IND vs NZ: એ ત્રણ માન્યતા જેને તોડવા ભારત અને ન્યૂઝીલૅન્ડની ટીમ અમદાવાદમાં રમી

ઇમેજ સ્રોત, Getty Images

વાંચવાનો સમય: 6 મિનિટ

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલા T-20 વર્લ્ડ કપના ફાઇનલ મુકાબલામાં ભારત ન્યૂઝીલૅન્ડને 96 રને હરાવીને ચેમ્પિયન બની ગયું છે.

આ સાથે જ ભારત ટી-20 વર્લ્ડ કપને ત્રીજી વાર જીતનાર પ્રથમ દેશ બન્યો છે.

ભારતે ન્યૂઝીલૅન્ડ સામે જીત માટે 256 રનનું લક્ષ્ય મૂક્યું હતું, પરંતુ ન્યૂઝીલૅન્ડની ટીમ 19 ઓવરમાં 159 રનમાં ઓલઆઉટ થઈ ગઈ.

ભારતના બૉલરો અને બૅટ્સમૅનોએ ફાઇનલમાં શાનદાર દેખાવ કર્યો. ભારતના વિજયના બે ગુજરાતી ખેલાડીઓએ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

જસપ્રીત બુમરાહે ચાર ઓવરમાં ફક્ત 15 રન આપીને ચાર વિકેટ લીધી અને ટીમ ઇન્ડિયાને સતત બીજી વાર ચેમ્પિયન બનાવવા મહત્ત્વની ભૂમિકા ભજવી.

તે જ રીતે અક્ષર પટેલે પણ ત્રણ ઓવરમાં 27 રન આપીને ત્રણ બૅટ્સમૅનને આઉટ કર્યા અને ન્યૂઝીલૅન્ડનું વર્લ્ડકપ જીતવાનું સપનું તોડી નાખ્યું હતું.

ઇમેજ સ્રોત, Getty Images

રવિવારે અમદાવાદના મોટેરાસ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત અને ન્યૂઝીલૅન્ડ વચ્ચે ટી20 ફાઇનલ મૅચ રમાઈ હતી.

જેમાં ન્યૂઝીલૅન્ડના કૅપ્ટન મિચેલ સૅંટનરે પીચની તાસિરને જોતાં અપેક્ષા મુજબ જ ટૉસ જીતીને બૉલિંગ પસંદ કરી હતી.

ભારતની ટીમે નિર્ધારિત 20 ઓવરમાં પાંચ વિકેટના ભોગે 255 રન બનાવ્યા હતા.

જવાબમાં દાવ લેવા ઊતરેલી ન્યૂઝીલૅન્ડની ટીમ ઉપર મોટા સ્કોરનું મનોવૈજ્ઞાનિક દબાણ જોવા મળ્યું હતું.

પાવરપ્લૅના અંતે ન્યૂઝીલૅન્ડનો સ્કોર ત્રણ વિકેટના ભોગે 52 રન થયો હતો. સાપેક્ષમાં જોઈએ તો આ તબક્કે ભારતનો સ્કોર 92 રન હતો.

ન્યૂઝીલૅન્ડના ઓપનર ફિન એલન નવ રન (સાત બૉલ) બનાવીને આઉટ થયા હતા. અક્ષર પટેલના બૉલને રમવા જતાં તેઓ તિલક વર્માના હાથે કૅચ-આઉટ થઈ ગયા હતા.

એ પછી રચિન રવીન્દ્રન (બે બૉલ, એક રન) ચોથી ઓવરના પહેલા જ બૉલે આઉટ થયા હતા. જસપ્રીત બુમરાહે ફેંકેલા બૉલને હવામાં ઉછાળવા જતાં, તેમનો કૅચ ઇશાન કિશને લપક્યો હતો.

એ પછી ગ્લેન ફિલિપ્સને અક્ષર પટેલે બૉલ્ડ કર્યા હતા. અક્ષરની બૉલ લૅગ સ્ટમ્પને અડકી ગઈ હતી. ગ્લેને પાંચ બૉલમાં પાંચ રન કર્યા હતા.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સુપર-8માંથી સેમિફાઇનલ અને પછી ફાઇનલ સુધી સંજુ સેમસને પોતાના બૅટથી ભારતના વિજયમાં મહત્ત્વપૂર્ણ ફાળો આપ્યો હતો
Sorry, we can’t display this part of the story on this lightweight mobile page.
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ફાઇનલ મૅચમાં અભિષેક શર્મા સંજુ સેમસન સાથે ખીલ્યા હતા. અભિષેક શર્મા 52 રનના વ્યક્તિગત સ્કોર (21 બૉલ, છ ચોગ્ગા અને ત્રણ છગ્ગા) પર આઉટ થયા હતા.

બે મૅચથી ભારતીય ટીમના 'સેવિયર' બનનાર સંજુ સેમસન ફરી એક વખત ભારતીય ટીમના વિજયમાં ચાવીરૂપ બન્યા હતા.

ધીમી શરૂઆત કરી હતી. તેમણે 33 બૉલમાં અડધી સદી ફટકારી હતી. એ પછી સેમસને ગતિ પકડી હતી અને 46 બૉલમાં 89 રન (પાંચ ચોગ્ગા, આઠ છગ્ગા) બનાવીને આઉટ થયા હતા.

વર્લ્ડકપ દરમિયાન સાતત્યપૂર્ણ પ્રદર્શન કરનારા ઇશાન કિશન 24 બૉલમાં 54 રન (ચાર ચોગ્ગા અને ચાર છગ્ગા) માર્યા હતા. આ સિવાય ત્રણ કૅચ પણ લીધા હતા.

જૅમ્સ નિશમે ભારતીય ઇનિંગની 16મી ઓવરમાં સેસમન, ઇશાન કિશન તથા કૅપ્ટન સૂર્યકુમાર યાદવને (એક બૉલ, શૂન્ય રન) પેવોલિયન ભેગા કર્યા હતા.

સેમસનના આઉટ થયા બાદ હાર્દિક પંડ્યા (13 બૉલ, 18 રન) મેદાન ઉપર આવ્યા હતા. જોકે, તેઓ ટૂંક સમયમાં આઉટ થઈ ગયા હતા.

નિર્ધારિત 20 ઓવરના અંતે ભારતે પાંચ વિકેટના ભોગે 255 રન બનાવ્યા હતા.

આ પીચ ઉપર એક જ મૅચ રમાઈ હતી અને તે 'નવા જેવી' જ છે. આ 'હાઇબ્રીડ' પીચની તાસિર જોતા તે 'રનોની આતશબાજી' કરાવે એવી હતી. ભારતની ટીમ આ અપેક્ષા ઉપર પાર ઊતરી હતી અને 255 રનનો સ્કોર ખડક્યો હતો.

જોકે, જવાબમાં દાવ લેવા ઊતરેલી ન્યૂઝીલૅન્ડની ટીમ ફાઇનલ મૅચમાં અણિના સમયે લથડી ગઈ હતી અને ટ્રૉફી હાથમાં આવતાં-આવતાં રહી ગઈ હતી.

આજની મૅચમાં ભારત અને ન્યૂઝીલૅન્ડના ખેલાડીઓ તેમની ટીમ સાથે જોડાયેલી 'માન્યતાઓ'ને દૂર કરવાના ઇરાદા સાથે મેદાનમાં ઊતર્યા હતા.

જેમાં ભારતના ખેલાડીઓ સફળ રહ્યા હતા, જ્યારે ન્યૂઝીલૅન્ડના ખેલાડીઓ ફરી એક વખત ફાઇનલમાં નિષ્ફળ નીવડ્યા હતા.

બંને ટીમ સાથે જોડાયેલી માન્યતા

ઇમેજ સ્રોત, Getty Images

1) ફાઇનલની મૅચમાં પહોંચવાની સાથે જ ભારતની ટીમે એક કીર્તિમાન પોતાના નામે કરી લીધો હતો. અત્યાર સુધી કોઈ પણ ડિફેન્ડિંગ ચૅમ્પિયન ટીમ, સતત બીજી આવૃત્તિમાં ફાઇનલ સુધી નથી પહોંચી ન હતી.

ભારતની ટીમે વર્ષ 2024માં અને પછી આ વખતે ટી20 વર્લ્ડકપ જીત્યો.

વર્ષ 2023માં આઇસીસી વર્લ્ડકપની ફાઇનલ મૅચ ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે અમદાવાદના મોટેરાસ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. સમગ્ર વર્લ્ડકપ દરમિયાન ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારી ટીમ ફાઇનલની મૅચમાં મહેમાન ટીમ સામે હારી ગઈ હતી.

એ પછી સુપર-8 રાઉન્ડની મૅચ દરમિયાન દક્ષિણ આફ્રિકા સામેની મૅચ ભારત હારી ગયું હતું. ટુર્નામેન્ટ પહેલાં અને દરમિયાન હૉટ ફેવરિટ ભારતની ટીમના આ પરાજયે સ્થાનિક ક્રિકેટરસિકોને નિરાશ કર્યા હતા.

એક તબક્કે ટુર્નામેન્ટમાં ભારતનું આગળ વધવું અનિશ્ચિત અને 'જો' કે 'તો' ઉપર આધારિત થઈ ગયું હતું.

'હાઇપ્રોફાઇલ મૅચ દરમિયાન આ મેદાન ઉપર ભારતની ટીમ હારે જ છે' એ માન્યતાને ટીમ ઇન્ડિયાએ તોડી હતી.

2) ભારતે ટી20 વિશ્વકપની મૅચોમાં ન્યૂઝીલૅન્ડને ક્યારેય હરાવ્યું ન હતું. બંને ટીમ વચ્ચે વર્લ્ડકપ દરમિયાન ત્રણ વખત ટક્કર થઈ હતી. એ તમામ મુકાબલામાં ન્યૂઝીલૅન્ડ જીત્યું હતું. જોકે, રવિવારે આ માન્યતાને પણ મૅન-ઇન-બ્લુઝે ખંડિત કરી હતી.

ઇમેજ સ્રોત, Dibyangshu SARKAR / AFP via Getty Images

ઇમેજ કૅપ્શન, અક્ષર પટેલે કહ્યું હતું, 'મારો દીકરો પહેલી લાઇવ મૅચ આઈસીસી ટી20 વર્લ્ડકપની ફાઇનલ મૅચ જોશે, હું એના માટે પણ ઘણો ઉત્સાહિત છું'

3) બીજી બાજુ, ન્યૂઝીલૅન્ડની ટીમ પણ સુપર-8 રાઉન્ડ દરમિયાન ભારતની જેમ જ પોતાના ગ્રૂપમાં બીજાક્રમે રહી હતી.

મહેમાન ટીમ હજુ સુધી ક્યારેય આઇસીસી ટી20 વર્લ્ડકપ કે આઇસીસી વર્લ્ડકપ જીતી નથી શકી. અમુક વખત તેઓ એક વિજયથી ટ્રૉફીથી દૂર રહી ગયા છે.

આ વખતે તેઓ આ માન્યતાને તોડવા માંગશે અને આઇસીસી ખિતાબ જીતવા માંગશે.

માર્ચ-2025માં દુબઈ ખાતે ભારત અને ન્યૂઝીલૅન્ડની ટીમની ટક્કર થઈ હતી. જેમાં ભારતનો વિજય થયો હતો. એ વાતનું 'વેર' કિવીઝના ખેલાડીઓ લેવા ઇચ્છશે.

ન્યૂઝીલૅન્ડની ટીમ તેમની સાથે જોડાયેલું 'ચૉકર્સ'નું ટૅગ દૂર કરવા ઇચ્છશે.

ભારત વિરુદ્ધ ન્યૂઝીલૅન્ડ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ન્યૂઝીલૅન્ડની ટીમના કૅપ્ટન મિચેલ સૅંટનરે ભારતીય ક્રિકેટચાહકોના દિલ તોડવાની તથા સ્ટેડિયમમાં દર્શકોને શાંત કરી દેવાની નેમ વ્યક્ત કરી છે

આ સમગ્ર ટુર્નામેન્ટમાં આ મેદાન ઉપર ન્યૂઝીલૅન્ડે એક જ્યારે ભારતે બે મૅચ રમી હતી. આ મેદાન ઉપર ન્યૂઝીલૅન્ડની સામે દક્ષિણ આફ્રિકાની ટીમે સાત વિકેટે વિજય મેળવ્યો હતો અને રવિવારે ભારતે તેને હરાવ્યું હતું.

ભારતની ગ્રૂપ રાઉન્ડની છેલ્લી મૅચ આ સ્ટેડિયમમાં નૅધરલૅન્ડ્સ સામે થઈ હતી. જેમાં ભારતનો 17 રને વિજય થયો હતો.

જ્યારે સુપર-8 રાઉન્ડમાં ભારત અને દક્ષિણ આફ્રિકાની ટક્કર આ મેદાન ઉપર જ થઈ હતી, જેમાં ભારતનો પરાજય થયો હતો.

રવિવારની મૅચને પણ ધ્યાને લઈએ તો ટી20 મૅચના ઇતિહાસમાં બંને વચ્ચે કુલ 31 મૅચ રમાઈ છે. જેમાં ભારતે 17 જીતી છે અને 11 મૅચ ન્યૂઝીલૅન્ડ જીતવામાં સફળ રહ્યું છે.

આ સિવાય ત્રણ મૅચ ટાઇ રહી. આ ત્રણેય ટાઇ મૅચમાં બે ભારતે સુપર ઓવરમાં જીતી છે જ્યારે કે એક ટીઆરએસ એટલે કે ડકવર્થ લુઇસ નિયમ અંતર્ગત ટાઈ રહી હતી.

ભારત અને ન્યૂઝીલૅન્ડની ટીમો

ભારત અને ન્યૂઝીલૅન્ડની પ્લેઇંગ-11 ટીમ આ મુજબ રહી હતી. ભારતે આ મહત્ત્વપૂર્ણ મૅચ માટે તેના ખેલાડીઓમાં કોઈ ફેરફાર નહોતો કર્યો.

ભારત: સૂર્યકુમાર યાદવ (કપ્તાન), અક્ષર પટેલ (વાઇસ-કૅપ્ટન), અભિષેક શર્મા, અર્શદીપસિંહ, ઇશાન કિશન (વિકેટકીપર), વરુણ ચક્રવર્તી, તિલક વર્મા, જસપ્રીત બુમરાહ, શિવમ દુબે, સંજુ સેમસન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા.

ન્યૂઝીલૅન્ડ: મિચેલ સૅંટનર (કૅપ્ટન), ફિન એલન (વિકેટકીપર), માર્ક ચૅપમૅન, જેકબ ડફી, જિમી નિશમ, લૉકી ફર્ગ્યુસન, ગ્લેન ફિલિપ્સ, ડૅરિલ મિચેલ, રચિન રવિન્દ્ર, ટિમ સાઇફર્ટ (વિકેટકીપર), મૅટ હૅન્રી

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન