18 વરસની શોધ, 200 શંકમદોની પૂછપરછ, આખરે પોતાની એક ભૂલને કારણે સીરિયલ કિલર કેવી રીતે પકડાયો?

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, ગ્રેગ મેકકેવિટ
  • વાંચવાનો સમય: 7 મિનિટ

યૂનાબૉમ્બરનાં હિંસક કૃત્યોએ લગભગ બે દાયકા સુધી તપાસકર્તાઓની ઊંઘ હરામ કરી નાખી હતી. 30 વર્ષ પહેલાં બીબીસીએ તેની ધરપકડ થયાના અહેવાલ આપ્યા હતા. તે "પ્રતિભાશાળી" ગણિતજ્ઞએ તેના ઘરના દરવાજા સુધી કેડી બનાવી રાખી હતી.

ત્રીજી એપ્રિલ, 1996ના રોજ અમેરિકન ફેડરલ એજન્ટોએ મોન્ટાનાનાં જંગલોમાં આવેલી લાકડાની એક કેબિનને ઘેરી લીધી અને થિયોડોર "ટેડ" કાઝિન્સ્કી નામના એક લઘર-વઘર માણસને બહાર કાઢ્યો.

અત્યાર સુધી તે વ્યક્તિ લોકોના મનમાં એક "વૉન્ટેડ" પોસ્ટરના સ્કૅચમાં કાળાં ચશ્માં પહેરનારા અને ચહેરો ઢાંકેલા શખ્સ તરીકેની જ ઓળખ ધરાવતી હતી.

લગભગ 18 વર્ષ સુધી યૂનાબૉમ્બર અમેરિકાના મોસ્ટ વૉન્ટેડ અપરાધીઓની યાદીમાં સ્થાન ધરાવતો હતો. આ રહસ્યમય વ્યક્તિ કોઈ સ્પષ્ટ હેતુ કે નિયમિત પેટર્ન વગર જ પોસ્ટ મારફત સાધારણ પાર્સલ બૉમ્બ મોકલતો હતો.

આખરે, તે તેના ખુદના લખાણના આધારે જ ઝડપાઈ ગયો. અમેરિકાનાં બે અગ્રણી અખબારો એ પૂર્વશરત પર યૂનાબૉમ્બરના ઍન્ટિ-ટેકનૉલૉજી મેનિફેસ્ટો (ઘોષણાપત્ર)ને પ્રકાશિત કરવા તૈયાર થયાં કે, તે પછી તેણે કદીયે હત્યા ન કરવાનું વચન આપવું પડશે.

તેના વિશિષ્ટ શબ્દોને ઓળખી બતાવનાર સૌપ્રથમ તેના ભાઈનાં પત્ની હતાં, જેમને તે કદી મળ્યો નહોતો.

બીબીસી ન્યૂઝનાઇટના ક્રિષ્નન ગુરુ-મૂર્તિએ નોંધ્યું હતું, "એક સાધારણ ઝૂંપડીમાં રહેવા માટે ભણવાનું છોડી દેનારા એક શિક્ષણવિદે જંગલમાં પોતાના દરવાજા સુધી પહોંચતી કેડી બનાવી રાખી હતી."

યૂનાબૉમ્બરની શોધ મે, 1978માં શરૂ થઈ, જ્યારે ઇલિનૉઇસ સ્થિત નૉર્થવેસ્ટર્ન યુનિવર્સિટીને ઘરમાં બનાવવામાં આવેલો એક સાધારણ સ્તરનો બૉમ્બ પોસ્ટ મારફત મોકલવામાં આવ્યો. તે પછી લગભગ એકાદ વર્ષ બાદ બીજો હુમલો થયો.

નવેમ્બ/ર, 1979માં તેણે પોસ્ટથી રવાના કરેલો ઊંચાઈ ઉપર સક્રિય થતો એક બૉમ્બ અમેરિકન ઍરલાઇનની ફ્લાઇટમાં ફૂટ્યો.

અલબત્ત, તેનો મનસૂબો પાર ન પડ્યો, પણ 12 લોકોને ધુમાડાને લીધે શ્વાસ લેવાની તકલીફ થતાં તેમની સારવાર કરાઈ હતી.

તે યુનિવર્સિટીઓ અને ઍરલાઇન્સને જ નિશાન બનાવતો હોવાથી એફબીઆઈએ તેને યુએનએબોમ એવું નામ આપ્યું.

તે પછીનાં વર્ષોમાં તેણે વધુ જટિલ બૉમ્બનો ઉપયોગ કરીને બીજા 13 હુમલા કર્યા, જેમાં ત્રણ લોકોએ જીવ ગુમાવ્યાઃ કૉમ્પ્યુટર ભાડે આપતી દુકાનના માલિક હ્યૂ સ્ક્રટન, ઍડવર્ટાઇઝિંગ ઍક્ઝિક્યુટિવ થૉમસ મોસર અને લાકડા ઉદ્યોગના લૉબિસ્ટ ગિલ્બર્ટ મરે.

Sorry, we can’t display this part of the story on this lightweight mobile page.

આખરે પોતાની લેખનશૈલીથી જાળમાં ફસાઈ ગયો

ઇમેજ સ્રોત, Michael Macor/The San Francisco Chronicle via Getty Images

ઇમેજ કૅપ્શન, યૂનાબૉમ્બરને હેલેનાના મોન્ટાનામાં ફેડરલ કોર્ટમાં લઈ જવાતા, આ ફોટો 4 એપ્રિલ, 1996નો છે
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

તેનાં ટાર્ગેટ્સ છૂટાંછવાયાં હોવાથી અને તેના બૉમ્બ લાકડાના ટુકડા અને લૅમ્પની દોરી જેવી મામૂલી ચીજોમાંથી બનેલા હોવાથી તપાસકર્તાઓ માટે સગડ મેળવવાનું કામ ઘણું મુશ્કેલ બન્યું.

એફબીઆઈના ચીફ બૅલિસ્ટિક તપાસકર્તા ક્રિસ રૉએ તેને "રિસાઇકલ બૉમ્બર" નામ આપ્યું હતું.

1996માં તેમણે બીબીસીને કહ્યું હતું, "તે કચરાના ડબ્બા, વપરાયેલી ચીજોના ડબ્બા ફંફોસીને એવી વસ્તુઓ શોધે છે, જેમાંથી તે આદિમાનવની માફક બૉમ્બ બનાવી શકે."

તેની હિંસાને ઉચિત ઠેરવવા માટે, એપ્રિલ, 1995માં યૂનાબૉમ્બરે ન્યૂયૉર્ક ટાઇમ્સ તથા વૉશિંગ્ટન પોસ્ટને "ઔદ્યોગિક સમાજ અને તેનું ભવિષ્ય" - એ શીર્ષક ધરાવતો 35,000 શબ્દોનો એક નિબંધ લેખ મોકલ્યો."

"આ નિબંધમાં તેણે એવી દલીલ કરી કે, આધુનિક જીવનને કારણે માનવીની સ્વતંત્રતા તથા ગૌરવ નષ્ટ થઈ ગયાં છે."

"સાથે જ તેણે દાવો કર્યો હતો કે, ટેકનૉલૉજીકલ સિસ્ટમનો નાશ કરવાથી જ આગળ થનારું મનોવૈજ્ઞાનિક અને સામાજિક નુકસાન અટકાવી શકાશે. તેણે દેશનાં સૌથી પ્રતિષ્ઠિત અખબારોમાં તેનો આ નિબંધ પ્રકાશિત થાય, તો જ લોકોની હત્યા કરવાનું બંધ કરવાની ઑફર કરી."

"વૉશિંગ્ટન પોસ્ટના પ્રકાશક ડોનાલ્ડ ગ્રેહામે 2016માં બીબીસીને જણાવ્યું હતું, પ્રારંભિક ચિંતા સ્વાભાવિક હતી. જો તેની આ માગણી સ્વીકારી લેવામાં આવે અને તે નિબંધને છાપવા માટે અખબારો સંમત થઈ જાય, તો શું તે આગળ જતાં આવા વધુ નિબંધો છાપવાની માગણી પણ કરી શકે છે?"

એફબીઆઈના સ્પેશિયલ એજન્ટ ટેરી ટર્ચીએ બીબીસીને જણાવ્યું હતું કે, તપાસકર્તાઓએ શરૂઆતમાં વિચાર્યું કે, નિબંધ પ્રકાશિત કરવો એ યોગ્ય વિચાર નથી, કારણ કે, "તે આપત્તિજનક હતો," પણ તે પછી તેમણે તે વિશે ફેરવિચાર કર્યો.

તેમનો તર્ક હતો કે, જો તે નિબંધ પ્રકાશિત થાય, તો કોઈને કોઈ વ્યક્તિ તેના સર્જકને ઓળખી લેશે, કારણ કે, "તે શબ્દો અત્યંત જોશીલા છે."

ત્રણ મહિના સુધી વિસ્તૃત સલાહ-મસલત કર્યા પછી એફબીઆઈની સલાહ અનુસાર, અખબારોના વડાઓએ યૂનાબૉમ્બરનો નિબંધ પ્રકાશિત કરવાનો નિર્ણય કર્યો. ઘણા અમેરિકનોને એ વાતનું આશ્ચર્ય થયું કે, જે ભાગેડુની ચહેરો ઢાંકેલી તસવીર એફબીઆઈનાં આટલાં બધાં પોસ્ટરો પર જોવા મળે છે, તે શખ્સને કોઈ પણ આતંકવાદી માટે આશીર્વાદ સમાન ગણાતો - પોતાના વિચારોનો પ્રસાર કરવા માટેનો જાહેર મંચ શા માટે પૂરો પાડવામાં આવી રહ્યો છે?

200 ગંભીર શકમંદોની પૂછપરછ

ઇમેજ સ્રોત, Sygma/Sygma via Getty Images

એફબીઆઈએ યૂનાબૉમ્બરની ઓળખ અને તેને સજા અપાવતી જાણકારી પૂરી પાડનાર માટે 10 લાખ ડૉલરના ઇનામની જાહેરાત કરી હતી.

1993માં શરૂ કરવામાં આવેલી ટૉલ-ફ્રી હેલ્પલાઇન 1-800-701- BOMB 50,000 કરતાં વધુ બાતમીઓથી ઊભરાઈ ગઈ.

નિબંધમાં મળેલા નવા સગડ પરથી રહસ્યમયી બૉમ્બરની છબિ વધુ સ્પષ્ટ થઈ રહી હતી.

ગુરુ-મૂર્તિએ બીબીસી ન્યૂઝલાઇટ પર જણાવ્યું હતું, "યૂનાબૉમ્બરનો અહમ જ કદાચ તેના પતનનું કારણ બન્યો."

"નિબંધમાં રજૂ કરવામાં આવેલા વિચારોની સાથે-સાથે અગ્રણી વિજ્ઞાનીઓને લખવામાં આવેલા તેના પત્રોથી બૉમ્બરના શૈક્ષણિક બૅકગ્રાઉન્ડ વિશે પણ માહિતી મળવા માંડી હતી."

એફબીઆઈની યૂનાબૉમ્બ ટાસ્કફોર્સે 200 ગંભીર શકમંદોની યાદી તૈયાર કરી. તેમાંથી પાંચ શકમંદો પર ચુસ્ત જાપ્તો રાખવામાં આવ્યો.

તે તમામ ઉત્તર કૅલિફોર્નિયામાં હતા અને જાસૂસોના મતે બૉમ્બર ત્યાં જ સંતાયેલો હતો.

આ કેસમાં મહત્ત્વની બાતમી એક અણધાર્યા સ્રોત પાસેથી મળી.

અમેરિકન નાગરિક મહિલા તેમના પતિ ડૅવિડ કાઝિન્સ્કી સાથે ફ્રાન્સમાં રજાઓ ગાળી રહ્યાં હતાં.

ફિલોસૉફીનાં પ્રોફેસર લિન્ડા પેટ્રિક પેરિસમાં પ્રકાશિત થતા અંગ્રેજી ભાષાના અખબાર ઇન્ટરનૅશનલ હેરાલ્ડ ટ્રિબ્યૂનમાં યૂનાબૉમ્બર વિશેના શ્રેણીબદ્ધ લેખો વાંચતાં હતાં.

2016માં તેમણે બીબીસીને જણાવ્યું હતું, "લગભગ દર બીજા દિવસે હું તે લેખો જોતી અને વિચારતી, 'વાહ, આ તો ડેવિડના ભાઈ જેવો લાગે છે'." એક અહેવાલમાં શકમંદના સુથારીકામના કૌશલ્ય વિશે ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. તો, અન્ય એક લેખમાં ટેકનૉલૉજી પ્રત્યેના તેના અણગમાનું વર્ણન કરવામાં આવ્યું હતું.

"અન્ય અહેવાલોમાં એવાં શહેરોની યાદી હતી, જ્યાં બૉમ્બ વિસ્ફોટ થયા હતા અને લિન્ડા જાણતાં હતાં કે, તે સ્થળોએ ડેવિડનો ભાઈ રહી ચૂક્યો હતો અથવા તો કામ કરી ચૂક્યો હતો."

"બધો તાગ મેળવીને લિન્ડાએ કહ્યું કે, આ પેટર્નને નજરઅંદાજ કરવી અશક્ય હતી. આથી, તેમણે તેમના પતિને આવો વિચિત્ર સવાલ પૂછવો જ પડ્યોઃ "મેં તેમને કહ્યું, 'શું એ શક્ય છે કે, તમારો ભાઈ જ યૂનાબૉમ્બર હોય?'"

લિન્ડાએ કહ્યું કે, ડેવિડ માની નહોતા શકતા, પણ જ્યારે તેમણે તે નિબંધ વાંચ્યો, તો તે દંગ થઈ ગયા.

"ડેવિડ કમ્પ્યૂટર સ્ક્રીનને તાકતા બેઠા જ રહ્યા. મેં જોયું કે તેમણે પહેલું પાનું વાંચ્યું અને તેમના હાવભાવ સાવ બદલાઈ ગયા," એમ લિન્ડાએ જણાવ્યું હતું. ડેવિડે બીબીસીને જણાવ્યું હતું, "તે દુઃસ્વપ્ન જેવી સ્થિતિ હતી. હું ખરેખર એ શક્યતા વિશે વિચારી રહ્યો હતો કે, મારો ભાઈ એક સીરિયલ કિલર હતો, અમેરિકાનો અને કદાચ આખા વિશ્વનો મોસ્ટ વૉન્ટેડ શખ્સ હતો."

પરિવાર ગંભીર દ્વિધામાં હતો. જો તેઓ ચૂપ રહે, તો તેમની નિષ્ક્રિયતાને કારણે વધુ લોકો જીવ ગુમાવી શકે તેમ હતા.

બીજી તરફ જો ટેડ જ યૂનાબૉમ્બર હોવાનું પુરવાર થાય, તો તેને મૃત્યુદંડ થવાની શક્યતા હતી.

ડેવિડે કહ્યું હતું, "પોતાના ભાઈના લોહીથી રંગાયેલા હાથ સાથે બાકીનું જીવન પસાર કરવું કેવું આકરું હશે?"

યૂનાબોમ્બરની 17 વર્ષ સુધી ચાલેલી શોધમાં થિયોડોર કાઝિન્સ્કી 2,416મો શકમંદ હતો. એફબીઆઇનાં સ્પેશ્યલ એજન્ટ ડોક્ટર કેથલીન પકેટે 2025માં બીબીસીના વિટનેસ હિસ્ટ્રી કાર્યક્રમમાં કહ્યું હતું, "કાઝિન્સ્કીનાં માતા શિકાગોના તેમના પારિવારિક ઘરમાં એક પેટી રાખતાં હતાં અને તે પેટીમાંથી અમને નિબંધની મૂળ હસ્તલિખિત આવૃત્તિ મળી." તે નિબંધ કાઝિન્સ્કીએ 1971માં લખ્યો હતો, જેમાં ઘણા સમાન પ્રકારના વિચારો નોંધવામાં આવ્યા હતા.

તપાસકર્તાઓએ કાઝિન્સ્કીની જંગલમાં આવેલી લાકડાની ઝૂંપડીની તપાસ કરવા માટે પૂરતા પુરાવા એકત્રિત કરી લીધા હતા.

આ ઝૂંપડીમાં કાઝિન્સ્કી પાણી અને વીજળીની વ્યવસ્થા વિના રહેતો હતો.

પકેટના જણાવ્યા અનુસાર, "ઝૂંપડીમાં ઠેરઠેર પુરાવા મોજૂદ હતા. કહો કે, તે પુરાવાની ખાણ હતી." ત્યાંથી મળી આવેલી વસ્તુઓમાં બૉમ્બની સામગ્રી, બૉમ્બના પ્રયોગો તથા યૂનાબૉમ્બરના ગુનાઓનું વર્ણન કરતી 40,000 પાનાંની હસ્તલિખિત ડાયરી તથા ટપાલ મારફત મોકલવા માટે તૈયાર એક જીવતા બૉમ્બનો સમાવેશ થતો હતો."

ગણિતની વિલક્ષણ પ્રતિભાથી લઈને અભ્યાસ છોડી દેવા સુધી

ઇમેજ સ્રોત, Alamy

ઇમેજ કૅપ્શન, 1964માં લેવાયેલી થિયોડોર કાઝિન્સ્કીની તસવીર. નોકરી છોડતાં પહેલાં અને સમાજથી અલગ થતાં પહેલાં તેઓ એક વિદ્વાન ગણિતજ્ઞ હતા

કાઝિન્સ્કીના ભાઈ ડેવિડને જ્યારે તેની ધરપકડના સમાચાર મળ્યા, ત્યારે તેમને ભારે આઘાત લાગ્યો.

2006માં તેમણે બીબીસી વર્લ્ડ સર્વિસને જણાવ્યું હતું, "તેને બે ફેડરલ માર્શલ્સની વચ્ચે ઝૂંપડીમાંથી બહાર લવાયો અને તેની હાલત ઘણી ખરાબ હતી."

"તે સાવ ચીંથરેહાલ હતો. તેના શરીર પર કપડાંના નામે ચીંથરાં હતાં અને તે મહિનાઓથી ન્હાયો નહોતો."

"અને પછી તેને એક સિરિયલ કિલર, એક આતંકવાદી તરીકે વર્ણવવો? લોકો પાસે જે માહિતી હતી, તે મારા મનમાં વસેલી ટેડની તે તમામ યાદો સાથે મેળ ખાતી ન હતી - એક નાનો છોકરો, જે મારો મોટો ભાઈ હતો."

કાઝિન્સ્કીના પ્રારંભિક જીવન અને પૃષ્ઠભૂમિની તસવીર બહુ જલ્દી સામે આવી.

167ના આઇક્યૂ ધરાવતા એક પ્રતિભાશાળી ગણિતજ્ઞએ માત્ર 16 વર્ષની વયે જ હાર્વર્ડ યુનિવર્સિટીમાં એડમિશન મેળવવા માટે બે ગ્રેડ્ઝ કૂદાવી દીધા હતા.

20 વર્ષની વયે ગ્રેજ્યુએટ થયા પછી તેઓ મિશિગન યુનિવર્સિટીમાં ગયા.

તેમના ભૂતપૂર્વ પ્રોફેસર પિટર ડ્યૂરેનના જણાવ્યા પ્રમાણે, "તેની પાસે ઘણા બુદ્ધિશાળી વિચારો હતા, તે એક મૌલિક ગણિતજ્ઞ હતો અને તેની થિસીસના જોરે તેને બર્કલેમાં નોકરી મળી હતી અને એવું લાગતું હતું કે, ગણિતમાં તેની ઉજ્જ્વળ કારકિર્દીનો પ્રારંભ થયો હતો."

પરંતુ, ગુરુ-મૂર્તિએ કહ્યું કે, એ પછી કશુંક એવું થયું, કે જેનાથી વિશ્વ પ્રત્યેનો કાઝિન્સ્કીનો દૃષ્ટિકોણ બદલાઈ ગયો. "તે જેમાં માહેર હતો, તે જ વિષય સામે તેણે વિદ્રોહ કર્યો અને બે વર્ષની અંદર જ શિક્ષણ ક્ષેત્રમાંથી બહાર નીકળી ગયો. યૂટામાં અમુક સમય પસાર કર્યા પછી તે મોન્ટાના જતો રહ્યો અને લગભગ 1,000 લોકોના એક નાના સમુદાયમાં એકાંતમાં ગ્રામીણ જીવન શરૂ કર્યું."

ગુરુ-મૂર્તિ આગળ કહે છે કે, એમાં કોઈ બેમત નથી કે, તે અસાધારણ બુદ્ધિમત્તા ધરાવતો હતો. "પણ જો તપાસકર્તાનું માનીએ તો, તેના કારણે જ પોતાના કામના પ્રતિનિધિત્વ પ્રત્યે ઘૃણા ધરાવતી વ્યક્તિના ક્રોધને વધુ ઈંધન મળ્યું."

કાઝિન્સ્કીને 1996માં પેરોલ વગર આજીવન કેદની સજા થઈ અને તે પછી તેણે ત્રણ દાયકા અમેરિકાની જુદી-જુદી જેલોમાં વીતાવ્યા, જેમાં કોલોરાડોના ફ્લોરેન્સ સ્થિત સુપરમૅક્સ જેલ મુખ્ય હતી.

જેલમાં તેની મુલાકાત લેનારા એક મનોચિકિત્સકે તે પેરાનૉઇડ સ્કિઝોફ્રેનિક હોવાનું નિદાન કર્યું હતું.

પણ તેણે દાવો કર્યો હતો કે, તે હંમેશાંથી જાણતો હતો કે પોતે શું કરી રહ્યો છે.

1999માં ટાઇમ મૅગેઝિનને આપેલા એક ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું, "મને વિશ્વાસ છે કે હું માનસિક રીતે એકદમ સ્વસ્થ છું." કથળતા આરોગ્યથી પીડાતા કાઝિન્સ્કીએ 2023માં 81 વર્ષની વયે આત્મહત્યા કરીને જીવન ટૂંકાવી લીધું હતું.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન