મોટી ઉંમરે રોકાણ કરતી વખતે કઈ 6 વાતો ધ્યાનમાં રાખવી, કેવી ભૂલો ભારે પડી શકે?

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, અજિત ગઢવી
    • પદ, બીબીસી સંવાદદાતા
  • વાંચવાનો સમય: 5 મિનિટ

"હું મારી નોકરીમાંથી રિટાયર થઈ ગયો છું અને હવે મારે એક સાથે મોટી રકમનું રોકાણ કરવું છે. શું બધા રૂપિયા શૅરબજારમાં રોકવા જોઈએ? શું મારે કોઈ પ્રોપર્ટી ખરીદવી જોઈએ? કે પછી સરકારી સ્કીમમાં રૂપિયા રોકવા જોઈએ?"

મોટી ઉંમરે મૂડીરોકાણને લઈને લોકોમાં આ પ્રકારની ઘણી બધી મુંઝવણો હોય છે. તેનું કારણ છે કે રિટાયર થયા પછી પણ આગામી 20થી 30 વર્ષ સુધી તમારી બચત ટકી રહે તે પ્રમાણે આયોજન કરવું પડે છે.

રોકાણ માટે મ્યુચ્યુઅલ ફંડ, બૅન્ક એફડી, શૅરબજાર, ગોલ્ડ, રિયલ ઍસ્ટેટ સહિતનાં સાધનો છે અને તેની સામે ફુગાવો ધ્યાનમાં રાખવો પડે છે કારણ કે, એક ઉંમર પછી મેડિકલ ખર્ચ વધી જાય છે.

આવી સ્થિતિમાં રોકાણકારોએ કઈ વાતોને ધ્યાનમાં રાખવી, તેના વિશે નાણાકીય સલાહકારોનો મત જાણ્યો છે.

તેમણે કેટલીક એવી બાબતો જણાવી જેનું મોટી ઉંમરે રોકાણ કરતી વખતે ખાસ ધ્યાન રાખવું જોઈએ.

Sorry, we can’t display this part of the story on this lightweight mobile page.

1. ઊંચા વળતરની પાછળ ન ભાગો

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, નાણાકીય પ્રોડક્ટને બરાબર સમજીને પછી જ ડૉક્યુમેન્ટ પર સહી કરો

સોહમ કૅપિટલ સર્વિસિસના પાર્ટનર પ્રિયંક ઠક્કર કહે છે કે, "માણસની ઉંમર વધે તેમ રોકાણનો હેતુ બદલાય છે. વૃદ્ધાવસ્થામાં વધુ નફાની દોડ કરતાં મૂડીની સુરક્ષા, નિયમિત આવક અને મનની શાંતિ વધુ મહત્ત્વની બને છે."

તેઓ કહે છે કે "મોટી ઉંમરના લોકો મૂડીરોકાણ કરતી વખતે ઘણી વાર ખોટી સલાહ અથવા કમિશન આધારિત વેચાણનો શિકાર બને છે. તેથી તેમણે 'ઉચ્ચ નફાની ખાતરી' અથવા 'રોકાણની છેલ્લી તક' જેવી વાતોથી સાવધાન રહેવું જોઈએ. કોઈપણ રોકાણ કરતા પહેલાં પરિવારજનો અથવા વિશ્વસનીય નાણાકીય સલાહકારની સલાહ લો અને પ્રોડક્ટને બરાબર સમજ્યા પછી જ ડૉક્યુમેન્ટ પર સહી કરો."

શૅરબજારમાં રોકાણ એ હાઇરિસ્ક કૅટેગરીમાં આવે છે. મનીપ્લાન્ટ ફિનમાર્ટના ડાયરેક્ટર મેહુલ શાહ કહે છે કે "તમે વર્ષોના અનુભવી હોવ અને શૅરબજારને જાણતા હોવ તો રોકાણ કરી શકાય. પરંતુ સ્ટૉકમાર્કેટનો જરાય અનુભવ ન હોય અને માત્ર બીજાના કહેવાથી અથવા દેખાદેખીમાં શૅરબજારમાં રોકાણ કરવું જોખમી સાબિત થઈ શકે છે."

2. હેલ્થ ઇન્સ્યૉરન્સ અનિવાર્ય છે

ઇમેજ સ્રોત, Mehul Shah

ઇમેજ કૅપ્શન, મેહુલ શાહનું કહેવું છે કે મોટી વયના લોકો માટે આરોગ્ય વીમાનું છત્ર અનિવાર્ય છે

તમારી ઉંમર ગમે તેટલી હોય, આરોગ્ય વીમો એટલે કે હેલ્થ ઇન્સ્યૉરન્સની ઉપેક્ષા કરવી ભારે પડી શકે છે.

નાણાકીય સલાહકાર મેહુલ શાહ કહે છે કે "કેટલાક લોકો માને છે કે આખી જિંદગી તેમને ઇન્સ્યૉરન્સની જરૂર નથી પડી તો હવે મોટી ઉંમરે ઊંચું પ્રીમિયમ ભરવાની જરૂર નથી. આવું વિચારીને તેઓ પ્રીમિયમ બંધ કરી દે છે, પરંતુ તે બહુ નુકસાનકારક સાબિત થઈ શકે છે."

પ્રિયંક ઠક્કરે જણાવ્યું કે, "વૃદ્ધાવસ્થામાં આરોગ્ય સંબંધિત ખર્ચ અચાનક આવી શકે છે. તેથી રોકાણ એવી જગ્યાએ હોવું જોઈએ જ્યાંથી જરૂર પડે ત્યારે 24થી 48 કલાકમાં પૈસા ઉપલબ્ધ થઈ જાય. બધા પૈસા લાંબા સમય માટે લૉક કરી દેવા યોગ્ય નથી. મેડિકલ અને ઇમરજન્સી માટે અલગ અને તરત ઉપલબ્ધ ફંડ રાખવું અત્યંત જરૂરી છે."

3. નવી નવી ચીજોના અખતરા ન કરો

ઇમેજ સ્રોત, Priyank Thakkar

ઇમેજ કૅપ્શન, પ્રિયંક ઠક્કર માને છે કે સારા વળતરની સાથે સાથે જરૂરી સમયે રૂપિયા પાછા મળે તે માટે લિક્વિડિટી પણ આવશ્યક છે

મોટી ઉંમરના લોકો ઘણી વખત અખબારોમાં જાહેરાત વાંચીને અથવા સોશિયલ મીડિયા પર આવતા માર્કેટિંગના મૅસેજથી પ્રેરાઈને રોકાણ સાથે અખતરા કરે છે જેમાં તેમના રૂપિયા ધોવાઈ શકે છે.

નાણાકીય સલાહકાર મેહુલ શાહ કહે છે કે, "ઘણા લોકો નાની ઉંમરે રિસ્ક નથી લેતા અને પછી મોટી ઉંમરે કોઈ શૅર અથવા મ્યુચ્યુઅલ ફંડ સ્કીમનું જોખમ લઇને રૂપિયા રોકે છે. તેઓ માને છે કે પહેલાની જેમ જ તે શૅર કે મ્યુચ્યુઅલ ફંડ ભવિષ્યમાં પણ ઊંચું વળતર આપશે. પરંતુ મોટી વયના લોકો માટે આ જોખમી સ્ટ્રેટેજી છે. તેમાં તેમની મૂડી ધોવાઈ શકે છે. રિટર્નની લાલચમાં મૂડી ધોવાઈ જાય તે ન ચાલે."

તેઓ કહે છે કે, "રિટાયરમેન્ટના રૂપિયામાં અખતરા ન કરવા જોઈએ. જે પ્રોડક્ટનો તમને અનુભવ અને સમજ હોય, તેમાં જ રૂપિયા રોકાય."

4. રિયલ ઍસ્ટેટમાં રોકાણ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, રિયલ ઍસ્ટેટમાં રોકાણ ભાડાંની નિયમિત આવક અપાવી શકે, પરંતુ તે લિક્વિડ ઍસેટ નથી.

નાણાકીય નિષ્ણાતોની સલાહ છે કે 60-65 વર્ષની ઉંમર થઈ જાય ત્યાર પછી રિયલ ઍસ્ટેટમાં મોટું રોકાણ ટાળવું જોઈએ. તેનું કારણ છે કે રિયલ્ટી એ સૌથી ઓછી લિક્વિડ ઍસેટ છે.

સોહમ કૅપિટલ સર્વિસિસના પ્રિયંક ઠક્કર કહે છે કે "રિયલ ઍસ્ટેટને વેચવામાં સમય લાગે છે અને તમને રૂપિયાની જરૂર હોય ત્યારે રૂપિયા ન મળે તેવું બની શકે. હા, રિયલ ઍસ્ટેટમાં ભાડાંની આવક મેળવી શકાય છે."

મેહુલ શાહ કહે છે કે "રિયલ ઍસ્ટેટમાં કરેલા રોકાણમાં લિક્વિડિટી નથી હોતી. તેમાં રુપિયા લાંબા સમય માટે લોક થઈ શકે છે અને જરૂર ત્યારે તમારી જ મૂડી તમે વાપરી ન શકો તેવું બની શકે. તેથી રિયલ ઍસ્ટેટમાં REITનો વિકલ્પ છે તેમાં રોકાણ કરી શકાય."

5. લિક્વિડિટીને ધ્યાનમાં રાખો

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મોટી વયના લોકોએ ઊંચા વળતરની લાલચમાં મૂડી ધોવાઈ ન જાય તેનો ખાસ ખ્યાલ રાખવો જોઈએ.

મોટી ઉંમરે એવી જગ્યાએ રૂપિયા રોકવાની સલાહ આપવામાં આવે છે જે લિક્વિડ હોય. એટલે કે રૂપિયાની જરૂર પડે ત્યારે તરત તેને ઉપાડી શકાય. બૅન્ક એફડી, મ્યુચ્યુઅલ ફંડ, ગોલ્ડ, ઈટીએફ વગેરે આ કૅટેગરીમાં આવે છે.

મેહુલ શાહ કહે છે કે "લાંબા ગાળાની સરકારી સ્કીમોમાં રોકાણ કરો ત્યારે તેમાં કેટલી લિક્વિડીટી છે તે જુઓ. ઘણી વખત આખી જિંદગી રૂપિયા ઉપાડી શકાતા નથી. માત્ર વ્યાજની આવક થાય છે."

પ્રિયંક ઠક્કરે જણાવ્યું કે "મોટી વયના લોકો માટે મૂડીની સુરક્ષા અને આવકની નિશ્ચિતતા બંને જરૂરી છે. એટલે કે તમારે જ્યારે રૂપિયાની જરૂર હોય ત્યારે તે રૂપિયા ઝડપથી તમને મળવા જોઈએ."

6. ડાઇવર્સિફિકેશન જરૂરી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, નાણાકીય સલાહકારોનું કહેવું છે કે કોઈ એક ઍસેટ પર વધારે ફૉકસ કરવાના બદલે અલગ અલગ સાધનોમાં રોકાણ કરો.

નાણાકીય સલાહકારો એક વાત પર સહમત છે કે કોઈ પણ ઉંમરે મૂડીરોકાણ કરો ત્યારે તેમાં વૈવિધ્ય એટલે કે ડાઇવર્સિફિકેશન હોવું જોઈએ.

એક જ ચીજ પાછળ મોટા ભાગની રકમ ન લગાવો. એટલે કે તમારા પૉર્ટફોલિયોમાં શૅર, મ્યુચ્યુઅલ ફંડ, ગોલ્ડ સહિતનાં સાધનો સામેલ હોવા જોઈએ.

મેહુલ શાહે જણાવ્યું કે મોટી ઉંમરના લોકો બૉન્ડમાં રોકાણ કરી શકે છે તથા મ્યુચ્યુઅલ ફંડમાં ઓછી અથવા મધ્યમ જોખમી સ્કીમોમાં એસડબલ્યુપી (સિસ્ટમેટિક વિડ્રોઅલ પ્લાન)માં રોકાણ કરી શકાય છે.

(સ્પષ્ટતાઃ શૅરબજારમાં રોકાણમાં નાણાકીય નુકસાનનું જોખમ રહેલું છે. આ લેખમાં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારીના હેતુસર છે અને તેને નાણાકીય સલાહ ગણવી ન જોઈએ. વાચકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ જાતે સંશોધન કરે અને રોકાણના કોઈ પણ નિર્ણયો લેતા પહેલાં પોતાના નાણાકીય સલાહકારની મદદ લે. બીબીસી ગુજરાતી આ માહિતીના આધારે થયેલા રોકાણથી થતા કોઈ પણ નાણાકીય નુકસાન માટે જવાબદાર નથી.)

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન