બિહારમાં પહેલી વખત ભાજપના CM, એનડીએના ધારાસભ્યોએ મંજૂરીની મહોર મારી – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, ANI

વાંચવાનો સમય: 5 મિનિટ

બિહારમાં એનડીએના (નૅશનલ ડેમૉક્રેટિક અલાયન્સ) ધારાસભ્યોએ ભાજપના નેતા સમ્રાટ ચૌધરીને તેમના નેતા તરીકે ચૂંટી કાઢ્યા છે. આ સાથે જ સ્પષ્ટ થઈ ગયું છે કે તેઓ બિહારના આગામી અને રાજ્યમાં ભાજપના પ્રથમ મુખ્ય મંત્રી બનશે.

આ પહેલાં નીતીશ કુમારે બિહારના મુખ્ય પ્રધાનપદેથી રાજીનામું આપ્યું, એ પછી બિહાર ભાજપના ધારાસભ્યોની બેઠક મળી હતી, જેમાં પાર્ટીએ સમ્રાટ ચૌધરીને નેતા તરીકે પસંદ કર્યા હતા.

આ બેઠકમાં કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણ ઑબ્ઝર્વર રહ્યા હતા.

વિધાનદળના નેતા ચૂંટાયા પછી સમ્રાટ ચૌધરીએ કહ્યું હતું, "ભારતીય જનતા પાર્ટીની જે વિચારસરણી છે, ભારતને શ્રેષ્ઠ માનવાની તથા પાર્ટીને સૌથી આગળ રાખવાની, તેની ઉપર અમે કામ કરતા રહીશું."

"સરકાર કેવી રીતે ચલાવાય તથા બિહારમાં લોકશાહી માટે શું સારું છે, તે નીતીશ કુમારે શીખવ્યું છે. તમામ લોકોને ચોક્કસપણે આશ્વસ્ત કરવા ચાહીશ કે જે રીતે પીએમ મોદીએ વિકસિત ભારતનું સપનું જોયું છે, અને નીતીશ કુમારે સમૃદ્ધ બિહારનું સપનું જોયું છે. અમે બધા મળીને આ સપનાં પૂરાં કરીશું."

ઉલ્લેખનીય છે કે ગત ત્રણ દાયકા દરમિયાન બિહારનું રાજકારણ લાલુપ્રસાદ યાદવ તથા નીતીશ કુમારની આસપાસ કેન્દ્રીત રહ્યું છે. આ અરસામાં ખાસ્સો એવો સમય ભાજપ સત્તામાં રહ્યો છે, પરંતુ તે સહયોગીની ભૂમિકામાં હતો.

'હવે બિહારનો વહીવટ ગુજરાતમાંથી થશે,' નીતીશ કુમારના રાજીનામા પછી તેજસ્વી યાદવે શું કહ્યું?

ઇમેજ સ્રોત, AFP via Getty Images

નીતીશકુમારે બિહારના મુખ્ય પ્રધાનપદેથી રાજીનામું આપી દીધું છે, એ પછી રાજ્યમાં વિપક્ષના નેતા તેજસ્વી યાદવે ટિપ્પણી કરતા કહ્યું કે નીતીશકુમારે રાજીનામું આપીને બિહારમાં ભાજપને પ્રસ્થાપિત કર્યો છે, "હવે બિહારનો વહીવટ ગુજરાતથી થશે."

આરજેડીના (રાષ્ટ્રીય જનતા દળ) નેતા તેજસ્વી યાદવે કહ્યું, "રાજીનામું આપીને તેઓ (નીતીશકુમાર) મહાત્મા ગાંધીના હત્યારાઓની વિચારસરણીવાળી પાર્ટીને સ્થાપિત કરી રહ્યા છે. મુખ્ય પ્રધાનજી તો બાપુનું નામ લેતા હતા, પરંતુ હવે તેમણે ભાજપને તક આપી દીધી છે. જે લોકો ભાજપને ગાળો ભાંડતા હતા, તેમને (બિહારમાં) પ્રસ્થિપાત કરી રહ્યા છે."

તેજસ્વી યાદવે રાજ્યની નવી સરકરા વિશે પણ ટિપ્પણી કરી હતી.

તેમણે કહ્યું હતું, "હવે જે કોઈ સરકાર બને, તે જનતાએ ચૂંટેલી સરકાર નહીં હોય. જે કોઈ મુખ્ય મંત્રી બને, તેને જનતાએ ચૂંટેલો નહીં હોય."

તેજસ્વી યાદવે સમ્રાટ ચૌધરી વિશે પણ ટિપ્પણી કરી હતી. તેમને પૂછવામાં આવ્યું હતું કે 'આગામી મુખ્ય મંત્રી તરીકે સમ્રાટ ચૌધરીનું નામ ચર્ચાઈ રહ્યું છે?'

તેજસ્વી યાદવે કહ્યું, "જે કંઈ છે, તેઓ લાલુજીની પાઠશાળાના જ છે. હવે, ભાજપે પણ લાલુજીની વિચારધારાની આસપાસ રાજકારણ કરવું પડી રહ્યું છે. એ વાત બધાય જાણે છે. તેમને પહેલી વખત લાલુજીએ જ મંત્રી અને ધારાસભ્ય બનાવ્યા હતા. આ લોકો તેમની જ પાઠશાળાના હતા."

તેજસ્વી યાદવે કહ્યું, "હવે, જે કોઈ મુખ્ય મંત્રી બને, બિહાર (નું શાસન) ગુજરાતથી જ થશે."

બીજી બાજુ, સમ્રાટ ચૌધરીને ભાજપના વિધાનદળના નેતા તરીકે ચૂંટી કાઢવામાં આવ્યા છે. એટલે તેઓ આગામી મુખ્ય મંત્રી બનશે, એવી અટકળોને વેગ મળ્યો છે.

'પૂરો સહકાર અને માર્ગદર્શન', નીતીશ કુમારે બિહારના મુખ્ય મંત્રીપદેથી રાજીનામું આપ્યું

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

નીતીશ કુમારે બિહારના મુખ્ય મંત્રીપદેથી રાજીનામું આપી દીધું છે. તેમણે રાજ્યપાલને રાજીનામું સોંપ્યું હોવાની વાતની પુષ્ટિ કરી હતી.

નીતીશ કુમારે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ ઉપર નિવદેન મૂકીને બધાનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું હતું કે તેઓ બિહારની નવી સરકારને "પૂરો સહકાર અને માર્ગદર્શન" આપશે.

નીતીશ કુમારે આ સિવયા તેમના કાર્યકાળ દરમિયાનની કેટલીક સિદ્ધિઓ અને બાબતોને પણ યાદ કરી હતી.

નીતીશકુમારે લખ્યું, "તા. 24 નવેમ્બર 2005ના રોજ રાજ્યમાં પહેલી વખત એનડીએની (નૅશનલ ડેમોક્રેટિક અલાયન્સ) સરકાર બની હતી. ત્યારથી રાજ્યમાં કાયદાનું શાસન ચાલે છે અને અમે અવિરતપણે વિકાસના કામોમાં લાગેલા છીએ."

નીતીશે કહ્યું કે તેમની સરકારે સમાજના તમામ તબક્કાના વિકાસ માટે કામ કર્યું છે. ચાહે તે કોઈપણ ધર્મ, જાતિ, સમુદાય કે વર્ગનો કેમ ન હોય.

નીતીશ કુમારના કહેવા પ્રમાણે, "શિક્ષણ, આરોગ્ય, રસ્તો, વીજળી, ખેતી, મહિલા અને યુવા. દરેક ક્ષેત્રે ખૂબ કામ કર્યું છે."

ઉલ્લેખનીય છે કે નીતીશ કુમાર માર્ચ મહિનામાં બિહારમાંથી રાજ્યસભા માટે ચૂંટાઈ આવ્યા હતા. તેમણે રાજ્યસભાના સંસદસભ્ય તરીકે તાજેતરમાં શપથ લીધા હતા.

ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદન બાદ ક્રૂડઑઇલના ભાવમાં ઘટાડો થયો - ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, EPA/Shutterstock

ઈરાન અને અમેરિકા વચ્ચે બીજા તબક્કાની વાતચીત થવાની અપેક્ષા છે, અને મંગળવારે ક્રૂડઑઈલના ભાવમાં ઘટાડો થયો.

બ્રેન્ટ ક્રૂડના ભાવ લગભગ 1% ઘટીને 98.40 ડૉલર પ્રતિ બેરલ થયા, જ્યારે અમેરિકામાં તેલનો વેપાર 1.7% ઘટીને 97.40 ડૉલર થયો.

અમેરિકા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે, ઈરાને સંભવિત કરાર અંગે અમેરિકાનો સંપર્ક કર્યો છે. ત્યારથી તેલના ભાવમાં ઘટાડો થયો છે.

સોમવારે વ્હાઇટ હાઉસની બહાર પત્રકારો સાથે વાત કરતા ટ્રમ્પે કહ્યું, "અમને બીજી બાજુ (ઈરાન) તરફથી ફોન આવ્યો છે. તેઓ સોદો કરવા માંગે છે."

ન્યૂયૉર્ક ટાઈમ્સે રિપોર્ટ કર્યો હતો કે, ઈરાને પાંચ વર્ષ માટે યુરેનિયમ સંવર્ધન બંધ કરવાનો પ્રસ્તાવ મૂક્યો પરંતુ અમેરિકાએ તેને નકારી કાઢ્યો અને 20 વર્ષનો સમય માંગ્યો.

જોકે, તેમાં ઉમેર્યું હતું કે ચર્ચાઓ સૂચવે છે કે શાંતિ કરારનો માર્ગ હજુ પણ ખુલ્લો હોઈ શકે છે. બંને પક્ષો વચ્ચે બીજા તબક્કાની વાતચીત શક્ય છે.

Sorry, we can’t display this part of the story on this lightweight mobile page.

'કોઈને પણ હોર્મુઝ સ્ટ્રેટને બ્લૉક કરવાનો અધિકાર નથી'

ઇમેજ સ્રોત, BENJAMIN CREMEL/AFP via Getty Images

સંયુક્ત રાષ્ટ્રએ કહ્યું છે કે, કોઈ પણ દેશને આંતરરાષ્ટ્રીય જહાજોની અવરજવર માટે દરિયાઈ માર્ગો બ્લૉક કરવાનો કાનૂની અધિકાર નથી.

સંયુક્ત રાષ્ટ્રના ઇન્ટરનેશનલ મેરીટાઇમ ઓર્ગેનાઇઝેશનના વડા આર્સેનિયો ડોમિંગેઝે બીબીસીને જણાવ્યું: "જો કોઈ દેશ દરિયાઈ માર્ગને રોકવાનો પ્રયાસ કરશે, તો તે ભવિષ્ય માટે એક ખરાબ ઉદાહરણ હશે."

તેમણે કહ્યું, "હું સમજું છું કે ત્યાં સંઘર્ષ ચાલી રહ્યો છે, પરંતુ કોઈપણ દરિયાઈ માર્ગને રોકવા માટે આંતરરાષ્ટ્રીય કાયદામાં કોઈ આધાર નથી."

ડોમિંગેઝે ઉમેર્યું, "જેટલા વધુ બદલાનાં પગલાં લેવામાં આવશે, તેટલી જ પર્સિયન ગલ્ફમાં ફસાયેલા 20,000 ખલાસીઓ માટે ચિંતાઓ વધશે. તે બાકીના વિશ્વ માટે પણ મુશ્કેલીઓ વધારશે, જે પહેલાથી જ આર્થિક રીતે પ્રભાવિત છે."

નોઈડામાં કામદારોના વિરોધ પર રાહુલ ગાંધીએ શું કહ્યું?

ઇમેજ સ્રોત, Anindito Mukherjee/Bloomberg via Getty Images

ઉત્તર પ્રદેશના નોઈડાના ઔદ્યોગિક વિસ્તારમાં થયેલા વિરોધ પ્રદર્શન પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પ્રતિક્રિયા આપી છે.

રાહુલ ગાંધીએ કહ્યું કે નોઈડાનો મજૂર 20,000 રૂપિયા માંગી રહ્યો છે, આ લોભ નથી પણ તેનો અધિકાર છે.

રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું , "ગઈકાલે નોઈડાના રસ્તાઓ પર જે બન્યું તે આ દેશના કામદારોનો છેલ્લો પોકાર હતો, જેમના દરેક અવાજને અવગણવામાં આવ્યો હતો, જેઓ માંગી-માંગીને થાકી ગયા હતા."

તેમણે લખ્યું, "નોઇડામાં કામ કરતો એક મજૂર દર મહિને 12 હજાર રૂપિયા કમાય છે, ભાડું ચારથી સાત હજાર રૂપિયા છે. જ્યારે તેને વાર્ષિક 300 રૂપિયાનો વધારો મળે છે, ત્યારે મકાનમાલિક દર વર્ષે 500 રૂપિયા ભાડું વધારી દે છે."

"જ્યાં સુધી પગારમાં વધારો ન થાય ત્યાં સુધી, આ બેકાબૂ મોંઘવારી જીવનનું ગળું દબાવી દે છે અને આપણને દેવામાં ડૂબાડી દે છે. આ વિકસિત ભારતની વાસ્તવિકતા છે. જે મજૂર 12 કલાક ઊભા રહીને કામ કરે છે, છતાં પણ પોતાના બાળકોની શાળા ફી ભરવા માટે લોન લે છે, શું તેની માંગ ગેરવાજબી છે? જેઓ દરરોજ તેના અધિકારો છીનવી રહ્યા છે તેઓ વિકાસ લાવી રહ્યા છે?"

રાહુલ ગાંધીએ લખ્યું, "હું દરેક શ્રમિક સાથે ઊભો છું જે આ દેશની કરોડરજ્જુ છે અને જેમને આ સરકારે બોજ માન્યો છે."

ઉલ્લેખનીય છે કે, સોમવારે નોઈડાના ફેઝ-2 અને સેક્ટર 60ના ફેક્ટરી વિસ્તારોમાં તોડફોડ અને વિરોધ પ્રદર્શનની ઘટનાઓ બની છે. વિરોધ કરી રહેલા કર્મચારીઓ પગાર વધારાની માંગ કરી રહ્યા હતા.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન