બૅકઅપ પાસપૉર્ટ શું છે, જેને મેળવવા લોકો તેમનાં દાદા-દાદીનાં મૂળ શોધી રહ્યા છે?
ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ઍલી કૉબ
- પદ, બીબીસી ન્યૂઝ
- વાંચવાનો સમય: 9 મિનિટ
કૅનેડાએ ડિસેમ્બર, 2025માં વંશના આધારે નાગરિકતા અંગેના તેના નિયમો હળવા કર્યા પછી ઘણા અમેરિકનો તેમનો પારિવારિક ઇતિહાસ ફંફોસવા માંડ્યા છે, જેથી તેઓ કૅનેડાના નાગરિકત્વ માટે દાવો કરી શકે.
કેટલાક લોકોના મનમાં વિચાર આવ્યો કે શું લાંબા સમયથી વિસરાઈ ગયેલાં દાદા-દાદીના આધારે બીજો પાસપૉર્ટ મળી શકે? આ સવાલ વિશ્વભરમાં પૂછવામાં આવી રહ્યો છે.
જ્યારે વૉશિંગ્ટનના એવરેટસ્થિત નવલકથાકાર એમિલી હિલને કૅનેડાના વંશ આધારિત નાગરિકત્વના નિયમોમાં તાજેતરમાં કરવામાં આવેલા ફેરફારો વિશે જાણ થઈ, ત્યારે તરત તેમના દિમાગમાં વિચાર ઝબક્યો કે શું પારિવારિક સંબંધો તેમને પાસપૉર્ટ મેળવવા માટેની યોગ્યતા આપી શકે છે?
તેઓ જણાવે છે કે, તેમનાં દાદીનો જન્મ મોન્ટ્રિયાલમાં થયો હતો. "આ જાણીને મને જાણે વીજળીનો ઝાટકો લાગ્યો. આ શક્યતા 26 વર્ષ જૂનું સપનું સાચું બનવા જેવી હતી."
એક અઠવાડિયાની અંદર તેમણે તમામ દસ્તાવેજો એકઠા કરી લીધા અને તેમની અરજી સુપરત કરી. જો અરજી મંજૂર થઈ જાય, તો બ્રિટિશ કોલંબિયામાં કાયમી ધોરણે ઠરીઠામ થઈ જવાની તેમની યોજના હતી.
હિલ કહે છે, "હું 'ઘરે' પરત ફરવા માગું છું અને મારાં દાદા-દાદીની જમીન પાછળ મારી ઊર્જા લગાવવા માગું છું."
અલબત્ત, એકલા અમેરિકનો જ પોતાના વડીલો ઉપર અચાનક જ ધ્યાન આપવા નથી માંડ્યા. વિશ્વભરના લોકોએ ઉમેરારૂપ નાગરિકત્વ માટે પારિવારિક રેકૉર્ડ્ઝ, જન્મના દસ્તાવેજો અને વંશાવલી પરની વેબસાઇટ્સ તપાસવાનું શરૂ કરી દીધું છે.
બેવડાં નાગરિકત્વનું ચલણ શા માટે વધી રહ્યું છે?
ઇમેજ સ્રોત, Getty Images
બેવડાં નાગરિકત્વ તરફ વધી રહેલો ઝોક લોકો રાષ્ટ્રીયતા વિશે શું વિચારે છે એ તેમનામાં આવેલું પરિવર્તન દર્શાવે છે. પેઢીઓથી પાસપૉર્ટ મુખ્યત્વે એ દર્શાવતો રહ્યો છે કે કોઈ વ્યક્તિ ક્યાંથી આવી છે, પણ આજે તેનાથી એ વાત પણ નક્કી થાય છે કે લોકો ક્યાં પ્રવાસ ખેડી શકે છે, કામ કરી શકે છે અને રહી શકે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
હજુ હમણા સુધી ઘણા દેશોએ બેવડાં નાગરિકત્વ ઉપર નિયંત્રણો લાદ્યાં હતાં કે પછી પ્રતિબંધ મૂક્યો હતો, જેના કારણે એક કરતાં વધુ પાસપૉર્ટ રાખવાનું ચલણ અત્યારના મુકાબલે ઓછું પ્રચલિત હતું.
જોકે, ભૂ-રાજકીય તંગદિલી, મહામારીને લીધે સીમાઓ બંધ થઈ જવી અને વિઝાના નિયમોમાં પરિવર્તન જેવાં પરિબળો વૈશ્વિક ગતિશીલતાને નવો આકાર આપી રહ્યાં છે અને દૂર રહીને કામ કરનારા લોકોની વધી રહેલી વસ્તીને ઉત્તેજન આપી રહ્યાં છે.
આ સ્થિતિમાં બીજા પાસપૉર્ટના વિકલ્પને એક ઉપાય સ્વરૂપે જોવાઈ રહ્યો છે.
તેલ અવીવ યુનિવર્સિટીમાં સમાજશાસ્ત્રનાં ઍસોસિયેટ પ્રોફેસર યોસી હરપાઝ કહે છે, "બીજી નાગરિકતા પ્રાપ્ત કરવા પાછળનાં મુખ્ય બે કારણ છેઃ ગતિશીલતા અને સુરક્ષા."
હરપાઝનું સંશોધન નાગરિકતા, સ્થળાંતર અને બેવડાં નાગરિકત્વના વૈશ્વિક પ્રવાહો પર કેન્દ્રિત છે. "અમુક વંશીય લઘુમતીઓ માટે, તે અસમાનતા કે પજવણી સામે સ્વયંને રક્ષણ પૂરું પાડવા માટેનો માર્ગ છે."
લંડન સ્કૂલ ઑફ ઇકૉનૉમિક્સ ખાતે પૉલિટિકલ સોશિયોલૉજીના ઍસોસિયેટ પ્રોફેસર તથા "ધ ગોલ્ડન પાસપૉર્ટઃ ગ્લોબલ મોબિલિટી ફૉર મિલેનિયલ્સ"નાં લેખિકા ક્રિસ્ટિન સુરાક કહે છે કે, બેવડાં નાગરિકત્વને વેગ આપવામાં વધી રહેલી રાજકીય અનિશ્ચતતા પણ ભાગ ભજવ્યો છે.
તેઓ સમજાવે છે, "એક સમયે સ્થિર લોકશાહી ગણાતા દેશો હવે ઘણા લોકોને સ્થિર લાગતા નથી."
"બ્રૅક્ઝિટ પછી, ઘણા બ્રિટિશ નાગરિકોએ તેમનાં આયરિશ દાદા-દાદીનો સંપર્ક સાધ્યો અને યુરોપિયન યુનિયનના લાભો જળવાઈ રહે, તે માટે આયરિશ નાગરિકત્વ મેળવી લીધું. તાજેતરનાં વર્ષોમાં અમેરિકન રાજકારણમાં વધેલા રાજનીતિકરણનો પ્રભાવ પણ તેમાં વર્તાઈ રહ્યો છે, લોકો યુરોપિયન યુનિયન છોડવાના વિકલ્પો શોધી રહ્યા છે."
સુરાક ઉમેરે છે કે, તેઓ તાત્કાલિક ધોરણે સ્થળાંતર ન કરે, તો પણ ઘણા અરજીદારો કોઈ માર્ગ ખુલ્લો હોવાની માનસિક શાંતિ મેળવવા માટે પણ આમ કરી રહ્યા છે.
તેઓ કહે છે, "આ નાગરિકતા વીમા કવચ જેવી છે."
વંશવેલામાં છુપાયેલો પાસપૉર્ટ
ઘણા લોકો માટે, આ શોધ વંશવેલાથી શરૂ થાય છે.
2016માં બ્રૅક્ઝિટના જનમત સંગ્રહ પછી આયરિશ પાસપૉર્ટ મેળવવા માટેની અરજીઓમાં મોટા પાયે ઉછાળો આવ્યો હતો, કારણ કે બ્રિટિશ નાગરિકો યુરોપની અંદર રહીને તેમની મુક્ત અવરજવર જાળવી રાખવા માટેના રસ્તા શોધી રહ્યા હતા.
આયર્લૅન્ડમાં જન્મેલા અને જેમનાં માતા-પિતા અથવા દાદા-દાદીમાંથી કોઈ પણ એક વ્યક્તિ આયરિશ હોય, તેવી કોઈ પણ વ્યક્તિને આયરિશ નાગરિકતા મેળવવાનો અધિકાર છે અને બ્રિટન બેવડાં નાગરિકત્વની છૂટ આપે છે.
આયર્લૅન્ડના વિદેશી બાબતોના વિભાગના જણાવ્યા પ્રમાણે, 2017 અને 2020ની વચ્ચે ગ્રેટ બ્રિટનમાં રહેતા લોકો માટે 3,50,000 કરતાં વધુ આયરિશ પાસપૉર્ટ ઇસ્યૂ કરવામાં આવ્યા હતા.
ઇમિગ્રેશનના વકીલો વંશ આધારિત નાગરિકત્વમાં સમાન પ્રકારની રુચિ જોઈ રહ્યા છે.
ઇટાલિયન સિટીઝનશિપ આસિસ્ટન્સના સ્થાપક, સીઇઓ અને ઇટાલિયન વકીલ માર્કો પરમુનિયન જણાવે છે, "ખાસ કરીને છેલ્લાં કેટલાંક વર્ષોમાં તેમાં ઘણો વધારો નોંધાયો છે."
પરમુનિયન કહે છે કે, ઇટાલીની નાગરિકતા મેળવવાની આશા ધરાવતા ઘણા લોકો શરૂઆતમાં તેમના પરિવારના ઇતિહાસ વિશે વધુ જાણકારી મેળવવાની અપેક્ષા સાથે આ પ્રક્રિયા શરૂ કરતા હોય છે.
તેઓ કહે છે, "તેઓ તેમના પૂર્વજોના બૅકગ્રાઉન્ડ વિશે જાણવા માટે ઉત્સુક હોય છે. તેઓ ક્યાંથી આવ્યા હતા અને તેમના પારિવારિક મૂળમાં કઈ સંસ્કૃતિ અને ભાષા રહેલાં છે."
પરંતુ તેની સાથે ઘણી વખત વ્યવહારુ પાસાં પણ મહત્ત્વની ભૂમિકા ભજવે છે.
તેઓ જણાવે છે, "તેઓ વ્યૂહાત્મક કારણસર પણ યુરોપિયન યુનિયનની નાગરિકતા મેળવવા માગે છે."
"ઝડપથી વૈશ્વિક થઈ રહેલા સમાજમાં રહીને લોકોને ખ્યાલ આવ્યો છે કે, જીવવા માટેના, કામ માટેના અને પ્રવાસ કરવા માટેના તેમના વિકલ્પો હવે ભૂતકાળ જેટલા સીમિત નથી રહ્યા."
ઇમેજ સ્રોત, Getty Images
વિલ્ટશાયરમાં રહેતાં જેમી કૅલ્ડવેલને પોતે આયરિશ નાગરિકત્વ મેળવવા માટેની યોગ્યતા ધરાવતાં હોવાની ત્યારે ખબર પડી, જ્યારે એક મિત્રે તેમને જણાવ્યું કે, તે અરજી કરી રહ્યો છે.
બ્રિટન યુરોપિયન યુનિયનમાંથી બહાર નીકળવાની તૈયારી કરી રહ્યું હતું, ત્યારે 2019માં તેમણે તેમની અરજી સુપરત કરી.
તેઓ કહે છે, "મને કદી એ વિચાર ન આવ્યો કે કદાચ હું પણ યોગ્યતા ધરાવતી હોઈશ. મેં મુખ્યત્વે મારાં બાળકોને ધ્યાનમાં રાખીને જ અરજી કરી હતી."
આખરે જ્યારે પાસપૉર્ટ આવી ગયા, ત્યારે કૅલ્ડવેલે તે ક્ષણને નાની પારિવારિક ઉજવણીમાં પલટી નાખી.
તેઓ કહે છે, "હું ગિનીઝ બિયર લઈ આવી, થોડું સેલ્ટિક સંગીત વગાડ્યું અને પાસપૉર્ટ તેમની સમક્ષ મૂક્યા. પણ તેમને તો બસ ગિનીઝમાં જ રસ હતો."
તેઓ કહે છે કે, ત્યારથી લઈને ત્રણેય બાળકો તકનું મહત્ત્વ સમજી ગયાં છે. બે બાળકો નેધરલૅન્ડ્ઝમાં કામ કરી ચૂક્યા છે અને એક યુનિવર્સિટીની લૅંગ્વેજ ડિગ્રી મેળવવા વિદેશમાં અભ્યાસ કરવા માગે છે.
કૅલ્ડવેલ કહે છે, "હું ઇચ્છું છું કે, મારાં બાળકો બીજા દેશોમાં રહેવાનો અને કામ કરવાનો અનુભવ મેળવે. યુરોપિયન પાસપૉર્ટ હોવાથી આ કામ ઘણું જ સરળ થઈ જાય છે."
કૅનેડિયન નાગરિકતા માટે નવી સ્પર્ધા
ઇમેજ સ્રોત, Getty Images
15મી ડિસેમ્બર, 2025ના રોજ પસાર કરવામાં આવેલા કૅનેડાના વંશાવલી આધારિત નાગરિકતાના નિયમોમાં કરવામાં આવેલા ફેરફારોએ વંશના આધારે નાગરિકત્વ મેળવવાના પ્રવાહને ગતિ પૂરી પાડી છે.
આ ફેરફારો વિદેશમાં જન્મેલા કેટલાક કૅનેડિયન નાગરિકોને તેમનાં બાળકોને નાગરિકત્વ આપવા માટે અસમર્થ બનાવતા અગાઉના નિયમોની ખામીઓને દૂર કરે છે.
આ ફેરફાર દેશ બહાર વસેલા હજારો વંશજોની યોગ્યતા વિસ્તારી શકે છે.
કેલગરીસ્થિત અક્કા બિઝનેસ ઇમિગ્રેશન લોનાં સ્થાપક એવલિન અક્કા કહે છે, "કૅનેડાની નાગરિકતા અંગે પૂછપરછ કરનારા અમેરિકનોની સંખ્યામાં વધારો નોંધાયો છે."
"અમેરિકન લોકો તેમના પારિવારિક ઇતિહાસની તપાસ કરી રહ્યા છે કે તેમના પૂર્વજો કૅનેડાથી છે કે કેમ. યોગ્યતા મેળવવા માટે કઈ જાણકારી પૂરી પાડવાની રહે છે, તે સમજાવવા માટે અમે લોકો સાથે ઘણાં કાઉન્સેલિંગ સેશન્સ યોજી રહ્યાં છીએ."
અક્કાના ઘણા ક્લાયન્ટ્સ નાગરિકતાને માત્ર સુરક્ષાત્મક આવરણ તરીકે જુએ છે, પણ અન્ય લોકો ટૂંક સમયમાં જ કૅનેડા સ્થળાંતર કરવાની યોજના ઘડી રહ્યા છે.
તેઓ ઉમેરે છે, "કૅનેડાના નાગરિકો આરોગ્યને લગતા ઘણા લાભ મેળવતા હોવાથી કેટલાક લોકો કૅનેડામાં નિવૃત્તિ મેળવવાનો આશય ધરાવે છે."
શિકાગોમાં રહેતા સૉફ્ટવૅર એન્જિનિયર જ્યૉર્જ એમે ગયા અઠવાડિયે જ્યારે આ વિશેની ઑનલાઇન ચર્ચા જોઈ, ત્યારે તેમને જાણ થઈ કે આ કાયદા માટે કદાચ તેઓ પણ યોગ્યતા ધરાવે છે.
ગણતરીના દિવસોમાં જ જ્યૉર્જે કૅનેડામાં જન્મેલા તેમનાં દાદીના પિતા સુધીની પરિવારની વંશાવલી તપાસતા દસ્તાવેજો એકત્રિત કરવા માંડ્યા.
તેઓ કહે છે, "કૅનેડાનો પાસપૉર્ટ મેળવવાનું ઘણું સરળ લાગે છે."
જ્યારે નાગરિકત્વ જીવન સુરક્ષા માટેનો પ્લાન બને
ઇમેજ સ્રોત, Getty Images
સ્થિર લોકશાહી દેશોમાં વસનારા ઘણા અરજીદારો બીજા નાગરિકત્વને ઇમર્જન્સી પ્લાન તરીકે જુએ છે, પણ વિશ્વના અન્ય ભાગોમાં તે બિનજરૂરી હોઈ શકે છે.
ગત દાયકામાં વેનેઝુએલાના ઘણા નાગરિકોએ 19મી સદીના ઉત્તરાર્ધ અને 20મી સદીના પૂર્વાર્ધમાં દક્ષિણ અમેરિકામાં યુરોપિયન સ્થળાંતરની લહેરથી થયેલા પારિવારિક સંબંધોના આધારે સ્પેનિશ કે ઇટાલિયન નાગરિકત્વ માટે અરજી કરી છે.
આ ઐતિહાસિક જોડાણો હવે તેમના અમુક વંશજોને બીજી નાગરિકતા પ્રાપ્ત કરવા માટેનો કાનૂની માર્ગ પૂરો પાડે છે.
હરપાઝના જણાવ્યા મુજબ, બીજા પાસપૉર્ટ ઘણી વખત વર્ષો સુધી નિષ્ક્રિય પડ્યા રહે છે. 2019-2020માં હૉંગકૉંગ ઉપર ચીનનું આકરું નિયંત્રણ અને 2000ના દાયકાના પ્રારંભમાં આર્જેન્ટિનાના આર્થિક પતન જેવી ગંભીર કટોકટીની સ્થિતિમાં જ બેવડું નાગરિકત્વ ધરાવતા લોકો મોટી સંખ્યામાં દેશ છોડી જતા હોય છે.
વેનેઝુએલાની આર્થિક તથા રાજકીય કટોકટી વધુ ઘેરી બની છે, ત્યારે વંશાનુગત જોડાણો સ્થળાંતર માટેનો મહત્ત્વનો માર્ગ બન્યા છે.
સ્પેનની નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ સ્ટેટિસ્ટિક્સના જણાવ્યા પ્રમાણે, માત્ર 2024માં જ વેનેઝુએલાના 35,000 કરતાં વધુ નાગરિકોએ સ્પેનનું નાગરિકત્વ મેળવ્યું હતું, જે સાથે તે વર્ષે તેમણે નાગરિકત્વ મેળવનારાં સૌથી વિશાળ જૂથોમાં સ્થાન મેળવ્યું હતું.
સ્પેનમાં હવે વેનેઝુએલાના લોકો સૌથી મોટાં સ્થળાંતરિત જૂથો પૈકીના એક છે અને સ્થળાંતરિતોની વસ્તી લગભગ 7,00,000ની આસપાસ છે.
લક્ઝરી પાસપૉર્ટનું બજાર
ઇમેજ સ્રોત, Getty Images
બીજી તરફ, કેટલાક લોકો બીજો પાસપૉર્ટ ખરીદી રહ્યા છે.
ગત ડિસેમ્બરમાં અમેરિકાએ ટ્રમ્પ ગોલ્ડ કાર્ડ લૉન્ચ કર્યું હતું, જે હેઠળ વિદેશી નાગરિકો અમેરિકન સરકારને એક મિલિયન ડૉલરનું યોગદાન આપીને તથા 15,000 ડૉલરની પ્રોસેસિંગ ફી ચૂકવીને અમેરિકામાં રહેવાસ અને નાગરિકત્વ મેળવી શકે છે.
ઘણા નાના દેશો ખાસ કરીને યુરોપના કેટલાક ભાગો અને કેરેબિયનમાં રોકાણ દ્વારા નાગરિકતાના કાર્યક્રમો ચલાવી રહ્યા છે. આ કાર્યક્રમો સરકારના વિકાસલક્ષી પ્રકલ્પો કે પ્રોપર્ટી માર્કેટ્સમાં ધરખમ રકમનું યોગદાન આપી રહ્યા છે.
સમર્થકો કહે છે કે, આ કાર્યક્રમો નાનાં અર્થતંત્રો માટે અત્યંત જરૂરી આવક ઊભી કરે છે. તેમ છતાં, મોટા ભાગના પાસપૉર્ટ્સના વધી રહેલા વેપારને કારણે વૈશ્વિક ગતિશીલતામાં રહેલી વ્યાપક અસમાનતા પણ છતી થાય છે.
રસપ્રદ બાબત એ છે કે છેલ્લાં કેટલાંક વર્ષોમાં રોકાણના માધ્યમથી નાગરિકતા પૂરી પાડતા બજારમાં તુર્કી એક અગ્રણી દેશ તરીકે ઊભરી આવ્યું છે.
સુરાકના જણાવ્યા મુજબ, વૈશ્વિક સ્તરે રોકાણ દ્વારા નાગરિકતા માટે સ્વીકારવામાં આવતી અરજીઓ પૈકીની અડધોઅડધ અરજીઓ તુર્કીથી આવે છે.
તેઓ કહે છે, "નાના ટાપુઓ પર આધારિત કાર્યક્રમોથી અલગ, તુર્કી વિશાળ પ્રાદેશિક કેન્દ્ર છે અને આથી જ ત્યાં યોગ્યતા મેળવવી પ્રમાણમાં સરળ છે."
અરજીદારોએ ઓછામાં ઓછી 4,00,000 ડૉલરના મૂલ્યની મિલકતો ખરીદવી પડે છે અને તેને ત્રણ વર્ષ સુધી જાળવી રાખવાની રહે છે.
સુરાક સમજાવે છે કે, ઇરાક, ઈરાન, પાકિસ્તાન અને સીરિયા જેવા પ્રતિબંધિત ઇમિગ્રેશન સાથેના દેશોના અરજીદારો માટે આ કાર્યક્રમ આકર્ષક પુરવાર થયો છે.
"સામાન્ય તુર્કી પાસપૉર્ટ યુરોપિયન યુનિયનમાં વિઝા વિના પ્રવેશની છૂટ ન આપતો હોવા છતાં તે અન્ય ઘણા પાસપૉર્ટો કરતાં સારો છે."
આ અપીલ વિશ્વભરમાં પાસપૉર્ટ દ્વારા અપાતા લાભોમાં રહેલી વ્યાપક અસમાનતા દર્શાવે છે.
હેનલી પાસપૉર્ટ ઇન્ડેક્સ અનુસાર, 2026માં વિશ્વનો સૌથી શક્તિશાળી પાસપૉર્ટ સિંગાપોરનો હશે, જે 192 સ્થળો માટે વિઝામુક્ત પ્રવાસની છૂટ આપે છે, જ્યારે સૌથી નીચો રેન્ક ધરાવતો પાસપૉર્ટ અફઘાનિસ્તાનનો છે, જે કેવળ 24 સ્થળો સુધીની જ પહોંચ પૂરી પાડે છે.
જેમ-જેમ સ્થળાંતરનું મહત્ત્વ વધી રહ્યું છે, તેમ નાગરિકતાને એક વ્યૂહાત્મક અસ્કયામત તરીકે જોવામાં આવી રહી હોય, એવું પ્રતીત થઈ રહ્યું છે.
મોટા ભાગના લોકો માટે ડ્રોઅરમાં રાખવામાં આવેલા પાસપૉર્ટની ઉપયોગિતા હવે ઓળખના દસ્તાવેજ કરતાં આગળ વધીને એક પ્રકારની વીમા સુરક્ષા જેવી બની ગઈ છે, અનિશ્ચિત વિશ્વમાં એક બૅકઅપ પ્લાન જેવી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
નવાજૂની
બીબીસી વિશેષ
સૌથી વધુ વંચાયેલી સ્ટોરીઝ
આ કન્ટેન્ટ ઉપલબ્ધ નથી