અમદાવાદ રથયાત્રા : જ્યારે ડુંગળી-બટાટા હુલ્લડ પહેલાંની શાંતિના અણસાર આપી દેતાં

ઇમેજ સ્રોત, KALPIT BHACHECH

ઇમેજ કૅપ્શન, દર વર્ષે અમદાવાદમાં અષાઢી બીજના દિવસે રથયાત્રા નીકળે છે
    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે
  • વાંચવાનો સમય: 4 મિનિટ

અમદાવાદમાં દર વર્ષે અષાઢી બીજના રોજ જગન્નાથની રથયાત્રા નીકળે છે. ત્યારે આ વર્ષે નીકળનારી 145મી રથયાત્રાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે.

રથયાત્રા એક એવો પ્રસંગ છે કે જેમાં પોલીસે ખડેપગે રહેવું પડે છે અને પોલીસ વિભાગ દ્વારા સતર્કતા વર્તવામાં આવે છે.

મહિના પહેલાંથી જ રથયાત્રામાં કોઈ અગમ્ય ઘટના ન ઘટે તેના માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવે છે.

આ વર્ષે પણ પોલીસે મંદિર અને તેની આસપાસ અદ્યતન સાધનો સાથે સુરક્ષાદળના લોકોને ગોઠવ્યા છે અને રથયાત્રાના રૂટ પર ખૂબ જબરદસ્ત સુરક્ષા વ્યવસ્થા કરી છે.

આટલો ચાંપતો બંદોબસ્ત શા માટે?

ઇમેજ સ્રોત, Getty Images

એ વાતમાં કોઈ શંકા નથી કે દર વર્ષે નીકળતી રથયાત્રામાં કોમી એકતાનું ઉદાહરણ જોવા મળે છે, છતાં કેટલીક અગમ્ય ઘટનાને રોકવા માટે સુરક્ષા જરૂરી છે.

એક વખત તો સુરક્ષાને ધ્યાનમાં રાખીને ભગવાન જગન્નાથની રથયાત્રા બુલેટપ્રૂફ રથમાં કાઢવાની ફરજ પડી હતી. તો કેટલીક વખત હેલિકૉપ્ટરની સુરક્ષા વચ્ચે રથયાત્રા નીકળી છે.

આ બધું એ માટે કેમ કે અમદાવાદની રથયાત્રાએ સ્વતંત્રતા પહેલાં અને પછી ઘણા ઉતાર-ચઢાવ જોયા છે.

સૌથી પહેલી વખત 1946માં સ્વતંત્રતા પહેલાં રથયાત્રામાં હિંસા થઈ હતી.

આ વર્ષમાં રથયાત્રા બાદ અમદાવાદમાં કોમી રમખાણો ફાટી નીકળ્યાં હતાં.

આ મામલે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા ભાવનગર યુનિવર્સિટીના ભૂતપૂર્વ કુલપતિ અને જાણીતા સમાજશાસ્ત્રી વિદ્યુત જોશી કહે છે :

"અમદાવાદની રથયાત્રામાં હિંદુ અને મુસ્લિમ સમાજે પોતાનું શક્તિ પ્રદર્શન કરવા માટે અખાડાની શરૂઆત કરી હતી."

"આ સર્વોપરિતાની લડાઈના કારણે રથયાત્રામાં હિંસા થતી હતી."

"જોકે, જેમ જેમ વેપાર ધંધા વધતા ગયા, તેમ તેમ રથયાત્રામાં હિંસા ઓછી થઈ ગઈ અને હવે તો લગભગ બંધ જ થઈ ગઈ છે. હવે નવી ટૅકનૉલૉજીના કારણે હિંસા થાય તો તેના પર કાબૂ મેળવવો પણ સહેલો બની ગયો છે."

ઇમેજ સ્રોત, KALPIT BHACHECH

ઇમેજ કૅપ્શન, વર્ષ 1993માં રથયાત્રાની સુરક્ષાના હેતુથી ભગવાન જગન્નાથના ત્રણ રથોને બુલેટપ્રૂફ કાચથી સુરક્ષિત કરાયા હતા

આ અંગે બીબીસીએ ગુજરાત સમાચારના વરિષ્ઠ પત્રકાર જયદેવ પટેલ સાથે પણ વાત કરી.

તેઓ કહે છે, "ગુજરાત રથયાત્રામાં હિંસાનો સૌથી ખરાબ સમય 80 અને 90નો દાયકો હતો."

"તેમાં પણ 1985માં રથયાત્રાના થોડી દિવસ પહેલાં કોમી તોફાનોમાં થયેલાં મૃત્યુ અને કર્ફ્યૂના કારણે રથયાત્રા કાઢવા પર સરકારે પ્રતિબંધ મૂકવો પડ્યો હતો."

"જોકે, ત્યારે પહેલી વખત સરકારના આદેશનું ઉલ્લંઘન કરીને શંભુ મહારાજે રથયાત્રા કાઢી હતી."

"આ દરમિયાન રથયાત્રાનો રૂટ બદલવામાં આવ્યો હતો. તો પણ રથયાત્રામાં હિંસા થઈ હતી અને નાનાં-મોટાં તોફાનો થયાં હતાં."

કેવી રીતે ગોઠવાતો ચાંપતો બંદોબસ્ત?

ઇમેજ સ્રોત, SHUKDEV BHACHECH

ઇમેજ કૅપ્શન, 1985માં ચાલતા તોફાનોના કારણે ગુજરાત સરકારે રથયાત્રા પર પ્રતિબંધ મૂક્યો હતો છતાં રથયાત્રા કાઢવામાં આવી હતી

હાલનાં કેટલાક વર્ષોની વાત કરવામાં આવે તો રથયાત્રા સઘન સુરક્ષા વચ્ચે યોજવામાં આવે છે.

ડ્રોન કૅમેરાથી આખા રૂટ પર નજર રાખવામાં આવે છે.

નવી ટૅકનૉલૉજીનો ઉપયોગ થવાને કારણે 2001થી અમદાવાદની રથયાત્રામાં કોઈ તોફાનો થયાં નથી.

પરંતુ શું તમે જાણો છો કે પહેલાં રથયાત્રા પર કેવી રીતે નજર રાખવામાં આવતી અને તકેદારી માટે કેવાં પગલાં લેવામાં આવતાં હતાં?

તો રથયાત્રામાં હિંસાના ગાળાને યાદ કરતા એ સમયના પોલીસ અધિકારી અને નિવૃત્ત એસીપી નરેશ પટેલ બીબીસી સાથે વાતચીતમાં જણાવે છે કે તેમણે 1976 પછી અમદાવાદમાં નોકરી કરી હતી.

તેઓ કહે છે, "1985નાં કોમી રમખાણોમાં ફાયરિંગ બાદ અમદાવાદનું વાતાવરણ તંગ હતું. ત્યારે પહેલી વખત રૂટ બદલવામાં આવ્યો હતો."

"આ દરમિયાન હ્યુમન ઇન્ટેલિજન્સના કારણે ઘણા વિસ્તારોમાં તોફાનો પર કાબુ મેળવાયો હતો."

"રમખાણો ઉપર કાબુ મેળવવા માટે અમે અમદાવાદના સંવેદનશીલ વિસ્તારોમાં તપાસ કરતા કે ક્યાં અચાનક મકાનના રિપેરિંગ માટે ઇંટો આવી છે?"

"કયા વિસ્તારમાં મોટાપાયે કેરોસીન ખરીદવામાં આવ્યું છે. એ સમયે મોબાઇલ ફોનની સુવિધા ન હોવાને કારણે હિંસા થવાની શક્યતા હોય તેવા ક્ષેત્રમાં વિજિલન્સ ગોઠવવામાં આવતી."

"1989માં પહેલી વખત આખી રથયાત્રા પર હેલિકૉપ્ટરથી નજર રાખવામાં આવી હતી."

ઇમેજ સ્રોત, Getty Images

1992માં રથયાત્રા પર થયેલા હુમલા બાદ સરકાર વધુ સતર્ક બની હતી.

1993માં પહેલી વખત બુલેટપ્રૂફ કવચમાં રથયાત્રા નીકળી હતી. આ સમયે તોફાનની પેટર્ન પણ બદલાઈ હતી.

તે સમયે ટોળામાં ભગવાનના દર્શન કરવા આવેલા લોકો પર ચાકુથી હુમલો થતો અને પછી તોફાની તત્ત્વો ભાગી જતા અને નાસભાગ મચી જતી.

આ સમયને યાદ કરતા નિવૃત્ત એસીપી અને લાંબા સમય સુધી ક્રાઇમબ્રાન્ચ અને ઇન્ટેલિજન્સ બ્યૂરોમાં કામ કરી ચૂકેલા દીપક વ્યાસ જણાવે છે કે ઉપરોક્ત પ્રકારના હુમલાને રોકવા માટે નવો અભિગમ અપનાવવામાં આવ્યો હતો.

તેના માટે એક પીઆઈ અને પાંચ પોલીસકર્મીઓ સાદા ડ્રેસમાં ઊભા રહેતા હતા.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, રથયાત્રા પૂર્વે પુરીમાં રથ બનાવવાની તૈયારી કરી રહેલા કારીગરો

વ્યાસ ઉમેરે છે, "શંકાસ્પદ લાગતા લોકોની ધરપકડ કરવામાં આવતી હતી અને આ કામગીરી રથયાત્રાના એક મહિના પહેલાં જ શરૂ કરી દેવાતી હતી."

"તમામ ધાર્મિકસ્થળો પર IBના અધિકારીઓ ગોઠવવામાં આવતા હતા."

"રથયાત્રાના અઠવાડિયા પહેલાં અમદાવાદના સંવેદનશીલ વિસ્તારોની દવાની દુકાનો પર તપાસ થતી કે શું જીવન જરૂરી દવાઓની મોટા પાયે ખરીદી થઈ છે કે નહીં."

"જો બીપી, ડાયાબિટીસ જેવા રોગો માટે વધારે દવા ખરીદાઈ હોય, તો તુરંત શાકભાજી માર્કેટમાં તપાસ થતી."

"ત્યાં પણ જો ડુંગળી, બટાટા અને કંદમૂળ જેવી વસ્તુઓની વધારે ખરીદી થઈ હોય તો સમજી લેવામાં આવતું કે આ રથયાત્રાના તોફાનો પહેલાની શાંતિ છે. કેમ કે, તોફાન થાય અને કર્ફ્યૂ લાગુ કરવામાં આવે તો દુકાન બંધ રહે અને જરૂરી સામાન મળી શકે નહીં."

"અમે એવા વિસ્તારોમાં કૉમ્બિંગ કરતા જે વિસ્તારોમાંથી બાળકો અને વૃદ્ધોનું સ્થળાંતર કરવામાં આવ્યું હોય."

"ક્રિમિનલ બૅકગ્રાઉન્ડ ધરાવતા લોકોનું રાઉન્ડ-અપ કરી લેવાતું જેથી તોફાનો ટાળી શકાય. 1993માં શરૂ કરાયેલી પદ્ધતિ હજુ પણ ચાલે છે અને હવે તો સાધનો વધ્યાં હોવાથી જોખમ પણ ઘટી ગયું છે."

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો