ ટ્રસ્ટ સ્કૂલ (મફત કોચિંગ સંસ્થા કમ ટ્યુશન સેન્ટર)ની સ્થાપના કરી.
શ્રીનિવાસે કહ્યું, "હું એક વાર સરકારી શાળામાં ગયો હતો. ત્યાંનાં બાળકોને જોયા પછી મને લાગ્યું કે શિક્ષણ ફક્ત શાળામાં જ નહીં, પણ શાળા પછી પણ જરૂરી છે. આ ટ્રસ્ટની સ્થાપના એવી માન્યતા સાથે કરવામાં આવી હતી કે બાળકોએ શાળા પછી પણ શિક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ, જેથી તેઓ કોઈ પણ ખરાબ ટેવોમાં ફસાઈ ન જાય."
શરૂઆતમાં નાનકડા શૅડમાં ટ્યુશન ક્લાસ લેવાતા હતા.
2008માં તેઓ માતૃશ્રીનગરમાં એક પાણીની ટાંકીમાં ગયા. પાણીની ટાંકી નીચેના ઓરડાઓ પહેલાંથી જ બિનઉપયોગી અને ખાલી પડ્યા રહેતા હોવાથી તેમણે વસાહતના રહેવાસીઓની મદદથી બાળકોને શિક્ષણ આપવા માટે તેનો ઉપયોગ શરૂ કર્યો.
આ ટ્રસ્ટ નવમા ધોરણથી શરૂ કરીને ડિપ્લોમા અને બી.ટેક પૂર્ણ થાય ત્યાં સુધી ટ્યુશન અને કારકિર્દી માર્ગદર્શન પૂરું પાડે છે.
દરરોજ સાંજે... અને રજાના દિવસોમાં આખો દિવસ...
આ પાણીની ટાંકી ત્રણ માળની છે. પહેલા બે માળ પર ઓરડાઓ છે. બાળકો માટે ત્યાં વર્ગો ચલાવવામાં આવે છે.
પહેલા માળે કમ્પ્યુટર લૅબ છે.
ટ્રસ્ટના સંચાલન સાથે સંકળાયેલા શ્રીધરે જણાવ્યું કે અહીં આવતાં બધાં બાળકો સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા ગરીબ પરિવારોમાંથી આવે છે.
દરરોજ શાળા પછી બધાં બાળકો પાણીની ટાંકી પર અભ્યાસ કરવા માટે આવે છે. રજાના દિવસે તેઓ સવારે 9થી રાત્રે 9 વાગ્યા સુધી અભ્યાસ કરવા માટે ત્યાં રહે છે.
ટ્રસ્ટે છોકરીઓને શાળાએ આવવા-જવા માટે એક ખાસ વાનની વ્યવસ્થા કરી છે.
શ્રીનિવાસે કહ્યું કે, "બાળકો શાળા પૂર્ણ થતાંની સાથે જ સાંજે અહીં આવી જાય છે. પહેલાં તેમને ભણાવનારા ટ્યુટરો હતા. હવે અહીં સિનિયરો તેમને ભણાવે છે. તેઓ પોતે જ પાઠ શીખવે છે, જુનિયરોની શંકાઓના જવાબ આપે છે."
તેમણે જણાવ્યું કે જો તમને ભૂખ લાગી હોય તો તમે અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરી શકતા નથી, તેથી અમે અહીં ભોજન પણ બનાવીએ છીએ.
બીજી તરફ, શ્રીનિવાસ કહે છે કે ભલે તે પાણીની ટાંકી હોય, પણ તમામ પ્રકારના સલામતીના પગલાં લેવાઈ રહ્યાં છે.
"ત્યાં સીસીટીવી કૅમેરા છે. પાણીની ટાંકીનાં પગથિયાં પર રેલિંગ છે. છોકરીઓ ઘરે પહોંચે ત્યાં સુધી એ અમારી જવાબદારી છે," એમ તેમણે કહ્યું.
અભ્યાસ... રસોઈ... સફાઈ...
બી.ટેકના બીજા વર્ષમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી રામકૃષ્ણ, નવમા ધોરણમાં હતો ત્યારથી અહીં આવે છે.
જ્યારે હું પાણીની ટાંકી પાસે ગયો ત્યારે તે રસોઈ બનાવી રહ્યો હતો.
એક તરફ, તેઓ E-CETની તૈયારી કરતા જોવા મળ્યો, તો બીજી તરફ, તેઓ એક કડછો પકડીને રસોઈ બનાવતા જોવા મળ્યો.
રામકૃષ્ણે કહ્યું, "અમે અમારું બધું કામ જાતે જ કરીએ છીએ. આ રીતે અમે નાની ઉંમરે વસ્તુઓનું આયોજન અને સંચાલન કરવાનું શીખીએ છીએ. અમે અમારાં બાળકો માટે કામ વહેંચીએ છીએ જેઓ બી.ટેક અને ડિપ્લોમા કરી રહ્યા છે."
શ્રીધરે જણાવ્યું કે, "અમારી પાસે આવતાં બાળકો ફક્ત અભ્યાસ કરતાં નથી. તેઓ બધાં કામ જાતે કરે છે. રસોઈ બનાવવી, સફાઈ કરવી, ટ્રસ્ટનો ખર્ચ મૅનેજ કરવો... આ બધું બાળકો દ્વારા જ કરવામાં આવે છે."
નોકરી મળે ત્યાં સુધી સહાય
આ ટ્રસ્ટ નવમા અને દસમા ધોરણના સ્તરે ટ્યુશન પૂરું પાડે છે, તેમજ ડિપ્લોમા અને એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓને ફી ભરવાથી લઈને તમામ નાણાકીય જરૂરિયાતો પૂરી પાડે છે.
દાતાઓ અને કંપનીઓ દ્વારા સીએસઆર હેઠળ પૂરા પાડવામાં આવતા ભંડોળ ઉપરાંત, શિક્ષણ પૂર્ણ કરીને નોકરીમાં સ્થાયી થયેલા લોકો દ્વારા પણ નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે.
પોથુકુચી શ્રીનિવાસે જણાવ્યું કે ટ્રસ્ટના સહકારથી એપ્રિલ 2026 સુધીમાં 1531 લોકોએ તેમનું શાળાશિક્ષણ પૂર્ણ કર્યું હતું.
વધુમાં જણાવ્યું કે 1200થી વધુ લોકોએ તેમના ડિપ્લોમા પૂર્ણ કર્યા હતા અને તેમાંથી લગભગ 900 લોકોએ નોકરી મેળવી હતી. 225 લોકોએ એન્જિનિયરિંગ પૂર્ણ કર્યું હતું અને 213 લોકોએ નોકરી મેળવી હતી.
"કેટલાક કિસ્સાઓમાં નાણાકીય મુશ્કેલીઓ આવી છે. જોકે, કાર્યક્રમ જોખમમાં મુકાયો નથી. દાતાઓ સહાય માટે આગળ આવી રહ્યા હોવાથી, બાળકોનું શિક્ષણ કોઈ પણ અવરોધ વિના ચાલુ રહી રહ્યું છે," શ્રીનિવાસે જણાવ્યું.
અહીં અભ્યાસ કરીને સ્થાયી થયેલાં યુવાનો અને યુવતીઓ પોતાની રીતે ટ્રસ્ટમાં યોગદાન આપી રહ્યાં છે.
મદદથી અભ્યાસ કરો - તક મળે ત્યારે મદદ કરો
ટ્રસ્ટના ટેકાથી શિક્ષણ પૂર્ણ કરીને વિવિધ નોકરીઓમાં સ્થાયી થયેલા યુવાનો અને યુવતીઓ પોતાની રીતે ટ્રસ્ટમાં યોગદાન આપી રહ્યા છે.
સાઈરામે કહ્યું કે, "કેટલાક દર વર્ષે ચોક્કસ રકમ આપે છે, તો કેટલાક દર મહિને ચોક્કસ રકમ આપે છે. અમને આશા છે કે આ સહાય એવાં બાળકો માટે મદદરૂપ થશે જેઓ અમારી જેમ અભ્યાસમાં સંઘર્ષ કરી રહ્યા છે."
ટ્રસ્ટની મદદથી નવમા ધોરણથી એન્જિનિયરિંગની ડિગ્રી પૂર્ણ કરવા સુધીનો અભ્યાસ કરનાર સાઈરામ હાલમાં યુબીએસ બૅન્કમાં કાર્યરત્ છે. પોતાના ફ્રી સમયમાં તે પાણીની ટાંકી પાસે સમય વિતાવે છે અને તેની જાળવણીમાં મદદ કરે છે.
સાઈરામે કહ્યું, "તેઓ ફક્ત આર્થિક રીતે જ મદદ કરતા નથી, પરંતુ ઘણા લોકો સાંજે અથવા તેમના ફ્રી સમયમાં જુનિયર વિદ્યાર્થીઓને ભણાવવા માટે આવે છે. જેમણે અહીં અભ્યાસ કર્યો છે તેઓ પણ ટ્રસ્ટને કોઈ ને કોઈ રીતે મદદ કરે છે."
શ્રીનિવાસે સમજાવ્યું કે તેઓ કોઈને મદદ તરીકે પૈસા આપવા માટે દબાણ કરતા નથી, અને જો તેમને અહીંની સેવાઓ ગમે તો જ તેઓ દાન સ્વીકારે છે.
પોથુકુચી શ્રીનિવાસે કહ્યું કે તેઓ વિદ્યાર્થીઓને માત્ર પાણીની ટાંકીમાં જ નહીં, પરંતુ અન્ય 8 ક્ષેત્રોમાં પણ મદદ કરી રહ્યા છે.
તેમણે કહ્યું, "અમે શિક્ષાસેતુ કાર્યક્રમ હાથ ધર્યો છે. તેના ભાગરૂપે અમે રંગારેડ્ડી, મેડચલ-મલકાજગિરિ અને સંગારેડ્ડી જિલ્લાઓમાં શાળાસ્તરે 23 કેન્દ્રો સ્થાપ્યાં છે. શાળા બંધ થતાં જ બાળકો ત્યાં રહીને અભ્યાસ કરશે. અમે આ માટે એક શૈક્ષણિક સ્વયંસેવકની નિમણૂક કરી છે."
શ્રીનિવાસે જણાવ્યું કે નવમા અને દસમા ધોરણના લગભગ એક હજાર બાળકો આ રીતે અભ્યાસ કરી રહ્યાં છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
નવાજૂની
બીબીસી વિશેષ
સૌથી વધુ વંચાયેલી સ્ટોરીઝ
આ કન્ટેન્ટ ઉપલબ્ધ નથી