You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
રાજકોટ : 'આંખ સામે અમારું ઘર તૂટી ગયું અને હિન્દુ ભાઈએ અમને આશરો આપ્યો'
'આંખ સામે અમારું ઘર તૂટી ગયું, આ કોમી એકતા છે કે હિંદુ ભાઈએ અમને આશરો આપ્યો'
રાજકોટ મનપા દ્વારા જંગલેશ્વરમાં હાથ ધરાયેલા ડિમોલિશન દરમિયાન બેઘર થઈ ગયેલી એક વ્યક્તિના ઉપરોક્ત શબ્દો છે.
રાજકોટ મનપા કમિશનરે જંગલેશ્વરમાં ડિમોલિશનની કામગીરી પૂર્ણ થઈ હોવાનું જણાવ્યું છે. આ માટે તંત્રે સાત બ્લૉકમાં 42 ટીમોને મોકલી હતી. પાલિકાએ ફાળવેલાં મકાનોને ભાડે આપવામાં આવવાની વાત પણ કરી હતી. પરંતુ હજારો લોકો એવા છે જેમની પાસે અત્યારે કોઈ આશરો નથી.
રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ સોમવારે બીબીસી ગુજરાતીને જણાવ્યું હતું કે આ વિસ્તારના પાત્રતા ધરાવતા અંદાજે 800 પરિવારોને વૈકલ્પિક રહેઠાણો જે-તે સમયે જ અપાઈ ચૂક્યાં છે.
જોકે, કેટલાય લોકોના માથેથી છત હઠી ગઈ હોવાની પણ હકીકત અછતી નથી રહી.
નોંધનીય છે કે રાજકોટ શહેરમાં જંગલેશ્વર વિસ્તારના રસ્તા પરનાં કથિત દબાણો તેમ જ આજી અને ખોખડદડી નદીના પટ અને કાંઠા પર કથિત અનધિકૃત રીતે ચણવામાં આવેલાં મકાનોને પાડી નાખવા માટે રાજકોટ મહાનગરપાલિકાએ સોમવારે શરૂ કરેલું અભિયાન હાથ ધર્યા બાદ અનેક લોકો બેઘર થઈ ગયા છે. મહાનગરપાલિકાએ આવાં કથિત અનધિકૃત લગભગ 1,504થી વધારે મકાનો તોડી પાડ્યાં છે.
આજી અને ખોખડદડી નદીઓના પશ્ચિમ કિનારા પર એકતા કૉલોની, જંગલેશ્વર, બુદ્ધનગર, રાધાકૃષ્ણનગર, નાળોદાનગર, સિદ્ધાર્થનગર વગેરે જેવી સોસાયટીઓ આવેલી છે.
પરંતુ આ આખા વિસ્તારને બહારના લોકો જંગલેશર તરીકે ઓળખે છે.
જંગલેશર નજીક જ ખોખડદડી અને આજી નદીઓનું સંગમસ્થાન છે. જંગલેશ્વર સોસાયટીમાં 30 શેરીઓ છે અને તેમાં મુસ્લિમોની બહુમતી છે જયારે અન્ય વિસ્તારોમાં હિંદુ ધર્મના લોકોનું પ્રભુત્વ છે.
જંગલેશ્વરમાં રહેતા શિક્ષક અને સામાજિક અગ્રણી ઇરફાન કુરેશી કહે છે કે સમગ્ર વિસ્તારમાં મિશ્ર વસ્તી છે જેમાં હિંદુઓ લગભગ 65 ટકા અને મુસ્લિમો લગભગ 35 ટકા છે.
રાજકોટ મહાનગરપાલિકાએ જાહેર કર્યું હતું કે જંગલેશ્વર વિસ્તારના તોડી પડાયેલાં મકાનો રાજકોટ મહાનગરપાલિકાની જમીન કે રસ્તા પરનાં દબાણો હતાં.
RMC એ આ મકાનધારકોને 2022, 2024 અને પછી જુલાઈ 2025માં નોટિસો ફટકારીને જણાવ્યું હતું કે તે RMC ની જમીન અને રસ્તા પરના દબાણો હોવાથી તેને દૂર કરવામાં આવે.
આ મહિનાની શરૂઆતમાં RMCએ જાહેરાત કરી હતી કે તે 23 ફેબ્રુઆરીથી ડિમોલિશન ઝુંબેશ હાથ ધરશે.
જંગલેશ્વરમાં રહેતા શિક્ષક અને સામાજિક અગ્રણી ઇરફાન કુરેશી અને આ વિસ્તારના 514 અન્ય લોકોએ 16 ફેબ્રુઆરીએ ગુજરાત હાઇકોર્ટમાં એક અરજી કરી હતી અને પરિવારોએ કોર્ટને અરજ કરી કે તેમનું યોગ્ય પુનઃવસન ન થાય તે પહેલાં RMC તેમની વિરુદ્ધ કોઈ બળજબરીપૂર્ણ કાર્યવાહી ન કરે તેવો આદેશ કરવામાં આવે.
હાઇકોર્ટમાં તેમની અરજીની 20 ફેબ્રુઆરીએ સુનાવણી થઈ હતી. પરંતુ હાઇકોર્ટે ડિમોલિશન ઝુંબેશ સામે કોઈ તાત્કાલિક મનાઈ હુકમ આપ્યો ન હતો અને વધુ સુનાવણી માટે 27 ફેબ્રુઆરીની મુદત આપી હતી.
આ વીડિયોમાં જુઓ, નોધારા થઈ ગયેલા લોકોની વ્યથા...
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન