"મારી ગેરહાજરીમાં મારી છ માસની દીકરીનું જનનાંગ છેદન કરી દીધું": કોલંબિયાની ક્રૂર પ્રથા સામે અવાજ ઉઠાવનારાં મહિલા

    • લેેખક, જોસ કાર્લોસ કુએટો
    • પદ, કોલંબિયામાં બીબીસી ન્યૂઝ મુન્ડોના સંવાદદાતા
  • વાંચવાનો સમય: 10 મિનિટ

કોઈપણ છોકરી તેના શરીરના જનનાંગ છેદનની પીડા સહન કરવાને પાત્ર નથી.

મારી દીકરી છ મહિનાની હતી, ત્યારે મારાં દાદીએ તેના ઉપર જનનાંગ છેદનની પ્રક્રિયા કરી હતી. મને પછીથી તેના વિશે જાણ થઈ.

હું મારી દીકરી પાસે ગઈ, ત્યારે તેને તાવ આવતો હતો, સોજો આવી ગયો હતો અને લોહી વહી રહ્યું હતું.

મેં મારાં દાદીને પૂછ્યું, તો તેમણે જવાબ આપ્યો કે, આ તો સામાન્ય બાબત છે અને મારે કોઈને આ વિશે જણાવવું જોઈએ નહીં, પણ મારા ભૂતપૂર્વ પાર્ટનરને આ મામલે ખબર પડી ગઈ.

જ્યારે તેણે છોકરીને આટલી ખરાબ સ્થિતિમાં જોઈ, ત્યારે તેને લાગ્યું કે, મેં પરવાનગી આપી હશે અને પછી તેણે મને માર માર્યો.

મારી દીકરી રડી રહી હતી. અમે તેને આરોગ્ય કેન્દ્રમાં લઈ ગયાં, પણ તે ઘણું દૂર હતું અને વરસાદ વરસી રહ્યો હતો.

મારાં માતાએ કેટલીક ઔષધિઓ વડે તેની પીડા શમાવવાની કોશિશ કરી જોઈ. મારાં માતા દાયણ છે, પણ તેઓ મહિલાઓના જનનાંગ છેદનનાં વિરોધી છે અને તેમણે મારાં દાદીને ઠપકો પણ આપ્યો હતો.

પણ મારાં દાદીએ તેમની વાત કાને ન ધરી. ઊલટું તેમણે કહ્યું કે, પુરુષો ક્લિટોરિસ ધરાવતી મહિલાઓની મજાક ઉડાવતા હોય છે.

કોલંબિયામાં મહિલા જનનાંગનું છેદન

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

કાર્લા ક્વિનોનેઝ કહે છે કે, તેમની પુત્રી હવે ચાર વર્ષની છે. તેને દુખાવો થાય છે અને અવાર-નવાર યુરિનરી ટ્રેક્ટ ઇન્ફેક્શન (પેશાબના માર્ગે ચેપ) થઈ જાય છે. ફિમેલ જેનિટલ મ્યુટિલેશન (મહિલા જનનાંગ છેદન)નો ભોગ બનનારી પીડિતાઓમાં આ લક્ષણો સામાન્ય છે.

કોલંબિયા લેટિન અમેરિકાનો એકમાત્ર દેશ છે જ્યાં જનનાંગ છેદનની પરંપરા ચાલે છે.

30 વર્ષનાં ક્વિનોનેઝ સ્વદેશી એમ્બેરા સમુદાયનાં છે અને તેઓ આ પ્રથાને નાબૂદ કરવા માટે કામ કરે છે.

ક્વિનોનેઝ અંતરિયાળ પ્રદેશોમાં પ્રવાસ ખેડે છે, કાર્યશિબિરો યોજે છે, રૂઢિચુસ્ત સ્વદેશી અધિકારીઓ સામે વિરોધ નોંધાવે છે. તેમને તેમના કામને કારણે ધમકીઓ પણ મળે છે.

તેમની સાથે તેમનાં સહકર્મીઓ અને મહિલા સાંસદોની ટીમની સહભાગીતાને કારણે ઘણી ખરી સંભાવના છે કે કોલંબિયામાં આગામી અઠવાડિયાંમાં મહિલા જનનાંદ છેદન વિરોધી કાયદો મંજૂર થઈ શકે છે.

એબ્લેશન (મહિલા જનનાંગ છેદન)માં બિન-તબીબી કારણોસર મહિલાઓના બાહ્ય જનનાંગને આંશિક રીતે કે સંપૂર્ણપણે દૂર કરવાનો કે પછી તે અંગોને અન્ય રીતે ઈજા પહોંચાડવાનો સમાવેશ થાય છે.

વિશ્વ આરોગ્ય સંગઠનનો (ડબલ્યૂએચઓ) અંદાજ છે કે, 30 કરોડ કરતાં વધુ હયાત છોકરીઓ તથા મહિલાઓએ આ પીડા ભોગવી છે.

આ પ્રથા મુખ્યત્વે આફ્રિકાના પશ્ચિમી, પૂર્વીય અને ઉત્તર-પૂર્વીય પ્રદેશોના દેશો તથા મધ્ય-પૂર્વ તેમજ એશિયાના કેટલાક દેશોમાં પ્રચલિત છે.

ઇમેજ સ્રોત, MUHAMADOU BITTAYE/AFP via Getty Images

ઇમેજ કૅપ્શન, 2024માં ગામ્બિયાનાં એક મહિલા સ્ત્રી જનનાંગ છેદન સામે વિરોધ કરી રહ્યાં છે.

મહિલા જનનાંગ છેદનને કારણે લોહી વહી શકે છે, પેશાબ અને માસિક ધર્મની તકલીફો થઈ શકે છે તેમજ પ્રસૂતિ દરમિયાન સમસ્યાઓ ઉદ્ભવી શકે છે.

તેના કારણે ગાંઠ, સંક્રમણ પણ થઈ શકે છે, નવજાત શિશુના મૃત્યુનું ઊંચું જોખમ તથા જાતીય આનંદનો અનુભવ કરવામાં મુશ્કેલી થઈ શકે છે.

આ પ્રથા આદિવાસી એમ્બેરા અને આફ્રો-કોલંબિયન સમુદાયમાં પ્રચલિત છે.

પણ આ પ્રથા કોલંબિયા કેવી રીતે આવી, તેને લઈને ઘણી થિયરીઓ મોજૂદ છે, જેની પુષ્ટિ થઈ નથી.

જાણીતી વાત એ છે કે, આ પ્રથા વિનમ્ર, સીમાંત અને અલગ પડેલા સમુદાયોમાં ચલણમાં છે.

આવા સમુદાયોની વસાહતો ઘણી વખત હૉસ્પિટલો, શાળાઓ અને માર્ગોથી ઘણે દૂર આવેલી હોય છે.

કોલંબિયન કૉંગ્રેસ દ્વારા પૂરા પાડવામાં આવેલા ડેટા પ્રમાણે, ઑક્ટોબર, 2025 સુધીમાં મહિલા જનનાંગ છેદનના 26 કેસ નોંધાયા હતા. જ્યારે 2024માં 54 તથા 2023માં 91 કેસ સામે આવ્યા હતા.

સૌથી વધુ બનાવ દેશના ઉત્તર પશ્ચિમ ભાગમાં રિસારાલ્ડા વિભાગમાં બને છે, જ્યાં ક્વિનોનેઝ સમુદાય વસે છે.

અધિકારીઓ, ડૉક્ટરો અને આ પ્રથાનો વિરોધ કરી રહેલા એમ્બેરા લોકો દાવો કરે છે કે, વાસ્તવિક આંકડા કરતાં ઓછા કેસો નોંધાઈ રહ્યા છે.

"છોકરાઓ કરતાં છોકરીઓ વધુ મોતને ભેટે છે"

ચોક્કસ પ્રદેશોમાં જન્મેલી લગભગ તમામ છોકરીઓ પર આ પ્રક્રિયા કરવામાં આવે છે.

કેટલીક વખત રક્ષણાત્મક પગલાંઓને કારણે બીમાર વ્યક્તિને હૉસ્પિટલ લઈ જઈ શકાતી નથી.

જે છોકરીનું જનનાંગ છેદન કરવામાં આવ્યું હોય, તેને જો અતિશય લોહી વહી રહ્યું હોય, તો તે બચી શકતી નથી. મને હંમેશાં એ વાતની નવાઈ લાગતી કે, જન્મ સમયે છોકરાઓ કરતાં છોકરીઓ જ વધુ મોતને ભેટે છે.

મને ઘણાં વર્ષો સુધી આ સમજાયું નહોતું. આખરે, આ મુદ્દા વિશે વધુ જાગૃતિ આવતાં મને સમજાયું કે આ ખોટું થઈ રહ્યું છે.

મેં છ છોકરીઓને કોઈ દેખીતા કારણ વિના મૃત્યુ પામતી જોઈ હતી.

મને મારી નાની પિતરાઈ બહેન યાદ છે, જેનો જન્મ કરાવવામાં મારાં માતાએ મદદ કરી હતી. તે જન્મી ત્યારે તંદુરસ્ત હતી, પણ ત્રણ દિવસ પછી મરી ગઈ.

મેં મારાં માતાને પૂછતાં તેમણે મને કહ્યું કે, 'જય' નામની વંશાનુગત બીમારીને કારણે તેનું મોત થયું હતું.

તેમણે મારી સાથે આ વિશે વધુ વાત કરી નહીં.

હવે મને લાગે છે કે, આ રીતે 'જય'થી મૃત્યુ પામતી તમામ છોકરીઓ વાસ્તવમાં જનનાંગ છેદનને કારણે મૃત્યુ પામી હતી.

હવે તેઓ ક્લિટોરિસને બાળી નાખે છે. પહેલાં તેઓ ચપ્પુથી ક્લિરોટિસ કાપતા હતા. મારાં દાદીએ મારી બહેન સાથે પણ આવું કર્યું હતું. મારી બહેન જીવતેજીવ મરી ગઈ હતી.

તેની અસર હજુયે તેના શરીર પર વર્તાય છે, પણ તે ઘણી શાંત છે.

તે આ વિશે વાત નથી કરતી, કારણ કે, કદાચ અમે તેને સામાન્ય માની લીધું છે, કદાચ શરમને કારણે કે પછી ડરના કારણે હોય, પણ આ વિશે મુક્તપણે વાત કરવી મુશ્કેલ લાગે છે.

જનનાંગ છેદન સામે લડત આપી રહેલાં બાળકોનાં ડૉક્ટર શું કહે છે

ડબલ્યૂએચઓ મહિલા જનનાંગ છેદનના ચાર પ્રકારો જણાવે છે.

  • પ્રથમ પ્રક્રિયામાં ક્લિટોરિસના ગ્લાન્સ (બહારનો અને સંવેદનશીલ ભાગ) આંશિક રીતે કે સંપૂર્ણપણે દૂર કરી દેવામાં આવે છે. આસપાસની ત્વચા પણ દૂર કરી દેવાય છે.
  • બીજા પ્રકારમાં લેબિયા માઇનોરા (નાનો, હોઠ જેવો ભાગ) કાપવામાં આવે છે.
  • ત્રીજો પ્રકાર ઇન્ફિબ્યુલેશન તરીકે પણ ઓળખાય છે, તેમાં યોનિમાર્ગનું પ્રવેશદ્વાર સાંકડું કરી દેવાય છે.
  • ચોથો પ્રકાર મહિલાના જનનાંગને થતી અન્ય કોઈપણ પ્રકારની ઈજા છે.

