ગુજરાતમાં 10 વર્ષ પછી ઘોરાડ પક્ષીનું બચ્ચું જનમ્યું, ઈંડાને છેક રાજસ્થાનથી કેમ લાવવું પડ્યું?

ઇમેજ સ્રોત, The Corbett Foundation

ઇમેજ કૅપ્શન, 2017માં કચ્છના નલિયામાં એક માદા ઘોરાડ તેના દોઢ વર્ષના બચ્ચા સાથે

કેન્દ્ર સરકારના પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તનમંત્રી ભૂપેન્દ્ર યાદવે શનિવારે જાહેરાત કરી કે ગુજરાતના કચ્છ જિલ્લામાં 26 માર્ચે એક ઘોરાડ પક્ષીના બચ્ચાનો જન્મ થયો છે. ત્યાર બાદ ગુજરાત સરકારે એક અખબારી યાદીમાં જણાવ્યું કે રાજ્યમાં આશરે એક દાયકામાં ઘોરાડ પક્ષીના જન્મનો આ પહેલો બનાવ છે.

રસપ્રદ બાબત એ છે કે કચ્છના અબડાસા તાલુકાના નલિયા નજીક એક ઘાસિયા મેદાનમાં જે ઈંડામાંથી બચ્ચાનો જન્મ થયો તે ઈંડાને 22 માર્ચે રાજસ્થાનથી લાવવામાં આવ્યું હતું. નલિયાના માદા ઘોરાડ પક્ષીએ 16 માર્ચે મૂકેલ એક ઈંડાને વૈજ્ઞાનિકો અને વન વિભાગના કર્મચારીઓની ટીમે લીધું અને ચપળતાપૂર્વક તેની જગ્યાએ રાજસ્થાનથી લાવેલા ઈંડાને મૂકી દીધું.

વૈજ્ઞાનિકો કહે છે કે માદાને આ અદલાબદલીની ખબર ન પડી અથવા તો માતા બનવાની ઝંખનાને કારણે તેને અવગણી અને રાજસ્થાનથી આવેલા ઈંડાને સેવવાનું શરૂ કરી દીધું.

માત્ર ચાર દિવસ બાદ તે ઈંડામાંથી બચ્ચું બહાર આવતા કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને વૈજ્ઞાનિકોએ આનંદ વ્યક્ત કર્યો, પરંતુ વૈજ્ઞાનિકો તાકીદ કરે છે કે નવા જન્મેલા બચ્ચાને જીવવા માટે સુરક્ષિત ઘાસનાં મેદાનો મળી રહે તેવો પ્રયાસ સરકાર નહીં કરે તો આ પ્રયોગનાં ધાર્યાં પરિણામ ન પણ આવે.

ઈંડું રાજસ્થાનથી કેમ લાવવું પડ્યું?

ઇમેજ સ્રોત, State Information Department, Gujarat

ઇમેજ કૅપ્શન, નલિયામાં 26 માર્ચ, 2026ના રોજ જન્મેલું બચ્ચું તેની માતા સાથે

વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાના 2020ના અહેવાલ અનુસાર ભારત સિવાય દુનિયાના અન્ય કોઈ દેશોમાં ઘોરાડ લગભગ જોવા મળતાં નથી, ભારતમાં પણ તેની વસ્તી 150 જ હોવાનો અંદાજ છે. વળી, ભારતમાં આ પક્ષીઓ રાજસ્થાન અને ગુજરાતમાં જ વધારે જોવા મળે છે.

પરંતુ ગુજરાતમાં ઘોરાડ હાલ નામશેષ થવાના આરે આવી ગયાં છે. ગુજરાત સરકારના આંકડા અનુસાર રાજ્યમાં 1992માં ઘોરાડની વસ્તી 30 હતી તે 2004માં વધીને 45 થઈ હતી. 2007માં તે 48 થઈ હતી અને મોટા ભાગનાં પક્ષી કચ્છના અબડાસા અને બાજુના માંડવી તાલુકામાં નોંધાયાં હતાં. જોકે ત્યાર બાદ વસ્તી ઘટવા લાગી. વન વિભાગે 2024માં કરેલી ગણતરીમાં જાણવા મળ્યું કે ફક્ત ચાર ઘોરાડ જ બચ્યાં છે.

સૌથી ચિંતાજનક બાબત એ હતી કે ચારેય પક્ષી માદા હતાં. શનિવારે કેન્દ્ર સરકારે એક અખબારી યાદીમાં જણાવ્યું કે કચ્છમાં હવે માત્ર ત્રણ ઘોરાડ બચ્યાં છે અને ત્રણેય માદા છે.

ભૂપેન્દ્ર યાદવે શનિવારે ઍક્સ પર એક પોસ્ટમાં જણાવ્યું કે ગુજરાતે કેટલાંય વર્ષો પહેલાં જ બધાં જ નર ઘોરાડ પક્ષીઓ ગુમાવી દીધાં હતાં.

બીબીસી ગુજરાતી સાથે વાત કરતા ગુજરાતના વન અને પર્યાવરણમંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે ગુજરાતમાં લગભગ એક દાયકાથી નર ઘોરાડ પક્ષી નથી દેખાયાં.

Sorry, we can’t display this part of the story on this lightweight mobile page.

ઇમેજ સ્રોત, The Corbett Foundation

ઇમેજ કૅપ્શન, કચ્છના નલિયામાં એક ઘાસિયા મેદાનમાં વિચરણ કરી રહેલું માદા ઘોરાડ (2017માં લેવાયેલી તસવીર)
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

તેમણે ઉમેર્યું, "કચ્છનાં માદા ઘોરાડ પક્ષીઓ ઈંડાં મૂકતાં હતાં, પરંતુ નર સાથે સંવનન થયા વગર મૂકતાં હોવાથી તે ઈંડાં અફલિત રહેતાં. તેમાંથી બચ્ચાં નીકળતા નહીં. ગુજરાત સરકાર કેટલાંય વર્ષોથી પ્રયાસ કરી હતી કે રાજસ્થાનથી કોઈ નર ઘોરાડ પક્ષી અથવા તો ફલિત ઈંડા ગુજરાતના કચ્છમાં લાવવામાં આવે. કેન્દ્ર સરકાર, રાજસ્થાન સરકાર અને વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાના સહયોગથી છેવટે એક ઈંડું લાવવામાં સફળતા મળી છે. તે ઈંડું માદાએ સ્વીકારી લીધું અને તે પોતાનું જ હોય તેમ તેને સેવવાનું ચાલુ રાખતા તેમાંથી બચ્ચું આવ્યું છે. આ બહુ જ રોમાંચિત કરી દેતા સમાચાર છે."

બીબીસી ગુજરાતી સાથે રવિવારે વાત કરતા વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા વૈજ્ઞાનિક ડૉ. સુતીર્થ દત્તાએ જણાવ્યું કે ગુજરાતમાં રહેલા ઘોરડની વસ્તીમાં વધારો કરવા બહારથી ઈંડું લાવવું અનિવાર્ય હતું.

તેમણે કહ્યું, "કચ્છમાં છેલ્લાં દસ વર્ષથી નર ઘોરાડ પક્ષીની હાજરી નથી. માત્ર ત્રણ માદા ઘોરાડ પક્ષીઓ બચ્યાં છે. તેથી, આ વસ્તી ઇકૉલૉજિકલી (પરિસ્થિતિ વિજ્ઞાનની દૃષ્ટિએ) જીવિત રહી ન હતી. તેથી, અફલિત ઈંડાની જગ્યાએ બહારથી લવાયેલા ફલિત ઈંડા મૂકી દઈ ઘોરડની વસ્તીમાં વધારો કરી અહીંની વસ્તીને ફરી જીવિત કરવાનો આ પ્રયાસ છે."

કચ્છમાં ઘોરાડ વિલુપ્તિના આરે કઈ રીતે ધકેલાઈ ગયાં?

ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC

ઇમેજ કૅપ્શન, કચ્છ ઘોરાડ અભયારણ્યની આજુબાજુ વીજળી ઉત્પન્ન કરતી પવનચક્કીઓ ઊભી કરાઈ છે

ભારતમાં રાજસ્થાન અને ગુજરાત ઉપરાંત મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્ર પ્રદેશ વગેરે રાજ્યોમાં છૂટાંછવાયાં ઘોરાડ દેખાય છે, પરંતુ ઘોરાડની વસ્તીમાં તીવ્ર ઝડપે ઘટા઼ડો થતા 2011માં ઇન્ટરનૅશનલ યુનિયન ફૉર કન્ઝર્વેશન ઑફ નેચર નામની વૈશ્વિક સંસ્થાએ ઘોરાડને "વિલુપ્તિના આરે" પહોંચી ગયેલી પ્રજાતિઓની યાદીમાં મૂક્યાં હતાં.

કોર્બેટ ફાઉન્ડેશન નામની સંસ્થાના ડેપ્યુટી ડાયરેક્ટર અને કચ્છમાં ઘોરાડ અને ખડમોર પક્ષીઓ પર સંશોધન કરતા ડૉ. દેવેશ ગઢવી જણાવે છે કે ઘોરાડ મોટા ભાગનો સમય જમીન પર વિતાવનાર પક્ષી છે અને ફરજ ન પડે ત્યાં સુધી ઊડવાનું ટાળે છે.

તેઓ કહે છે કે કચ્છમાં સોલાર પાર્ક અને વિન્ડફાર્મ સ્થાપતા તેમાં ઉત્પન્ન થતી વીજળીના વહન માટે ઊભી કરાયેલી વીજલાઇનો તેમજ અન્ય તાર નખાતા 2010 પછી ઘોરાડની વસ્તી ઘટવા લાગી.

ઇમેજ સ્રોત, The Corbett Foundation

ઇમેજ કૅપ્શન, કચ્છમાં લેવાયેલી આ તારીખ વગરની તસવીરમાં એક નર ઘોરાડ ગાય નજીક ચરતું દેખાય છે

તેઓ કહે છે કે ઘોરાડ પાસે ઊડતી વખતે આગળ જોવાની ક્ષમતા સારી ન હોવાથી થાંભલા પરથી લટકતા વીજળીના તાર તે દૂરથી જોઈ શકતા નથી. વળી આ પક્ષીનું વજન પણ અઢારેક કિલો હોવાથી તાર નજીક આવી ગયા પછી અચાનક ઊડવાની દિશા બદલી શકતા નથી અને તેથી તેની સાથે અથડાઈને મૃત્યુ પામે છે. આ ઉપરાંત, માદા ઘોરાડ વર્ષે સામાન્ય રીતે એક જ ઈંડું મૂકે છે અને તેથી વસ્તીમાં નવા સભ્યો ઝડપથી ઉમેરાતા નથી.

ડૉ. ગઢવી કહે છે કે કે વીજળીના તાર સાથે અથડાવાથી, તેમનાં રહેઠાણોનો નાશ થવાથી તેમ જ ઈંડા મૂકવાની ધીમી ગતિના કારણે કચ્છમાં ઘોરાડની વસ્તીમાં છેલ્લા દોઢ દાયકામાં કડાકો બોલી ગયો છે.

ઈંડાને રાજસ્થાનની કઈ જગ્યાએથી લાવવામાં આવ્યું?

ઇમેજ સ્રોત, Desert National Park

ઇમેજ કૅપ્શન, રાજસ્થાનમાં આવેલું ઘોરાડ સંવર્ધન કેન્દ્ર

કેન્દ્ર સરકારની અખબારી યાદી અનુસાર ઘોરાડને પૃથ્વી પરથી નામશેષ થતા બચાવી લેવા માટે કેન્દ્ર સરકારે 2016માં પ્રોજેક્ટ ઘોરાડ શરૂ કર્યો હતો. તે પ્રોજેક્ટના ભાગરૂપે કેન્દ્રના પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયના નેજા હેઠળ ચાલતા વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાએ 2022માં રાજસ્થાનના જેસલમેરમાં આવેલા સેમ અને દેવરા ખાતે ઘોરાડ સંવર્ધન કેન્દ્રો ખોલ્યાં.

વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે માત્ર રાજસ્થાન જ એક એવું રાજ્ય હતું જ્યાં ઘોરાડ એટલી સંખ્યામાં ઈંડાં મૂકતાં હતાં કે તેમાંથી કેટલાંકને લઈને સંવર્ધકેન્દ્રમાં રાખી શકાય. ત્યાર બાદ તેને સુરક્ષિત વાતાવરણમાં કૃત્રિમ રીતે સેવીને તેમાંથી જન્મતાં બચ્ચાને સાચવીને વિલુપ્તિના ભય સામે એક પ્રકારનું વીમાકવચ બનાવી શકાય તેવો ઉદ્દેશ આ સંવર્ધન કેન્દ્રોનો હતો.

બીબીસી સાથે વાત કરતા વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાના વૈજ્ઞાનિક ડૉ. સુતીર્થ દત્તાએ જણાવ્યું કે હાલ સંવર્ધન કેન્દ્રોમાં 73 ઘોરાડ પક્ષી છે. તેમાંથી 33નો જન્મ વાઇલ્‍ડ એટલે કે ઘાસના મેદાન કે વગડામાંથી લવાયેલા ઈંડામાંથી થયો હતો, જ્યારે બાકીના 40નો જન્મ તે 33 ઘોરાડ પક્ષીઓમાં સંવનન થયા બાદ મુકાયેલા ઈંડામાંથી થયો હતો.

સેમ ખાતેના સંવર્ધન કેન્દ્રમાંના એક માદા ઘોરાડે મૂકેલા ફલિત ઈંડાને ગુજરાત લાવવા માટે ડૉ. દત્તા અને પશુચિકિત્સક ડૉ. તુષ્ણા કારકરિયા 21 તારીખે સવારે એક મોટર કારમાં બેઠા. 19 કલાકની નિરંતર મુસાફરી બાદ 770 કિલોમીટરનું અંતર કાપીને ટીમ 22 માર્ચે સવારે ત્રણ વાગ્યે નલિયા પહોંચી ગઈ. તે દિવસે સાંજે ગુજરાત વન વિભાગના સ્થાનિક વન કર્મચારીઓની મદદથી ડૉ. દત્તા અને તેની ટીમે નલિયાના માદા ઘોરાડના અફલિત ઈંડાની જગ્યાએ માળામાં રાજસ્થાનથી લાવેલું ફલિત ઈંડું મૂકી દીધું.

ઈંડાને વિમાન કે હેલિકૉપ્ટરના બદલે કારમાં કેમ લવાયું?

ઇમેજ સ્રોત, Desert National Park

ઇમેજ કૅપ્શન, રાજસ્થાનના ડેઝર્ટ નૅશનલ પાર્કમાં ઘોરાડનું ઈંડું

ડૉ. દત્તાએ બીબીસીને જણાવ્યું, "સંવર્ધન કેન્દ્રમાં રહેલાં પક્ષીઓની વસ્તીમાં જનીનિક વિવિધતા જળવાઈ રહે તે માટે અમે 2025ના વર્ષમાં સંવર્ધન કેન્દ્રોમાં રહેલાં પક્ષીઓએ મૂકેલાં ઈંડાંને વાઇલ્ડ (મુક્ત રીતે કુદરતમાં વિચરણ કરતા) ઘોરાડ પક્ષીઓનાં ઈંડાં સાથે અદલાબદલી કરી. આ અમે રોડ માર્ગે કરેલું. તેથી, અમને રોડ માર્ગે ઈંડાનું વાહન કરવાનો અનુભવ છે."

ડૉ. દત્તાએ ઉમેર્યું, "વિમાન કે હેલિકૉપ્ટરથી ઈંડાનું વહન કરવામાં ટેક ઑફ કે લૅન્ડિંગ વખતે અથવા એર ટર્બ્યુલન્સ વખતે આંચકા આવવાની ભીતિ રહે છે અને આવા આંચકાને કારણે ઈંડા તૂટી જવા કે તેને નુકસાન થવાનો ભય રહે. તેથી, અમે જમીન માર્ગે ઈંડું ગુજરાત લઈ આવવાનો વિકલ્પ પસંદ કર્યો."

ઘોરાડને બચાવવા સુપ્રીમ કોર્ટે સરકારને શું હુકમ કર્યો હતો?

ઇમેજ સ્રોત, The Corbett Foundation

ઇમેજ કૅપ્શન, 2014માં કચ્છ ઘોરાડ અભયારણ્ય નજીક વીજતાર સાથે અથડાયા બાદ મૃત્યુ પમેલી એક માદા ઘોરાડની તસવીર

વાંકાનેરના રાજપરિવારના સભ્ય અને ભારતના વન્ય જીવ સંરક્ષણ ધારો, 1972ના ઘડવૈયા તરીકે ઓળખાતા નિવૃત્ત આઇએએસ અધિકારી ડૉ. રણજિતસિંહ ઝાલા અને અન્ય કેટલાક લોકોએ 2019માં સુપ્રીમ કોર્ટમાં એક જાહેર હિતની અરજી દાખલ કરીને ફરિયાદ કરી કે રહેઠાણોનો નાશ અને વીજલાઇનોના કારણે ઘોરાડ અને ખડમોર આ જગતમાંથી નામશેષ થવાના આરે પહોંચી ગયાં છે.

તેમણે કોર્ટની વિનંતી કરી કે આ પક્ષીઓને બચાવા માટે પગલા લેવાનો હુકમ સરકારને કરવામાં આવે.

સાતેક વર્ષના કાનૂની જંગ બાદ 19 ડિસેમ્બર, 2025ના રોજ સુપ્રીમ કોર્ટે આ કેસમાં ચુકાદો આપતા સરકારને હુકમ કર્યો કે રાજસ્થાનથી ઘોરાડના ઈંડાને ગુજરાત મોકલવામાં આવે અને તે રીતે ગુજરાતમાં ઘોરાડની વસ્તીનો જમ્પ સ્ટાર્ટ એટલે કે કૂદકાભેર શરૂઆત કરવામાં આવે.

આ સાથે જ કોર્ટે હુકમ કર્યો કે ઘોરાડનાં રહેઠાણો છે તેવા રાજસ્થાન અને ગુજરાતના વિસ્તારોમાં અમુક વીજલાઇનો જમીનમાં દાટી દેવામાં આવે. જ્યાં એવું કરવું શક્ય ન હોય ત્યાં વીજલાઇનોને ઘોરાડ માટે મહત્ત્વના વિસ્તારોના કિનારા પર ખસેડવામાં આવે. કોર્ટે એવો પણ હુકમ કર્યો છે કે ઘોરાડ માટેના વિસ્તારોમાં વાડા કરી ઘોરાડને શિકારી પ્રાણીઓ વગેરે સામે રક્ષણ આપવામાં આવે.

જોકે અર્જુન મોઢવાડિયાએ કહ્યું કે રાજસ્થાનથી ઈંડા લાવવા માટેના પ્રયાસો ઘણા લાંબા સમયથી ચાલતા હતા. તેમણે કહ્યું, "આ કામ માટે રાજસ્થાન સરકારની સહમતી અને કેન્દ્ર સરકારની મંજૂરી જરૂરી હતાં. વળી, એમાં કેટલાય ટેકનિકલ પડકારો પણ હતા. તેથી, ઈંડા લાવવા જે તે સમયે શક્ય બન્યું ન હતું."

ગુજરાતના વન વિભાગમાં વન્ય જીવ વિભાગના અગ્ર મુખ્ય વનસંરક્ષક ડૉ. જયપાલસિંહે બીબીસીને જણાવ્યું કે છેલ્લા દોઢેક વર્ષથી આ માટે તૈયારીઓ ચાલી રહી હતી.

તેમણે કહ્યું, "તૈયારીના ભાગરૂપે ઑગસ્ટ 2025માં આ માદાને પગમાં સેટેલાઇટ ટેગ પહેરાવવા આવ્યો હતો. તેની મદદથી વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા તેની હેરફેર પર નજર રાખી રહ્યું હતું. વળી, આ માદા ઈંડું મૂકે ત્યારે યોગ્ય ઈંડું મળી રહે તે પણ જરૂરી હતું."

તો શું હવે ઘોરાડની વસ્તી વધ્યા કરશે?

ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC

ઇમેજ કૅપ્શન, ડૉ. દેવેશ ગઢવી

કચ્છ સર્કલના વનસંરક્ષક ડૉ. ધીરજકુમાર મિત્તલે રવિવારે જણાવ્યું કે માતા ઘોરાડ અને તેનું બચ્ચું તેમના વિસ્તારમાં હરફર કરી રહ્યાં છે. તેમણે કહ્યું, "હાલ, બચ્ચું સ્વસ્થ દેખાય છે. અમારો સ્ટાફ તેના પર નજર રાખી રહ્યો છે અને આ માટે વધારાનો સ્ટાફ પણ તે વિસ્તારમાં ફાળવવામાં આવ્યો છે."

ડૉ. ઝાલાએ પણ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કચ્છમાં ઘોરાડના બચ્ચાના જન્મ બાબતે આનંદ વ્યક્ત કર્યો. તેમણે કહ્યું, "આ એક ઉત્તમ ઘટના છે. મને ઘણો હર્ષ છે કે આ શક્ય બન્યું છે અને તેના માટે મેં ડૉ. દત્તા અને અન્ય ફિલ્ડ સ્ટાફને અભિનંદન પાઠવ્યાં છે. આ ઘટના ખડમોર જેવી અન્ય પ્રજાતિઓને પણ બચાવી શકાશે તેવી આશા બંધાવે છે. આવા પગલાથી ઘોરાડને વિલુપ્તિથી બચાવવાના પ્રયાસોમાં મદદ મળશે.

પરંતુ તેમણે ચેતવણી પણ આપતા ઉમેર્યું, "આ રીતે વસ્તી વધારવાની રીત આ ઘોરાડને તેમના કુદરતી રહેઠાણમાં જ રક્ષણ આપવાનો વિકલ્પ ન બની શકે. આનાથી વાઇલ્ડમાં ઘોરાડ ટકી રહેશે તેવી ખાતરી મળતી નથી. તે માટે તેમણે ઘોરાડનાં રહેઠાણોને બચાવવા પડશે. તેના માટે તેમણે વીજલાઇનોને જમીનમાં ઉતારવી પડશે. કોર્ટે આ કામ કરવા માટે તેમને બે વર્ષનો સમય આપ્યો છે અને તેમાંથી લગભગ છ મહિના જતા પણ રહ્યા છે."

ડૉ. દેવેશ ગઢવીએ પણ આવી જ લાગણી વ્યક્ત કરતા કહ્યું, "આ એક બહુ મોટી સિદ્ધિ છે અને બધાને આનંદ થાય તે સ્વાભાવિક છે, પરંતુ છોકરો હજુ પારણામાં હોય અને વરઘોડો નીકળે તેવી આ ઘટના છે. હજુ ઘણું કામ બાકી છે. ઘોરાડને મારનારી વીજલાઇનો હજુ પણ હવામાં જ લટકી રહી છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન