ઈરાન યુદ્ધના કારણે મોરબીમાં સિરામિક ટાઇલની અનેક ફૅક્ટરી બંધ, લાખો મજૂરોને રોજગારીની ચિંતા
ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC
- લેેખક, ગોપાલ કટેશિયા અને રાજેશ અંબાલિયા
- દ્વારા રિપોર્ટિંગ, મોરબીથી
- વાંચવાનો સમય: 9 મિનિટ
મોરબી શહેરના પૂર્વ ભાગમાં આવેલા ઘુંટુ રોડ, હળવદ રોડ, જાંબુડિયા રોડ, લાલપરી રોડ, નૅશનલ હાઈવે નંબર 27 વગેરે પર ચોવીસે કલાક ધુમાડો અને ધૂળ ઊડતા હજારો ખટારાનું રાજ હોય છે. આ જ વિસ્તારમાં સિરામિક ઉદ્યોગના બહારથી એકદમ ચમકદાર લાગતાં સેંકડો કારખાનાં દિવસના ચોવીસેય કલાક અને વર્ષના 365 દિવસ ધમધમતા રહે છે.
આ કારખાનાંની કિલ્ન એટલે કે ભઠ્ઠીઓ અને સ્પ્રે-ડ્રાયરમાંથી નીકળતા સફેદ અને કાળા ધુમાડા દૂરના લોકોને પણ સતત પ્રવૃત્તિની જાણ કરતા રહે છે. આ કારખાનાં ખટારામાં રાજસ્થાન અને કચ્છથી આવતી માટીમાં કેટલાક કેમિકલ મિશ્રિત કરી તેને કિલ્નમાં 1200 ડિગ્રી તાપમાને તપાવીને લીસી અને ચળકાટવાળી સિરામિક ટાઇલમાં રૂપાંતર કરતા રહે છે. પછી તે ટાઇલને ખટારાઓ અને કન્ટેનરોમાં ભરીને ભારતના ખૂણે ખૂણે તેમજ દુનિયાના સંખ્યાબંધ દેશોમાં પહોંચાડતા રહે છે.
પરંતુ હાલના દિવસોમાં મોરબીની સિરામિક ફૅક્ટરીઓની કાળી ચીમનીઓ તો દેખાય છે, પરંતુ તેમાંથી કોઈ ધુમાડો નીકળતો નથી. રોડ લગભગ ખાલી અને નિર્જન લાગે છે, કારણ કે ખટારા રોડની સાઇડ પર પાર્ક કરી દેવામાં આવ્યા છે અથવા તો મોરબી મૂકીને અન્ય સ્થળોએ માલસામાનની હેરફેર માટે જતા રહ્યા છે.
ફૅક્ટરીઓ ચાલુ હોય ત્યારે તેના મોટા મોટા શેડમાં ધૂળની ડમરી અને ગરમ હવા ઊડતી રહે છે, પરંતુ હાલના દિવસોમાં તે ડમરીના રજકણ ભોંયતળિયે કે મશીનરીની ઉપર જામી ગયા છે અને શેડમાં હવા ચોખ્ખી લાગે છે.
આ મોટા મોટા શેડમાં કામ કરતી વખતે લૂ ન લાગી જાય તે માટે વારંવાર ગ્લાસ ભરી ભરીને લીંબુ શરબત પિતા મજૂરોનો રાત-દિવસ કોલાહલ રહે છે, પરંતુ હાલના દિવસોમાં મોટાં ભાગનાં કારખાનાંના શેડ લગભગ ભેંકાર થઈ ગયા છે અને મજૂરોના ક્વાર્ટર્સમાં કાગડા ઊડે છે.
ફૅક્ટરીના માલિકો કહે છે કે ઇઝરાયલ અને અમેરિકાએ ઈરાન પર 28 ફેબ્રુઆરીએ હવાઈ હુમલા કરતા આ ત્રણ દેશો વચ્ચે ફાટી નીકળેલા યુદ્ધે મોરબીના 670 કારખાનાં અને તેના પર નભતા લાખો લોકોને 'ઠંડા પાડી' દીધા છે.
ખાડી દેશોમાંથી આયાત કરતા પ્રોપેન ગૅસ અને લિક્વિફાઇડ નૅચરલ ગેસ (એલએનજી) આ કારખાનાંની જીવાદોરી છે, પરંતુ યુદ્ધના કારણે ઈરાને હોર્મુઝની સામુદ્રધુનીમાં એક પ્રકારની નાકાબંધી કરતા માર્ચ મહિનાની શરૂઆતથી ગૅસને સમુદ્રવાટે કચ્છના કંડલા બંદરે પહોંચાડતાં જહાજોએ તે સાંકડા જળમાર્ગમાંથી પસાર થવાનું બંધ કરી દીધું. તેના ચાર-પાંચ દિવસ બાદ મોરબીની સિરામિક ફૅક્ટરીઓની ભઠ્ઠીઓ પણ ઠંડી પડવા માંડી, તેના કારણે લાખો મજૂરો મોરબી છોડીને જતા રહ્યા છે, તો કેટલાક નવાં કામકાજ શોધી રહ્યા છે.
મજૂરો અન્ય કયાં કામ કરી રહ્યા છે?
ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC
ઘુંટુ રોડ પર આવેલી એક ફૅક્ટરી સામાન્ય સંજોગોમાં દરરોજ સિરામિક ટાઇલ્સના 12000 બૉક્સનું ઉત્પાદન કરે છે. જો આ 12000 બૉક્સમાં પૅક કરેલ ટાઇલ્સને જમીન પર પાથરવામાં આવે તો તેનાથી 1.86 લાખ ચોરસ મીટર એટલે કે 20 લાખ ચોરસ ફૂટ વિસ્તારને ઢાંકી શકાય.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કદમાં મધ્યમ ગણાતી આ ફૅક્ટરીમાં આશરે 125 લોકો કામ કરે છે તેમ ફૅક્ટરીના ડાયરેક્ટર હરેશભાઈ ભાડજા કહે છે. પરંતુ 4 માર્ચે આ ફૅક્ટરીની કિલ્નમાં ગરમી ઉત્પન્ન કરવા માટે વપરાતો બ્યુટેન ગૅસ ખૂટી રહેતા તેમને ફૅક્ટરી બંધ કરવાની ફરજ પડી હતી તેમ હરેશભાઈ ઉમેરે છે.
26 માર્ચે બીબીસીએ જ્યારે આ ફૅક્ટરીની મુલાકાત કરી તો ત્યાં માંડ પાંચ-સાત માણસો કામ કરતા હતા. તેમાંનાં એક હતાં લક્ષ્મી પંડિત. ઉત્તર પ્રદેશનાં વતની લક્ષ્મી પંડિત પાંચેક વર્ષથી મોરબીમાં કામ કરે છે. સામાન્ય દિવસોમાં તેમનું કામ કાચી ટાઇલની ગુણવત્તા ચકાસવાનું છે. લક્ષ્મી પંડિતે ચકાસી લીધા બાદ ટાઇલને પકાવવા માટે કિલ્નમાં મોકલાય છે.
જોકે બીબીસીએ મુલાકાત લીધી ત્યારે લક્ષ્મી પંડિત અન્ય કેટલાક મજૂરો સાથે બંધ પડેલ કિલ્નની સર્વિસ કરવામાં પુષ્કરકુમાર મિશ્રાને મદદ કરી રહ્યાં હતાં.
ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
બીબીસી સાથે વાત કરતા લક્ષ્મી પંડિતે કહ્યું, "જ્યારથી ફૅક્ટરી બંધ થઈ છે ત્યારથી હું કોઈ પણ કામ કરી લઉં છું. ફૅક્ટરી બંધ થઈ એટલે થોડી-ઘણી ચિંતા તો રહે જ. હજુ તો પગાર સમયસર મળી જાય છે. પણ ચિંતા એ વાતની છે કે ફૅક્ટરી ક્યારે ચાલુ થશે તે બાબતે કોઈ નિશ્ચિતતા નથી."
પુષ્કરકુમાર મિશ્રા કિલ્નના ઇન્ચાર્જ છે અને આ કારખાનામાં પાંચ મહિના પહેલાં જ કામ ચાલુ કર્યું હતું. તેમને પણ ચિંતા છે.
તેઓ કહે છે, "યુદ્ધના કારણે ગૅસ મળતો બંધ થઈ ગયો હોવાથી અમારે 4 માર્ચે ફૅક્ટરીમાં શટડાઉન લેવું પડ્યું, કારણ કે અમારી કિલ્નમાં દૈનિક ધોરણે આશરે 15 ટન (એક ટન=1000 કિલો) ગૅસ વપરાય છે અને તેટલો ગૅસ મળ્યો નહીં. હાલ પૂરતું તો અમે મેઇન્ટેનન્સનું કામ કરી રહ્યા છીએ, જો ગૅસનું કોઈ સોલ્યુશન નહીં નીકળે તો અમારે રજા પર જવું પડશે અને બેસવું પડશે. મેઇન્ટેનન્સનું કામ કેટલા દિવસ સુધી કરીશું? એ લગભગ પૂરું થવાને આરે છે."
હરેશભાઈએ સ્થિતિ સમજાવતા કહ્યું કે, "જ્યારે પ્લાન્ટ બંધ થયો ત્યારે સ્વેચ્છાએ જેને ઘરે જવું હોય એ ગયા છે. રજાનો માહોલ છે, તો કોઈ ઘરે ગયા છે, કોઈ ફરવા ગયા છે. 60થી 70 ટકા મારા મજૂરો કામ કરે છે. અમુકને દિવસના રાખેલા છે મેઇન્ટેનન્સમાં. 15થી 20 માણસોને નાઇટ શિફ્ટમાં લઈ ગયો છું, જેથી ચોરી-ટપોરીના બનાવ બને તો ઉપાધિ ન રહે. તેઓ રાત્રે બધાય ધ્યાન રાખીને બેઠા હોય. અત્યારે અહીં જે છે તે અમારા બધાય લેબરને સાચવી લીધા છે."
મોરબીના સ્થાનિક મજૂરો શું કરશે?
ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC
જાંબુડિયા રોડ આવેલી અન્ય એક ફૅક્ટરી ગૅસનો પુરવઠો ખૂટી જતા 24 માર્ચે બંધ થઈ ગઈ. બીબીસીએ તેની મુલાકાત લીધી ત્યારે ત્યાં કામ કરતા કેટલાક કારીગરો અને મજૂરો તેમનાં કામ આટોપી રહ્યા હતા.
જામનગર જિલ્લાના પાર્થ ભૌતિકકુમાર તેમાંના એક હતા. તેઓ આ ફૅક્ટરીમાં બનતી ટાઇલ્સના ક્વૉલિટી ઇન્સ્પેક્ટર છે અને તૈયાર થયેલી ટાઇલ્સ નિશ્ચિત ગુણવત્તા મુજબની છે કે નહીં તેના પર ધ્યાન રાખે છે. બીબીસી સાથે વાત કરતા તેમણે ચિંતા કરી કે કદાચ તેમને તેમના ગામ પાછા ફરીને ખેતીમાં જોડાઈ જવાની ફરજ પડશે.
તેમણે કહ્યું, "અમારે 24 તારીખે કારખાનું બંધ થયું. પહેલી તારીખ સુધી સ્ટાફને રાખશે. પછી સ્ટાફને રજા દેવાની વાત છે. કારખાનું બંધ થાય એટલે આપણે ગામડે વયા (ચાલ્યા) જઈશું અને નાનું-મોટું ખેતી વગેરેનું કામ ગોતીશું."
મોરબી તાલુકાના પાનેલી ગામના વિનોદ ચાવડા આ જ ફૅક્ટરીમાં ડ્રાયર ઑપરેટર છે. તેમના ભાઈ પણ સિરામિક ઉદ્યોગમાં કામ કરે છે અને તેમની ફૅક્ટરી પહેલાંથી જ બંધ થઈ જતા બેરોજગાર થઈ ગયા છે.
વિનોદભાઈને પણ ચિંતા છે કે 1 એપ્રિલ પછી તેમને ફૅક્ટરીમાં કામ મળતું રહેશે કે કેમ. તેમણે કહ્યું, "પહેલી તારીખ સુધી મેઇન્ટેનન્સ કામ ચાલશે. પછી જોઈએ કે રજા દઈ દે છે કે શું થાય છે. જો લાંબો સમય બંધ રહેશે તો બીજું કંઈક કામ શોધવું પડશે, કારણ કે અત્યારે તો સાવ બેરોજગાર થઈ ગયા છીએ. વળી, બીજું કોઈ કામ પણ મળે તેમ નથી. તેથી, ખેતી કરવી પડશે."
ઈરાન યુદ્ધની કેટલા લાખ મજૂરોને અસર થઈ?
ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC
મોરબી સિરામિક ઍસોસિયેશનમાં વિટ્રિફાઇડ ટાઇલ્સ ડિવિઝનના પ્રમુખ મનોજ એરવાડિયા કહે છે કે મોરબીના સિરામિક ટાઇલ્સ અને સેન્ટરીવેર (બાથરૂમની આઇટમો બનાવતા)ના અંદાજે 670 કાર્યરત્ કારખાનાં છે અને તેમાં અંદાજે ચાર લાખ મજૂરો અને કારીગરો કામ કરે છે.
મનોજભાઈએ કહ્યું, "તેમાંથી લગભગ એક લાખ મજૂર ગુજરાત બહારનાં રાજ્યોના છે. ગૅસનો પુરવઠો બંધ થતા સેનેટરીવેરના સાઠેક કારખાનાં બાદ કરતા મોટાં ભાગનાં કારખાનાં બંધ થઈ રહ્યાં છે. લેબર કૉન્ટ્રાક્ટરો દ્વારા આવેલા મજૂરોને જે તે કૉન્ટ્રાક્ટર તેમની રીતે સાચવી રહ્યા છે અને તેમને જ્યાં ફૅક્ટરીઓ ચાલુ હોય ત્યાં શિફ્ટ કરી રહ્યા છે. અમને મળતી માહિતી મુજબ મજૂરોને વેકેશન મળ્યું છે. તેમને તેમના પરિવાર પાસે જવાનો સમય મળ્યો છે. તેથી, કેટલાક મજૂરો સ્વેચ્છાએ તેમના વતન ગયા છે. ફૅક્ટરી બંધ થતા અમારી મશીનરીનું મેઇન્ટેનન્સ કરવાનું હોય તેમાં જેટલા મજૂરો કામે લાગી શકે તેટલા કામે લાગી ગયા છે."
તેમણે ઉમેર્યું, "જે મજૂરો વતન નથી ગયા તે લોકો ફૅક્ટરીની અંદર જ રહેતા હોય છે અને સામાન્ય રીતે, હું મારી પોતાની વાત કરું તો તેમને ખાવા-પીવાની અને રહેવાની વ્યવસ્થા કરી આપીએ છીએ અને નાનું-મોટું કઈ ખર્ચ હોય, કોઈ જરૂરિયાત હોય તો તે અમે પૂરી કરી આપતા હોઈએ છીએ. કૉન્ટ્રેક્ટ આધારિત કામ કરતા જે લોકો વેકેશનમાં ગયા છે તેમના પગાર ચાલુ ન હોય, પરંતુ તે પાછા આવશે એટલે તેમનો પગાર ચાલુ થઈ જશે."
રૂપિયા 60,000 કરોડનો ઉદ્યોગ કેવી રીતે ઠપ્પ થઈ ગયો?
ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC
મોરબી સિરામિક ઍસોસિયેશનના પૂર્વ પ્રમુખ અને આ ઉદ્યોગના અગ્રણી તેવા ખીમજીભાઈ કુંડારિયા કહે છે કે મોરબીના સિરામિક ઉદ્યોગનું વાર્ષિક ટર્નઓવર આશરે રૂપિયા 60,000 કરોડ છે અને તેમાંથી અંદાજે રૂપિયા 20,000 કરોડના મૂલ્યની ટાઇલ્સ અને સેનેટરીવેર આઇટમોની નિકાસ કરવામાં આવે છે.
સિરામિક ટાઇલ્સ અને સેનેટરીવેર ઉદ્યોગ ઍનર્જી ઇન્ટેન્સિવ એટલે કે ખૂબ વધારે ઊર્જા વાપરતો ઉદ્યોગ છે. કારખાનેદારોએ કહે છે કે ઉત્પાદન ખર્ચમાં આશરે 40 ટકા ખર્ચ તો ગૅસ, કોલસો અને વીજળી પાછળ કરવામાં આવે છે.
મોરબીનાં કારખાનાં ટાઇલને પકવવા માટે મોટા ભાગે પ્રોપેન ગૅસ અને રાજ્ય સરકાર સંચાલિત ગુજરાત ગૅસ કંપની દ્વારા પૂરા પડાતા પાઇપ્ડ નૅચરલ ગેસ (પીએનજી) એટલે કે પાઇપ દ્વારા પહોંચાડતા કુદરતી વાયુ વાપરે છે.
રાંધણગૅસના બાટલામાં ભરેલ ગૅસ પ્રોપેન, બ્યટેન અને મરકૅપ્ટન ગૅસનું મિશ્રણ હોય છે. તે જ રીતે એલએનજીને પ્રવાહીમાંથી વાયુ સ્વરૂપમાં રૂપાંતર પીએનજી તરીકે કારખાનાં સુધી પહોંચાડાય છે.
હરેશભાઈ કહે છે કે તેમને ફૅક્ટરી ચલાવવા માટે દરરોજ 14000 ક્યુબિક મીટર પ્રોપેન ગૅસ વાપરવો પડતો અને તેની કિંમત આશરે 13થી 14 લાખ રૂપિયા થાય.
તેઓ કહે છે, "હું એકાંતરે એક ટૅન્કર ગૅસ મંગાવતો. પૈસા ભરી દઈએ એટલે એજન્ટ કંડલાથી ટૅન્કર મોકલી દેતો, પરંતુ અમેરિકા-ઈરાન વચ્ચે યુદ્ધ થતા ખાડી દેશોમાંથી ગૅસ ભરેલ શિપ (જહાજો) કંડલા આવવાનું બંધ થયું. તેથી, અમને સ્થાનિક એજન્ટોએ કહી દીધું કે ગૅસ નથી. ગુજરાત ગૅસ દ્વારા પણ પ્રથમ કાપ મૂકવામાં આવ્યો અને પછી પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો. તેથી, મારે 4 માર્ચે ફૅક્ટરી બંધ કરવી પડી."
ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC
મનોજભાઈ કહે છે કે મોરબીમાં 26 માર્ચની સ્થિતિએ 670માંથી આશરે 60 ફૅક્ટરી જ ચાલુ હતી.
તેમણે બીબીસી ગુજરાતીને કહ્યું, "મોરબીમાં આવેલી સિરામિક ફૅક્ટરીઓમાંથી 55થી 60 ટકા પ્રોપેન વાપરે છે અને બાકીના પીનેજી વાપરે છે. મોરબીમાં દૈનિક ધોરણે આશરે 70 લાખ ક્યુબિક મીટર (આશરે 7000 મેટ્રિક ટન) ગૅસનો વપરાશ છે. યુદ્ધના માહોલના કારણે ગૅસના સપ્લાયમાં અનિશ્ચિતતા થઈ. તેના હિસાબે અમે ઉદ્યોગકારોએ સામૂહિક નિર્ણય લીધો કે જ્યાં સુધી ગૅસ સપ્લાય રેગ્યુલર ન થાય ત્યાં સુધી આપણે વેકેશન કરીએ અને સામૂહિક બંધ કરીએ."
મનોજભાઈ વધારે જણાવતા કહે છે, "એ નિર્ણય અનુસાર મોરબીમાં અત્યારે ટાઇલ્સ બનાવતી 430 ફૅક્ટરી બંધ છે, જે પ્રોપેન ગૅસ પર આધારિત હતી. ગુજરાત ગૅસના પીએનજી આધારિત હતા તેમાંથી અંદાજે 50 ટકા જેટલા યુનિટો બંધ થયા છે, કારણ કે ગુજરાત ગૅસે પણ ગૅસનો પુરવઠો પૂરો પાડવાનો કૉન્ટ્રાકટ લીધો હતો તે પુરવઠામાં પણ 20 ટકા કાપ મૂક્યો હતો. પછી, જેમના ગુજરાત ગૅસના ક્વૉટા પૂરા થઈ ગયા તેમણે પણ ફૅક્ટરીઓ બંધ કરી છે, પરંતુ સેનિટરીવેરની ફૅક્ટરીઓ કાચું કામ ચાલુ રાખી શકે છે. તેથી, 670માંથી અંદાજે 60 ફેક્ટરી ચાલુ છે."
મોરબી માટે ગૅસનો કોઈ વિકલ્પ છે ખરો?
ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC
ખીમજીભાઈ કહે છે 2019 સુધી મોરબીમાં આશરે 600 કારખાનાં કોલસાનો ઈંધણ તરીકે ઉપયોગ કરતાં હતાં. ભારતમાં કોલસાનું મોટા પાયે ઉત્પાદન થાય છે અને વિશ્વના ઘણા દેશોમાંથી આયાત પણ કરાય છે. કોલ ગૅસીફાયર પ્લાન્ટની મદદથી કોલસાનું અપૂર્ણ દહન કરતા તેમાંથી કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજન વાયુઓ છૂટા પડે છે. તેનાથી બનતા ગૅસને સિન્થેટિક ગેસ અથવા કોલગેસ કહે છે. આ સિન્થેટિક ગૅસને કિલ્ન ગરમ કરવા માટે વાપરવામાં આવતો હતો.
પરંતુ કોલ ગૅસીફાયર હવા, પાણી અને જમીનને પ્રદૂષિત કરે છે તેવી ફરિયાદો બાદ નૅશનલ ગ્રીન ટ્રિબ્યુનલે 11 સપ્ટેમ્બર, 2019ના રોજ મોરબીના સિરામિક ઉદ્યોગમાં કોલ ગૅસીફાયર પ્લાન્ટ્સ પર પ્રતિબંધ મૂકી દીધો હતો. ત્યારથી સિરામિક ફૅક્ટરીઓ પીએનજી અને પ્રોપેન પર નિર્ભર થઈ ગઈ તેમ ખીમજીભાઈ કહે છે.
હરેશભાઈ કહે છે કે તેઓ ડીઝલને પણ ગૅસ બદલે વાપરી શકે તેમ નથી, કારણ કે ડીઝલ માટે જરૂરી ક્રૂડઑઇલ એટલે કે કાચું ખનીજ તેલ પણ યુદ્ધના કારણે ખાડી દેશોમાંથી ભારત પહોંચાડવામાં અડચણો ઊભી થઈ છે. "જો અમને પ્રોપેન કે પીએનજી મળે તો અમારે કોલ ગૅસ નથી વાપરવો. પણ હાલના સંજોગોમાં એક માત્ર વિકલ્પ કોલ ગૅસ જ છે તેમ લાગે છે."
ખીમજીભાઈ કહે છે અન્ય પ્રયોગો પણ થઈ રહ્યા છે.
તેઓ કહે છે, "આજે પણ આપણા દેશમાં અન્ય ઇન્ડસ્ટ્રીમાં સેંકડો કોલ ગૅસીફાયર કાર્યરત્ છે, પરંતુ નૅશનલ ગ્રીન ટ્રિબ્યુનલ દ્વારા તેના પર મોરબીમાં પ્રતિબંધ મુકાતા તે વિકલ્પ હાલ ઉપલબ્ધ નથી. પરિણામે, હવે કેટલાક લોકો ગ્રીન હાઇડ્રોજનને કિલ્નમાં વાપરવાના પ્રયોગો કરી રહ્યા છે. જો તે સફળ રહેશે તો આપણે ગૅસ જેવા ઈંધણ માટે અન્ય દેશો પર નિર્ભર નહીં રહેવું પડે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
નવાજૂની
બીબીસી વિશેષ
સૌથી વધુ વંચાયેલી સ્ટોરીઝ
આ કન્ટેન્ટ ઉપલબ્ધ નથી