IPL 2026 : લખનઉની હાર પછી ઋષભ પંત અને સંજીવ ગોયનકાનો વીડિયો વાઇરલ
ઇમેજ સ્રોત, ANI
લખનઉ સુપર જાયન્ટ્સ (એલએસજી)ના કૅપ્ટન ઋષભ પંત અત્યારે ફરીથી ચર્ચામાં છે.
બુધવારે રાતે દિલ્હી કૅપિટલ્સના હાથે લખનઉનો છ વિકેટે પરાજય થયો હતો, ત્યાર પછી સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઇરલ થયો છે. આ વીડિયોમાં ઋષભ પંત, કોચ જસ્ટિન લેંગર અને એલએસજીના માલિક સંજીવ ગોયનકા ચર્ચા કરતા જોવા મળે છે.
ગોયનકાએ ત્યાર બાદ ઍક્સ પર મૅચ પછીની એક તસવીર પોસ્ટ કરીને લખ્યું કે, "આ એક લાંબી સિઝન છે. આવી ક્ષણ કોઈ ચીજને બનાવવાની પ્રક્રિયાનો ભાગ હોય છે. મને મારા કૅપ્ટન અને ટીમ પર પૂરો ભરોસો છે કે તેઓ મજબૂતીથી વાપસી કરશે. અમારા ચાહકોને કહેવા માગું છું કે - તમારા સમર્થન બદલ આભાર. અમે વધુ મજબૂતીથી પુનરાગમન કરશું. આ સિઝનમાં લખનઉ સુપર જાયન્ટ્સની કહાણી હજુ બહુ આગળ સુધી લખાવાની છે."
આ વીડિયો વિશે સોશિયલ મીડિયા પર લોકો બહુ કૉમેન્ટ કરી રહ્યા છે અને તેને કેએલ રાહુલ પાર્ટ -2 ગણાવે છે.
ઇમેજ સ્રોત, Getty Images
વર્ષ 2025ની આઇપીએલ સિઝન દરમિયાન પણ એક મૅચમાં લખનઉનો પંજાબ સામે પરાજય થયો. ત્યાર બાદ પંત અને સંજીવ ગોયનકાનો મૅચ પછીનો વીડિયો વાઇરલ થયો હતો. તેમાં સંજીવ ગોયનકા ઋષભ પંત સાથે બહુ ગંભીરતાથી વાત કરતા હતા.
તે સિઝનમાં ઘણી મૅચોમાં સંજીવ ગોયનકા ટીમના કૅપ્ટન સાથે વાતો કરતા જોવા મળ્યા હતા.
તેનાથી અગાઉ 2024માં સંજીવ ગોયનકા અને તે સમયના કૅપ્ટન કેએલ રાહુલનો એક વીડિયો અને તસવીરો બહુ વાઇરલ થયાં હતાં.
લખનઉ એક મૅચ હાર્યા પછી સંજીવ ગોયનકા મેદાનમાં પહોંચી ગયા અને કેએલ રાહુલ સાથે તેમની ઉગ્ર દલીલો થઈ હતી. ત્યાર પછી રાહુલે લખનઉની ટીમ છોડી દીધી અને દિલ્હી કૅપિટલમાં જોડાઈ ગયા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રસપ્રદ વાત એ છે કે કેએલ રાહુલની ઘટના બની ત્યારે ઋષભ પંત દિલ્હી કૅપિટલ્સ વતી રમતા હતા. ત્યાર પછી કેએલ રાહુલ લખનઉથી અલગ થઈને દિલ્હી કૅપિટલ્સનો હિસ્સો બન્યા અને પંત દિલ્હીને છોડીને લખનઉની ટીમમાં સામેલ થયા.
સોશિયલ મીડિયા પર શું ચર્ચા થઈ રહી છે?
ઇમેજ સ્રોત, ANI
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
બુધવારે મૅચ પછી વાઇરલ થયેલા વીડિયોમાં અવાજ સ્પષ્ટ નથી સંભળાતો, પરંતુ લેંગર, પંત અને ગોયનકા બહુ ગંભીર ચર્ચા કરતા જોવા મળે છે.
ક્રિકેટ સેન્ટ્રલ નામના ઍક્સ હેન્ડલ પરથી પોસ્ટ કરવામાં આવી કે, "હાર કે જીત એ ગેમનો હિસ્સો છે, પરંતુ જાહેરમાં કોઈને અપમાનિત કરવા ન જોઈએ. ઋષભ પંત અને કેએલ રાહુલ જેવા કૅપ્ટનોને કૅમેરા સામે લૅક્ચર આપવા એ ગેમ માટેનું પેશન નહીં, પણ પોતાની જાતને બૉસ સાબિત કરવાનો પ્રયાસ વધુ લાગે છે."
કેટલાક લોકોએ સોશિયલ મીડિયા પર "કેએલ રાહુલ ફ્લૅશબેક્સ, સેમ સ્ક્રિપ્ટ ન્યૂ કૅપ્ટન" જેવી વાતો લખી છે.
કેટલાક લોકોએ લખ્યું કે, "આવી વાતો ડ્રેસિંગ રૂમમાં થવી જોઈએ, કૅમેરા સામે નહીં. તથા પબ્લિકની સામે માલિકે આવું કરવું ન જોઈએ."
જ્યારે ઘણા લોકો સંજીવ ગોયનકાની તરફેણમાં પણ લખે છે.
કેટલાક ચાહકોએ લખ્યું કે "કમસે કમ માલિકને તો ચિંતા છે."
તો કેટલાકે લખ્યું કે સંજીવ ગોયનકાની બૉડી લૅંગ્વેજને વધારે પડતું મહત્ત્વ અપાઈ રહ્યું છે.
એક યૂઝરે લખ્યું કે, "આને જવાબદારી ફિક્સ કરવી કહેવાય, અપમાન નહીં."
બુધવારે રમાયેલી મૅચમાં લખનઉની ટીમ પ્રથમ બૅટિંગ કરીને 18.4 ઓવરમાં 141 રન બનાવીને ઑલ આઉટ થઈ ગઈ હતી. ઋષભ પંત સાત રન પર હતા ત્યારે નૉન સ્ટ્રાઇકર છેડે કમનસીબ રીતે રનઆઉટ થયા હતા.
જવાબમાં દિલ્હી કૅપિટલ્સની ટીમે 18 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને ટાર્ગેટ પ્રાપ્ત કરી લીધો હતો. દિલ્હી તરફથી સૌથી વધુ 70 રન સમીર રિઝવીએ બનાવ્યા હતા.
કેએલ રાહુલનો મામલો શું છે?
ઇમેજ સ્રોત, ANI
8 મે, 2024ના રોજ લખનઉ સુપર જાયન્ટ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચેની મૅચ એક તરફી રહી હતી.
લખનઉની ટીમે સનરાઇઝર્સ હૈદરાબાદને 166 રનનો લક્ષ્યાંક આપ્યો હતો, પરંતુ હૈદરાબાદે માત્ર 9.4 ઓવરમાં જ આ મૅચને જીતી લીધી.
સનરાઇઝર્સના અભિષેક શર્મા અને ટ્રેવિસ હેડની બૅટિંગ સામે કૅપ્ટન કેએલ રાહુલ ટીમ લાચાર થઈ ગયા હતા.
આ મૅચ પછી લખનઉની ટીમના માલિક સંજીવ ગોયનકા ટીમના ડગ આઉટ નજીક પહોંચી ગયા અને કૅપ્ટન કેએલ રાહુલ સાથે વાત કરવા લાગ્યા.
વાતચીત દરમિયાન તેઓ બહુ ગુસ્સામાં દેખાતા હતા.
સોશિયલ મીડિયા પર આ વીડિયો વાઇરલ થયો હતો. લોકોએ કહ્યું કે સંજીવ ગોયનકાએ જાહેરમાં આવું કરવાનું ટાળવું જોઈએ.
ત્યાર પછી વર્ષ 2025માં પણ સંજીવ ગોયનકા મૅચ પછી કૅપ્ટન સાથે સતત વાત કરતા જોવા મળ્યા હતા.
પંજાબ વિરુદ્ધ મૅચ પછી તો તેમના ચહેરા પર નારાજગી દેખાતી હતી અને ઋષભ પંત માથું નમાવીને તેમની વાતો સાંભળતા હોય તેવું દેખાતું હતું.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
નવાજૂની
બીબીસી વિશેષ
સૌથી વધુ વંચાયેલી સ્ટોરીઝ
આ કન્ટેન્ટ ઉપલબ્ધ નથી