જ્યારે મધુબાલાએ દિલીપકુમારને અદાલતમાં ખેંચ્યા અને તેમણે જાહેરમાં કબૂલ્યું 'હું મધુને પ્રેમ કરું છું અને હંમેશાં કરીશ'

ઇમેજ સ્રોત, Madhur Bhushan

ઇમેજ કૅપ્શન, મુગલ-એ-આઝમને ભારતીય ફિલ્મ ઉદ્યોગની ટોચની ફિલ્મો પૈકી એક ગણવામાં આવે છે.
    • લેેખક, રાજકુમાર કેસવાની
    • પદ, વરિષ્ઠ પત્રકાર, બીબીસી હિંદીડૉટકૉમ માટે વિશેષ
  • વાંચવાનો સમય: 6 મિનિટ

એ સત્ય છે કે આખા બ્રહ્માંડમાં પ્યાર-મોહબ્બત કરતાં વધારે સુંદર બીજી કોઈ વસ્તુ નથી, પરંતુ જ્યારે વાત બગડી જાય ત્યારે ઇતિહાસનાં પાનાં ખૂલીને સામે આવે છે અને પ્રેમની નિષ્ફળતાનાં પીડાદાયક પરિણામોની હજારો કહાણીઓ યાદ કરાવે છે.

એક જમાનાના બે મહાન કલાકારો દિલીપકુમાર અને મધુબાલાના અજોડ પ્રેમની એ હૃદયદ્રાવક દાસ્તાંની યાદ આવે છે જેનું છેલ્લું પાનું એક અદાલતની કાર્યવાહીમાં લખાયું.

આ વાત કંઈક 64-65 વર્ષ જૂની છે. નિર્દેશક રામ દરયાનીની ફિલ્મ 'તરાના' (1957) માટે દિલીપકુમારને હીરો અને મધુબાલાને હીરોઇન તરીકે સાઇન કરાયાં હતાં. હીરો-હીરોઇન જેવાં એકબીજાંની સામે આવ્યાં, તો બસ જાદુ થઈ ગયો.

Sorry, we can’t display this part of the story on this lightweight mobile page.

'પ્રેમનો એકરાર'

ઇમેજ સ્રોત, Madhur Bhushan

ઇમેજ કૅપ્શન, મધુબાલાનો જન્મ વેલેન્ટાઇન ડે પર થયો હતો. તેમના સ્વભાવમાં રોમૅન્ટિસિઝમ અને ચંચળતા હતી.

આ ફિલ્મમાં લતા મંગેશકર અને તલત મહમૂદનું એક યુગલગીત આ જાદુને કંઈક આ રીતે વર્ણવે છે, 'નૈન મિલે નૈન હુએ બાવરે, ચૈન કહાં મોહે સજન સાંવરે'. આ દિલીપકુમાર-મધુબાલાના પ્રેમની શરૂઆત હતી.

કહેવાય છે, આ શરૂઆતમાં ગુલાબના એક ફૂલની ખૂબ જ મહત્ત્વની ભૂમિકા હતી.

મધુબાલાએ એ જમાનામાં પ્રેમના પ્રચલિત સાધન 'ચબરખી'ની સાથે આ ગુલાબ દિલીપકુમારને તેમના મેક-અપ રૂમમાં મોકલ્યું હતું.

ચબરખી પર લખ્યું હતું, 'જો તમને મારી સાથેના પ્રેમનો એકરાર હોય, તો આ ગુલાબનો સ્વીકાર કરશો'. દિલીપકુમારના ચહેરા પર સ્મિત રેલાયું અને ગુલાબ પોતાના હાથમાં લઈ લીધું.

મધુબાલાના સ્વભાવમાં જબરજસ્ત રોમૅન્ટિસિઝમ અને ચંચળતાનો એક ગજબનો મેળ હતો; અને હોય પણ કેમ નહીં; મધુબાલાનો જન્મ થયો હતો 14 ફેબ્રુઆરી 1933એ, અને એ હતો દુનિયાભરના પ્રેમીઓના ઉત્સવનો દિવસ, 'વેલેન્ટાઇન ડે'.

જ્યારે આ સિલસિલો શરૂ થયો ત્યારે મધુબાલાની ઉંમર માંડ 17 વરસની હતી. આ 17 વરસની ઉંમર સુધી પહોંચતાં પહેલાં મધુબાલા કમાલ અમરોહી અને પ્રેમનાથની સાથે ઇશ્કમાં પડી ચૂક્યાં હતાં.

મધુબાલાની પહેલ

કિશોરાવસ્થાની અણસમજમાં થયેલા નિષ્ફળ પ્રેમની આ દુર્ઘટનાઓમાંથી પસાર થયેલાં મધુબાલા આ વખતે આ સંબંધ માટે ખૂબ જ ગંભીર હતાં. આ પ્રેમમાં તેઓ દીવાનગીની હદ સુધી આસક્ત હતાં.

આ પ્રેમની પહેલ ભલે મધુબાલાએ કરી હોય, પરંતુ દિલીપકુમારની દીવાનગી પણ કોઈ રીતે ઓછી નહોતી.

તેમના માટે મધુબાલા વગરનો એક દિવસ પણ પસાર કરવો લગભગ અશક્ય થઈ ગયો હતો.

સ્થિતિ એવી હતી કે પોતાની ફિલ્મનું શૂટિંગ છોડી-છોડીને તેઓ ત્યાં પહોંચી જતા જ્યાં મધુબાલાનું શૂટિંગ ચાલતું હોય.

મધુબાલાના પિતા અતાઉલ્લાખાન ખૂબ જ કડક સ્વભાવના માણસ હતા. તેઓ હંમેશાં પોતાની પુત્રી પર સચેત નજર રાખતા હતા.

ફિલ્મી દુનિયાનાં તમામ પુરુષપાત્રો તેમના માટે શંકાના ઘેરાવામાં હતા.

દિલીપકુમાર પણ એ ઘેરાવામાંથી બાકાત નહોતા, તેમ છતાં વાત એટલે સુધી પહોંચી ગઈ કે સંબંધને એક ઔપચારિક નામ આપી શકાય.

તીન પત્તાંની રમત

મધુબાલાની બહેન અનુસાર, તેમની સગાઈ પણ થઈ ગઈ. દિલીપકુમારનાં મોટાં બહેન સકીનાઆપા રિવાજ પ્રમાણે ચૂંદડી લઈને મધુબાલાના ઘરે પણ પહોંચ્યાં હતાં, પરંતુ આખરે એક દિવસ વાત બગડી ગઈ.

આ જોડીએ 'તરાના' પછી 1952માં 'સંગદિલ' અને 1954માં 'અમર'માં સાથે લીડ રોલ ભજવ્યા હતા.

કે આસિફની 'મુગલ-એ-આઝમ' રિલીઝ ભલે 1960માં થઈ, પરંતુ તેનું શૂટિંગ 50ના દાયકાથી જ ચાલતું હતું.

આ ફિલ્મોનાં શૂટિંગ દરમિયાન જ દિલ્પીકુમારના મનમાં અતાઉલ્લાખાન માટે એક વિચિત્ર પ્રકારના અણગમાની લાગણી જન્મી ચૂકી હતી.

તેનું કારણ હતું ખાનસાહેબની મધુબાલાના જીવનમાં ડગલે ને પગલે દખલગીરી. શૂટિંગ દરમિયાન પણ તેમની દખલગીરીથી ડાયરેક્ટર પરેશાન થઈ જતા હતા.

કે આસિફ તો ખાનસાહેબથી એટલા હેરાન થઈ ગયા હતા કે તેમને સેટથી દૂર રાખવા માટે પોતાના એક પીઆરઓ મિત્ર તારક ગાંધીની મદદ લીધી અને ખાનસાહેબને તીન પત્તાંની રમતમાં વ્યસ્ત કરી દીધા જેનો તેમને ખૂબ ચસકો હતો.

ઝઘડાની સ્થિતિ

ઇમેજ સ્રોત, AFP GETTY

ઇમેજ કૅપ્શન, વૈજયંતિમાલા સાથે દિલીપકુમાર

એ દિવસે સેટ પર દિલીપકુમાર-મધુબાલા વચ્ચે સલીમ-અનારકલીના ખૂબ જ રોમૅન્ટિક સીન શૂટ થવાના હતા. મધુબાલાનું જીવનચરિત્ર લખનાર પત્રકાર મોહનદીપ અનુસાર, 'આસિફે 25 હજાર રૂપિયા આપીને ગાંધીને કહ્યું – 'જીતવા દો સાલા ને'.

હકીકત એ છે કે આ રમતના વિજેતા આસિફ જ રહ્યા, જેમણે એ દિવસે પોતાને ગમતી રીતે રોમૅન્ટિક સીન શૂટ કરી લીધા અને અતાઉલ્લાખાન જુગારમાં જીતેલી નોટ ગણતા રહ્યા.

દિલીપકુમારને આ બધા પ્રતિબંધો અને ખાનસાહેબની આદતો સહેજે ગમતાં નહોતાં.

તેમણે મધુબાલાને સ્પષ્ટ કહી દીધું હતું કે લગ્ન માટે તેમણે ફિલ્મોમાં કામ કરવાનું તો છોડવું જ પડશે, પરંતુ તેની સાથે પોતાના પિતા સાથેના બધા સંબંધો તોડવા પડશે.

મધુબાલાને પોતાના પિતાની કઠોરતા છતાં તેમના માટે ખૂબ પ્રેમ હતો.

જે મુશ્કેલીઓ સાથે તેમણે પોતાનો પરિવાર સંભાળ્યો હતો, તે કારણે તે તેમને ખૂબ આદર-સન્માન આપતાં હતાં.

આ જ બાબતને લઈને આ બે પ્રેમીઓમાં ઘણી વાર ઝઘડાની સ્થિતિ ઊભી થતી હતી.

શૂટિંગનું લોકેશન

ઇમેજ સ્રોત, Saira Bano

ઇમેજ કૅપ્શન, દિલીપકુમાર અને સાયરાબાનો

1956માં નિર્માતા-નિર્દેશક બીઆર ચોપડાએ પોતાની ફિલ્મ 'નયા દૌર'ની યોજના બનાવી. આ ફિલ્મ માટે દિલીપકુમારની સાથે મધુબાલાને કાસ્ટ કરવામાં આવ્યાં. શરૂઆત સારી થઈ.

મુહૂર્તથી લઈને કારદાર સ્ટુડિયોમાં પહેલા દસ દિવસનું શૂટિંગ પણ રંગે-ચંગે થઈ ગયું. ત્યાર પછી વાત આવી આઉટડોર શૂટિંગની.

આ ફિલ્મનું મોટા ભાગનું શૂટિંગ અસલી લોકેશન ખાતે ભોપાલની નજીક બુધની કસ્બામાં લગભગ બે મહિના સુધી ચાલવાનું હતું.

બીઆર ચોપડાની આ વાત સાથે ખાનસાહેબ સંમત નહોતા. તેઓ ઇચ્છતા હતા કે મુંબઈના જ કોઈ સ્ટુડિયોમાં ગામનો સેટ લગાવીને શૂટિંગ કરવામાં આવે, પરંતુ ચોપડાસાહેબ એ માટે બિલકુલ તૈયાર નહોતા.

આ વિવાદ એટલો વધ્યો કે આખરે ગુસ્સામાં ચોપડાસાહેબે મધુબાલાની જગ્યાએ વૈજયંતી માલાને સાઇન કરી લીધાં.

દિલીપકુમાર આ સમગ્ર મામલામાં ચોપડાસાહેબની સાથે ઊભા રહ્યા. તેમને લાગતું હતું કે અતાઉલ્લા તેમના કારણે મધુબાલાને ભોપાલ નથી જવા દેતા.

શૂટિંગ પર રોક લગાવવાનો કેસ

ઇમેજ સ્રોત, Madhur Bhushan

ઇમેજ કૅપ્શન, મધુબાલાને પહેલેથી હૃદયને લગતી બીમારી હતી તેમ તેના પરિવારનું કહેવું છે

જ્યારે મધુબાલાના પરિવારજનોનું કહેવું છે કે હકીકતમાં હૃદયમાં કાણું હોવાના કારણે મધુબાલા બીમાર રહેતાં હતાં અને આ વાત તેમણે દુનિયા ઉપરાંત ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી પણ એક રહસ્યની જેમ છૂપી રાખી હતી.

આઉટડોરમાં મોકલવાથી તબિયત બગડી પણ શકતી હતી અને રહસ્ય ખુલ્લું પડી શકતું હતું.

ચોપડાએ વૈજયંતી માલાને લઈને તેની જાહેરાત એક છેલ્લી જાહેરખબર દ્વારા કરી.

આ જાહેરખબરમાં મધુબાલા પર એક કટનું નિશાન મારીને તેની જગ્યાએ વૈજયંતી માલાનો ફોટો છપાવી દીધો.

પઠાન અતાઉલ્લાખાનનું લોહી ઊકળી ઊઠ્યું અને જવાબમાં તેમણે એક જાહેરખબર છપાવી, જેમાં મધુબાલાની તમામ ફિલ્મોનાં નામ આપીને છેલ્લે 'નયા દૌર'ના નામ પર એવા જ કટનું નિશાન કરી દીધું.

તેનાથી પણ એક ડગલું આગળ વધીને તેમણે અદાલતમાં ફિલ્મના શૂટિંગ પર પ્રતિબંધ મૂકવા માટે કેસ પણ કરી દીધો.

આ કેસના જવાબમાં ચોપડાએ પણ મધુબાલાને ફિલ્મની સાઇનિંગ અમાઉન્ટ તરીકે આપેલા 30 હજાર રૂપિયા પાછા મેળવવા માટે કેસ કરી દીધો.

'હું મધુને પ્રેમ કરું છું'

ઇમેજ સ્રોત, Madhur Bhushan

ઇમેજ કૅપ્શન, મુગલ-એ-આઝમ ફિલ્મના શૂટિંગનું એક દૃશ્ય
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

આ કાનૂની ઝઘડાની સુનાવણી દરમિયાન દિલીપકુમારને જુબાની આપવા માટે બોલાવાયા.

બીજા બધા સવાલો ઉપરાંત એક સવાલ એ પણ પૂછવામાં આવ્યો કે શું તેઓ મધુબાલાને પ્રેમ કરે છે?

દિલીપકુમારે મેજિસ્ટ્રેટ આરએસ પારખની અદાલતમાં સૌની સામે કહ્યું, "હા, હું મધુને પ્રેમ કરું છું અને તેને હંમેશાં પ્રેમ કરતો રહીશ."

એ કેવી વિટંબણા છે કે જે દિવસે દિલીપકુમારે પોતાના પ્રેમનો જગજાહેર એકરાર કર્યો હતો, એ જ દિવસે આ પ્રેમકહાનીનો અંત પણ આવી ગયો.

આ આખી કહાની સાથે જોડાયેલી એક ખૂબ જ મહત્ત્વની વાત એ છે કે આ કથિત અંત પછી પણ ફિલ્મ 'મુગલ-એ-આઝમ'ના શૂટિંગમાં બંને સાથે કામ કરતાં રહ્યાં.

પ્રેમનાં દૃશ્યો તો જુઓ કે ફિલ્મના સીન કરીને તેઓ એકબીજાંની સામેય નહોતાં જોતાં, પરંતુ એક સીન એવો પણ આવ્યો જ્યારે સલીમ અનારકલીને ગુસ્સામાં એક થપ્પડ મારે છે.

આ સીનમાં દિલીપકુમારે મધુબાલાને એવો તમતમતો તમાચો માર્યો હતો કે સેટ પર હાજર તમામ લોકો હચમચી ગયા હતા. મધુબાલાને પણ પોતાના ભાનમાં આવતાં ઘણો સમય લાગ્યો.

ફિલ્મ 'તરાના'માં જ લતા મંગેશકરે ગાયેલું બીજું એક ગીત હતું – 'મો સે રૂઠ ગયો મોરા સાંવરિયા, કિસકી લગી જુલ્મી નજરિયા'. કાશ, ક્યારેય કોઈ પણ મોહબ્બતને એવી નજર ન લાગે કે પ્રેમ નફરતમાં બદલાઈ જાય.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન