સિંધુ સંસ્કૃતિ : મોટાં-મોટાં મંદિરો, મહેલો અને શાહી મકબરાઓ વિનાની આ સંસ્કૃતિ કેવી હતી, ત્યાં રહેતા લોકો મેસોપોટેમિયા સુધી કેવી રીતે વેપાર કરતા હતા?
ઇમેજ સ્રોત, DEA / A Dagli Orti via Getty Images
- લેેખક, ડેઇઝી સ્ટીફન્સ
- પદ, બીબીસી વર્લ્ડ સર્વિસ
- વાંચવાનો સમય: 7 મિનિટ
બહુમાળી ઈંટનાં મકાનો, એક સરખી શેરીઓ, અને ફ્લશિંગ ટૉઇલેટ સાથે સંપૂર્ણ અત્યાધુનિક ડ્રેનેજ સિસ્ટમ. શું આ બધું પરિચિત હોય તેવું લાગે છે?
આ બધું સાંભળવામાં એક આધુનિક શહેર જેવું લાગી શકે, પણ હકીકતમાં તે હજારો વર્ષ પહેલાંની પ્રાચીન સિંધુ ખીણ સંસ્કૃતિનાં શહેરોનું વર્ણન છે.
એવું માનવામાં આવે છે કે આ સભ્યતા ખૂબ જ સુસંસ્કૃત હતી અને પ્રાચીન ઇજિપ્ત તથા પ્રાચીન મેસોપોટેમિયાના સમયે અસ્તિત્વમાં હતી. છતાં તુલનાત્મક રીતે આપણે તેમના વિશે બહુ જ ઓછું જાણીએ છીએ.
આ સભ્યતા એક રહસ્ય છે. નિષ્ણાતોના મત મુજબ આ રહસ્યના કારણમાં આંશિક રીતે તેમની લિપિ છે, જે હજી સુધી ઉકેલી શકાઈ નથી.
બીજું કારણ છે તેમનો સમાજ, જે એ વખતે અસ્તિત્વ ધરાવતા અન્ય સમાજો કરતાં વધારે ન્યાયી હશે.
સિંધુ સંસ્કૃતિમાં રહેતા લોકો કોણ હતા?
યુકેની ઑક્સફર્ડ યુનિવર્સિટી અને યુનિવર્સિટી કૉલેજ, લંડનના લેક્ચરર ડૉ. સંગરલિંગમ રમેશે આપેલી માહિતી અનુસાર, સિંધુ ખીણ સંસ્કૃતિનો સૌથી વિકસિત તબક્કો ઈ.સ. પૂર્વે 2600થી 1900 સુધીનો રહ્યો હશે. જોકે તેનો વિકાસ તેના કરતાં પણ ઘણા સમય પહેલાં, લગભગ ઈ.સ. પૂર્વે 4000થી શરૂ થઈ ગયો હશે.
આ સભ્યતા સિંધુ નદીની આસપાસ હતી, જે હાલમાં ભારત અને પાકિસ્તાનમાં આવેલી છે. તેમાં ગ્રામીણ ખેડૂત સમુદાયો તેમજ 1,400 કરતાં વધારે કસબા અને શહેરો અસ્તિત્વ ધરાવતાં હતાં, જેમાં સૌથી મોટાં હડપ્પા અને મોહેં-જો-દડો હતાં.
ડૉ. સંગરલિંગમે જણાવ્યું કે, આ સભ્યતા પ્રાચીન ઇજિપ્ત અને પ્રાચીન મેસોપોટેમિયા બંને કરતાં વધારે મોટી હતી, જેમાં 80,000 વસાહતોમાં લગભગ 10 લાખ લોકો રહેતા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અને તેમને કેટલાક કારણોસર નોંધપાત્ર માનવામાં આવે છે.
1. અદ્યતન શહેરી આયોજન
ઇમેજ સ્રોત, DEA / W Buss via Getty Images
ડૉ. સંગરલિંગમના મતાનુસાર, સિંધુ ખીણ ઈંટમાંથી ઘર બનાવનાર સંસ્કૃતિઓમાં પ્રથમ હતી, તેઓએ સ્ટાન્ડર્ડ સાઇઝનો પણ ઉપયોગ કર્યો હતો.
તેમણે જણાવ્યું કે, "શહેરો સીધી શેરીઓ અને લંબ કાટખૂણાઓ સાથે બન્યાં હતાં."
"કૂવાઓ પણ હતા, ઘરમાં શૌચાલયો હતાં, રોમનોના 2,000 વર્ષ પહેલાંથી ગટર વ્યવસ્થા હતી."
ઇમેજ સ્રોત, Leemage/Corbis via Getty Images
ડૉ. સંગરલિંગમે કહ્યું કે આ ગટરવ્યવસ્થા અને સ્નાનાગારનાં ખોદકામોથી જાણવા મળે છે કે આ સંસ્કૃતિમાં રોગ પ્રત્યે જાગૃતિ હતી અને "સ્વચ્છતા પર ભાર" આપવામાં આવતો હતો.
શહેરી વિસ્તારોની ગીચતાએ સપ્લાઈ ચેઇન લૉજિસ્ટિક્સને પણ સક્ષમ બનાવ્યું હતું, જેના કારણે વેપાર શક્ય બન્યો.
ડૉ. સંગરલિંગમે જણાવ્યું, "તેઓ પ્રાચીન મેસોપોટેમિયા સાથે વેપાર કરતા હતા. ખાસ કરીને લાકડું, માળા, તાંબુ, સોનું અને સુતરાઉ કાપડ જેવા કાચા માલનો વેપાર થતો."
2. સામૂહિક શાસન
ઇમેજ સ્રોત, AFP via Getty Images
ડૉ. સંગરલિંગમે કહ્યું કે શહેરી વિસ્તારોનું સંગઠન બીજું પણ કંઈક દર્શાવે છે, તેમણે જણાવ્યું, "આ સંગઠન એ વાતનો પુરાવો છે કે તે એક સારી રીતે કામ કરતી નાગરિક સત્તા હતી, જે શહેરો અને વસાહતોની માળખાગત સુવિધાઓને જાળવી રાખતી હતી."
"તેમની શાસનવ્યવસ્થા વધારે સુસંસ્કૃત હતી. તે કેન્દ્રિય કરતાં સામૂહિક વધારે હતી, તેમાં મહેલો કે કુલીન વર્ગોના કોઈ પુરાવા નથી મળ્યા."
તેમણે કહ્યું કે આ જ વાત સિંધુ ખીણની સંસ્કૃતિને તે વખતના અન્ય સમાજોથી અલગ પાડે છે.
તેમણે કહ્યું, "પુરાતત્ત્વીય ચિહ્નો દર્શાવે છે કે ઇજિપ્ત અથવા મેસોપોટેમિયાની જેમ સિંધૂ ખીણની સંસ્કૃતિ દેખાડો કરતાં શાસકો પર કેન્દ્રિત નહોતી કે જ્યાં રાજાઓ, મહેલો અને મંદિરો જેવી વ્યવસ્થાઓ સ્પષ્ટ દેખાઈ આવે."
"એ પ્રદેશોમાં, સત્તા કેન્દ્રિત હતી અને મોટી-મોટી ઇમારતો, અમલદારશાહી અને ભવ્ય પ્રદર્શનો દ્વારા તે આંખે ચડતી હતી."
3. પ્રમાણમાં સમાન અને શાંતિપૂર્ણ
ઇમેજ સ્રોત, nadeem khawar/ Getty Image
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
એવા પુરાવા પણ મળ્યા છે કે સિંધુ ખીણમાં અમુક પ્રકારની સામાજિક ઊંચનીચ પ્રવર્તતી હતી, પરંતુ એ વખતના અન્ય સમાજોની તુલનામાં ઘણી ઓછી અને અસ્પષ્ટ છે.
ડૉ. સંગરલિંગમે કહ્યું, "ઇજિપ્ત અને મેસોપોટેમિયામાં સામાજિક સ્તરીકરણ શોધવું સરળ છે. સિંધુ ખીણની સંસ્કૃતિનાં ઘરના આકારમાં વિવિધતા છે, પણ તે સાવ સામાન્ય સ્તરે અને સૂક્ષ્મ છે."
પુરાતત્ત્વવિદોને અમુક એવાં હાડપિંજરો મળી આવ્યાં છે, જેના પર ઈજાનાં નિશાન હતાં, છતાં અમુક લોકોનું માનવું છે કે તે અન્ય સમાજો કરતાં વધારે શાંતિપ્રિય હતા.
ડૉ. સંગરલિંગમના જણાવ્યા પ્રમાણે, "યુદ્ધ સાથે જોડાયેલી પ્રતિમાઓ ઓછી છે, શસ્ત્રોના ભંડારોની માહિતી પણ બહુ જ ઓછી છે. અને કેટલાંક હાડપિંજરના નમૂનાઓમાં પ્રાચીન નજીકના પૂર્વના ભાગો કરતાં ક્રેનિયલ ઇજાના ઓછા દર જોવા મળે છે."
તેમણે સ્વીકાર્યું કે તેનો અર્થ એ નથી કે તેઓ હિંસક નહોતા. પુરાવાનો અભાવ સંરક્ષણના પક્ષપાતનું પરિણામ પણ હોઈ શકે છે.
તેમણે કહ્યું કે, "જો કોઈ સમાજ ટકાઉ સ્મારકો અને ગ્રંથો દ્વારા યુદ્ધનો પ્રચાર ન કરે અથવા તો તે સામગ્રી ટકે નહીં, તો પછીના નિરીક્ષકોને સંઘર્ષ વિશે માત્ર અણસાર જ મળી શકે, પછી ભલે મોટી હિંસા થઈ હોય."
સિંધુ ખીણનાં વણઉકલ્યાં રહસ્યો
ઇમેજ સ્રોત, DEA / G Nimatallah via Getty Images
સિંધુ ખીણની સંસ્કૃતિમાં હજુ પણ એવું ઘણું બધું છે, જે આપણે નથી જાણતા.
ડૉ. સંગરલિંગમે કહ્યું કે તેનું કારણ એ છે કે આ સભ્યતાના ઘણા મોટા હિસ્સાનું હજી સુધી ખોદકામ કરવામાં આવ્યું નથી.
તેમણે જણાવ્યું, "હજુ પણ તેમને પશ્ચિમ ભારતમાં વિવિધ સ્થળો મળી આવે છે અને આ સભ્યતા અફઘાનિસ્તાન સુધી વિસ્તરેલી હતી. પરંતુ ત્યાંની હાલની પરિસ્થિતિને કારણે ખોદકામ કરી શકાતું નથી."
તે તેમના દ્વારા બનાવવામાં આવેલી વસ્તુઓ અને ઉપયોગમાં લેવામાં આવતી પદ્ધતિઓને કારણે પણ હોઈ શકે છે.
તેમણે જણાવ્યું કે, "ઇજિપ્ત અને મેસોપોટેમિયા ટકાઉ પથ્થરનાં સ્મારકો છોડતાં ગયાં, પણ સિંધુ સંસ્કૃતિ એમ ન કરી શકી, કેમકે તેમનાં મોટા ભાગનાં મકાનો માટીની ઈંટો અને પાકી ઈંટોથી બનાવવામાં આવ્યાં હતાં."
"મોટા પથ્થરનાં મંદિરો, મહેલો કે શાહી મકબરાઓ વિના સિંધુ સંસ્કૃતિ કેવી હતી, તેનું નક્કર અનુમાન કરવું મુશ્કેલ છે."
પરંતુ બીજું પણ એક કારણ છે: પ્રાચીન મેસોપોટેમિયાની સૌથી પ્રાચીન લેખનકલાઓમાંની એક ક્યૂનિફૉર્મથી વિપરીત, આપણે હજુ સુધી સિંધુ ખીણની લિપિને ઉકેલી શક્યા નથી.
સિંધુ ખીણની સંસ્કૃતિનાં સ્થળોએ મળેલી મુદ્રાઓ પર આ લિપિ જોવા મળી છે અને મુંબઈની ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફંડામેન્ટલ રિસર્ચનાં ડૉ. નિશા યાદવ મજાકમાં કહે છે કે, "આ દુનિયાની સૌથી વધુ વાંચવાનો પ્રયાસ કરાયેલી, છતાં હજી સુધી ન સમજાયેલી લિપિ છે. દર 10 દિવસે મને એક ઈ-મેલ મળે છે, જેમાં લખ્યું હોય છે કે, 'ઓકે, મેં સિંધુ લિપિ ઉકેલી નાખી છે'."
પણ અત્યાર સુધી કોઈ અર્થઘટનને વૈજ્ઞાનિક સર્વસંમતિ મળી નથી.
ડૉ. યાદવ જણાવે છે કે, આ લિપિને સમજવી ખૂબ મુશ્કેલ છે, કેમ કે તે ખૂબ જ સંક્ષિપ્ત છે, એક મુદ્રા પર માત્ર પાંચ થી 14 ચિહ્નો જ હોય છે, તદુપરાંત અત્યાર સુધી તેના માટે 'રોસેટા સ્ટોન' જેવી કોઈ વસ્તુ મળી નથી.
રોસેટા સ્ટોન ત્રણ લિપિઓમાં કોતરાયેલું હુકમનામું દર્શાવે છે - ઇજિપ્તીયન હિયેરોગ્લિફિક, ઇજિપ્તીયન ડેમૉટિક અને પ્રાચીન ગ્રીક. આના લીધે હિયેરોગ્લિફ્સને સમજવામાં ખૂબ મદદ થઈ હતી.
પરંતુ તેમના પોતાના સંશોધનમાં, જેમાં કમ્પ્યૂટર મૉડેલિંગનો ઉપયોગ કરીને પ્રતીકોમાં પૅટર્ન શોધવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે, તેમાં વાક્યરચના - વાક્યરચનાને સંચાલિત કરતા નિયમો - અને 'અન્ડરલાઇંગ લૉજિક'ના પુરાવા મળ્યા છે.
"જો આપણે તે ઉકેલી શકીએ, તો તે એક ચાવી જેવું હશે, જે અનેક દરવાજા ખોલી આપે," યાદવે કહ્યું. "અને દરેક દરવાજામાંથી જ્ઞાનનો પ્રવાહ છૂટશે, જે આપણને એ સંસ્કૃતિના વિવિધ પાસાં વિશે કંઈક ખૂબ જ મહત્ત્વની વાત જણાવશે."
યાદવે કહ્યું કે, આ લિપિ સંસ્કૃતિની માન્યતાઓ અને વિશ્વ દૃષ્ટિકોણ વિશે સંકેતો આપી શકે છે, સાથે સાથે તેમના વેપાર અને ચિહ્નોની ભૂમિકા પર વધુ પ્રકાશ પાડી શકે છે.
સિંધુ ખીણમાં રહેતા લોકો સાથે શું થયું?
ઇમેજ સ્રોત, Angelo Hornak/Corbis via Getty Images
સિંધુ ખીણની સંસ્કૃતિના પતન માટેના મુખ્ય સિદ્ધાંતોમાંનું એક છે પર્યાવરણમાં ફેરફાર.
ડૉ. સંગરલિંગમે જણાવ્યું કે, "લગભગ ઈ.સ. પૂર્વે 1900ની આસપાસ આ સ્થળો ત્યજી દેવામાં આવ્યાં હતાં, અને પુરાતત્ત્વવિદો તથા હવામાન ખાતાના નિષ્ણાતો ચોમાસામાં થયેલા ફેરફારને તેનું મુખ્ય કારણ માને છે."
તેમણે કહ્યું કે મોહેં-જો-દડોમાં થયેલાં ખોદકામમાં એવા પુરાવા પણ મળ્યા છે કે લોકો પૂરની અસરને ઓછી કરવા માટે પ્રયાસ કર્યા હતા.
ડૉ. સંગરલિંગમ માને છે કે આ વાત આધુનિક સમાજને પણ લાગુ પડી શકે છે, કારણ કે જો આજે હિમાલયની હિમનદીઓ બહુ ઝડપથી પીગળે તો ઇતિહાસ પોતાને પુનરાવર્તિત કરી શકે છે.
તેમના મતાનુસાર, સિંધુ ખીણની સંસ્કૃતિની સર્વસંમતિ આધારિત શાસનવ્યવસ્થા, જે લાંબા ગાળાના વિચારોને શક્ય બનાવતી હતી, તે તેમને બચાવવા પૂરતી નહોતી, પણ તે આધુનિક સમાજ માટે પૂરતી હોય શકે છે.
તેમણે જણાવ્યું, "તેમની પાસે એવું જાણવાની ટૅકનૉલૉજી નહોતી કે વાસ્તવમાં શું થઈ રહ્યું છે, પરંતુ આપણી પાસે એવી ટૅક્નૉલૉજિકલ ક્ષમતા છે કે આપણે આપણી ટૅક્નૉલૉજીનો વધુ સમજદારીપૂર્વક ઉપયોગ કરીએ, જેથી આપણી સંસ્કૃતિ ટકી રહે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
નવાજૂની
બીબીસી વિશેષ
સૌથી વધુ વંચાયેલી સ્ટોરીઝ
આ કન્ટેન્ટ ઉપલબ્ધ નથી