રિસારાલ્ડાના પરેરાની સેન જોર્જ હૉસ્પિટલ ખાતેનાં પિડીયાટ્રિશ્યન (બાળ રોગ નિષ્ણાત) ડૉક્ટર ડાયેના રામોસ મોસ્ક્વેરા પાસે રોજ સત્તાવાર રીતે નોંધાયેલા ન હોય તેવા ઘણા કેસો આવે છે.

તેઓ સત્તાવાર કેસોની નોંધણીનું કેન્દ્રબિંદુ ગણાતા વિભાગમાં કામ કરે છે.

તેઓ કહે છે કે આ આંકડામાંથી બાકાત રહી જનારા કેસોની સંખ્યા ઘણી વધુ છે.

તેઓ આ સમગ્ર ઘટનાને મોટી સમસ્યાનો માત્ર એક નાનો અમથો હિસ્સો ગણાવે છે.

એવું નથી કે આ પ્રથા હવે વધુ થાય છે, પણ છોકરીઓને અન્ય બીમારીઓ માટે લાવવામાં આવે, ત્યારે તપાસ કરનારા વધુ સ્પેશ્યાલિસ્ટ્સ મોજૂદ હોય છે.

ડૉક્ટર રામોસે બીબીસી મુન્ડોને જણાવ્યું હતું, "જ્યારે જનનાંગ છેદન કરાયેલી છોકરીઓને લવાય છે, ત્યારે નિશાન દેખાય છે."

"કેટલીક વખત એ જાણવું મુશ્કેલ હોય છે કે, તેમણે કેવા પ્રકારના છેદનની પીડા વેઠવી પડી છે."

તેઓ ઉમેરે છે, "એમ્બેરા સમુદાયના લોકોની વાત પરથી અમે જાણીએ છીએ કે, સામાન્યપણે જન્મ થયા પછી ગરમ ચાકુ વડે છેદન કરવામાં આવે છે."

"દાઝ્યાનાં નિશાન, પ્રકાર-1 અને પ્રકાર-2 - એવાં અંગ છેદન જોવા મળતાં હોય છે."

તેમને એક છોકરી યાદ છે, જેનું યોનિમાર્ગનું પ્રવેશદ્વાર બંધ હતું, જેથી પુખ્ત વયની થાય, ત્યારે તેને કદાચ માસિક ધર્મ ન થાય અથવા તો જાતીય સંબંધ ન બાંધી શકે.

ડૉક્ટર રામોસે જણાવ્યું હતું કે, "અમારે તેની સારવાર કરવી પડી હતી."

ઇમેજ સ્રોત, Cortesía de Diana Ramos / Foto de David Jiménez

ઇમેજ કૅપ્શન, સ્ત્રી જનનાંગ છેદનના કેસોનો કેવી રીતે સામનો કરવો, તે અંગે સહકર્મીઓની સજ્જતામાં સુધારો લાવવાના આશય સાથે બાળ રોગ નિષ્ણાત ડૉક્ટર ડાયના રામોસ આ ઘટનાની વધુ તપાસ કરી રહ્યાં છે.

ચાર વર્ષ પહેલાં આ સ્પેશ્યાલિસ્ટે જ્યારે આવો એક કેસ શોધ્યો, ત્યારથી તેઓ આ વિષય અંગે જાગૃતિ ફેલાવી રહ્યાં છે અને તેમનાં સહકર્મીઓને શિક્ષણ પૂરું પાડી રહ્યાં છે.

તેમનો સમુદાય મહિલા જનનાંગ છેદનની ઓળખ કેવી રીતે કરવી અને તે પછી શું કરવું, તેને લઈને પૂરતી તાલીમ ન ધરાવતો હોવાની હકીકતની તેઓ આલોચના કરે છે.

તેઓ આ પ્રથાને જાતીય અને જાતિ-આધારિત હિંસાનું સ્વરૂપ ગણે છે, જેની અસરો જીવનભરની હોય છે. આથી, શિક્ષણ થકી તેનો ઉકેલ લાવવો જરૂરી છે.

તેઓ કહે છે, "ઘણી માતાઓ એવી છે, કે જેમને ખબર સુદ્ધાં નથી હોતી કે, તેમની પુત્રીઓનું જનનાંગ છેદન કરવામાં આવ્યું હતું."

"આ ઉચિત નથી, સાથે જ, આ મામલાના સાંસ્કૃતિક પાસાંને પણ અવગણી શકાય નહીં, કારણ કે, કેટલાક સભ્યોનું માનવું છે કે, તેઓ કંઈ ખોટું નથી કરી રહ્યાં."

"સંસ્કૃતિ જીવ નથી લેતી"

ધ ગ્રેટ એમ્બેરા નેશનના આશરે 3,00,000 સભ્યો છે અને તે કોલંબિયાના સૌથી વિશાળ સ્થાનિક સમુદાયો પૈકીનો એક છે.

આ સમુદાય ઇક્વાડોર અને પનામામાં પણ રહે છે.

મહિલા જનનાંગ છેદન એમ્બેરા ચામી, કાટિઓ અને ડોબિડામાં પ્રચલિત છે અને આ જૂથોના ઘણા સભ્યો આ પ્રથાને તેમના પૂર્વજોની સંસ્કૃતિનો ભાગ માને છે.

તેઓ તેને "હીલિંગ" તરીકે ઓળખે છે.

ઉદાહરણ તરીકે, દાદીઓ અને દાયણોને એવો ભય સતાવે છે કે, જો ક્લિટોરિસને કાપી નાખવામાં ન આવે, તો તેમાંથી લિંગ ઊગશે.

અને પુરુષપ્રધાન સમાજમાં અન્ય લોકોને લાગે છે કે, જે મહિલા આનંદ આપતું અંગ ધરાવતી હોય, તે વફાદાર નથી હોતી અને ખરાબ પત્ની બને છે.

આ એક અંતવિહીન, પેઢીઓથી ચાલ્યું આવતું ચક્ર છે, જેનો અન્ય ઘણી મહિલાઓ અંત આણવા માગે છે.

ઇમેજ સ્રોત, José Carlos Cueto / BBC Mundo

જુલિયાના ડોમિકો કોલંબિયાના નૅશનલ કન્ફેડરેશન ઑફ ધ પીપલ્સ ઑફ ધ ગ્રેટ એમ્બેરા નેશનનાં સલાહકાર છે.

તેઓ માને છે કે, મહિલા જનનાંગ છેદન એ સંસ્કૃતિની નહીં, બલ્કે શરીરરચનાના અજ્ઞાન અને પુરુષવાદી માનસિકતાની ઉપજ છે.

મહિલા જનનાંગ છેદનની પ્રથા કોલંબિયા કેવી રીતે આવી પહોંચી તે વિશેની એક થિયરી સૂચવે છે કે તે, (જ્યાં આ પ્રથા પ્રચલિત હતી, એવા) કેટલાક આફ્રિકન દેશોના ગુલામો સાથે ત્યાં આવી હતી.

આ આફ્રિકન ગુલામોને સંસ્થાનવાદી સમયગાળા દરમિયાન કોલંબિયા લઈ જવાયા હતા.

આ થિયરી એટલે સુસંગત લાગે છે કારણ કે આફ્રો-કોલંબિયન પ્રદેશોની સરહદ પર વસેલા વિભાગો (રિસારાલ્ડા, ચોકો તથા વેલે ડેલ કાઉકા)માં આ પ્રથા પ્રચલિત છે.

તેઓ એમ્બેરાની મૌખિક પરંપરામાંથી વારસામાં મળેલી થિયરી ઉમેરે છે.

"એવું મનાય છે કે, સેંકડો વર્ષો પહેલાં એક આંતરલિંગી છોકરીનો જન્મ થયો હતો (એવી વ્યક્તિ, જે મહિલા અને પુરુષ, બંનેનાં જનનાંગ ધરાવતી હોય) અને ત્યારથી ક્લિટોરિસનો ભય ઉદ્ભવ્યો હતો."

ડોમિકા અન્ય વિભાગોમાં આ પ્રકારના કેસો શોધવા માટે અને આ પ્રથાનાં મૂળ કેટલાં ઊંડાં છે, તેનો તાગ મેળવવા માટે પ્રવાસ ખેડે છે.

તેઓ દલીલ કરે છે કે, આ તેમની સંસ્કૃતિનો ભાગ છેઃ "અમારી સંસ્કૃતિ અમારાં વસ્ત્રો, હસ્તકળા, નૃત્ય અને ભાષા છે, મારી નાંખતી પ્રથા નથી. સંસ્કૃતિ કોઈનો જીવ લેતી નથી."

ધમકીઓ અને અસ્વીકૃતિ

ઇમેજ કૅપ્શન, સ્ત્રી જનનાંગ છેદનની પીડિતાઓના જણાવ્યા પ્રમાણે, તેમણે દેશના શહેરી વિસ્તારોના ડૉક્ટરો તેમજ અધિકારીઓ દ્વારા અપાતી પીડાનો પણ સામનો કરવો પડે છે.

મારા ભૂતપૂર્વ પાર્ટનરને મારી દીકરીના મહિલા જનનાંગ છેદન વિશે જાણ થયા બાદ તેણે મારી મારઝૂડ કરી અને પછી અમે બંને અલગ થઈ ગયાં.

અપેક્ષા રાખવામાં આવે છે કે આ વિષય મહિલાઓ વચ્ચે જ રહેવો જોઈએ અને પુરુષોને તેની જાણ ન થવી જોઈએ.

પણ કેટલાક સ્વદેશી પુરુષ અધિકારીઓ પણ તે વિશે વાત કરવા આડે અવરોધ ઊભો કરે છે.

જાગૃતિ ફેલાવવા બદલ અને આ પ્રથા નાબૂદ થવી જોઈએ, તેવી માગણી કરવા બદલ મને ધમકીઓ આપવામાં આવી છે.

દાયણ અને મોટી વયની મહિલાઓ સાથે કામ કરવું પણ મુશ્કેલ છે. દલીલો થવા છતાં આ મુદ્દો છોડી દઈ શકાય એમ નથી.

તે મુશ્કેલ છે, કારણ કે, એમ્બેરા સમુદાયના ઘણા લોકો સ્પેનિશ બોલતા નથી અને કેટલીક વખત ફક્ત પુરુષો સાથે જ વાતચીત થાય છે.

આ બાબત સમુદાય અને ડૉક્ટરો સાથેનો અમારો સંપર્ક સીમિત કરી નાખે છે.

તાજેતરનાં વર્ષોમાં, હિંસાને કારણે વિસ્થાપિત થયેલા એમ્બેરાના સેંકડો લોકો બોગોટાનાં આશ્રયસ્થાનોમાં રહે છે.

આ આશ્રયસ્થાનોમાં પણ મહિલા જનનાંગ છેદનના કેસ નોંધાયા છે, જેના કારણે અમારા પ્રત્યેના ભેદભાવ અને લાંછનમાં વધારો થયો છે.

ઇમેજ સ્રોત, Juancho Torres/Anadolu Agency via Getty Images

ઇમેજ કૅપ્શન, તેમના પ્રદેશોમાં હિંસા થવાથી ઘણા એમ્બેરા લોકોએ તાજેતરના સમયમાં બોગોટામાં શરણું લીધું છે.

રાજધાનીની હૉસ્પિટલોમાં મને ઘણા ખરાબ અનુભવો થયા હતા.

જનનાંગ છેદન પછી ઉદ્ભવેલી સમસ્યાઓને કારણે હું જ્યારે મારી દીકરીને હૉસ્પિટલ લઈ ગઈ, ત્યારે મને લાગ્યું કે, કેટલીક વખત તો તેમને એ પણ ખબર નહોતી કે, આ શું થયું છે.

આવું અન્ય મહિલાઓ સાથે પણ થયું છે.

એક વખત મારી દીકરીને પેશાબના માર્ગે ચેપ થવાથી તાવ આવી ગયો અને હું તેને ડૉક્ટર પાસે લઈ ગઈ.

જ્યારે ડૉક્ટરોએ નિદાન કર્યું, ત્યારે નર્સે મને કહ્યું કે, હું આને જ લાયક છું, કારણ કે, હું જંગલી છું. તેને મારા ઉપર શું વીતી છે, તેની ખબર સુદ્ધાં નહોતી.

ઘણા લોકો ધારી લે છે કે, અમને સ્પેનિશ નથી આવડતું અને અધિકાર એટલે શું, એ પણ ખબર નથી.

તેમણે મારી પાસેથી મારી દીકરી છિનવી લઈને તેને ફેમિલી વેલ્ફેરમાં રાખવાની પણ ધમકી આપી હતી.

ત્યારથી હું બને ત્યાં સુધી મારી દીકરીને હૉસ્પિટલ લઈ જતી નથી. હું ઔષધિઓ અને દવાઓથી તેનો ઉપચાર કરું છું અને કદી તેને એકલી મૂકતી નથી.

મહિલા જનનાંગ છેદન વિરુદ્ધ કાયદો કેવો હશે

કોલંબિયામાં જનનાંગ છેદન તરફ 2007 સુધી માધ્યમોનું ધ્યાન ખેંચાયું નહોતું.

2007માં જ્યારે જનનાંગ છેદન પછી એક બાળકીનું મોત નીપજ્યાની ઘટના પ્રકાશમાં આવી, ત્યારે આ વિષય ચર્ચામાં આવ્યો.

આ કરુણાંતિકાએ ઊભરતી એમ્બેરા ચળવળ, કોલંબિયાના સત્તા તંત્ર તથા આંતરરાષ્ટ્રીય સંસ્થાઓને આ પ્રથાનો અંત આણવા માટે પ્રેર્યાં.

સમુદાયોમાં ઘણાં શૈક્ષણિક અભિયાનો હાથ ધર્યાં પછી 19 વર્ષ બાદ આ કુપ્રથાને રોકવા, તેના પર ધ્યાન આપવા અને તેને નાબૂદ કરવા માટેનું એક બિલ 2025માં હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્ઝ દ્વારા મંજૂર કરવામાં આવ્યું. સેનેટમાં પસાર થઈ ગયેલું તે પડતર બિલ હજુયે અમલીકરણની રાહ જોઈ રહ્યું છે.

આ સફર પડકારોથી ભરેલી રહી છે.

"તેના બનાવો ચોક્કસ સમુદાયોમાં, ખાસ કરીને રિસારાલ્ડા વિભાગમાં કેન્દ્રિત હોવાથી સંસ્થાકીય પ્રતિસાદને એકજૂટ કરવો મુશ્કેલ રહ્યો છે," એમ આ કાયદાને પ્રોત્સાહન આપી રહેલા વિભાગનાં કૉંગ્રેસનાં સભ્ય કેરોલિના ગિરાલ્ડોએ બીબીસી મુન્ડોને જણાવ્યું હતું.

ઇમેજ સ્રોત, José Carlos Cueto / BBC News Mundo

ઇમેજ કૅપ્શન, કેરોલિના ગિરાલ્ડો મહિલા તરફી અધિકારોના એજન્ડા સાથે કૉંગ્રેસમાં પહોંચ્યાં હતાં.

ગિરાલ્ડોએ ઉમેર્યું હતું કે, "પણ હિંસા ફાટી નીકળતાં સેંકડો એમ્બેરા લોકો મહિનાઓ સુધી જ્યાં રોકાયા હતા, તે બોગોટાના નૅશનલ પાર્કમાં જનનાંગ છેદનના અહેવાલો પછી ચર્ચાએ વેગ પકડ્યો છે."

રાજકારણ આ બનાવોના અન્ડર-રિપોર્ટિંગ (ઓછી નોંધણી)ને પણ જવાબદાર ઠેરવે છે.

"આઇસોલેશનને લીધે એ પણ જાણી શકાતું નથી કે, કેટલી છોકરીઓ જન્મી, કેટલી મૃત્યુ પામી અને તેમાંથી કેટલી મહિલા જનનાંગ છેદનને કારણે મોતને ભેટી. માત્ર હૉસ્પિટલ કે સંસ્થાઓ સુધી પહોંચતા કેસો જ નોંધાય છે."

કાયદામાં સજા હોવી જોઈએ કે નિવારણની જોગવાઈ હોવી જોઈએ, તેને લઈને ધારાસભ્યો અને રાજકારણીઓ વચ્ચે ચર્ચા ચાલી રહી છે.

ગિરાલ્ડો નિવારણની હિમાયત કરે છેઃ "અહીં મુખ્ય હેતુ જીવ બચાવવાનો છે. જો આપણે દાયણને સજા કરીશું, તો તેઓ છોકરીઓને હૉસ્પિટલ લઈ જવાનું માંડી વાળશે. પરિણામે વધુ છોકરીઓનાં મોત નીપજશે."

"જ્યારે હું મારી દીકરીને સત્ય કહીશ"

વધુને વધુ મહિલાઓ પરિસ્થિતિ બદલવા માગે છે.

મહિલાઓ જાણી ચૂકી છે કે, જનનાંગ છેદન ખોટું છે.

તે પૈકીની કેટલીક મહિલાઓ શિક્ષણના અભાવે સ્પેનિશ લખી-બોલી શકતી નથી, પણ તેઓ સમજી શકે છે કે, આ કેટલું મહત્ત્વનું છે.

મહિલા જનનાંગ છેદન નાબૂદ થવું જોઈએ, તે મુદ્દા પર તેઓ અંદરો-અંદર વાત કરે છે.

પોતાની પૌત્રીઓ પર પોતે જ કરેલા 'હીલિંગ' (છેદન) વિશે વિચાર કરતાં દાદીમાને જોવાં પણ હૃદયસ્પર્શી હતું.

તેમણે કહ્યું હતું કે, આમ કરવા પાછળ તેમનો કોઈ મલિન ઈરાદો નહોતો, તેઓ બસ તેમની પૌત્રીઓને પુરુષોની ટીકાઓથી બચાવવા માગતાં હતાં.

અલગ જીવન વિશે વાત કરવી મુશ્કેલ છે. ક્લિટોરિસ ન ધરાવતી મહિલાઓ અન્ય શરીરની કલ્પના કરી શકતી નથી.

જ્યારે તેમને પૂછવામાં આવે કે, જો તેમનું જનનાંગ છેદન ન થયું હોત, તો તેમનું જીવન કેવું હોત? ત્યારે તેઓ ઉદાસીનતાથી જવાબ આપે છે કે, તો પણ તેમનું જીવન 'નૉર્મલ' જ હોત.

જે દિવસે મારે મારી દીકરી સાથે આ વિશે વાત કરવી પડશે, તે દિવસ પણ એટલો જ મુશ્કેલ હશે, પણ વાત તો કરવી જ પડશે.

આપણને સૌને શરમ-સંકોચ રાખ્યા વિના આપણાં શરીર વિશે જાણવાનો અને વાત કરવાનો અધિકાર છે.

કાર્લા ક્વિનોનેઝ એ સાક્ષીની ઓળખ છૂપાવવા માટે બદલવામાં આવેલું નામ છે. કારણ કે, તેઓ ફરી પીડા અને ધમકીનો ભોગ બની શકે છે.

(બીબીસી મુન્ડો વિઝ્યુઅલ જર્નાલિઝમ ટીમના ડૅનિયલ આર્સે દ્વારા તૈયાર કરાયેલાં ચિત્રો સાથે.)

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન