ઈરાને કહ્યું, અમેરિકા સાથેની વાટાઘાટોમાં પ્રગતિ થઈ, પરંતુ ઉકેલ 'દૂર' – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, ATTA KENARE/AFP via Getty Images

વાંચવાનો સમય: 6 મિનિટ

ઈરાનના મુખ્ય વાટાઘાટકર્તા મોહમ્મદ બગર ગાલિબાફે કહ્યું છે કે યુદ્ધને ખતમ કરવા માટે અમેરિકા સાથેની વાટાઘાટોમાં "નોંધપાત્ર પ્રગતિ" થઈ છે, સાથે જ તેમણે ઉમેર્યું હતું કે "તે અંતિમ ઉકેલથી ખૂબ જ દૂર છે."

ઇસ્લામાબાદ ખાતે અમેરિકા અને ઈરાન વચ્ચે પહેલા રાઉન્ડની બેઠક થઈ, તેમાં ગાલિબાફે ઈરાનના પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કર્યું હતું.

બીજી બાજુ, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હતો કે ઈરાન સાથેની વાટાઘાટો સારી રીતે આગળ વધી રહી છે, સાથે જ ઉમેર્યું હતું કે તેઓ ઈરાનના હાથે સ્ટ્રેટ ઑફ હોર્મુઝ મુદ્દે અમેરિકાને બ્લૅકમેલ નહીં થવા દે.

આ તરફ ઈરાનના નાયબ વિદેશ મંત્રી સઇદ ખાતિબજાદેહે કહ્યું છે કે હવે, અમેરિકા સાથે ઈરાન સીધી વાટાઘાટો નહીં કરે. તેમણે કહ્યું હતું કે અમેરિકા પોતાની કડક શરતો છોડવા તૈયાર નથી.

ખાતિબજાદેહે ન્યૂઝ એજન્સી ઍસોસિયેટેડ પ્રેસને જણાવ્યું હતું કે ઈરાન પોતાનું સંવર્ધિત યુરેનિયમ અમેરિકાને નહીં આપે.

ખાતિબજાદેહનું કહેવું છે કે બંને પક્ષકારો સંપર્કમાં છે, પરંતુ ઈરાન ઇચ્છે છે કે સામ-સામે વાતચીત થાય, એ પહેલાં "ફ્રેમવર્ક કરાર" નક્કી થઈ જાય.

તેમણે ઉમેર્યું, "અમેરિકાએ અમારી મહત્ત્વપૂર્ણ ચિંતાઓને સમજવી રહી અને તેનો ઉકેલ કાઢવો રહ્યો. જેમાં ઈરાન ઉપર લાદવામાં આવેલા પ્રતિબંધો પણ સામેલ છે."

તાજેતરમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હતો કે ઈરાને લગભગ 440 કિલોગ્રામ સંવર્ધિત યુરેનિયમ સોંપી દેવાની તૈયારી દાખવી છે. શનિવારે કહ્યું હતું કે ઈરાન સાથે સારી વાટાઘાટો થઈ રહી છે.

ઈરાન સાથેના સૈન્યસંઘર્ષ મુદ્દે અમેરિકાના આંતરિક રાજકારણમાં ગરમાટો આવી ગયો છે. વિપક્ષનાં નેતા કમલા હૅરિસે કહ્યું હતું કે ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ અમેરિકાને આ યુદ્ધમાં ઢસડ્યું છે.

હૅરિસે કહ્યું કે અમેરિકનો નહોતા ઇચ્છતા એવા યુદ્ધમાં ટ્રમ્પે ઝંપલાવ્યું, જેના કારણે અમેરિકાના સૈનિકોના જીવ જોખમમાં મૂકાયા.

ટ્રમ્પે તેનો પ્રત્યક્ષ રીતે જવાબ ન આપ્યો, પરંતુ પોતાના સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ટ્રૂથ સોશિયલ ઉપર પોતાના એકાઉન્ટ પરથી લખ્યું, "લોકોને ઇઝરાયલ પસંદ હોય કે ન હોય, પરંતુ તે અમેરિકાનો ખૂબ સારો સાથીદાર છે."

તેમણે કહ્યું, "કેટલાક લોકોએ કપરા સમયે તેમનો ખરો રંગ દેખાડ્યો. ઇઝરાયલ તેમનાથી અલગ છે. ઇઝરાયલ ભારે લડત આપે છે અને જીતી જાણે છે."

અમેરિકા જે યુરેનિયમ મેળવવા માગે છે તેને લઈને રશિયાએ ઈરાનને કરી આ ઑફર

ઇમેજ સ્રોત, Alexander KAZAKOV / POOL / AFP via Getty Images

ઇમેજ કૅપ્શન, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતીન (ફાઇલ ફોટો)

રશિયાની સરકારી પરમાણુ ઊર્જા કંપની રેસાટૉમના પ્રમુખ એલેક્સી લિક્હાચેવે કહ્યું કે રશિયા ઈરાનને સંવર્ધિત યુરેનિયમ લઈ જવામાં મદદ કરી શકે છે.

બીબીસી પર્શિયન અનુસાર, આ માહિતી ઇન્ડસ્ટ્રિયલ પબ્લિકેશન "સ્ટ્રાના રોસાટૉમ" ની ટેલિગ્રામ ચૅનલ પર પ્રકાશિત થઈ હતી.

એલેક્સીએ કહ્યું કે, "ટેક્નિકલ મુશ્કિલો ઉપરાંત અમેરિકા અને ઈરાન વચ્ચે ભાવી સમજૂતીમાં ભરોસાનો મુદ્દો સૌથી મહત્ત્વપૂર્ણ છે."

તેમણે કહ્યું કે, "આ મામલામાં માત્ર રશિયા પાસે ઈરાન સાથે સારા સહયોગનો અનુભવ છે. 2015 માં ઈરાનના કહેવા પર અમે પહેલાં પણ સંવર્ધિત યુરેનિયમ લઈ ગયા હતા અને આજે પણ અમે આમાં મદદ કરવા માટે તૈયાર છીએ."

બે દિવસ પહેલાં ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે અમેરિકા ઈરાન સાથે સમજૂતીને "બહુ નજીક" છે.

તેમણે દાવો કર્યો કે ઈરાને લગભગ 440 કિલો સંવર્ધિત યુરેનિયમ આપવા પર સહમતી દર્શાવી છે. પરંતુ ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ યુરેનિયમ આપવાના દાવાને ફગાવ્યો છે.

યુક્રેનની રાજધાનીમાં ગોળીબાર, છ લોકોનાં મૃત્યુ

ઇમેજ સ્રોત, Reuters

યુક્રેનના પાટનગર કિએવમાં શનિવારે એક શખ્સે ગોળીબાર કર્યો હતો,જેમાં ઓછામાં ઓછા છ લોકોનાં મૃત્યુ થયાં છે.

યુક્રેનના ગૃહ મંત્રીના કહેવા પ્રમાણે, એક સ્થાનિકે શેરીમાં લોકોની ઉપર ગોળીબાર શરૂ કરી દીધો અને નજીકની સુપરમાર્કેટમાં લોકોને બાનમાં લીધા હતા. તેણે કોઈ માંગ નહોતી મૂકી.

પોલીસે વાટાઘાટો દ્વારા હુમલાખોરને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન સુપર માર્કેટની એક ઘાયલ વ્યક્તિને સારવાર મળે, તે માટે પોલીસે હુમલાખોરને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે માન્યો ન હતો.

સુપરમાર્કેટમાં તેણે એક વ્યક્તિની હત્યા કરી નાખતા, પોલીસે કાર્યવાહી કરી હતી, જેમાં હુમલાખોરનું મૃત્યુ થયું હતું.

એ પછી પોલીસની કાર્યવાહી દરમિયાન હુમલાખોરનું મૃત્યુ થયું હતું, તેણે આવું શા માટે કર્યું, તે સ્પષ્ટ નથી. હુમલાખોરે ગોળીબાર શરૂ કર્યો, તે પહેલાં પોતાના ઘરને પણ આગ ચાંપી દીધી હતી.

ઈરાનના સર્વોચ્ચ નેતાના પ્રતિનિધિએ ભારતના ધ્વજવાળાં જહાજ ઉપર ગોળીબાર મુદ્દે શું કહ્યું?

ઇમેજ સ્રોત, ANI

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

હોર્મુઝની સામુદ્રધુનીમાંથી પસાર થઈ રહેલાં ભારતીય ધ્વજવાળાં બે જહાજ ઉપર ગોળીબારની ઘટના બહાર આવી હતી. જેની ઉપર ભારત ખાતે ઈરાનના સર્વોચ્ચ નેતા પ્રતિનિધિ ડૉ. અબ્દુલ મજીદ હકીમ ઇલાહીએ પ્રતિક્રિયા આપી છે.

તેમણે ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથે વાત કરતા કહ્યું, "ભારત અને ઈરાનના સંબંધ ખૂબ જ મજબૂત છે અને મને આ ઘટના વિશે કોઈ માહિતી નથી. અમે આશા કરીએ છીએ કે બધું સારું થશે અને મામલો ઉકેલી લેવાશે."

તેમણે કહ્યું, "અમે યુદ્ધ નથી ઇચ્છતા. અમે શાંતિ ઇચ્છીએ છીએ અને આશા કરીએ છીએ કે બીજો પક્ષ પણ શાંતિનું પાલન કરે, જેથી અમારા ક્ષેત્રમાં શાંતિ જળવાય રહે.

આ પહેલાં બીબીસી વૅરિફાયે માહિતી આપી હતી કે જ્યારે હોર્મુઝ સામુદ્રધુનીને બીજી વખત ખોલવામાં આવી રહી હતી, ત્યારે ભારતીય ધ્વજવાળા બે જહાજ કાર્ગો શિપ 'જગ અર્નવ' તથા ઑઇલ ટૅન્કર 'સનમાર હેરાલ્ડ'ની ઉપર ઈરાનના ઇસ્લામિક રિવૉલ્યુશનરી ગાર્ડ કોરે (આઈઆરજીસી) પોતાના નિર્ધારિત માર્ગ ઉપરથી હઠવાના નિર્દેશ આપ્યા હતા.

ટૅન્કરોની અવરજવનર ઉપર નજર રાખનારી વેબસાઇટ 'ટૅન્કરટ્રૅકર્સ'ના જણાવ્યા પ્રમાણે, આ દરમિયાન 'ગોળીબાર' પણ થયો હતો.

આ ઘટના પછી ભારતે ઈરાનના રાજદૂતને બોલાવીને પોતાની નારાજગી વ્યક્ત કરી હતી.

Sorry, we can’t display this part of the story on this lightweight mobile page.

બીજી બાજુ, ઈરાનની સંસદના અધ્યક્ષ મોહમ્મદ બગર ગાલિબાફે દેશના બંદરોની નાકાબંધી કરવાના અમેરિકાના નિર્ણયને 'ખોટો' અને 'અણસમજભર્યો' ગણાવ્યો છે.

ઈરાનની સરકારી ટીવી સાથે વાત કરતા ગાલિબાફે કહ્યું, "હું અગાઉ પણ કહી ચૂક્યો છું કે જો નાકાબંધી હઠાવવામાં ન આવી, તો હોર્મુઝ સ્ટ્રેટમાંથી (જહાજો) અવરજવરને ચોક્કસપણે મર્યાદિત કરી દેવાશે."

પોતાના વીડિયો સંદેશમાં ગાલિબાફે કહ્યું કે હાલ હોર્મુઝની સામુદ્રધુની ઉપર ઈરાનનું પ્રભુત્વ છે.

ગાલિબાફે વધુમાં જણાવ્યું કે જ્યારે અમેરિકાએ હોર્મુઝ સ્ટ્રેટમાંથી માઇન્સને હઠાવવાનો પ્રયાસ કર્યો, ત્યારે ઈરાને તેનો ભારે વિરોધ કર્યો હતો.

ગાલિબાફે કહ્યું, "અમારા મતે તે યુદ્ધવિરામનો ભંગ છે અને સ્પષ્ટપણે કહ્યું કે જો આમ કરવામાં આવશે, તો અમે હુમલો કરીશું."

ઉલ્લેખનીય છે કે યુદ્ધ શરૂ થયું, ત્યારથી ગાલિબાફ ઈરાનનો એક મહત્ત્વપૂર્ણ ચહેરો બની રહ્યા છે. પાકિસ્તાનમાં ઈરાન અને અમેરિકા વચ્ચે વાટાઘાટો થઈ, તેમાં પણ ગાલિબાફે ઈરાનના પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કર્યું હતું.

કેરળમાં ટ્રાન્સજેન્ડર દંપતીને 'પૅરન્ટ્સ'નો દરજ્જો મળ્યો

ઇમેજ સ્રોત, Ziya Paval/Zahad

ઇમેજ કૅપ્શન, જહદે (ડાબે) વર્ષ 2023માં બાળકીને જન્મ આપ્યો હતો

કેરળ હાઇકોર્ટના નિર્દેશના 10 મહિના પછી એક ટ્રાન્સજેન્ડર દંપતીને છેવટે પોતાનાં બાળકનું બર્થ સર્ટિફિકેટ મળ્યું છે. જેમાં માતા-પિતાના બદલે 'પૅરન્ટ્સ' તરીકે તેમના નામની નોંધણી કરવામાં આવી છે.

બેંગ્લુરુથી બીબીસી હિંદીના પ્રતિનિધિ ઇમરાન કુરૈશી જણાવે છે, જિયા અને જહદ નામનાં દંપતીએ ત્રણ વર્ષની કાયદકીય લડાઈ લડી હતી. એ પછી જૂન-2025માં જસ્ટિસ જિયાદ રહમાન એએ દ્વારા ઐતિહાસિક ચુકાદો આપવામાં આવ્યો હતો. આ દંપતી તેમની દીકરી માટે 'જેન્ડર-ન્યૂટ્રલ બર્થ સર્ટિફિકેટ' ઇચ્છતા હતા.

આ દંપતી વર્ષ 2023માં ચર્ચામાં આવ્યું હતું. ત્યારે જહદ (ઉં.વ.24) અને જિયાએ (ઉં.વ.25) સોશિયલ મીડિયા ઉપર પોતાની તસવીરો મૂકી હતી. જેમાં જહદ ગર્ભવતી હતાં.

જહદ ભારતના પહેલા ટ્રાન્સજેન્ડર પુરુષ બન્યા કે જેમણે કોઝિકોડની સરકારી મેડિકલ કૉલેજ હૉસ્પિટલમાં બાળકને જન્મ આપ્યો.

જહદનો જન્મ મહિલા તરીકે થયો હતો, પરંતુ તેમણે સેક્સ રિઅસાઇનમેન્ટ સર્જરી કરાવી હતી અને ટ્રાન્સજેન્ડ પુરુષ બન્યા હતા.

જ્યારે જિયાનો જન્મ પુરુષ તરીકે થયો હતો. બંનેએ બાળકને જન્મ આપવાનો નિર્ણય કર્યો, ત્યારે જિયાએ પણ સેક્સ રિઅસાઇનમેન્ટની પ્રક્રિયા શરૂ કરી હતી.

આ દંપતીએ કોઝિકોડ સિટી કૉર્પોરેશન માટે બાળકનાં જન્મનું પ્રમાણપત્ર મેળવવા અરજી કરી, તો તેમાં ટ્રાન્સજેન્ડર જહદને માતા તથા ટ્રાન્સજેન્ડર જિયાને પિતા તરીકે નોંધવામાં આવ્યા હતા.

જસ્ટિસ રહમાને કહ્યું હતું કે જન્મ અને મૃત્યુનું પ્રમાણપત્ર મેળવવા સંબંધે નિયમો એવા બનાવવામાં આવ્યા છે કે જેમાં ટ્રાન્સજેન્ડરના અધિકારોનું ધ્યાન રાખવામાં નથી આવ્યું.

સુપ્રીમ કોર્ટે નૅશનલ લીગલ સર્વિસીઝ ઑથૉરિટી અને ટ્રાન્સજેન્ડર ઍક્ટ 2019 દ્વારા આ અધિકારોને માન્યતા આપી છે.

જજે ઠેરવ્યું હતું, "જે કેસોમાં ટ્રાન્સજેન્ડરોના હિત જોડાયેલાં હોય, તેમાં જરૂરી ફેરફાર કરી શકાય છે."

આ ચુકાદાને બે કારણસર ઐતિહાસિક માનવામાં આવે છે. એક તો તે ટ્રાન્સજેન્ડર દંપતીને પરિવાર તરીકે માન્યતા આપે છે. બીજું કે તેનાથી ટ્રાન્સજેન્ડર સમુદાયની માંગણીને બળ મળે છે, જેમાં તેઓ બાળકને દત્તક લેવાની માંગણી કરતા રહ્યા છે.

દંપતીનાં વકીલ પદ્માલક્ષ્મીએ બીબીસી હિંદી સાથે વાત કરતા કહ્યું, "પરંતુ હાઇકોર્ટ દ્વારા 'ફાધર-મધર'નાં બદલે 'પૅરન્ટ્સ' તરીકે નોંધણી કરવાના નિર્દેશનું પાલન કરવામાં 10 મહિના લાગી ગયા."

જિયાનું કહેવું છે કે તેઓ ખૂબ જ ખુશ, કારણ કે ઓળખ માટેની તેમની લડાઈ સફળ રહી છે. તેમણે કહ્યું, "છેવટે અમને અમારી ઇચ્છા મુજબની ઓળખ મળી."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન