ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત, મતદાન અને પરિણામની તારીખ જાણો

ઇમેજ સ્રોત, Getty Images

વાંચવાનો સમય: 2 મિનિટ

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે. ગુજરાત રાજ્યના ચૂંટણી કમિશનર એસ. મુરલી કૃષ્ણાએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત કરી હતી.

આ સાથે જ મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયત માટે ચૂંટણીનાં મંડાણ થઈ ગયાં છે.

ગુજરાતના ચૂંટણીપંચના દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે, આગામી ચૂંટણી દરમિયાન ચાર કરોડ 19 લાખ જેટલા મતદારો તેમના બંધારણીય અધિકારનો ઉપયોગ કરશે.

26મી એપ્રિલના રોજ ચૂંટણી યોજાશે તથા 28મી એપ્રિલે પરિણામો જાહેર થશે.

ચૂંટણી કાર્યક્રમની જાહેરાતની સાથે જ રાજ્યમાં આદર્શ આચાર સંહિતા અમલમાં આવી ગઈ છે, જેથી રાજ્ય સરકાર કે સ્થાનિક સ્વરાજ્યના એકમો મતદારોને પ્રભાવિત કરે, તેવી જાહેરાતો નહીં કરી શકે.

છઠ્ઠી એપ્રિલના રોજ ચૂંટણીનું જાહેરનામું બહાર પાડવામાં આવશે.

11મી એપ્રિલ સુધીમાં ઉમેદવારો ચૂંટણી ફૉર્મ ભરી શકશે અને બે દિવસ પછી તેની એટલે કે 13મી એપ્રિલના તેની ચકાસણી હાથ ધરવામાં આવશે. 15મી એપ્રિલ સુધીમાં ઉમેદવાર પોતાનું ફૉર્મ પરત ખેંચી શકશે.

આ સિવાય જો કોઈ પોલિંગ સ્ટેશન ઉપર ફેરમતદાનની જરૂર પડશે તો તે 27મી એપ્રિલના રોજ યોજાશે.

26મીએ સવારે સાત વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી મતદાન યોજાશે તથા 30મી એપ્રિલ સુધીમાં ચૂંટણીપ્રક્રિયા પૂર્ણ કરી લેવાશે.

ક્યાં ક્યાં ચૂંટણી યોજાશે?

ઇમેજ સ્રોત, Getty Images

ગુજરાતના મુખ્ય ચૂંટણી કમિશનર એસ. મુરલી કૃષ્ણા દ્વારા બુધવારે પત્રકારપરિષદ આયોજિત કરવામાં આવી હતી, જેમાં આપવામાં આવેલી માહિતી પ્રમાણે, '15 મહાનગરપાલિકા, 84 નગર પાલિકા, 34 જિલ્લા પંચાયત તથા 260 તાલુકા પંચાયત માટે સામાન્ય ચૂંટણી યોજાશે.'

આ સિવાય કોઈ સ્થાનિક સ્વરાજ્યના એકમમાં કોઈ પણ કારણસર કોઈ બેઠક ખાલી પડી હોય, તો તેની ચૂંટણી પણ આની સાથે જ યોજાશે.

રાજ્ય સરકારે તાજેતરમાં નવી મહાનગરપાલિકાઓની જાહેરાત કરવામાં આવી છે, તેની ચૂંટણી પણ આ સાથે જ યોજાશે.

અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર, ભાવનગર, નવસારી, વાપી, કરમસદ-આણંદ, નડિયાદ, મહેસાણા, સુરેન્દ્રનગર, મોરબી, પોરબંદર અને ગાંધીધામમાં મહાનગરપાલિકાની ચૂંટણી યોજાશે. જ્યારે ગાંધીનગર તથા જૂનાગઢમાં મહાનગરપાલિકાની ટર્મ ચાલી રહી હોવાથી ત્યાં ચૂંટણી નહીં યોજાય.

નવી મહાનગરપાલિકાની સીમાઓને કારણે ગત વખતની સરખામણીએ બેઠકોનાં સમીકરણ અને ગણિત બદલાશે.

સમગ્ર ચૂંટણી કાર્યક્રમ

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ચૂંટણી કમિશનર દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે, કુલ 49 હજાર 500થી વધુ મતદાન મથકો ઉપર ચૂંટણી યોજાશે.

દરેક બૂથ ઉપર મહત્તમ એક હજાર 200 મતદાર તેમના બંધારણીય અધિકારનો ઉપયોગ કરશે. મતદારોએ ખૂબ દૂર સુધી પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે જવું ન પડે, તે સુનિશ્ચિત કરવામાં આવશે, એમ ચૂંટણી કમિશનર એસ. મુરલી કૃષ્ણાએ જણાવ્યું હતું.

લગભગ 11 હજાર બૂથ સંવેદનશીલ તથા ત્રણ હજાર 300 જેટલા બૂથ અતિ સંવેદનશીલ છે. જોકે, ઉમેવાદારોનાં નામોની જાહેરાત અને સમયાંતરે કરવામાં આવેલી સમીક્ષાના આધારે આ સંખ્યામાં ફેરફાર થઈ શકે છે.

એપિક કાર્ડ ઉપરાંતના 14 દસ્તાવેજોમાંથી એક ફોટોવાળું ઓળખપત્ર દેખાડીને નાગરિક પોતાનો મત આપી શકશે.

મહાનગરપાલિકા એક હજાર જેટલા ચૂંટણી અધિકારી (રિટર્નિંગ ઑફિસર) 1250 જેટલા મદદનીશ ચૂંટણી અધિકારી (એઆરઓ) તથા બે લાખ 61 હજાર પોલિંગ સ્ટાફ ચૂંટણી પ્રક્રિયાને અંજામ આપશે.

આરઓ તથા એઆરઓની તાલીમ આગામી એક-બે દિવસમાં શરૂ થઈ જશે.

આ ચૂંટણી અગાઉ કેન્દ્રીય ચૂંટણીપંચ દ્વારા વ્યાપક મતદાર યાદી સુધારણા પ્રક્રિયા (સ્પેશિયલ ઇન્ટેન્શિવ રિવિઝન) પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેની ચૂંટણી ઉપર કેવી અસર થાય છે, તેની ઉપર રાજકીય પક્ષો અને ચૂંટણી પંડિતોની નજર રહેશે.

વર્ષ 2027માં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે, એવો પૂર્વનિર્ધારિત કાર્યક્રમ છે. તે પહેલાંના આ ચૂંટણીને 'મિની વિધાનસભા' તરીકે જોવામાં આવે છે, કારણ કે રાજ્યના લગભગ બધા ભૂભાગ તથા વર્ગો આ ચૂંટણીમાં ભાગીદાર બનતા હોય છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન