અમદાવાદના ધંધુકામાં 400 પોલીસકર્મી સાથે ડિમોલિશનની કાર્યવાહી - ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Sachin pithva/bbc

ઇમેજ કૅપ્શન, અમદાવાદ જિલ્લાના ધંધુકામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે 'ગેરકાયદે દબાણો' દૂર કરવાની કામગીરી શરૂ કરાઈ છે
વાંચવાનો સમય: 4 મિનિટ

અમદાવાદ જિલ્લાના ધંધુકામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે 'ગેરકાયદે દબાણો' દૂર કરવાની કામગીરી શરૂ કરાઈ છે.

પોલીસના જણાવ્યા પ્રમાણે 400 પોલીસકર્મીઓ સાથે દબાણ દૂર કરવાની કામગીરી ચાલી રહી છે.

ધંધુકાનાં ડીવાયએસપી આસ્થા રાણાએ કહ્યું કે "આજે ધંધુકા પોલીસ સ્ટેશનના વિવિધ વિસ્તારોમાં ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ છે."

"હાલમાં જે ડિમોલિશન ચાલી રહ્યું છે એમાં અગાઉ નોટિસ આપવામાં આવી હતી અને તમામ પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ ચુસ્ત બંદોબસ્ત સાથે કામગીરી શરૂ કરાઈ છે."

"પોલીસ કુલ 400 લોકોના સ્ટાફ સાથે આ કામગીરી શરૂ કરી છે."

તો ધંધુકાના પ્રાંત અધિકારી વિદ્યાસાગરે જણાવ્યું કે "જે ગેરકાયદે દબાણો હતાં એને દૂર કરવાની કામગીરી ચાલી રહી છે. અત્યારે ખાટકી વાસમાં ચાર બિલ્ડિંગનાં દબાણ દૂર કરાઈ રહ્યાં છે."

"તેમજ ધંધુકા-બગોદરા રોડ પર પણ કેટલાંક ગેરકાયદે દબાણો (દુકાનો) છે."

તેમણે વધુમાં કહ્યું કે "ધર્મેશ ગમારાના હત્યાકેસના આરોપીના ઘરની આજુબાજુમાં કેટલુંક ગેરકાયદે દબાણ છે,જેને હઠાવવાની કામગીરી ચાલી રહી છે. એની દસ્તાવેજની પ્રક્રિયા પણ પૂર્ણ થઈ ગઈ છે. જેટલાં પણ દબાણો છે, એમાં આ કામગીરી ચાલુ રહેશે."

તેમના અનુસાર, "40 જેટલી નોટિસ પણ મોકલવામાં આવી છે. પોલીસ હિસ્ટ્રિશિટરોની તપાસ કરશે અને તેમનાં કોઈ દબાણ ગેરકાયદે જણાશે તો એની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે."

પોલીસના જણાવ્યા અનુસાર, આજે તેઓ 15 દબાણો દૂર કરશે અને જ્યાં સુધી દબાણો રહેશે ત્યાં સુધી આ કાર્યવાહી હાથ ધરાશે.

ઉલ્લેખનીય છે કે પોલીસ અનુસાર અમદાવાદ જિલ્લાના ધંધુકામાં ગત શનિવારે (18 એપ્રિલ) 'બાઇક અથડાવા મામલે યુવાનો વચ્ચે થયેલી સામાન્ય બોલાચાલી' બાદ ભરવાડ સમાજના 35 વર્ષીય યુવક ધર્મેશ ગમારાની હત્યા કરવામાં આવી હતી.

આ ઘટના બાદ 100થી વધારે લોકોના ટોળાએ હિંસક પ્રતિક્રિયા આપી હતી, જેમાં તોડફોડ અને આગચંપી થઈ હતી.

ધંધુકા હત્યા કેસમાં રાજ્ય સરકારે SITની રચના કરી છે. મુખ્ય આરોપી સમીર યુસુફની ધરપકડ કરી લેવામાં આવી છે. ડીવાયએસપીના નેતૃત્વમાં બે પીઆઇ અને એક પીએસઆઇની ટીમ તપાસ કરી રહી છે.

દાહોદના અભલોડ ગામે લગ્નના જમણવાર બાદ '400થી વધુ લોકોને ખોરાકી ઝેરની અસર'

ઇમેજ સ્રોત, ugc

ઇમેજ કૅપ્શન, અચાનક તબિયત બગડતા લોકોને 108 ઍમ્બ્યુલન્સ અને ખાનગી વાહનોમાં હૉસ્પિટલોમાં લઈ જવાયા હતા
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ગુજરાતના દાહોદ જિલ્લાના અભલોડ ગામમાં એક લગ્નના જમણવાર બાદ કેટલાક લોકોને શંકાસ્પદ 'ખોરાકી ઝેરની અસર' થઈ હોવાનું જાણવા મળ્યું છે.

સમાચાર એજન્સી પીઆઇટીના અહેવાલ અનુસાર, લગ્ન સમારંભમાં શંકાસ્પદ ફૂડ પૉઇઝનિંગ બાદ 400થી વધુ લોકો બીમાર પડ્યા છે. ઘણાને હૉસ્પિટલમાં દાખલ કરવા પડ્યા છે.

અચાનક તબિયત બગડતા લોકોને 108 ઍમ્બ્યુલન્સ અને ખાનગી વાહનોમાં હૉસ્પિટલોમાં લઈ જવાયા હતા.

દર્દીઓને દાહોદની ઝાયડસ હૉસ્પિટલ અને ખાનગી હૉસ્પિટલોમાં દાખલ કરવા પડ્યા છે.

જાણવા મળ્યું છે કે ગામમાં જ ડૉક્ટરોએ અંદાજે 200 લોકોની સારવાર કરી હતી.

સાંજે 6 વાગ્યે શરૂ થયેલા રાત્રિભોજન પછી રાત્રે 11 વાગ્યે લોકોની તબિયત ખરાબ થઈ રહી હોવાનું જણાયું હતું.

દાહોદની ઝાયડસ હૉસ્પિટલના આરએમઓ ડૉ. રાજીવ ડામોરે મીડિયાને જણાવ્યું કે ગરબાડા નજીક અભલોડ ગામ પાસે એક ફળિયામાં એક લગ્ન પ્રસંગ હતો. લગ્નમાં દાળ-ભાત, શાકપુરી, પનીર અને કેરીનો રસ પીરસાયાં હતાં. 200ની આસપાસ લોકોને ફૂડ પૉઇઝનિંગ થયું છે. દર્દીઓની સારવાર ચાલી રહી છે.

ગામના આગેવાન જિતેન્દ્ર પંચાલે કહ્યું કે અમારા ગામમાં લગ્નપ્રસંગ બાદ કોઈ કારણસર ફૂડ પૉઇઝનિંગ થયું છે. જેમાં 200-250 જેટલા લોકોને ઝાયડસ હૉસ્પિટલ લાવ્યા છે અને સારવાર ચાલી રહી છે.

તેમણે કહ્યું કે 1000 જેટલા માણસોનો જમણવાર હતો.

આ ઘટના બાદ આરોગ્ય વિભાગ અને ખાદ્ય વિભાગનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો છે અને તપાસ શરૂ કરી છે.

ટિમ કૂક ઍપલનું સીઇઓ પદ છોડશે, હવે કોણ સંભાળશે કમાન

ઇમેજ સ્રોત, ANGELA WEISS/AFP via Getty Images

ઇમેજ કૅપ્શન, ટિમ કૂક સ્ટીવ જૉબ્સના સ્થાને સીઇઓ બન્યા હતા. તેમનો લગભગ 15 વર્ષનો કાર્યકાળ હવે સમાપ્ત થઈ રહ્યો છે

ઍપલના મુખ્ય કાર્યકારી અધિકારી (સીઇઓ) ટિમ કૂક પોતાના પદ પરથી રાજીનામું આપશે.

ઍપલે જાહેરાત કરી કે ટિમ કૂક પહેલી સપ્ટેમ્બરથી કંપનીના બોર્ડ ઑફ ડાયરેક્ટર્સના ઍક્ઝિક્યુટિવ ચૅરમૅન બનશે અને જૉન ટર્નસ નવા સીઇઓ બનશે. જૉન ટર્નસ હાલમાં હાર્ડવેર એન્જિનિયરિંગના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ છે.

સ્ટીવ જૉબ્સના સ્થાને ટિમ કૂક સીઇઓ બન્યા હતા. તેમનો અંદાજે 15 વર્ષનો કાર્યકાળ હવે સમાપ્ત થઈ રહ્યો છે.

ઍક્ઝિક્યુટિવ ચૅરમૅન તરીકે ટિમ કૂક કંપનીનાં કેટલાંક કામમાં મદદ કરશે, જેમ કે વિશ્વભરના નીતિ-નિર્માતાઓ સાથે જોડાણ કરવું.

જૉન ટર્નસ 2001માં ઍપલની પ્રોડક્ટ ડિઝાઇન ટીમમાં જોડાયા હતા. 2013માં તેઓ હાર્ડવેર એન્જિનિયરિંગના વાઇસ પ્રેસિડેન્ટ બન્યા.

ટર્નસ 2021માં હાર્ડવેર એન્જિનિયરિંગના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ તરીકે ઍક્ઝિક્યુટિવ ટીમમાં જોડાયા હતા. હવે તેઓ સપ્ટેમ્બરથી સીઇઓની ભૂમિકા સંભાળશે.

Sorry, we can’t display this part of the story on this lightweight mobile page.

ઈરાની બંદરો પરની નાકાબંધી હઠાવવા અંગે ડોનાલ્ડ ટ્રમ્પે શું કહ્યું?

ઇમેજ સ્રોત, Andrew Harnik/Getty Images

ઇમેજ કૅપ્શન, ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર લખ્યું છે કે નાકાબંધી ઈરાનને સંપૂર્ણપણે તબાહ કરી રહી છે

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે અમેરિકા ત્યાં સુધી ઈરાની બંદરો પરની નાકાબંધી નહીં હઠાવે, જ્યાં સુધી ઈરાન સાથે કોઈ કરાર ન થાય.

ટ્રમ્પનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે એ સ્પષ્ટ નથી કે યુદ્ધનો અંત લાવવા માટે બીજા તબક્કાની વાતચીત થશે કે નહીં.

ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર લખ્યું છે કે, "નાકાબંધી ઈરાનને સંપૂર્ણપણે તબાહ કરી રહી છે. તેઓ દરરોજ 500 મિલિયન ડૉલર ગુમાવી રહ્યા છે અને આ લાંબા સમય સુધી ચાલુ રાખવું અશક્ય છે."

બીજી બાજુ, ઈરાને કહ્યું છે કે જ્યાં સુધી ઈરાની બંદરો પર અમેરિકન નાકાબંધી ન હઠાવે ત્યાં સુધી કોઈ વાતચીત થશે નહીં.

ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનની રાજધાનીમાં બેઠકની અપેક્ષાએ સુરક્ષા કડક કરવામાં આવી છે. જોકે, બેઠકમાં અમેરિકાનું પ્રતિનિધિત્વ કરનારા ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ હજુ સુધી વૉશિંગ્ટનથી રવાના થયા નથી.

ઈરાને કહ્યું છે કે તેણે હજુ સુધી નક્કી કર્યું નથી કે તે બેઠકમાં હાજરી આપશે કે નહીં.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન