'ત્રણ મહિના સુધી દરરોજ રસ્તા પર ફરતાં રહ્યાં': એકમાત્ર પુત્રના મૃત્યુના કેસમાં પુરાવા એકઠા કરતી માતાની કહાણી

ઇમેજ સ્રોત, Asif Ali

ઇમેજ કૅપ્શન, બે વર્ષ પહેલાં એક માર્ગ અકસ્માતમાં દહેરાદૂનના ક્ષિતિજનું મૃત્યુ થયું હતું
    • લેેખક, આસિફ અલી
    • પદ, બીબીસી માટે, દહેરાદૂનથી
  • વાંચવાનો સમય: 5 મિનિટ

દહેરાદૂનના પ્રેમનગર વિસ્તારમાં 18 વર્ષના ક્ષિતિજ ચૌધરીનું એક માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયાને લગભગ બે વર્ષ થઈ ગયાં છે.

પરંતુ પરિવારનું કહેવું છે કે આ ઘટનામાં સામેલ શંકાસ્પદ ચાલક સુધી પોલીસ હજી સુધી પહોંચી શકી નથી.

એકમાત્ર પુત્રને ગુમાવી દીધેલાં માતા લલિતા ચૌધરી આ બે વર્ષમાં પોલીસ સ્ટેશનો અને પોલીસ અધિકારીઓના ધક્કા ખાતાં રહ્યાં છે.

તેમનો આરોપ છે કે શરૂઆતના તબક્કામાં જ ગંભીરતાપૂર્વક તપાસ ન થઈ અને જ્યારે તેમને સંતોષકારક જવાબ ન મળ્યો, ત્યારે તેમણે પોતે જ પુરાવા એકઠા કરવાનું શરૂ કરી દીધું.

તાજેતરમાં જ એક જાહેર કાર્યક્રમ દરમિયાન તેમણે એક વાર ફરીથી અધિકારીઓ સુધી પોતાની વાત પહોંચાડી. ત્યાર પછી પોલીસે ફરીથી તપાસનું આશ્વાસન આપ્યું છે.

Sorry, we can’t display this part of the story on this lightweight mobile page.

શું છે સંપૂર્ણ મામલો?

ઇમેજ સ્રોત, Asif Ali

ઇમેજ કૅપ્શન, પરિવારનો દાવો છે કે ડમ્પરની ટક્કર વાગવાના કારણે ક્ષિતિજનું મૃત્યુ થયું હતું

16 ફેબ્રુઆરી 2024ની રાત્રે લગભગ 2:45 વાગ્યે ક્ષિતિજ ચૌધરી પોતાના એક મિત્રની સાથે દેહરાદૂનના પ્રેમનગર વિસ્તારમાં ચાલતા જતા હતા.

પરિવાર અનુસાર, તે દરમિયાન ફુલ સ્પીડમાં આવેલા એક ડમ્પરે તેને ટક્કર મારી દીધી અને ચાલક ત્યાંથી ભાગી ગયો.

ક્ષિતિજનાં માતા લલિતા ચૌધરીનું કહેવું છે કે દુર્ઘટના પછી તેના મિત્રોએ ઍમ્બ્યુલન્સ માટે કૉલ કર્યો, પરંતુ લગભગ 45 મિનિટ સુધી કોઈ મદદ ન પહોંચી. તેમનો આરોપ છે કે પોલીસ પણ સમયસર ઘટનાસ્થળે ન પહોંચી.

ત્યાર પછી ઍમ્બ્યુલન્સ દ્વારા તેને દૂન હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. હાલત ગંભીર હોવાથી ડૉક્ટરોએ તેને ઋષિકેશસ્થિત એમ્સમાં રિફર કરી દીધો. ત્યાં સારવાર દરમિયાન 17 ફેબ્રુઆરીની સાંજે તેનું મૃત્યુ થઈ ગયું.

દુર્ઘટનાના બે દિવસ પછી, 19 ફેબ્રુઆરીએ લલિતા ચૌધરીએ પ્રેમનગર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ડમ્પર ચાલક વિરુદ્ધ કેસ દાખલ કરાવ્યો. તેમનો આરોપ છે કે એ પહેલાં પોલીસે ઘટનાસ્થળે હાજર લોકોની ફરિયાદ દાખલ નહોતી કરી.

"મને કહેવામાં આવ્યું – પુરાવા હોય તો લેતા આવો"

ઇમેજ સ્રોત, Asif Ali

ઇમેજ કૅપ્શન, લલિતાનું કહેવું છે કે તેમને એક સીસીટીવી ફૂટેજ મળ્યાં, જેના આધારે તેમણે પુરાવા એકઠા કર્યા
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

લલિતા ચૌધરી પોતાના પુત્રને યાદ કરતાં કહે છે, "મારો પુત્ર ક્યારેય મારી આંખમાં આંસુ જોઈ શકતો નહોતો. અમારો સંબંધ મા-દીકરાનો ઓછો, મિત્ર જેવો વધુ હતો."

તેઓ જણાવે છે કે દુર્ઘટનાવાળી રાત્રે તેમને લગભગ ત્રણ વાગ્યે ફોન આવ્યો.

"જ્યારે મેં તેની સાથે વાત કરી ત્યારે એક વાર તો તેનો અવાજ પણ ઓળખી શકી નહીં. તે ખૂબ જ પીડામાં હતો. જ્યારે હું હૉસ્પિટલે પહોંચી ત્યારે તેણે કહ્યું, 'મમ્મી, તમે આવી ગયાં છો?'"

લલિતા માને છે કે જો સમયસર મદદ મળી ગઈ હોત, તો કદાચ તેમના પુત્રનો જીવ બચી શકતો હતો. તેઓ કહે છે, "જો 100 નંબર અને 108 પર સમયસર કૉલ ઉઠાવી લેવાયો હોત, તો મારો પુત્ર આજે મારી પાસે હોત."

પરંતુ, તેમના અનુસાર, ખરો સંઘર્ષ ત્યાર પછી શરૂ થયો.

"જ્યારે મેં પોલીસને કેસની પ્રગતિ વિશે પૂછ્યું, તો મને કહેવામાં આવ્યું – 'જો તમારી પાસે કોઈ પુરાવા હોય તો લેતાં આવો, અમારી પાસે જાદુની કોઈ લાકડી નથી'."

લલિતા કહે છે કે ત્યાર પછી તેમણે પોતે જ તપાસ શરૂ કરવાનો નિર્ણય કર્યો. તેમણે કહ્યું, "મને લાગે છે કે જો હું નહીં કરું, તો કોઈ નહીં કરે."

તેમના અનુસાર, તેમણે ઘણા મહિનાઓ સુધી એ રસ્તા પર જઈને લોકોની સાથે વાત કરી, દુકાનો અને હોટલોમાં લાગેલા સીસીટીવી કૅમેરાની તપાસ કરી અને શક્ય દરેક માહિતી મેળવવાની કોશિશ કરી.

તેઓ જણાવે છે, "હું ત્રણ મહિના સુધી દરરોજ રસ્તા પર ફરતી રહી."

લલિતાનું કહેવું છે કે તેમને એક સીસીટીવી ફૂટેજ મળ્યાં, જેના આધારે તેઓ આરટીઓ કચેરી પહોંચ્યાં. ત્યાંથી તેમણે શંકાના આધારે ઘણી ગાડીઓના નંબર મેળવ્યા.

તેઓ કહે છે, "મેં લગભગ 10 ગાડીઓના નંબર અલગ કાઢ્યા અને પોલીસને આપ્યા."

જોકે, તેમનો આરોપ છે કે તેમ છતાં તપાસમાં કોઈ ખાસ પ્રગતિ ન થઈ. તેમણે કહ્યું, "મને કહેવામાં આવ્યું કે તપાસ કરી લેવામાં આવી છે, પરંતુ કશું નથી મળ્યું."

લગભગ દોઢ વર્ષ પછી તેમને જાણવા મળ્યું કે કેસમાં ફાઇનલ રિપોર્ટ તૈયાર કરી દેવાયો છે. લલિતા કહે છે, "તે દિવસે મને લાગ્યું કે મારી બધી મહેનત પાણીમાં ગઈ."

મામલો કિસાન યુનિયન સુધી પહોંચ્યો

ઇમેજ સ્રોત, Asif Ali

ઇમેજ કૅપ્શન, લલિતા ચૌધરીએ તાજેતરમાં જ ખેડૂતનેતાઓને મળીને ક્ષિતિજના મૃત્યુનો મુદ્દો ઉઠાવ્યો હતો

લગભગ બે વર્ષ પછી, જ્યારે લલિતા ચૌધરી એક જાહેર કાર્યક્રમમાં પહોંચ્યાં ત્યારે, ફરી એક વાર આ કેસ ઉજાગર થયો છે.

દહેરાદૂનમાં યોજાયેલા એક વિરોધ કાર્યક્રમ દરમિયાન તેમણે પોતાના પુત્ર માટે ન્યાયની માગણી કરી.

આ દરમિયાન તેમની મુલાકાત ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈત સાથે થઈ. તેમણે તેમને સમગ્ર કેસની માહિતી આપી.

ભારતીય કિસાન યુનિયન વૅલ્ફેર ફાઉન્ડેશનના રાષ્ટ્રીય અધ્યક્ષ સોમદત્ત શર્મા જણાવે છે, "લલિતા ચૌધરી સાથે અમારી મુલાકાત થઈ અને તેમની કહાણી સાંભળીને અમે તેમની સાથે ઊભા થઈ ગયા. અમે તેમને લઈને એસએસપીને મળ્યા અને બધા પુરાવા બતાવ્યા."

સોમદત્ત શર્મા અનુસાર, પહેલાં તેમને કહેવામાં આવ્યું કે કેસમાં ફાઇનલ રિપોર્ટ થઈ ગયો છે, પરંતુ હવે પુરાવા સામે મૂકવામાં આવ્યા એટલે ફરીથી તપાસની વાત કહેવામાં આવી.

તેઓ કહે છે, "એ દુર્ભાગ્યપૂર્ણ છે કે એક માતાએ જાતે પુરાવા એકઠા કરવા પડ્યા."

તેમણે ચેતવણી પણ આપી કે જો આ વખતે પણ કાર્યવાહી નહીં થાય, તો આંદોલન કરવામાં આવશે. તેમણે કહ્યું, "જો હવે પણ કાર્યવાહી નહીં થાય તો અમે સડક જામ કરીશું અને ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈત પણ અહીં ઊભા રહેશે."

'જે કામ પોલીસે કરવું જોઈતું હતું, તે મેં કર્યું'

ઇમેજ સ્રોત, Asif Ali

ઇમેજ કૅપ્શન, પોલીસનું કહેવું છે કે નવા પુરાવા મળ્યા પછી ક્ષિતિજના મૃત્યુના કેસને ફરીથી તપાસવામાં આવી રહ્યો છે

દહેરાદૂનના વરિષ્ઠ એસપી પ્રમેન્દ્ર ડોભાલનું કહેવું છે કે બનાવની તપાસ પહેલાં જ કરી લેવાઈ છે, પરંતુ હવે નવા પુરાવાના આધારે તેને ફરીથી તપાસવામાં આવી રહ્યો છે.

તેમણે બીબીસી ન્યૂઝને કહ્યું, "જેટલાં પણ સીસીટીવી ફૂટેજ ઉપલબ્ધ હતાં, તે બધાંનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. હવે અપાયેલા પુરાવાના આધારે સંબંધિત સ્ટેશન અધિકારીને ફરીથી તપાસની સૂચના આપવામાં આવી છે."

એસએસપી અનુસાર, કેસ અત્યારે અદાલતમાં વિચારાધીન છે અને આગળની તપાસ માટે કોર્ટની મંજૂરી મેળવવામાં આવી રહી છે.

તેમણે એમ પણ કહ્યું કે જો તપાસમાં કોઈ સ્તરે લાપરવાહી જોવા મળશે, તો સંબંધિત અધિકારી સામે કાર્યવાહી કરવામાં આવશે.

લલિતા ચૌધરી ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરનાં મૂળ નિવાસી છે. છેલ્લાં થોડાંક વરસોથી તેઓ એકલાં કામ કરીને પોતાના પરિવારનું ભરણપોષણ કરતાં હતાં. તેમનાં પુત્રી દિલ્હીમાં ઇન્ટર્નશિપ કરી રહ્યાં છે.

લલિતા ચૌધરી કહે છે કે તેમણે પોતાના પુત્ર માટે જે કર્યું, તે એક માતાનું કર્તવ્ય હતું.

તેઓ કહે છે, "જે કામ પોલીસે કરવું જોઈતું હતું, તે મેં કર્યું."

તેમના અવાજમાં આજે પણ એ જ પીડા સ્પષ્ટ છલકાય છે. તેઓ જણાવે છે, "મારો પુત્ર મને કહેતો હતો – 'મમ્મી, મને બચાવી લો'."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન