Gujarat Weather Update : ગુજરાતમાં હવે ક્યાં વરસાદ પડશે? ગરમી કેટલી ઘટશે?

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર
વાંચવાનો સમય: 3 મિનિટ

દેશની રાજધાની નવી દિલ્હીમાં હવામાનમાં અચાનક પલ્ટો આવ્યો છે અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો છે. ભારે વરસાદના કારણે અનેક જગ્યાએ પાણી ભરાયા છે અને 100થી વધારે ફ્લાઇટ મોડી પડી છે. ઉપરાંત વૃક્ષ ઘર પર પડી જવાને કારણે ચાર લોકોનાં મૃત્યુ થયાં છે

બીજી તરફ સખત ગરમીનો અનુભવ કરતા ગુજરાતમાં પણ ત્રીજી મેથી સાતમી મે સુધી કેટલાક જિલ્લામાં વરસાદની આગાહી છે, જેના કારણે તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થઈ શકે છે.

હાલમાં ગુજરાતને ગરમીમાં કોઈ રાહત નથી મળી અને અમદાવાદ, રાજકોટ સહિતનાં શહેરોમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસથી ઉપર છે.

ગુજરાતમાં આગામી પાંચ દિવસ ક્યાં વરસાદ પડશે?

ઇમેજ સ્રોત, IMD

હવામાન કેન્દ્રની આગામી પાંચ દિવસની આગાહી પ્રમાણે મહત્તમ તાપમાનમાં બહુ મોટો ફેરફાર નહીં થાય, પરંતુ બેથી ચાર ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાન ઘટી શકે છે.

ગુજરાત અને સૌરાષ્ટ્ર -કચ્છ વિસ્તારમાં બીજી મેએ સૂકું હવામાન રહેશે. ત્રીજી મેએ બનાસકાંઠા, સાબરકાંઠા અને કચ્છ જિલ્લામાં છુટાછવાયા વિસ્તારમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદ પડી શકે છે. બાકીના ભાગોમાં હવામાન સૂકું રહેશે.

ઇમેજ સ્રોત, IMD

4-5 મે દરમિયાન બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, પાટણ, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા અને છોટા ઉદેપુર જિલ્લામાં તથા સૌરાષ્ટ્ર-કચ્છના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, કચ્છ અને દીવમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

5થી 6 મે દરમિયાન બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, પાટણ, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા અને છોટા ઉદેપુર ઉપરાંત નર્મદા, સુરત, તાપી, વલસાડ, નવસારી, ડાંગ, દમણ, દાદરા નગર હવેલી, ભાવનગર, અમરેલી અને કચ્છમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.

ઇમેજ સ્રોત, IMD

6 મેથી 7 મે દરમિયાન બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, પાટણ, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા અને છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, વલસાડ, નવસારી, ડાંગ, દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, રાજકોટ, પોરબંદર, જુનાગઢ અને દીવમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.

7થી 8 મે દરમિયાન ભરુચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલી તથા સૌરાષ્ટ્રમાં અમરેલી અને ભાવનગરમાં હળવા વરસાદની શક્યતા છે.

4થી 7 મે દરમિયાન ગુજરાતના જે વિસ્તારોમાં વરસાદની શક્યતા છે ત્યાં પવનની ઝડપ 30થી 40 કિમી પ્રતિ કલાક રહી શકે છે.

ગરમીમાં કેટલી રાહત મળશે?

ઇમેજ સ્રોત, IMD

ખાનગી હવામાન સંસ્થા સ્કાયમેટના હવામાન નિષ્ણાત મહેશ પલાવતે જણાવ્યું કે "વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે દિલ્હી, પંજાબ અને હરિયાણામાં હવામાનમાં પલ્ટો આવ્યો છે અને 10 ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાનમાં ઘટાડો થયો છે."

તેમણે કહ્યું છે "6 મેથી 8 મે સુધી ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે. ખાસ કરીને બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં વરસાદ પડશે. પરંતુ સૌરાષ્ટ્રના કિનારાવર્તી વિસ્તારોમાં વરસાદની શક્યતા ઓછી છે."

ઇમેજ સ્રોત, @IMDAHMEDABAD

ઇમેજ કૅપ્શન, ગુજરાતના અલગ અલગ ભાગોમાં છેલ્લા 24 કલાકમાં મહત્તમ તાપમાનની સ્થિતિ

ઉત્તર ભારતમાં પંજાબ, હરિયાણા અને દિલ્હીમાં એક અઠવાડિયા સુધી મધ્યમ વરસાદ પડે અને ધૂળની ડમરીઓ ઊડવાની શક્યતા છે તેમ પલાવતે જણાવ્યું હતું.

તેમણે કહ્યું કે "આગામી દિવસોમાં હવામાનમાં ફેરફારના કારણે ગુજરાતનાં ઘણાં શહેરોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી નીચે જઈ શકે છે."

અમદાવાદ સ્થિત હવામાન વિભાગના વડા એ કે દાસે પણ બીબીસી ગુજરાતીને જણાવ્યું કે ગુજરાતમાં કેટલાક વિસ્તારમાં ત્રીજી મેથી હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે જેના કારણે તાપમાનમાં બેથી ચાર ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થઈ શકે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન