ઉનાકાંડ : કોર્ટે આપેલાં એ 5 કારણો જેનાથી આરોપીઓ મોટી સજાથી બચી ગયા

ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC

ઇમેજ કૅપ્શન, બાલુભાઈ સરવૈયા અને તેમનાં પત્ની કુંવરબહેન
  • વાંચવાનો સમય: 9 મિનિટ

બહુચર્ચિત ઉનાકાંડમાં વેરાવળની ખાસ અદાલતે 40માંથી પાંચ આરોપીઓને દોષિત જાહેર કરી, દરેકને પાંચ-પાંચ વર્ષની સખત કેદની સજા અને પાંચ-પાંચ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે અને 35 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે.

પાંચેય દોષિતો એક રીતે સજા થવાની સાથે છૂટી પણ ગયા છે. તેમની ધરપકડ બાદ કોર્ટમાં સુનાવણી ચાલી રહી હતી તે દરમિયાન આ પાંચેય આરોપીઓ કાચા કામના કેદી તરીકે છ-છ વર્ષ કરતાં વધારે સમય સુધી જેલમાં રહ્યા હતા.

કોર્ટે એ સમયને પાંચ વર્ષની સજામાં મજરે આપવાનો હુકમ કર્યો છે. આથી દોષિત ઠર્યા બાદ પણ પાંચેય જેલમાં જવાથી બચી ગયા છે.

સરકારે 10 વર્ષની કેદ થઈ શકે તેવા ખૂનની કોશિશ સહિતના અન્ય ગંભીર ગુનાની કલમો આ કેસના આરોપીઓએ સામે લગાડી હતી, પરંતુ કોર્ટે તેના ચુકાદામાં કહ્યું છે કે ફરિયાદ પક્ષ તે સાબિત કરી શક્યો નથી.

ઉનાકાંડમાં દલિતોની ફરિયાદ શું હતી?

ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC

ઇમેજ કૅપ્શન, મોટા સમઢિયાળા ગામે બંધ પડેલા ભરાડીયો જેની નજીક દલિતો મૃત ગાયનું ચામડું ઉતારી રહ્યા હતા

સરકારે કોર્ટમાં રજૂ કરેલ આરોપનામા અનુસાર 11 જુલાઈ 2016ના રોજ મોટા સમઢીયાળા ગામના દલિત વશરામભાઈ સોલંકી, તેમના નાનાભાઈ રમેશભાઈ, ભત્રીજા અશોકભાઈ અને સંબંધી બેચરભાઈ સરવૈયા મોટા સમઢીયાળા ગામે બંધ પડેલ ભરાડીયો જેની નજીક દલિતો મૃત ગાયનું ચામડું ઉતારી રહ્યા હતા, ત્યારે કથિત ગૌરક્ષકો ત્યાં ધસી ગયા હતા.

એમણે ગૌરક્ષકોએ દલિત યુવાનો પર આરોપ મૂક્યો કે તેમણે ગૌહત્યા કરી છે. પછી આરોપીઓએ ધોકા અને પાઇપથી ચારેય દલિતો પર હુમલો કર્યો.

સરકારના કેસ અનુસાર વશરામભાઈના પિતા બાલુભાઈ તથા માતા કુંવરબહેન અને સંબંધી અરજણભાઈ બાબરિયા વશરામભાઈ વગેરેને બચાવવા વચ્ચે પડ્યાં પરંતુ કથિત ગૌરક્ષકોએ તેમના પર પણ હુમલો કર્યો હતો.

ત્યારબાદ આરોપીઓએ વશરામભાઈ, રમેશભાઈ, બેચરભાઈ અને અશોકભાઈને એક મોટર કારમાં બેસાડી ઉના શહેર લઈ જઈ, એક દોરડાથી ચારેયને તે કાર પાછળ બાંધી જાહેરમાં માર મારતા-મારતા ઉના બસ સ્ટેન્ડથી ઉના પોલીસ સ્ટેશન સુધી લઈ ગયા હતા.

આ અત્યાચારના વીડિયો સોશિયલ મીડિયામાં અને સમાચાર ચૅનલોમાં વાઇરલ થતા ગુજરાત અને દેશમાં ચર્ચાનું કેન્દ્ર બની ગયો હતો.

સરકારે વેરાવળ કોર્ટને જણાવ્યું હતું કે ઉનામાં દલિતો પર અત્યાચાર બાદ ગુજરાતમાં રમખાણો અને પોલીસ પર હુમલાના 74 કેસ નોંધાયા હતા તેમજ 23 દલિતોએ આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી જેમાંથી એકનું મૃત્યુ થયું હતું.

આ અત્યાચારનો ભોગ બનનારા વશરામભાઈએ ચુકાદાથી નિરાશા વ્યક્ત કરી છે.

મંગળવારે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં વશરામભાઈએ જણાવ્યું કે આવા ગંભીર ગુનામાં પણ અદાલતે આરોપીઓને આ રીતે છોડી દેવાતા, હુમલો કરનારાઓને ભવિષ્યમાં આવા અત્યાચાર ગુજારવાનું 'પ્રોત્સાહન' મળશે.

પરંતુ ચુકાદામાં કોર્ટે નીચે મુજબની પાંચ મુખ્ય બાબતો ટાંકીને આરોપીઓમાંથી માત્ર પાંચને દોષિત જાહેર કરી પાંચ પાંચ વરસની જ સજા કરી હતી.

બાલુભાઈને થયેલ ઈજાની ગંભીરતા

ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC

ઇમેજ કૅપ્શન, બાલુભાઈ હાલ પશુપાલન કરે છે અને કહે છે કે 2016ની ઈજાના કારણે તેમને હજુ પણ માથામાં અને કમરમાં દુ:ખાવો રહે છે

ફરિયાદ અનુસાર નાગજીએ બાલુભાઈને માથામાં પાઇપ મારી દેતાં સારવાર માટે તેમને અને કુંવરબહેનને ગીર ગઢડા સારવાર માટે લઈ જવાયાં હતાં, જ્યાં તેમને માથામાં ત્રણ ટાંકા લેવા પડ્યા હતા. એ બાદ બન્નેને ઉનાની સરકારી હૉસ્પિટલ અને વધારે સારવાર માટે જૂનાગઢ સરકારી હૉસ્પિટલ મોકલવામાં આવ્યાં હતાં.

સારવાર કરનાર ડૉક્ટરોએ આપેલાં પ્રમાણપત્રોનો સંદર્ભ આપતાં કોર્ટે ટાંક્યું છે કે બાલુભાઈને માથામાં કોઈ ફ્રૅક્ચર થયેલું નહોતું અને ઈજાઓ જીવલેણ નહોતી. તે જ રીતે અન્ય પીડિતોમાંથી પણ કોઈને ફ્રૅક્ચર થયું ન હતું.

Sorry, we can’t display this part of the story on this lightweight mobile page.

કલમ 307ના ગુનામાં આરોપીએ પીડિતને પહોંચાડેલી ઈજાની ગંભીરતા કરતાં આરોપીનો ઇરાદો હત્યા નીપજાવવાનો હતો કે નહીં તે મહત્ત્વનું છે. કોર્ટે ચુકાદો આપ્યો છે કે આ કેસમાં આરોપીનો એવો ઇરાદો ન હતો એમ લખવામાં આવ્યું છે.

ન્યાયાધીશ જિજ્ઞેશ પંડ્યાએ તેના ચુકાદામાં લખ્યું છે, "ઈજાનો પ્રકાર અને વાપરવામાં આવેલા હથિયાર ધ્યાને લેતા આ ચુકાદા મુજબ મારનારનો ઇરાદો મૃત્યુ નીપજાવવાનો ન હતો તેવું ફલિત થાય છે."

ફરિયાદીની જુબાની કેટલાંય વર્ષો પછી લેવાઈ

ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC

ઇમેજ કૅપ્શન, વશરામભાઈ સરવૈયા
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

કોર્ટે સરકારની ઝાટકણી કાઢતાં ચુકાદામાં ટાંક્યું છે કે વશરામભાઈ ફરિયાદી હોવા છતાં સરકારી વકીલે ઘટનાનાં છેક આઠ વર્ષ પછી તેમની જુબાની લેવડાવી.

ચુકાદાના પાના નંબર-161 પર ન્યાયાધીશે નોંધ્યા અનુસાર સરકારે કાર્યવાહી ચલાવવામાં તત્પરતા દાખવેલી નથી અને કાર્યવાહીમાં વિલંબ કરવા પ્રયત્ન કરેલ છે તેવું રોજકામ પરથી જણાય છે.

કોર્ટે નોંધ્યું કે આ કેસમાં સરકારી વકીલે 239 સાક્ષીઓની જુબાની લેવાની હતી. તેમાંથી 219ની જુબાની લેવાઈ ગયા બાદ ઘટનાના પીડિત વશરામભાઈને જુબાની આપવા બોલાવવામાં આવ્યા હતા.

ન્યાયાઘીશે સરકારી વકીલ અને પીડિતોના ખાનગી વકીલ સામે પણ આંગળી ચિંધતાં ચુકાદામાં કરેલી ટિપ્પણી અનુસાર, ચાર્જશીટ મુજબ ફરીયાદી વશરામભાઈ બાલુભાઈ સરવૈયા પ્રથમ સાક્ષી (પીડિત પોતે) છે અને સરકારી તથા પીડિતોના ખાનગી વકીલની એ જવાબદારી છે કે જે સાક્ષીઓના પુરાવા ઉપર આધાર રાખતા હોય ત્યારે અદાલતમાં પુરાવો આપવા માટે હાજર રાખવા હાલના કામમાં મુખ્ય ફરીયાદી તરફથી સરકાર દ્વારા ખાસ સરકારી વકીલ નીમવામાં આવેલા હતા. અને વશરામભાઈએ પણ ગોવિંદભાઈ પરમાર તેમજ એમ. જી. પરમારને પોતાના ખાનગી વકીલ તરીકે રોક્યા હતા.

કોર્ટની ટિપ્પણી અનુસાર જે વ્યકિત ફરિયાદી હોય તેનો પુરાવો કાર્યવાહીની શરૂઆત સમયે જ નોંધાવવો જોઈએ, પરંતુ ફરિયાદી વશરામભાઈનો પુરાવો સૌપ્રથમ નોંધાવવો જોઈએ, જે તેમના કારણે નોંધી શકાયો નહોતો અને તેઓ પોતાનો પુરાવો આપવા માટે વર્ષ 2023ની 12 ઑક્ટોબરે હાજર થયા હતા.

ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC

ઇમેજ કૅપ્શન, ઉના કેસના સરકારી વકીલ કેતનસિંહ વાળા

આ બાબતે બીબીસીએ આ કેસના સરકારી વકીલ કેતનસિંહ વાળાનો સંપર્ક કરતાં તેમણે કહ્યું, "જે-તે વખતે આ કેસની સુનાવણીમાં ખાસ સરકારી વકીલ ચલાવતા હતા અને છ વર્ષ દરમિયાન 60 સાક્ષીઓની જ જુબાની લેવાઈ હતી. પછી સુપ્રીમ કોર્ટે આ કેસ ઝડપથી ચલાવવાનો હુકમ કરતા રાજ્ય સરકારે વર્ષ 2022ના અંત ભાગ તરફ આ કેસ ચલાવવાની જવાબદારી મને સોંપી હતી."

"મેં દર અઠવાડિયે બે દિવસ આ કેસની સુનાવણી કરવા કોર્ટને વિનંતી કરેલી અને કેસની કામગીરી ઝડપથી ચલાવી હતી. મેં બાકીના લગભગ 180 જેટલા સાક્ષીઓની જુબાની છ મહિનામાં લેવડાવી, ચુકાદો ફરિયાદ પક્ષની તરફેણમાં લાવી દોષિતોને મહત્તમ સજા અપાવી છે."

પીડિતોના ખાનગી વકીલ ગોવિંદ પરમારે જણાવ્યું હતું કે ટ્રાયલ દરમિયાન કયા સાક્ષીને જુબાની માટે બોલાવવા તે સરકારી વકીલ તેમજ કોર્ટનો વિશેષાધિકાર છે.

તેમણે કહ્યું, "શરૂઆતમાં આ કેસ રાજ્ય સરકારે નીમેલા ખાસ સરકારી વકીલ દીપેન્દ્ર યાદવ ચલાવતા હતા. તેમણે કયા સાક્ષીઓને જુબાની માટે બોલાવવા તેની યાદી કોર્ટને આપેલી હતી. દીપેન્દ્ર યાદવે નક્કી કર્યું કે પહેલાં મેડિકલ પુરાવા રજૂ કરીએ અને તેથી પીડિતોને સારવાર આપનાર ડૉક્ટરોને સાક્ષી તરીકે જુબાની આપવા બોલાવવામાં આવ્યા હતા."

"તેમાં ફરિયાદીનો શો વાંક? કોર્ટ જાતે પણ સમન્સ આપી કોઈ પણ સાક્ષીને જુબાની આપવા બોલાવી શકે છે. કોર્ટે આ કેસ ચુકાદા પર હતો ત્યારે (12 જાન્યુઆરી 2026ના રોજ) બેચરભાઈને જુબાની માટે બોલાવ્યા હતા. તે જ રીતે કોર્ટ વશરામભાઈને પણ જુબાની માટે બોલાવી શકી હોત."

આરોપીઓની ઓળખ બાબતે અસંતોષ

ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC

ઇમેજ કૅપ્શન, કેટલાક આરોપીઓને મંગળવારે વેરાવળની ફાસ્ટ ટ્રૅક કોર્ટમાં લાવવામાં આવ્યા તે સમયની તસ્વીર

સરકારી વકીલે દલીલ કરતા કોર્ટને જણાવ્યું હતું કે વશરામભાઈ અને રમેશભાઈ બંનેએ ઓળખ પરેડ દરમિયાન નવ-નવ આરોપીઓને ઓળખી બતાવ્યા હતા.

તેમણે ઉમેર્યું કે અન્ય સાક્ષીઓએ પણ આરોપીને ઓળખી બતાવ્યા હતા અને ઓળખ પરેડનું પંચનામું પંચો રૂબરૂ કરવામાં આવ્યું હતું અને તે સાબિત પણ થયું હતું

જોકે ન્યાયાધીશે આ દલીલ સામે ચુકાદામાં સવાલ ઉઠાવ્યા છે. ચુકાદાના પાના નંબર-117માં નોંધવામાં આવ્યા અનુસાર 4 ડિસેમ્બર 2024ના રોજ સરકારી વકીલ તથા પીડિતોના વકીલને સૂચના આપીને કયા-કયા આરોપીને, કયા-કયા સાક્ષીએ, કઈ-કઈ જગ્યાએ ઓળખી બતાવ્યા હતા તેની વિગત, અને સાક્ષીઓએ આરોપીઓને નામજોગ ઓળખી બતાવ્યા હતા કે, જોઈને ઓળખી બતાવ્યા હતા અને તેમની ઓળખ કયા પંચનામા પ્રમાણે થઈ હતી છે એ વિગતો લેખિતમાં રજૂ કરવા જણાવ્યું હતું. જેથી ઓળખ પરેડ અંગે કોણ કોને ઓળખી બતાવ્યા છે તેનું ચિત્ર સ્પષ્ટ થઈ શકે.

પરંતુ સરકારી વકીલ અને પીડિતોના ખાનગી વકીલો દ્વારા અદાલતની આ સૂચનાનું પાલન કર્યું ન હોવાનું અને આ બાબતે કોઈ લેખિત રજૂઆત ના આપી હોવાનું કોર્ટે નોંધ્યું છે. ત્યારબાદ એ રજૂઆત છેક 4 ઑક્ટોબર 2025ના રોજ (એટલે કે કોર્ટની સૂચનાના લગભગ 10 મહિના બાદ) લેખિતમાં આપવામાં આવી હોવાનું કોર્ટે નોંધ્યું છે.

કોર્ટે ચુકાદાના પાના નંબર-214 પર નોંધ્યું છે કે વશરામભાઈ જુબાની આપવા આવ્યા તે પહેલાં તેમની પર થયેલ હુમલાના વીડિયોની સીડીની નકલ માંગી હતી અને તેઓ તે જોઈને જુબાની આપવા કોર્ટમાં હાજર થયા હતા.

કોર્ટે ચુકાદામાં નોંધ્યા અનુસાર સાક્ષીના બૉકસમાં પુરાવો આપતા સમયે તેઓ હાથમાં આરોપીઓનાં નામ લખ્યાં હોવાનો પુરાવો આપ્યો હતો જેને કારણે પીડિત અને ઘટનાના મુખ્ય સાક્ષી વશરામભાઈ અજાણ્યા માણસો હતા જેને તેમણે અગાઉથી કોર્ટમાં અને ઓળખપરેડ દરમિયાન ઓળખી બતાવ્યા છે અને નામજોગ ઓળખી બતાવ્યા હતા તે વ્યકિતઓ ખરેખર આરોપી હતા એટલે ઓળખી બતાવે છે કે કેમ તે બાબતે કોર્ટને શંકા થઈ હતી.

પરંતુ અજાણ્યા માણસો સિવાય ફરિયાદમાં નામ છે અને તેમને ઓળખી બતાવતા હોય તે બાબતને અન્ય સાક્ષીઓના પુરાવાથી સમર્થન મળતું હોવાને કારણે એ આરોપીઓની ઓળખ પ્રસ્થાપિત થઈ હોવાનું માની શકાય એમ કોર્ટે નોંધ્યું છે.

સાક્ષીઓ ફરી ગયા

ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC

ઇમેજ કૅપ્શન, મંગળવારે ચુકાદા પહેલા વેરાવળની ફાસ્ટ ટ્રૅક કોર્ટની બહાર ઊભેલા ઉના કાંડના કેટલાક આરોપીઓ અને તેમના વકીલ

આ કેસમાં સરકારી વકીલે 239 સાક્ષીઓની યાદી જુબાની માટે કોર્ટને આપી હતી, પરંતુ જુબાની આપતી વખતે મોટા ભાગના સાક્ષીઓ ફરી ગયા તેમ ચુકાદામાં નોંધવામાં આવ્યું છે.

તેમાં ઉના શહેરમાં સાક્ષીઓ દ્વારા જાહેરમાં ચાર પીડિત દલિતોને કારની પાછળ બાંધી, અર્ધનગ્ન કરી જાહેર રસ્તા પર સરઘસ કાઢી માર મારવામાં આવ્યો તે ઘટનાને નજરે જોનારા સાક્ષીઓનો પણ સમાવેશ થાય છે.

કેટલાક સાક્ષીઓએ તે સરઘસ જોયાની કબૂલાત આપી હતી, પરંતુ તેમાંથી પણ મોટા ભાગનાએ આરોપીઓમાંથી કોઈને ઓળખતા ન હોવાનું કોર્ટને જણાવ્યું હતું.

માત્ર એક સાક્ષીએ તેની જુબાનીમાં જણાવ્યું કે તેમણે પીડિતોને ગાડીમાંથી ઉતારતા એને તેમને મારતા પ્રમોદગિરિને જોયા હતા.

પીડિતોનું આચરણ

વીડિયો કૅપ્શન, દલિત પ્રેમીના પરિવારે હત્યાનો આરોપ લગાવ્યો અને યુવતીએ મૃતદેહ સાથે 'લગ્ન' કર્યાં

ચુકાદામાં કોર્ટે નોંધ્યું કે વશરામભાઈ, રમેશભાઈ, બેચરભાઈ અને અશોકભાઈને 11/7/2016થી 16/7/2016 સુધી ઉના સરકારી હૉસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. ત્યાર બાદ વધુ સારવાર માટે 16/07/2016ના રોજ તેમને જૂનાગઢ જવા સૂચન કરવામાં આવ્યું હતું.

પરંતુ આ ચારેય પીડિતો તે દિવસે જૂનાગઢના બદલે રાજકોટની સિવિલ હૉસ્પિટલમાં સારવાર માટે દાખલ થયા હતા.

રાજકોટ સિવિલ હૉસ્પિટલમાંથી તેમને 26/7/2016ના દિવસે રજા આપી દેવામાં આવી હતી, પરંતુ પીડિતો 27/7/216ના દિવસે અમદાવાદ સિવિલ હૉસ્પિટલ દાખલ થયા હતા અને 4/8/2016 સુધી ત્યાં સારવાર હેઠળ રહ્યા હતા.

ડૉક્ટરોની જુબાની અને દસ્તાવેજોનો હવાલો આપી ન્યાયાધીશે પીડિતોના અમદાવાદ સિવિલ હૉસ્પિટલ જવાના ઉદ્દેશ સામે પ્રશ્નાર્થ ઊભા કર્યા અને સાક્ષીઓએ આપેલી જુબાનીની વિશ્વસનીયતા પર સવાલો કર્યા.

ન્યાયાધીશે ચુકાદાના પાના નંબર-199 પર ટાંક્યા મુજબ ઈજા પામનારાઓ રાજકોટ હૉસ્પિટલમાં દાખલ હતા ત્યારે રાષ્ટ્રીય સ્તરના રાજકીયપક્ષોના આગેવાનો રાહુલ ગાંધી અને અરવિંદ કેજરીવાલ વગેરે આવ્યા હતા, ત્યારે તેમની સારવારમાં કોઈ કચાશ રાખવામાં આવી હોય તેમ માની શકાય એમ નથી.

તેમને તમામ ઉપલબ્ધ સારવાર આપવામાં આવી હોય તેમ માની શકાય તેમ છે અને તમામ પ્રકારની સારવારના અંતે ઈજા પામનારાઓ સ્વસ્થ થતા અને સ્વાસ્થ્ય સારૂં થતાં 26 જુલાઈ 2016ના દિવસે તેમને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા હોય તેમ માની શકાય તેમ છે.

કોર્ટે આ પીડિતોએ અમદાવાદની સિવિલ હૉસ્પિટલમાં લીધેલી સારવાર દરમિયાન તેમણે દર્શાવેલી શારીરિક તકલીફોમાં કોઈ તથ્ય ન હોવાનું અને સિવિલ હૉસ્પિટલમાં દાખલ થવાનો "ઇરાદો સારવાર લેવાનો નહીં પરંતુ બીજો" હોવાનું નોંધ્યું છે.

કોર્ટે પાનાં નં. 323-24 પર અવલોકન કર્યું છે કે પીડિતોના આવા વર્તનના કારણે દલિત સમાજને સહન કરવાનો વારો આવ્યો હતો.

કોર્ટે પોતાના ચુકાદામાં જણાવ્યા પ્રમાણે વશરામભાઈના પિતા બાલુભાઈ જાતે ઍમ્બુલન્સમાં બેસીને ગીરગઢડા હૉસ્પિટલમાં સારવાર માટે ગયા હતા, છતાં તેમણે બનાવના ચાર દિવસ બાદ એવું નિવદેન આપ્યું હતું કે તેમને માથામાંથી લોહી વહેવા લાગ્યું હતું અને તેઓ થોડીકવારમાં બેભાન થઈ ગયા હતા અને જ્યારે તેઓ હોશમાં આવ્યા ત્યારે સરકારી હૉસ્પિટલમાં હતા.

કોર્ટે નોંધ્યું છે કે હકીકતે એવું કયારેય બન્યું નહોતું. કોર્ટના અવલોકન પ્રમાણે વશરામભાઈ અને તેમના ભાઈઓ જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાતાં હોય તેવી કોઈ શારીરિક પરિસ્થિતિ ન હોવા છતાં બનાવના સાતમા દિવસે આ ચારેય ભાઈઓને તથા તેના પિતા બાલુભાઈનું મરણોન્મુખ નિવેદન લેવામાં આવેલું અને સમાજમાં એવું દર્શાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો કે તેમની પરિસ્થિતિ મૃત્યુ નીપજે તે પ્રકારની છે.

કોર્ટે લખ્યું છે કે, "... એવું માની શકાય કે સારું થઈ જવા છતાં તેઓ ઇરાદાપૂર્વક અમદાવાદ હૉસ્પિટલમાં દાખલ થયેલા અને જુદાં-જુદાં પ્રસાર માધ્યમોથી તેઓની પરિસ્થિતિ ગંભીર હોય તેવું લોકોને દર્શાવવા પ્રયત્ન કર્યો હતો. પરિણામે દલિત સમાજ ખૂબ આઘાત પામેલો અને દલિત સમાજની 23 વ્યક્તિઓએ ઝેર પીને આત્મવિલોપનનો પ્રયત્ન કરેલો, જેમાંથી એક વ્યક્તિ મૃત્યુ પામી છે, તેવું ચાર્જશીટમાં દર્શાવવામાં આવેલું છે."

"આમ, ફરિયાદીની આવી વર્તણૂકના કારણે દલિત સમાજના લાગણીશીલ લોકો આત્મવિલોપન કરવા પ્રેરિત કર્યા છે અને એક વ્યક્તિ મૃત્યુ પામતા તેના કુટુંબે એક વ્યક્તિ ગુમાવી છે તેનો પ્રેમ અને લાગણી ગુમાવેલાં છે અને મૃત્યુનુ દુ:ખ સહન કરેલું છે તથા અન્ય 74 જેટલા ગુનાઓ આ બનાવ સંબંધે બનેલા છે. આમ, ભોગ બનનાર પોતાના જ દલિત સમાજના બીજા લોકોની પીડાને સમજવા માટે કોઈ પ્રયત્ન કરેલો નથી તેવું જણાય છે."

(આત્મહત્યા ગંભીર મનોવૈજ્ઞાનિક તથા સામાજિક સમસ્યા છે. જો તમે તણાવગ્રસ્ત હો, તો ભારત સરકારની જીવનસાથી હેલ્પલાઇન 1800 233 3330 ની મદદ લઈ શકો છો. આ અંગે મિત્રો તથા પરિવારજનો સાથે વાત કરવી જોઈએ.)

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન