ખેડૂત આંદોલન : સુપ્રીમ કોર્ટનો આદેશ શું સરકારના કામમાં દખલ છે?

ઇમેજ સ્રોત, SANJEEV VERMA/HINDUSTAN TIMES VIA GETTY IMAGES

    • લેેખક, કીર્તિ દુબે
    • પદ, બીબીસી સંવાદદાતા
  • વાંચવાનો સમય: 6 મિનિટ

"સમિતિનો ઉદ્દેશ કૃષિકાયદાને લઈને ખેડૂતો અને સરકારની વાતોને સાંભળવાનો હશે અને તેના આધારે આ સમિતિ પોતાની ભલામણનો રિપોર્ટ બનાવશે. આ ભલામણ બે મહિનામાં કોર્ટમાં રજૂ કરાશે."

મંગળવારે (12 જાન્યુઆરી) સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ એસએ બોબડેની અધ્યક્ષવાળા બેન્ચે વચગાળાના આદેશમાં આ વાત કરી હતી.

11 પાનાંના આ આદેશમાં ચાર સભ્યોની સમિતિનું શું કામ રહેશે એ કહેવામાં આવ્યું હતું.

સોમવાર અને મંગળવારની સુનાવણી બાદ કોર્ટે આખરે કેન્દ્ર સરકારના ત્રણ કૃષિકાયદા પર આગળના આદેશ સુધી રોક લગાવી દીધી.

જોકે આ નિર્ણય બાદ સૌથી મોટો સવાલ કાયદા-બંધારણની સમજ ધરાવનારા લોકોને થઈ રહ્યો છે, એ સવાલ એ છે કે શું સુપ્રીમ કોર્ટે ધારાસભા અને ન્યાયપાલિકા વચ્ચેની સીમાને ઓળંગી છે?

વચગાળાના આદેશ બાદ ઊઠી રહેલા સવાલો પર અમે કાયદા અને બંધારણના જાણકારો સાથે વાત કરી.

ઇમેજ સ્રોત, Getty Images

પૂર્વ સૉલિસિટર જનરલ ઑફ ઇન્ડિયા મોહન પરાસરન કહે છે, "સુપ્રીમ કોર્ટ સંસદે બનાવેલા કાયદાના પડકાર આપી રહી છે, આવી સ્થિતિમાં કોર્ટ સંવૈધાનિક વૈધતાને જુએ છે કે એક કાયદો શું નિયમોને આધારે બન્યો છે કે નહીં."

"સુપ્રીમ કોર્ટ કાયદાઓને રદ કરી શકે છે અને જો તે કોર્ટની બંધારણની વ્યાખ્યા પ્રમાણે યોગ્ય ન હોય તો."

તેઓ કહે છે, "બીજી વાત એ છે કે જ્યારે બંધારણીય ચેલેન્જ હોય છે, તો એ પબ્લિક લૉ એટલે કે જન-કાયદા હેઠળ આવે છે. જોકે આવામાં મધ્યસ્થી ન થઈ શકે, અહીં લોકોના અધિકારોની વાત હોય છે."

"આવામાં મધ્યસ્થી કેવી રીતે થઈ શકે? આ મામલામાં માની લઈએ કે મધ્યસ્થી થાય તો પણ તેમાં બધી પાર્ટીઓની સહમતી હોવી જોઈએ, જે કોર્ટ પાસે નથી."

કોર્ટે ચાર સભ્યવાળી એક સમિતિ બનાવી છે, જેમાં ભૂપિન્દરસિંહ માન, પ્રમોદકુમાર જોશી, અશોક ગુલાટી અને અનિલ ધનવંત સામેલ છે.

આ ચારેય સભ્યોએ લેખ અને નિવેદનોના માધ્યમથી સરકારના નવા કાયદાને ખુલ્લું સમર્થન આપ્યું છે.

આથી જેવા કોર્ટે આ નામોનું એલાન કર્યું કે લોકોએ આ સભ્યોની પસંદગી પર સવાલ ઉઠાવ્યા.

પરાસરન આ સમિતિના એકતરફી મતને લઈને સવાલ કરતા કહે છે, "એક સમિતિ બનાવી છે, તેમાં એવા લોકો છે જેમણે આ કાયદાનું ખુલ્લું સમર્થન કર્યું છે. શું એ લોકો નિષ્પક્ષ આકલન કરી શકશે? આ મોટો સવાલ છે."

તેઓ આગળ કહે છે, "આ કાયદાને સરકારે સંસદમાં પાસ કર્યો છે. કોર્ટ પાસે એ અધિકાર છે કે તે નક્કી કરી કે કાયદો બંધારણીય છે કે નહીં. તેના માટે સમિતિ બનાવવી એક પેરેલલ (સમાંતર) સમિતિ બનાવવા જેવું છે."

"જેમ કે સંસદીય સમિતિ જુએ છે કે કાયદો લોકો માટે યોગ્ય છે કે નહીં. પણ આ કામ સુપ્રીમ કોર્ટનું ન હોઈ શકે. સુપ્રીમ કોર્ટનો આ આદેશ બહુ અસામાન્ય છે."

"મારી સમજ અનુસાર સામાન્ય રીતે કોર્ટ આવું નથી કરતી. કાયદાથી પ્રભાવિત થનારી પાર્ટીઓ પણ આનાથી ખુશ નથી. મને લાગે છે કે આ આગમાં ઘી હોમવા જેવો નિર્ણય છે."

'ઍક્સેસ જ્યુડિશિયલ ઍક્ટિવિઝમ'

ઇમેજ સ્રોત, Reuters

પરાસરન આ આદેશને ઍક્સેસ જ્યુડિશિયલ ઍક્ટિવિઝમ ગણાવે છે.

તેઓ કહે છે, "આ સંસદીય નિર્ણયોમાં ઘૂસવાની કોશિશ અને એ કારણે ઘણા લોકો કહી રહ્યા છે કે કોર્ટ પોતાના અધિકારક્ષેત્રથી આગળ વધી છે. સુપ્રીમ કોર્ટ પહેલા દિવસથી પ્રદર્શન ખતમ કરવા માગે છે. તે સરકારના પગલા પણ નારાજ છે, પણ તેનો અર્થ એ નથી કે તે સંસદના કાર્યક્ષેત્રમાં દખલ દે."

જોકે કાયદાના જાણીતા પ્રોફેસર ફૈઝાન મુસ્તફાનો મત આ મામલે મોહન પરાસરનથી અલગ છે.

ફૈઝાન મુસ્તફા માને છે કે સુપ્રીમ કોર્ટે સ્થિતિને જોતા આ મામલાને ઉકેલવાની કોશિશ કરી છે અને તકનીકી હવાલો આપીને તેને મોટું સ્વરૂપ ન આપવું જોઈએ.

ફૈઝાન મુસ્તફાએ કહ્યું, "સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં સ્પષ્ટ કહ્યું હતું કે અમે આ સમયે બંધારણીય વાત કરતા નથી, પણ અમે ઇચ્છીએ છીએ કે આ મુદ્દાનો ઉકેલ આવે. તો કોર્ટે આ દિશામાં કામ કર્યું."

"હા, તકનીકી રીતે જોઈએ તો સ્પષ્ટ છે કે કાયદો સારો છે કે નહીં? આ એક રાજકીય મુદ્દો છે અને કોર્ટ માટે આ મુદ્દો ન હોય."

ધારાસભાના કામમાં દખલનો આરોપ

ઇમેજ સ્રોત, PANKAJ NANGIA/ANADOLU AGENCY VIA GETTY IMAGES

શું કોર્ટના આદેશને પ્રથમ દૃષ્ટિએ ધારાસભા અને ન્યાયપાલિકા વચ્ચે શક્તિની વહેંચણી અને તેના તાલમેલમાં દખલ ન માનવી જોઈએ?

આ સવાલના જવાબમાં પ્રોફેસર મુસ્તફા જણાવે છે, "તેની સાથે જોડાયેલો એક સિદ્ધાંત છે, જેને પૉલિટિકલ થિકેટ સિદ્ધાંત કહેવામાં આવે છે. તેમાં કહેવાયું છે કે કોર્ટ નીતિઓ સાથે જોડાયેલા મામલાઓમાં દખલ નથી કરતી."

જોકે તેમ છતાં તેઓ આ વચગાળાના આદેશમાં પક્ષમાં પોતાની વાત મૂકતા કહે છે, "કેમ કે સુપ્રીમ કોર્ટ દેશની સૌથી મોટી અદાલત છે, એવામાં એ પૂર્ણ ન્યાય અપાવવા માટે કોઈ પણ નિર્ણય લઈ શકે છે. કોર્ટને આ મામલામાં એવું લાગ્યું હશે કે પહેલા આંદોલન ખતમ થઈ જાય, પછી તેની બંધારણીય બાબતોને જોઈશું."

તો શું સુપ્રીમ કોર્ટે એ કરી દીધું છે કે જે સરકાર ઇચ્છતી હતી?

આ સવાલના જવાબમાં તેઓ કહે છે, "સરકારે વાતચીતથી ઉકેલ ન આવતા મીડિયાના માધ્યમથી એ વાત કરી દીધી કે સુપ્રીમ કોર્ટ મામલાનો ઉકેલ લાવશે."

મુસ્તફા કહે છે, "જુઓ કોર્ટને એ વાતે ચિંતા હતી કે આંદોલન કેવી રીતે ખતમ કરાય. જોકે એ પણ સાચું છે કે કોર્ટ માટે એ સવાલ ન હોવો જોઈએ, પણ જેવું કોર્ટે પોતાની સુનાવણીમાં કહ્યું હતું કે અમે અમારા હાથમાં કોઈના લોહીના છાંટા ઇચ્છતા નથી."

"આ દર્શાવે છે કે સુપ્રીમ કોર્ટને ડર હતો કે ક્યાંક કાયદો-વ્યવસ્થાની સમસ્યા પેદા ન થાય. આથી પહેલાં આંદોલન પૂરું કરે, પછી બંધારણીય કસોટી પર તેને લઈ જવાશે. મોટા ભાગે કોર્ટે આવું કરતી હોય છે."

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

આના ઉદાહરણમાં ફૈઝાન મુસ્તફા મરાઠા આંદોલનનો ઉલ્લેખ કરે છે.

મરાઠા અનામતના મામલામાં સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્રના એ આદેશ પર રોક લગાવી હતી, જેમાં મરાઠા લોકોને 16 ટકા અનામત આપવાની વાત કરાઈ હતી.

જોકે આ અધ્યાદેશ પર રોક લગાવવા પાછળ તેની બંધારણીય વૈધતા અને અનામત સાથે જોડાયેલી તકનીકીનો પક્ષ હતો.

આથી આ ઉદાહરણ વર્તમાન પરિસ્થિતિને સમજવા માટે રજૂ કરાયેલા ઉદાહરણ સાથે ફિટ બેસતું નથી.

પણ ફૈઝાન મુસ્તફા માને છે કે આ એક વચગાળાનો આદેશ છે, જેને કોર્ટે હાલમાં રોક લગાવી દીધી છે.

'કૃષિકાયદાને તો રાજ્યસભામાં પાસ જ નથી કરાયો'

ઇમેજ સ્રોત, Reuters

14મી અને 15મી લોકસભાના મહાસચિવ અને કાયદાના જાણકાર પીડી થંકપ્પન આચાર્ય આ કાયદાની બંધારણીય બાબત પર નિશાન તાકતા કહે છે, "આ કાયદાઓને તો રાજ્યસભામાંથી પાસ કરાયા નથી. બંધારણનો અનુચ્છેદ 100 કહે છે કે કોઈ પણ નિર્ણય સદનમાં મતની બહુમતીના આધારે કરાશે. બહુમત શું છે?"

"બહુમતનો અર્થ છે કે નંબર અને ગણતરી વિના નંબરની કેવી રીતે ખબર પડે. રાજ્યસભામાં ધ્વનિમતથી બિલ પાસ કરાયું. પણ ધ્વનિમતથી નંબર કેવી રીતે નક્કી કરાયા. આ કાયદો એ આધારે ખોટો છે. પણ કોર્ટે એ મામલે કોઈ ચર્ચા કરી જ નહીં."

તેઓ વધુમાં કહે છે, "સરકાર અને ખેડૂતો વાતચીત કરી રહ્યા હતા અને કોર્ટે નવી બોડી પણ લાવી દીધી. તેનાથી માત્ર ગૂંચવણ પેદા થશે. તેનાથી કંઈક ઉકેલ આવશે, મને તો નજરે નથી આવતું."

આચાર્ય માને છે કે કોર્ટે ઘણી બાબતો પોતાના નિર્ણયમાં સ્પષ્ટ કરી નથી.

તેઓ કહે છે, "આદેશમાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે સમિતિ ખેડૂતો અને સરકાર સાથે વાતચીત કરશે, પણ તેનો આધાર શું છે, તેની કોઈ જાણકારી નથી. જે લોકો ખેડૂતોના પ્રદર્શન વિરુદ્ધ બોલી ચૂક્યા છે, તેઓ ખેડૂતો સાથે શું વાત કરશે."

"સુપ્રીમ કોર્ટે એ પણ નથી જણાવ્યું કે કયા આધારે આ ચાર લોકોની પસંદગી કરાઈ છે. એવું લાગે છે કે સરકારે આ નામોનું લિસ્ટ કોર્ટને પકડાવી દીધું હતું."

"ધારો કે આ સમિતિ ખેડૂતો અને સરકાર સાથે વાત કરીને એક રિપોર્ટ બનાવે અને પોતાની ભલામણવાળી રિપોર્ટ કોર્ટ સામે રજૂ કરે તો શું આ રિપોર્ટના આધારે સુપ્રીમ કોર્ટ આ કાયદાની બંધારણીય વૈધતા પર નિર્ણય કરશે? કેમ કે કંઈ પણ કરતાં પહેલાં મામલાની સુનાવણી થવી જોઈએ, એ તો થઈ નથી. કોર્ટે કંઈ પણ સ્પષ્ટ કર્યું નથી કે આખરે વધુ એક ઝૂકેલી સમિતિની સલાહનું શું થશે?"

તેઓ માને છે કે "ધારાસભાના કાર્યક્ષેત્રમાં દાખલ થઈને સુપ્રીમ કોર્ટ એ કરવા જઈ રહી છે જે અત્યાર સુધી સરકારો કરતી હતી અને એ છે વાતચીતનું કામ

તેઓએ વધુમાં કહ્યું, સામાન્ય રીતે કોર્ટ આવા કોઈ પણ નિર્ણય પહેલાં મામલાની સુનાવણી કરે છે. બધા પક્ષોની વાત સાંભળ્યા બાદ જો કોર્ટને લાગે કે રોક લાગવી જોઈએ તો એ આવું કરે છે. આ બહુ અસામાન્ય છે કે આ મામલે સુપ્રીમ કોર્ટે સુનાવણી પણ કરી નથી અને રોકનો આદેશ આપી દીધો."

ઇમેજ સ્રોત, MohFW, GoI

બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો