Exit Poll : ઍક્ઝિટ પોલ પ્રમાણે ઉત્તર પ્રદેશમાં ફરી ભાજપની સરકાર? પંજાબ, મણિપુર, ગોવામાં કોની સરકાર?

વાંચવાનો સમય: 4 મિનિટ

ઉત્તર પ્રદેશ, પંજાબ, ગોવા, ઉત્તરાખંડ, મણિપુરમાં યોજાયેલી ચૂંટણીની 10 માર્ચે મતગણતરી થશે. જોકે, હાલમાં આ પાંચેય રાજ્યોમાં ઍક્ઝિટ પોલ જાહેર કરાયા છે.

ઉત્તર પ્રદેશમાં 403 વિધાનસભા બેઠકો પર સાત તબક્કામાં મતદાન યોજાયું હતું. જ્યારે પંજાબની 117 બેઠકો, ગોવાની 40 બેઠકો અને ઉત્તરાખંડની 70 બેઠકો પર એક જ દિવસે મતદાન થયું હતું.

મણિપુરની 60 બેઠકો પર બે તબક્કામાં મતદાન યોજાયું હતું. રાજકીય દૃષ્ટિએ ઉત્તર પ્રદેશ ઉપરાંત પંજાબ પણ આ વખતે ભારે ઊથલપાથલનું સાક્ષી રહ્યું હતું.

ઇમેજ સ્રોત, Getty Images/Reuters

ઍક્ઝિટ પોલ અનુસાર ઉત્તર પ્રદેશમાં કોની સરકાર?

ઇમેજ સ્રોત, Getty Images

ઍક્ઝિટ પોલ અનુસાર ઉત્તર પ્રદેશમાં ભાજપ પોતાની સત્તા બચાવી શકતો જણાય છે.

ઈટીજી રિસર્ચ અનુસાર ભાજપને રાજ્યમાં 230-245, સમાજવાદી પાર્ટીને 150-165, બીએસપીને 5-10 જ્યારે કૉંગ્રેસને 2-6 બેઠકો મળતી જણાય છે.

ન્યૂઝ 18 પંજાબ, પી-માર્ક અનુસાર ભાજપને 240 બેઠકો મળતી જણાય છે. જ્યારે સમાજવાદી પાર્ટીને 140, બીએસપીને 17 અને કૉંગ્રેસને 4 બેઠકો મળતી જણાય છે. NewsX-Polstrat અનુસાર ભાજપને 211-225, સપાને 146-160, બીએસપીને 14-24 અને કૉંગ્રેસને 4-6 બેઠકો મળતી જણાય છે.

જ્યારે 'પોલ ઑફ ઍક્ઝિટ પોલ' અનુસાર રાજ્યમાં ભાજપને 232, સપાને 150, બીએસપીને 17 અને કૉંગ્રેસને 4 બેઠકો મળતી જણાય છે.

ઍક્ઝિટ પોલ અનુસાર પંજાબમાં કોની સરકાર?

ઇમેજ સ્રોત, Getty Images

ઈટીજી રિસર્ચ અનુસાર, પંજાબમાં ભાજપને 3થી 7, કૉંગ્રેસને 27થી 33 અને આમ આદમી પાર્ટીને સૌથી વધુ 70-75 સીટ મળે તેવું અનુમાન છે.

તો ઇન્ડિયા ટુડે અનુસાર, ભાજપને 1થી 4, કૉંગ્રેસને 19થી 31, આમ આદમી પાર્ટીને 76થી 90 સીટનો અંદાજ મૂકવામાં આવ્યો છે.

NewsX-Polstrat પ્રમાણે પણ પંજાબમાં આમ આદમી પાર્ટીને સૌથી વધુ સીટ મળે તેવી શક્યતા છે. આપને અહીં 56થી 61, ભાજપને 1થી 6, કૉંગ્રેસને 24થી 29 સીટ, જ્યારે અકાલી દળને 22થી 26 સીટ મળે તેવું અનુમાન છે.

રિપબ્લિક ટીવીના અંદાજ પ્રમાણે આમ આદમી પાર્ટીને 62થી 70, કૉંગ્રેસને 23-31, ભાજપને 1-3 અને અકાલી દળને 16-24 સીટ મળશે.

'ઇન્ડિયા ટુડે-ઍક્ઝિસ માય ઇન્ડિયા'ના ઍક્ઝિટ પોલ અનુસાર પંજાબમાં આ વખતે કૉંગ્રેસને સત્તા મળતી નથી દેખાઈ રહી. આ ઍક્ઝિટ પોલ અનુસાર પંજાબમાં આમ આદમી પાર્ટીને 76-90 બેઠકો મળતી જણાઈ રહી છે.

NewsX-Polstrat દ્વારા કરાવાયેલા ઍક્ઝિટ પોલમાં પણ આપ પંજાબમાં આગળ જણાઈ છે. આ પોલ અનુસાર ભાજપના ગઠબંધનને 1થી 6 બેઠકો મળી શકે એમ છે. જ્યારે કૉંગ્રેસને 24થી 29 બેઠકો મળી શકે એમ છે. જ્યારે આમ આદમી પાર્ટીને રાજ્યમાં 52થી 61 બેઠકો મળશે એવું પોલ કહી રહ્યા છે.

ઍક્ઝિટ પોલ અનુસાર ઉત્તરાખંડમાં કોની સરકાર?

વિવિધ ઍક્ઝિટ પોલ અનુસાર ઉત્તરાખંડમાં ભાજપ-કૉંગ્રેસ વચ્ચે ટક્કર ચાલી રહી છે. એબીપી ન્યૂઝ-સી વોટર અનુસાર, ભાજપને 26-32 અને કૉંગ્રેસને 32-38 સીટ મળે તેવું અનુમાન છે.

તો ઈટીજી રિસર્ચ અનુસાર, ભાજપને 37-40 અને કૉંગ્રેસને 29-32 સીટ મળે તેવી શક્યતા છે.

ન્યૂઝ 24ના અંદાજ મુજબ, ભાજપને 43 અને કૉંગ્રેસને 24 સીટ મળશે.

ઍક્ઝિટ પોલ પ્રમાણે મણિપુરમાં કોની સરકાર?

ઇન્ડિયા ન્યૂઝના ઍક્ઝિટ પોલ પ્રમાણે મણિપુરમાં ભાજપને 23-28 બેઠકો જ્યારે કૉંગ્રેસને 10-14 બેઠકો મળી શકે છે.

જ્યારે ન્યૂઝ 18 પંજાબ પી-માર્ક અનુસાર મણિપુરમાં ભાજપને 27થી 31 બેઠકો મળી શકે છે જ્યારે કૉંગ્રેસને 11-17 બેઠકો મળતી જણાય છે.

આ ઉપરાંત 'પોલ ઑફ ઍક્ઝિટ પોલ' અનુસાર રાજ્યમાં ભાજપને 30 જ્યારે કૉંગ્રેસને 14 બેઠકો મળતી જણાય છે.

ઍક્ઝિટ પોલ પ્રમાણે ગોવામાં કોની સરકાર?

ગોવા વિધાનસભાની વાત કરીએ તો ઈટીજી રિસર્ચ અનુસાર, ભાજપને 17-20, કૉંગ્રેસને 15-17 મળે તેવી શક્યતા છે.

ઇન્ડિયા ટીવી-ગ્રાઉન્ડ ઝીરો રિસર્ચ અનુસાર, ગોવામાં ભાજપને 10-14 અને કૉંગ્રેસને 20-25 સીટ મળે તેવી શક્યતા છે. તો ટીએમસીને પણ 3-5 સીટનું અનુમાન છે.

પોલ ઑફ ઍક્ઝિટ પોલ અનુસાર, ગોવામાં ભાજપને 16, કૉંગ્રેસને 16 અને ટીએમસીને 2 સીટ મળે તેવું અનુમાન છે.

કેવી રીતે થાય છે ઍક્ઝિટ પોલ?

ઇમેજ સ્રોત, AFP

ઇમેજ કૅપ્શન, ઍક્ઝિટ પોલ કરવા, આંકડા ભેગા કરવા અને તે આંકડાને લોકો સમક્ષ લાવવા માટે ઘણી મહેનત કરવી પડે છે અને આ લાંબી પ્રક્રિયા હોય છે.

દેશની મુખ્ય સર્વે સંસ્થા સીએસડીએસના નિદેશક સંજય કુમાર કહે છે કે ઍક્ઝિટ પોલ અંગે ધારણા છે કે મતદાતા મત આપીને મતદાનમથક બહાર નીકળે ત્યારે તેમને પૂછવામાં આવે છે.

સર્વેમાં મતદારોને ઘણા સવાલો પૂછવામાં આવે છે. જોકે, તેમાં સૌથી મહત્ત્વનો સવાલ હોય છે કે તમે કોને મત આપ્યો છે?

હજારો મતદારોનાં ઇન્ટરવ્યૂ કરીને આ આંકડા એકઠા કરવામાં આવે છે. આંકડાનું વિશ્લેષણ કરીને અંદાજ કાઢવામાં આવે છે, એટલે કે એ શોધવામાં આવે છે કે કયા પક્ષને કેટલા ટકા મત મળ્યા હશે.

ઍક્ઝિટ પોલ કરવા, આંકડા ભેગા કરવા અને તે આંકડાને લોકો સમક્ષ લાવવા માટે ઘણી મહેનત કરવી પડે છે અને આ લાંબી પ્રક્રિયા હોય છે.

એવું નથી કે દરેક વખતે ઍક્ઝિટ પોલ સાચા જ સાબિત થાય, જેનું તાજું ઉદાહરણ છે 2015ની વિધાનસભાની ચૂંટણી. 2015ની ચૂંટણીના ઍક્ઝિટ પોલ ખોટા પડ્યા હતા.

ઍક્ઝિટ પોલ ખોટા કેવી રીતે પડે છે?

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સર્વેમાં મતદારોને ઘણા સવાલો પૂછવામાં આવે છે. જોકે, તેમાં સૌથી મહત્ત્વનો સવાલ હોય છે કે તમે કોને મત આપ્યો છે?

ઍક્ઝિટ પોલ મોટા પાયે ખોટા કેવી રીતે પડે છે? આ સવાલના જવાબમાં સંજય કહે છે, "ઍક્ઝિટ પોલ ફેલ જવાનું સૌથી મોટું ઉદાહરણ 2004ની લોકસભાની ચૂંટણીઓ છે. જેમાં પણ ઍક્ઝિટ પોલ ખોટા પડ્યા હતા."

"સર્વે કરનારાઓએ એ વાતનો ખ્યાલ રાખવો જરૂરી છે કે તેઓ દરેક તબક્કાના મતદારો પાસે જાય."

"આપણે ત્યાં મતદાનને ગુપ્ત મતદાન કહેવામાં આવે છે. એવામાં મતદારો પાસેથી એ જાણવું કે તેમણે કોને મત આપ્યો છે તે પણ એક પડકાર છે. કેટલીક વખત તેઓ સાચું બોલે છે કે નહીં તેના પર પણ શંકા હોય છે."

જોકે, સંજયને તેનાથી આશ્ચર્ય થતું નથી. તેઓ કહે છે કે મોટા ભાગના મતદારો સાચું બોલે છે. એવું બની શકે કે કોઈ મતદાર ખોટું બોલી જાય. મતદારો સાચું બોલ્યા કે ખોટું તેનો નિર્ણય ચૂંટણીનાં પરિણામો આવ્યાં બાદ થઈ જાય છે.

સંજય કહે છે કે જો તમે છેલ્લાં 10-15 વર્ષના ઍક્ઝિટ પોલ જોશો તો પરિણામો આ સર્વેની આજુબાજુ જ આવ્યાં છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો