પતિનું ખૂન થતાં પત્નીનો રડતો, વલોપાત કરતો વીડિયો વાઇરલ થયો, પરંતુ પોલીસે તપાસ કરી તો.....

ઇમેજ સ્રોત, ANI

    • લેેખક, સમીર ખાન
    • પદ, બીબીસી હિંદી માટે, ઇંદોરથી
  • વાંચવાનો સમય: 3 મિનિટ

મધ્ય પ્રદેશના ધાર જિલ્લામાં તાજેતરમાં એક વેપારી દેવકરણ પુરોહિતની હત્યા કરી દેવામાં આવી હતી. તેના આરોપ સબબ મૃતકનાં પત્ની પ્રિયંકા પુરોહિતની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.

ધારના પોલીસ વડા મયંક અવસ્થીના કહેવા પ્રમાણે, આરોપી પ્રિયંકા પુરોહિતે તેમના કથિત પ્રેમી કમલેશ પુરોહિત સાથે મળીને 'પતિની હત્યાનું કાવતરું' ઘડ્યું હતું.

પતિનાં મૃત્યુ અંગે 'વલોપાત કરતો તથા બેસુધાવસ્થામાં સમગ્ર ઘટનાનું વિવરણ આપતો' પ્રિયંકાનો વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાઇરલ થયો હતો.

પ્રિયંકાએ મીડિયા સમક્ષ આપેલાં નિવેદનમાં જણાવ્યું હતું કે હુમલાખોર રૂમમાં ઘૂસી ગયા અને દાગીના લૂંટીને ફરાર થઈ ગયા. આ દરમિયાન તેમણે પ્રિયંકાના પતિ ઉપર હુમલો કર્યો.

પોલીસ વડાના કહેવા પ્રમાણે, આ દંપતી ધાર જિલ્લાના રાજોદા પોલીસ સ્ટેશન હેઠળ આવતા ગોંદી ખેડા ગામમાં રહે છે અને આ ઘટના તેમના ઘરે જ ઘટી હતી.

પોલીસે દાવો કર્યો હતો કે છ કલાકમાં જ તેમણે કેસનું કોકડું ઉકેલી નાખ્યું હતું.

શું છે આખો કેસ?

ઇમેજ સ્રોત, Samir Khan

પોલીસને તા. સાતમી એપ્રિલના રોજ બાતમી મળી હતી કે મરચાંના વેપારી દેવકરણ પુરોહિત તથા તેમનાં પત્ની ઉપર તેમનાં જ ઘરમાં કેટલાક લૂટારુંઓએ હુમલો કર્યો હતો. એ સમયે દેવકરણનાં માતા બીજા રૂમમાં ઊંઘી રહ્યાં હતાં.

પ્રિયંકાએ પોલીસને જણાવ્યું હતું દેવકરણ ઊંઘી રહ્યા હતા, ત્યારે તેમની ઉપર હુમલો કરવામાં આવ્યો હતો, તેમને બંધક બનાવીને તેમની સાથે મારઝૂડ કરવામાં આવી. તેમના મોઢામાં કપડું ઠૂંસી દેવામાં આવ્યું, જેથી કરીને તેમની ચીસો બહાર ન જઈ શકે.

પ્રિયંકાનું કહેવું હતું કે હુમલાખોરો કિંમતી દાગીના લૂંટીને ફરાર થઈ ગયા. એ પછી તેમણે જેમતેમ કરીને સમગ્ર ઘટનાક્રમ વિશે પાડોશીઓને માહિતી આપી અને જોયું તો તેમના પતિ ઘાયલ પડ્યા હતા.

દેવકરણને હૉસ્પિટલે લઈ જવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી, પરંતુ તેમનું રસ્તામાં જ મૃત્યુ થઈ ગયું હતું.

Sorry, we can’t display this part of the story on this lightweight mobile page.

પોલીસ વડા મયંક અવસ્થીના કહેવા પ્રમાણે, "આ ઘટનાની ગંભીરતાને જોતા ઘટનાસ્થળેથી પુરાવા એકઠા કરવામાં આવ્યા. ત્યારે તપાસ દરમિયાન સમગ્ર ઘટના લૂંટની નહીં, પરંતુ ગુનાહિત કાવતરાની હોવાનું બહાર આવ્યું હતું."

"મૃતક દેવકરણનાં પત્ની પ્રિયંકાએ પોતાના પ્રેમી કમલેશ પુરોહિત સાથે મળીને એક શખ્સને રૂ. એક લાખની સોપારી આપી હતી. આ બધું આયોજનપૂર્વકનું હતું અને ઇરાદાપૂર્વક ઘરનો દરવાજો ખૂલ્લો રાખવામાં આવ્યો હતો."

પોલીસ વડાએ જણાવ્યું હતું કે આ કેસમાં મુખ્ય આરોપી સુરેન્દ્રપ્રતાપસિંહ ફરાર છે. જ્યારે પોલીસે પ્રિયંકા અને કમલેશની ધરપકડ કરી છે. પોલીસનો દાવો છે કે મૃતકનાં પત્નીએ પૂછપરછ દરમિયાન પોતાનો ગુનો કબૂલી લીધો છે.

મૃતકનાં પત્નીએ શું કહ્યું, માતાએ શું જણાવ્યું.....

ઇમેજ સ્રોત, Samir Khan

ઇમેજ કૅપ્શન, પ્રિયંકાએ વાઇરલ વીડિયોમાં રોકડ અને દાગીનાની લૂંટની વાત કરી હતી
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

પ્રિયંકાએ પોતાના ઘરે મીડિયા સમક્ષ નિવેદન આપતાં કહ્યું હતું કે હુમલાખોરોએ તેમનું મોં દબાવી દીધું હતું અને તેમને ધમકાવ્યાં હતાં. સાથે બધાં રૂપિયા-દાગીના આપી દેવા કહ્યું હતું. હુમલાખોરોએ ધમકી આપી હતી કે જો તેઓ એમ નહીં કરે, તો તેમને મારી નાખશે.

પ્રિયંકાએ કહ્યું હતું, "મેં (હુમલાખોરોને) કહ્યું કે બધું લઈ લો, પરંતુ અમે છોડી દો. એ પછી મારા હાથ-પગ બાંધી દીધાં અને મને માર માર્યો. મેં બધો સામાન કાઢીને આપી દીધો. તેમણે (હુમલાખોરો) કહ્યું કે જો બૂમબરાડાં પાડીશ, તો તારા પતિને મારી નાખીશું."

જ્યારે પ્રિયંકાના પૂછવામાં આવ્યું કે કેટલા હુમલાખોર હતા, ત્યારે તેમણે કહ્યું કે તેમને બે દેખાયા હતા. આ સિવાય પણ આસપાસમાં હુમલાખોર હતા.

પતિ ઉપર ક્યારે અને કેવી રીતે હુમલો કરવામાં આવ્યો, તેના જવાબમાં પ્રિયંકા પુરોહિતે કહ્યું હતું, "મને બંધ કરી દીધી હતી, તો આમને (પતિને) ક્યારે માર્યા, તેના વિશે મને કોઈ માહિતી નથી."

પોલીસના જણાવ્યા પ્રમાણે, આ દંપતીનાં લગ્ન પરંપરાગત રીતરિવાજ મુજબ વર્ષ 2015 આસપાસ થયાં હતાં. એ સમયે આરોપી પ્રિયંકા સગીર હતાં. એ પછી તેમનું આણું વાળવામાં આવ્યું હતું.

2021થી બંને સાથે રહેતાં હતાં, પરંતુ એ પછી કોઈ વિવાદ થયો હતો. એ પછી મહિલા તેમનાં પિયર રિસામણે ગયાં હતાં. એક અઠવાડિયા પછી બંને ફરીથી સાથે રહેવાં લાગ્યાં હતાં.

મૃતકનાં માતા ખેંચીબાઈએ કહ્યું કે ઘટનાની રાત્રે બે-અઢી વાગ્યે એક પાડોશીનો ફોન આવ્યો કે ભાભી (પ્રિયંકા) શા માટે બૂમાબૂમ કરી રહ્યાં છે, એ પછી મને આ ઘટના વિશે જાણ થઈ.

ખેંચીબાઈ કહે છે, "હું રૂમમાં આવી અને જોયું તો મારો દીકરો પલંગ ઉપર પડ્યો હતો અને પાછળ જઈને જોયું તો તેમનું મોં બાંધેલું હતું. તે કંઈક કહેવા માંગતી હતી. મેં દીકરાને ઊઠાડવાનો પ્રયાસ કર્યો, પરંતુ પલંગ ઉપર બધેય લોહી રેલાયેલું હતું."

ખેંચીબાઈએ હત્યાનો આરોપ તેમનાં પુત્રવધૂ પ્રિયંકા ઉપર મૂક્યો હતો અને તેમને કડકમાં કડક સજા મળે તેવી માંગ કરી હતી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન